24 June, 2026 03:28 PM IST | Mumbai | Rashmin Shah
ઇલસ્ટ્રેશન
ડિન્ગ ડૉન્ગ...
મૈત્રી લૅપટૉપ પર કામ કરતી હતી અને ત્યાં દરવાજાની બેલ વાગી.
મૈત્રીએ દરવાજો ખોલ્યો. સામે ભગવાનરાવ ઊભા હતા. તેમના હાથમાં પેલી સ્ટીલની પ્લેટ હતી જે તેમણે ચહેરો દેખાય એ હદે ઘસીને સાફ કરી હતી. કશું જ બોલ્યા વિના ભગવાનરાવે પ્લેટ સામે ધરી.
‘પૂરણપોળી કેવી બનાવી હતી?’
‘ઠીક હતી...’ સપાટ અને ઑલમોસ્ટ નિષ્ઠુર સ્વરમાં જ ભગવાનરાવે જવાબ આપ્યો, ‘ગોળનું પ્રમાણ જરાક વધારે હતું... અને એલચી બરાબર પીસેલી નહોતી. રુક્મિણી બનાવતી ત્યારે માપ પર્ફેક્ટ રહેતું. બીજી વાર બનાવે ત્યારે ધ્યાન રાખજે...’
પોપટ બોલતો હોય એમ ભગવાનરાવ બોલી ગયા અને તરત પાછા પણ ફરી ગયા.
તેમને જતા જોઈને મૈત્રી હસી પડી. તેને સમજાઈ ગયું હતું કે આ ખડૂસ ભગવાનની ડિક્શનરીમાં વખાણ કરવાનો આ જ એકમાત્ર રસ્તો હતો. ‘બીજી વાર બનાવે ત્યારે...’ આ શબ્દોમાં જ ભગવાનરાવની છુપાયેલી લાગણીઓ દેખાઈ આવતી હતી.
lll
આજે વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. પાર્લાના રસ્તાઓ પર ગોઠણભેર પાણી ભરાવા લાગ્યાં હતાં. મૈત્રીનો આઠમો મહિનો પૂરો થવામાં હતો અને હવે તેની શારીરિક તકલીફો પણ વધવા માંડી હતી.
બપોરથી જ બહાર ધોધમાર વરસાદ હતો અને અચાનક જ મૈત્રીને પેટમાં હળવો દુખાવો શરૂ થયો. દુખાવો તો સવારથી જ હતો, પણ એને સામાન્ય ગૅસ્ટ્રિક ઇશ્યુ માનીને મૈત્રીએ એ અવગણ્યો હતો, પણ બપોરે ૩ વાગતાં સુધીમાં દુખાવો એટલો તીવ્ર થઈ ગયો કે તેણે પેટ પકડીને બેસી જવું પડ્યું. થોડી જ વારમાં મૈત્રીને પરસેવો વળવા લાગ્યો.
‘વાતાવરણ કરતાં શરીર વિપરીત વર્તે તો માનવું કે ઇમર્જન્સી છે.’
ડૉક્ટરના શબ્દો મૈત્રીને યાદ આવ્યા અને મૈત્રીએ ગાયનેકોલૉજિસ્ટ ડૉ. પલ્લવીને ફોન કર્યો. ડૉક્ટરે લક્ષણો સાંભળીને તરત જ વૉર્નિંગ આપી...
‘તારું બ્લડ-પ્રેશર કદાચ શૂટ-અપ થયું છે. આ પ્રી-એક્લેમ્પસિયાનાં સિમ્પ્ટમ્સ હોઈ શકે છે. બેટર છે કે મૈત્રી તું જલદી હૉસ્પિટલે આવી જા...’ ડૉ. પલ્લવીએ વૉર્નિંગ પણ આપી દીધી, ‘અડધો કલાકથી મોડું નહીં કરતી, જલદી આવ...’
મૈત્રીએ કૅબ માટે ઍપ્લિકેશન ખોલી, પણ વરસાદને કારણે બધી કૅબ કૅન્સલ થઈ રહી હતી. બહાર રિક્ષા મળવી પણ મુશ્કેલ હતી અને દુખાવો વધતો જતો હતો. મૈત્રીએ હિંમત કરી, મેડિકલ ફાઇલ લીધી અને તે દરવાજો ખોલીને પૅસેજમાં આવી.
‘બહાર જઈશ તો કોઈની હેલ્પ
મળી જશે...’
મનમાં આ જ વિચાર સાથે તે આગળ વધી, પણ જેવી તે લિફ્ટ પાસે પહોંચી કે તેની આંખ સામે ચક્કર આવી ગયાં. લિફ્ટ બંધ હતી. હવે કોઈ પણ હિસાબે નીચે ઊતરવાનું હતું. મૈત્રીએ મનોમન પોતાના ભગવાનને યાદ કર્યા અને આગળ વધી, પણ દાદરાના પહેલા પગથિયે હજી તો તે પહોંચી કે ત્યાં જ તેની આંખે અંધારાં આવવા માંડ્યાં. મૈત્રીથી હળવી ચીસ નીકળી ગઈ અને તે દીવાલનો ટેકો લઈને ત્યાં જ ફસડાઈ પડી. તેનામાં ઊભા થવાની હિંમત નહોતી કે ન તો હિંમત હતી ફરી ફ્લૅટમાં જવાની.
‘ઓહ ગૉડ... શું કરું હું...’
પ્રેગ્નન્સી પછી પહેલી વાર મૈત્રીની આંખમાં આંસુ આવ્યાં હતાં.
ખટ...
દરવાજો ખૂલવાનો અવાજ આવ્યો અને મૈત્રીની આંખો એ તરફ ગઈ.
ફ્લૅટ-નંબર ૬૦૨માંથી ભગવાનરાવ પસ્તી બહાર મૂકવા આવ્યા હતા. મૈત્રીને આ હાલતમાં જમીન પર બેઠેલી જોઈને તેમનો પિત્તો છટકી ગયો.
‘મૂર્ખી છે, મરવાનો શોખ છે... આવી હાલતમાં સીડીઓ ઊતરાય...’ ભગવાનરાવ ઉતાવળા પગલે મૈત્રી પાસે આવ્યા, ‘અંદર જા, અત્યારે ક્યાંય ભટકવા નથી જવું.’
‘મારે હૉસ્પિટલ... હૉસ્પિટલ જવું પડશે. પેઇન બહુ છે, પણ કોઈ કૅબ નથી.’
મૈત્રીને હવે શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી.
‘હા... હા...’
ભગવાનરાવને સમજાયું નહીં કે પોતે શું કહે, શું કરે; પણ તેમણે પળનો પણ વિચાર કર્યો નહીં અને મૈત્રીને ખભેથી પકડીને ઊભી કરી. પોતાના ઘરમાં સોફા પર બેસાડી.
‘બેસ, બે મિનિટ...’
ભગવાનરાવ રૂમમાં ગયા અને કબાટમાંથી જૂની, ધૂળ ખાતી ચાવીઓનો ઝૂમખો બહાર કાઢ્યો. આ ચાવી ૧૯૮૯ના મૉડલની વિન્ટેજ પ્રીમિયર પદ્મિની કારની હતી. રુક્મિણીના મૃત્યુ પછી છેલ્લાં બે વર્ષથી તેમણે કારને કે ચાવીને હાથ પણ નહોતો લગાવ્યો.
ચાવી લઈને ભગવાનરાવ હૉલમાં આવ્યા અને મૈત્રી પાસે ગયા.
‘આવ...’ મૈત્રીને ઊભી કરતાં ભગવાનરાવે કહ્યું, ‘તારે મારો ખભો પકડી લેવાનો છે... તારું બધું વજન મારા પર નાખી દેજે... પગ ખાલી જમીનને અડાડવાના છે. આવ.’
આ હાલતમાં પણ મૈત્રીને સહેજ ખચકાટ થતો હતો.
‘માયલા... અત્યારે કોનું વિચારે છે? રાખ હાથ... જલદી કર.’ ભગવાનરાવનો અવાજ તરડાયો, ‘માની લે તારો બાપ છું.’
મૈત્રીએ નકારમાં ડોક ધુણાવી.
પપ્પાએ ઘરમાંથી કાઢતી વખતે મારેલો ધક્કો તેની આંખ સામે આવી ગયો હતો.
‘અરે માન, તારો બૉયફ્રેન્ડ છું...’ ભગવાનરાવની કમાન છટકી, ‘જલદી કર. તારું છોકરું જોખમમાં છે.’
ભગવાનરાવના શબ્દોએ મૈત્રીને રાહુલના શબ્દો યાદ કરાવી દીધા.
‘રાહુલ, કંઈ પણ થશે પણ... તારા આ અંશને હું જન્મ આપીશ. પ્રૉમિસ...’
મૈત્રીએ મહામહેનતે હાથ ઊંચો કર્યો અને ભગવાનરાવે એ હાથ પોતાની ગરદન ફરતે વીંટીને મૈત્રીને કમરથી સહેજ ઊંચકી લીધી.
‘જરા પણ ઉતાવળ નહીં, પણ જરાય મોડું પણ નથી કરવાનું...’ ઘરનો ડોર બંધ કર્યા વિના જ ભગવાનરાવ આગળ વધ્યા, ‘ફાઇલમાં ઍડ્રેસ છેને?’
મૈત્રીએ હા પાડી અને બન્ને ગ્રાઉન્ડ ફ્લોર તરફ દાદરા ઊતરતાં આગળ વધ્યાં.
lll
ભગવાનરાવ એકદમ શિસ્તબદ્ધ રીતે, ક્યાંય બ્રેક માર્યા વગર જૂની મરાઠી ગાળો બબડતાં-બબડતાં ગાડી ભગાવતા હતા. તેમનું અડધું ટેન્શન તો ત્યારે જ ઓસરી ગયું હતું જ્યારે જુનવાણી કાર પહેલા સેલ્ફે ચાલુ થઈ ગઈ.
‘બસ, હમણાં પહોંચી જઈશું...’ ગાડી ચલાવતા ભગવાનરાવે મૈત્રીની સામે જોયું, ‘તું બહારનો વરસાદ જો... રુક્મિણીને વરસાદ બહુ ગમતો...’
lll
એસ. વી. રોડના સિગ્નલ પાસે ગાડી પહોંચી અને પોલીસ-બૅરિકેડ્સ પર ઊભેલા હવાલદારે ગાડી સાઇડમાં રાખવાનો ઇશારો કર્યો.
‘કાય આહે સાહેબ?’ કારની બહાર નીકળીને ભગવાનરાવે હવાલદાર સામે જોયું, ‘ઇમર્જન્સી છે, જવા દો...’
હવાલદારે ગાડીની નંબરપ્લેટ જોઈ.
‘કાકા, તમારી ગાડીનું રજિસ્ટ્રેશન ક્યારનું પૂરું થઈ ગયું. ફાઇન ભરવો પડશે અને ગાડી અત્યારે જ જપ્ત થશે.’
ભગવાનરાવનો પિત્તો ગયો.
‘એ પાંડુ, કહું છું ઇમર્જન્સી છે. છોકરી પેટથી છે, તેને હૉસ્પિટલ પહોંચાડવાની છે!’ ભગવાનરાવે દરવાજો ખોલતાં કહ્યું, ‘પછી તારે જે કરવું હોય એ કરજે...’
ભગવાનરાવના વર્તનથી હવાલદાર પણ અકળાયો.
‘એ કાકા, સભ્યતાથી વાત કરો. પાંડુ કોને કહો છો?’
પાછળની સીટ પર પીડાથી તરફડતી મૈત્રી આ અવસ્થામાં પણ સમજી ગઈ હતી કે હવે વાત લાંબી થશે એટલે તેણે મુંબઈગરાની સ્ટાઇલમાં રસ્તો કાઢ્યો.
મૈત્રીએ એવી ભયંકર ચીસ પાડી કે પોલીસવાળો પણ ઊછળી પડ્યો.
‘આહહહહ ભગવાન, મરી ગઈ! ડૉક્ટર! જલદી, કોઈ મને બચાવો!’
પરસેવે રેબઝેબ હાલતમાં જ મૈત્રીએ પાછળની સીટની વિન્ડો ખોલીને પોલીસવાળા સામે જોયું, ‘સાહેબ, પ્લીઝ મને અહીં ડિલિવરી કરાવો, મારાથી હવે સહન નથી થતું...’
હવાલદારના હોશ ઊડી ગયા. તેની આંખ સામે બીજા દિવસે મીડિયા અને સોશ્યલ મીડિયા કેવો કેર વરસાવશે એ વિચાર આવી ગયો અને તેણે ભગવાનરાવ સામે જોયું, ‘કાકા, જલદી નીકળો... જલદી...’
હવાલદારે ફટાફટ બૅરિકેડ્સ હટાવી દીધાં અને ગાડીને રસ્તો આપી દીધો.
જેવી ગાડી આગળ વધી, મૈત્રીનું રડવાનું નાટક બંધ થયું. તેણે શાંતિથી એક ઘૂંટડો પાણી પીધું અને લાંબો શ્વાસ લીધો.
ભગવાનરાવે રિઅર-વ્યુ મિરરમાંથી આઘાત સાથે જોયું.
‘તું... તું નાટક કરતી હતી?’
‘હા, મુંબઈના ટ્રાફિકમાં સીધા રસ્તે કામ ન થાય તો થોડો ડ્રામા કરવો પડે. દુખાવો છે જ, પણ ડિલિવરી હમણાં નથી થવાની. તમે ડ્રાઇવ કરતા રહો...’
‘તો તું નાટકમાં મને તુંકારે બોલાવતી હતી?’
‘અરે ના, હું તમને નહીં, ઉપરવાળા ભગવાનને બોલાવતી હતી...’ મૈત્રીને પણ પોતાની ભૂલ સમજાઈ, ‘આઇ ઍમ સૉરી...’
ભગવાનરાવ પહેલી વાર અંદરથી હસી પડ્યા.
કમાલની છોકરી હતી આ! કોઈ નિયમ કે કાયદો તેને બાંધી શકતો નહોતો.
lll
હૉસ્પિટલમાં ડૉ. પલ્લવીએ મૈત્રીને તરત ઇમર્જન્સી રૂમમાં લીધી. સોનોગ્રાફી અને બ્લડ-પ્રેશર ચેક કર્યાં. એ વખતે ભગવાનરાવ પૅસેજમાં હાથ બાંધીને ઊભા હતા.
બધા રિપોર્ટ પછી ડૉક્ટર મૈત્રી પાસે આવ્યાં.
‘મૈત્રી, તારું બ્લડ-પ્રેશર ૧૬૦/૧૦૦ છે. આ બહુ જ ડેન્જરસ લેવલ છે. આપણે બાળકને બચાવવા માટે કદાચ પ્રી-મૅચ્યોર ઑપરેશન કરવું પડે. આ એક હાઈ-રિસ્ક પ્રેગ્નન્સી છે. હૉસ્પિટલના નિયમ મુજબ આવા કેસમાં કોઈ પણ લીગલ ગાર્ડિયન કે પરિવારના સભ્યની સહી વિના અમે ઑપરેશન શરૂ ન કરી શકીએ.’
જે છોકરી આખી દુનિયા સામે એકલી લડી લેતી તે આજે હૉસ્પિટલના નિયમો સામે લાચાર થઈ ગઈ હતી. મૈત્રીના હાથ ધ્રૂજવા લાગ્યા. તેની આંખમાં આંસુ આવી ગયાં.
‘ડૉક્ટર... મારી ફૅમિલીમાં કોઈ નથી...’ મૈત્રીએ તરત જ રસ્તો કાઢ્યો, ‘હું ફૉર્મ્સ પર સાઇન કરી આપુંને?’
ડૉક્ટરે લાચારીથી માથું હલાવ્યું.
‘મૈત્રી, મેડિકલ-લીગલ રૂલ્સ બહુ કડક છે. જો કાલે સવારે કંઈ થાય તો હૉસ્પિટલ જવાબદારી ન લઈ શકે. અમારે બ્લડ-રિલેશન કે લીગલ ગાર્ડિયનની સહી જોઈએ.’
ડૉ. પલ્લવી જવા માટે સહેજ આગળ વધ્યાં કે બીજી જ સેકન્ડે કરચલીવાળો પણ મજબૂત હાથ આવ્યો અને એણે ડૉક્ટરના હાથમાંથી પેલું હાઈ-રિસ્ક કન્સેન્ટ ફૉર્મ ખેંચ્યું.
મૈત્રી અને ડૉક્ટર બન્નેએ એ હાથની દિશામાં જોયું.
એ હાથ ભગવાનરાવનો હતો. તેમણે દરવાજેથી બધી વાત સાંભળી હતી.
ભગવાનરાવે ખિસ્સામાંથી પેન કાઢી અને ફૉર્મમાં જ્યાં Guardian/Father’s Signature લખ્યું હતું ત્યાં સહી કરી.
ડૉ. પલ્લવીના ચહેરા પર આશ્ચર્ય પથરાયું.
‘એક્સક્યુઝ મી, તમે કોણ છો? તમે આ રીતે સાઇન કેવી રીતે કરી શકો?’
ભગવાનરાવે ગરદન ટટ્ટાર કરીને કડક અને ઘેરા અવાજમાં કહ્યું, ‘હું આનો બૉયફ્રેન્ડ, સહી મેં કરી છે. હવે રૂલ્સની ચોપડી બંધ કરી કામે લાગો.’
મૈત્રીની આંખોમાં ફરી આંસુ આવી ગયાં. જોકે આ વખતે આંસુ આવવાનું કારણ સુખદ હતું. તેણે પહેલી વાર ભગવાનરાવનો હાથ પકડ્યો. ભગવાનરાવે ધીમેકથી હાથ છોડાવ્યો અને મૈત્રીની સામે જોયું.
‘રડવાનું બંધ કર. મેં આ તારા માટે નથી કર્યું. પાડોશમાં કોઈ મરે તો સૂતક મને લાગે ને મારે અત્યારે એવું કોઈ સૂતક જોઈતું નથી.’
lll
મૈત્રીનું બ્લડ-પ્રેશર કન્ટ્રોલમાં આવી ગયું અને ઑપરેશન ટળી ગયું. મૈત્રીને રજા આપવામાં આવી. તે ધીમા પગલે ભગવાનરાવની સાથે બહાર આવી અને ભગવાનરાવને કંઈ કહે એ પહેલાં જ...
‘તમે આજે જે કર્યું એના માટે...’
મૈત્રી હજી કંઈ આગળ કહે એ પહેલાં ત્યાંથી પસાર થતી નર્સનું ધ્યાન મૈત્રી પર ગયું અને તેના પગ થંભી ગયા.
‘અરે મૈત્રી... તું?’ મેટ્રનનું ધ્યાન મૈત્રીના પેટ પર ગયું અને તે લગભગ દોડતી તેની પાસે આવી, ‘તું પ્રેગ્નન્ટ છે? મને તો ખબર જ નહોતી!’
મેટ્રનને જોઈને મૈત્રીનું શરીર અક્કડ થઈ ગયું. તેના ચહેરાનો રંગ ઊડી ગયો.
‘અમને બધાને ડૉ. રાહુલના સમાચાર સાંભળીને બહુ આઘાત લાગ્યો.’ મેટ્રન બોલવા માંડી, ‘બહુ સારો માણસ હતો તે. પણ મૈત્રી, મને એ સમજાતું નથી કે... રાહુલે એ રાત્રે શું કામ...’
મેટ્રન આગળ કંઈ બોલે એ પહેલાં મૈત્રીએ બૂમ પાડી...
‘મને બહુ ચક્કર આવે છે. પ્લીઝ, મને અહીંથી લઈ જાઓ... જલદી.’
lll
ડ્રાઇવિંગ કરતા ભગવાનરાવે રિઅર-વ્યુ મિરરમાં મૈત્રી સામે જોયું. તેમને એક વાત સ્પષ્ટ રીતે સમજાઈ ગઈ હતી કે આ બિન્દાસ અને નીડર દેખાતી છોકરી પોતાના ભૂતકાળમાં કોઈ એવું ભયાનક રહસ્ય છુપાવીને બેઠી છે જેના પડછાયાથી પણ તે ડરે છે.
ભગવાનરાવે સ્ટીઅરિંગ પર પકડ મજબૂત કરી.
‘ગમે તે હોય, પણ હવે આ છોકરીની જવાબદારી મારી છે. જે પણ આવશે તેણે પહેલાં ભગવાનરાવ આપ્ટેનો સામનો કરવો પડશે...’
મુંબઈના વરસાદમાં હવે એક નવી આંધી મંડાઈ ચૂકી હતી.
(ક્રમશ:)