17 February, 2025 03:47 PM IST | Mumbai | Rashmin Shah
ઇલસ્ટ્રેશન
‘સર, મને એક વાત હંમેશાં નવીન લાગી છે. તમે પોલીસ ડિપાર્ટમેન્ટ છોડીને કામ તો પોલીસ ડિપાર્ટમેન્ટનું જ કરો છો...’
ઇન્સ્પેક્ટર પાટીલની રાહ જોઈને બેઠેલા ડિટેક્ટિવ સોમચંદ શાહને કૉન્સ્ટેબલ મનોહર ભીડેએ સવાલ કર્યો.
‘જો આ જ કામ કરવું હતું તો પછી સરકારી જૉબ છોડી શું કામ?’
‘છે લાંબી સ્ટોરી... પછી ક્યારેક કહીશ.’
‘અત્યારે થોડું તો શરૂ કરો સર...’ મનોહરે સહેજ લાડ સાથે કહ્યું, ‘તમને પહેલી વાર જોયા ત્યારથી મનમાં આ પ્રશ્ન ચાલે છે. પૂછવાની હિંમત આજે કરી.’
‘હમણાં પાટીલ આવશે તો આપણી લિન્ક તૂટશે. બેટર છે આપણે પછી વાત કરીએ.’ ઇન્સ્પેક્ટર સોમચંદે કહી પણ દીધું, ‘મને વાત કરવામાં કોઈ વાંધો નથી. ઇન ફૅક્ટ, એ બધું યાદ કરવાનો સમય પણ આવી ગયો છે. પછી નિરાંતે બેસીએ.’
‘પછી એટલે ક્યારે?’ મનોહરે વાત છોડી નહીં, ‘તમે કહેતા હો તો હું તમારે ત્યાં આવું. સાથે બેસીએ આજે રાતે?’
સોમચંદના ચહેરા પર સ્માઇલ આવી ગયું. તેણે ઘડિયાળમાં ટાઇમ જોયો. રાતના અગિયાર વાગીને દસ મિનિટ થઈ હતી.
‘તારી ડ્યુટી પૂરી થાય એટલે સાથે નીકળીએ.’ મનોહર ખુશ થતો રવાના થયો કે તરત તેની પીઠ પર અવાજ આવ્યો, ‘યેગરમાયસ્ટરની અરેન્જમેન્ટ કરી લેજે.’
‘એ શું, યેગરમાયસ્ટર?’ સવાલ પૂછતાં જ મનોહરને યાદ પણ આવી ગયું, ‘ઓહ, ઓલું હેગર બૉમ્બ.’
‘એ યેગરમાયસ્ટર છે...’ વાત ખેંચ્યા વિના સોમચંદે કહ્યું, ‘નરીમાન પૉઇન્ટ પર બેસીને પીતાં-પીતાં વાત કરીશું...’
lll
‘શું કરો છો સર?’ ઇન્સ્પેક્ટર સોમચંદ શાહને કાગળ પર લખતાં જોઈને કૉન્સ્ટેબલ શંભુ રાણેએ અનુમાન લગાવી લીધું, ‘ફરીથી રેઝિગ્નેશન?’
સોમચંદના ફેસ પર સ્માઇલ આવ્યું, જે જોઈને રાણેએ ભવિષ્ય પણ ભાખી લીધું.
‘સાહેબ, રહેવા દો આ બધું. એ લોકો માનવાના નથી ને તમે અહીં રહી શકવાના નથી. મસ્ત આઇડિયા છે, જેટલી રજા છે એ લઈને છુટ્ટી પર ઊતરી જાઓ ને પછી નોટિસ આવે તો પણ પાછા આવતા નહીં. આપોઆપ સસ્પેન્ડ કરશે, અડધો પગાર ઘરે આવશે.’
‘એ બેઈમાની છેને?’ સોમચંદે જવાબ આપ્યો, ‘બેઈમાની કરવી હોય તો-તો રોજ ચાન્સ મળે છે, સરકાર સાથે શું કામ બેઈમાની કરું?’
‘સર, સાચેસાચું કહેજો, જૉબ છોડીને તમારે કરવું છે શું?’
‘અફસોસ કરવાનું બંધ...’ સોમચંદની આંખોમાં પેઇન હતું, ‘તું જો શંભુ, દર બીજા અને ત્રીજાને પકડ્યા પછી આપણે કરીએ છીએ શું, VIPના ફોનની રાહ જોવાની, તેની સિફારિશ માનવાની અને પછી પ્રૂફ સાથે ચેડાં કરવાનાં અને પેલાને છોડી દેવાનો. આ કામ માટે થોડા ડિપાર્ટમેન્ટમાં આવ્યા છીએ?’
‘પૉલિટિશ્યનની વોટ-બૅન્ક એના પર તો ચાલે છે સાહેબ.’
‘એ વોટ-બૅન્ક ચલાવવામાં મારે નિમિત્ત નથી બનવું.’
‘તો કરશો શું?’
‘કંઈ નહીં, થોડો વખત આરામથી ગામ રહીશ અને પછી જે જવાબ મળશે એ જવાબના આધારે નવું કામ શરૂ કરીશ.’
‘એવું કરવાને બદલે સર, મારું માનો. રજા લઈ લો. વેકેશન પછી કદાચ મન પાછું શાંત થઈ જાય અને તમે...’
‘અત્યારે વેકેશન જ ચાલે છેને દોસ્ત, હું ને તું શું કરીએ છીએ?’ સોમચંદે તર્કબદ્ધ જવાબ આપ્યો, ‘ટાઇમપાસ જ કરીએ છીએ, એ સિવાય તારા-મારાથી કંઈ થતું જ નથી. પકડી લીધા પછી કેટલા સાચા આરોપીને તું છેક સજા સુધી લઈ ગયો? છે તારી પાસે એક પણ નામ? તું ધ્યાનથી જો, યાદ કર...’ સોમચંદે પૉકેટના ઉપરના ખિસ્સામાંથી ચિઠ્ઠી કાઢી, ‘ગયા મહિને તેં ને મેં બેતાલીસ આરોપીઓને પકડ્યા, જેમાંથી આપણે વીસને છોડી મૂક્યા. શું કામ છોડ્યા? ઉપરથી ફોન આવી ગયો... વાત રહી બાકીના બારની, તો એ બારમાંથી ચારને મીડિયાવાળા છોડાવી ગયા ને આઠ... એ આઠે કંઈ કર્યું નહોતું, નિર્દોષ હતા અને એમ છતાં આપણા પર પ્રેશર હતું એટલે આપણે બેસાડી રાખવા પડ્યા, થર્ડ ડિગ્રી પણ આપવી પડી અને નિર્દોષના નિસાસા લીધા... નથી કરવું આવું કામ.’
‘હા, પણ સર...’
‘ના, શંભુ... હવે અંતરાત્મા દુભાય છે. રાત પડ્યે જવાબ માગે છે કે આ તારી દેશસેવા છે, આ તારી દેશભક્તિ છે?’ સોમચંદની આંખોમાં ભીનાશ પ્રસરી ગઈ હતી, ‘ના, યાર... જવાબ નથી મારી પાસે અને જેનો જવાબ ન હોય એવું કોઈ કામ હવે નથી કરવું.’
શંભુને લાગ્યું કે જો સોમચંદ થોડું વધારે બોલશે તો પોતે પણ સોમચંદની સાથે રાજીનામું મૂકી દેશે એટલે તે પણ ચેમ્બરની બહાર નીકળી ગયો અને સોમચંદ ફરી પોતાનું રાજીનામું લખવામાં લાગી ગયા.
lll
‘ઓહ, એવું હતું...’
‘હતું નહીં છે. આજે પણ એવું જ છેને મનોહર... ’
નરીમાન પૉઇન્ટ પર પાર્ક કરેલી ગાડીમાં બેઠા સોમચંદે યેગરમાયસ્ટરનું મિનિએચર પેટમાં ખાલી કર્યું, ‘તમે
એમ માનો છો કે તમારાથી મુંબઈ, મહારાષ્ટ્ર, આ દેશ ચાલે છે પણ એવું નથી; તમને પેલા પૉલિટિશ્યન ચલાવે છે. ખબર છેને તને, કયા પૉલિટિશ્યનના અહીં અનઑફિશ્યલ ડાન્સબાર ચાલે છે, ખબર છેને?’
મનોહરે હકારમાં મસ્તક નમાવ્યું.
‘જઈ શકીશ એ બાર બંધ કરાવવા? છે હિંમત તારામાં? નથી... અને એમાં ખોટું પણ નથી. સાલું આપણે ભૂલ કરતા હોઈએ છીએ. કમ્ફર્ટને મેળવવાની લાયમાં આપણે લાચારીને મેળવી લઈએ છીએ. EMIની દુનિયા ખોલી નાખીએ છીએ અને પછી એ જાળમાં આપણે જ ફસાતાં રહીએ છીએ. કમ્ફર્ટ, એ કમ્ફર્ટ જેના માટે આપણે આખી જિંદગી કોઈને આધીન થઈ જઈએ અને પછી લાચારી સાથે રોજ જાતને મારતાં રહીએ.’
પ૬ હર્બ્સ અને ગરમ મસાલામાંથી બનતાં યેગરમાયસ્ટરની ખાસિયત એ હતી કે એ પીધા પછી વ્યક્તિ વધારે ઇમોશનલ થાય. સોમચંદ સાથે અત્યારે એ જ થયું હતું.
‘મને લાચારી નથી જોઈતી અને એટલે જ આજ સુધી મેં મુંબઈમાં ઘર નથી લીધું. રેન્ટ પર રહું છું. ગાડી વાપરતો નથી, કારણ કે મને EMI જોઈતા નથી. EMI આવે તો મારી સામે કમ્પલ્શન આવે કે આ કામ કરવું જ પડશે. મોબાઇલનો પણ કોઈ શોખ નથી અને લક્ઝરીથી હંમેશાં દૂર રહું છું. સિમ્પલ છે. મારે કામ કરવું છે મારું જીવન ચલાવવા, નહીં કે મારી લક્ઝરી મેઇન્ટેન કરવા...’
‘આપણે પેલી જૂની વાત કરીએ?’ પાટા પરથી ઊતરતી ગાડીને ટ્રૅક પર લાવતાં મનોહરે સોમચંદને તાર જોડી આપ્યા, ‘તમે રાજીનામું લખવા બેસી ગયા. પછી શું થયું?’
‘કબરનો છેલ્લો ખીલો...’ સોમચંદે કહ્યું, ‘એ રાત કોઈ રોજિંદી રાત નહોતી મનોહર. કબરના છેલ્લા ખીલા જેવી એ રાત હતી અને એ રાતે એક ઘટના એવી ઘટી જેણે મને સમજાવી દીધું કે ખાખી પહેરીને તો હવે કામ નથી જ કરવું.’
સોમચંદની આંખ સામે દરિયો હતો અને દરિયા જેવી વિશાળ એ રાત પણ હતી તો સાથોસાથ તેની આંખ સામે શંભુ અને પલક-કેશવ પણ આવી ગયાં હતાં.
શંભુ, શંભુ રાણે.
સોમચંદે મોબાઇલમાં એક નંબર ડાયલ કર્યો.
lll
‘ક્યા હાલ રાણેજી?’
‘બસ સર, બૈઠા હૂં એક બતક કો પકડને કે લિએ...’ શંભુએ જવાબ આપ્યો, ‘આપ ક્યા કર રહે હો?’
‘જૂની વાતોનો ડોઝ લઈએ છીએ.’ સોમચંદે તરત સવાલ કરી લીધો, ‘પેલી છોકરીનું નામ શું હતું, એ રાતે જે આવી હતી તે...’
‘પલક... જો મારી ભૂલ...’
‘નથી તારી ભૂલ. પલક જ નામ હતું. પલક દેસાઈ.’ સોમચંદે કહ્યું, ‘આઇ થિન્ક હવે તે ન્યુ ઝીલૅન્ડ છે.’
‘હા સર, દરેક ૧૪ ફેબ્રુઆરીએ મને તો તેનો મેસેજ આવે છે. થૅન્ક યુ કહેવા...’ શંભુએ કહ્યું, ‘તમને પણ કર્યો છે મેસેજ પણ તમે વૉટ્સઍપ ખોલ્યું નથી.’
‘પૉસિબલ છે પણ યાર, બહુ મેસેજ આવે છે. કંટાળો આવે છે પછી મેસેન્જરનો...’ સોમચંદે ફોન મૂકતાં પહેલાં પૂછી લીધું, ‘અફસોસ થાય છે જૉબ છોડ્યાનો?’
‘ના, સહેજ પણ નહીં.’
મોબાઇલમાં સંભળાતાં વાહનોના અવાજ પરથી શંભુ સમજી ગયો કે હવે તેનો ફોન સ્પીકર પર છે એટલે તેણે કહી પણ દીધું.
‘બીજો પણ જો આપણી જેમ છોડતો હોય તો છોડાવો. આ ખાખીમાં ચમચાગીરી સિવાય કંઈ નથી બાકી બચ્યું.’
lll
‘સર ચાલો... ઍક્સિડન્ટ કેસ આવ્યો છે.’ શંભુ ફરી ચેમ્બરમાં આવ્યો, ‘હાઇવે પર બાઇકને કોઈએ ઉડાડી દીધી છે.’
‘તું ગાડી કાઢ, હું આવું. છેલ્લી લાઇન બાકી છે.’
શંભુ ગયો એટલે સોમચંદે રાજીનામામાં છેલ્લી લાઇન ઉમેરી.
‘વિનંતી સાથે કહું છું કે મારું માનસિક સ્વાસ્થ્ય બગડે, હું પોલીસ-સ્ટેશનમાં સુસાઇડ કરું અને મહારાષ્ટ્ર પોલીસની બદનામી થાય એ પહેલાં મને અહીંથી રજા આપશો તો મને ખુશી થશે, હું આપનો આભારી રહીશ.’
lll
‘ઓહ નો...’ પોલીસ જીપ હજી તો પચાસ સ્ટેપ ચાલી હશે ત્યાં શંભુએ જીપ રોકી, ‘ડંડો લેવાનું ભૂલી ગયો.’
‘એ ગધેડા...’ સોમચંદે ધબ્બો મારતાં શંભુને કહ્યું, ‘ઍક્સિડન્ટ પર જઈએ છીએ, ત્યાં તારે ડંડાનું શું કામ? ચલાવ ગાડી.’
પોલીસ-સ્ટેશનથી પંદરેક મિનિટના રસ્તા પર થયેલા ઍક્સિડન્ટ સ્થળ પહોંચ્યા પછી સોમચંદે જોયું, બહાર ખરાબ રીતે ઍક્સિડન્ટ કરવામાં આવ્યો હતો. બાઇકને તો વધારે ડૅમેજ નહોતું થયું, પણ બાઇક ચલાવનારાના માથા પરથી ગાડીનું વ્હીલ ફરી ગયું હતું.
‘કોઈએ જોયો હતો આ ઍક્સિડન્ટ?’
‘જી સર, મેં.’ એક છોકરી આગળ આવી, ‘મેં ઍક્સિડન્ટ જોયો છે.’
lll
ધડામ...
બાઇકને પાછળથી ગાડીની ઠોકર લાગી અને રેગ્યુલર સ્પીડ પર જતી બાઇકનું બૅલૅન્સ ગયું, બાઇક ચલાવનારાએ બેલેન્સ માટે બહુ ટ્રાય કરી પણ દુર્ભાગ્યવશ તે બૅલૅન્સ લાવી શક્યો નહીં અને જમીન પર પટકાયો. જમીન પર પડતાં જ એ યુવાનના માથા પરથી હેલ્મેટ નીકળી ગઈ. રાતનો સમય હતો એટલે તેણે હેલ્મેટ પહેરી તો લીધી, પણ એ બાંધવાનું તેણે ટાળ્યું.
જમીન પર પડ્યા સુધી તો તે યુવાનને કશું થયું નહોતું. તેણે ધીમે-ધીમે ઊભા થવાની કોશિશ શરૂ કરી ત્યાં જ ઊભી રહી ગયેલી ગાડી ચલાવનારાએ ગાડીની સ્પીડ વધારી અને પેલા યુવાનને કચડીને એ આગળ નીકળી ગઈ.
lll
‘સર, એવું જ લાગ્યું કે ગાડીવાળો આને મારવા જ આવ્યો હતો... ઍટ લીસ્ટ મને એવું લાગ્યું. તેણે એક વાર બાઇક પરથી પેલાને પછાડવા માટે ઠોકર મારી અને પછી ગાડી ઊભી
રાખી દીધી. પછી તેણે જોયું કે પેલો ઊભો થાય છે એટલે તેણે ફરીથી ગાડી સ્ટાર્ટ કરી અને પેલા છોકરાને કચડીને તે નીકળી ગયો...’
‘હં...’ શંભુએ ડાયરીમાં નોંધ કરી લીધી એટલે સોમચંદે સવાલ કર્યો, ‘ગાડી કઈ હતી એ યાદ છે?’
‘કલર વાઇટ હતો એ કન્ફર્મ છે અને કદાચ ગાડી રેન્જરોવર હતી, મોટી ગાડી. ફૉરેસ્ટમાં લઈ જતા હોય એવી...’
‘SUV?’
‘યસ સર...’
સોમચંદે શંભુ સામે જોયું અને પછી પેલી છોકરીની સામે જોયું.
‘યુ મે ગો નાઓ... જરૂર પડશે તો બોલાવીશું પણ લાગતું નથી જરૂર પડે.’
છોકરી ગઈ કે તરત સોમચંદે શંભુએ શંકા વ્યક્ત કરી.
‘કેમ સર, આમાં કેવી રીતે જરૂર નહીં પડે?’
‘શંભુ, ગાડીનું વર્ણન કહે છે કોઈ અબજોપતિએ ઍક્સિડન્ટ કર્યો છે. ધાર કે આપણે તેના સુધી પહોંચી પણ ગયા તો પણ પ્રેશર આવશે ને આપણે છોડવો પડશે અને આપણે છોડીશું પછી આ છોકરી પાછળ એ લોકો પડશે.’ સોમચંદનો તર્ક સાચો હતો, ‘કેટલી વાર આપણે આ બધું જોઈ લીધું...’
‘હંમ...’
‘બૉડીને હૉસ્પિટલ મોકલી બાઇકરના ફૅમિલી મેમ્બરને જાણ કર.’
હજી તો સૂચના આગળ વધે એ પહેલાં જ શંભુને વાયરલેસ પર મેસેજ આવ્યો અને એ મેસેજે સોમચંદ-શંભુની જિંદગી ધરમૂળથી બદલી નાખી.
(ક્રમશ:)