ઈશ્વરોલૉજી - પ્રકરણ - 50

29 March, 2020 04:48 PM IST  |  Mumbai Desk | Dr. Hardik Nikunj Yagnik

ઈશ્વરોલૉજી - પ્રકરણ - 50

ગતાંક...
દરેક પરિસ્થિતિમાં સંતોષ અને ઈશ્વરની ઇચ્છા શોધવાની સમજણ સંજયમાં કેળવાઈ ગઈ હતી. સંજયને રસ્તા પર એક પથ્થર મળે છે અને એ અતિકીમતી હોવાની જાણ થતાં તેણે એને સેફ ડિપોઝિટ વૉલ્ટમાં મૂક્યો હતો, જે ત્યાંથી ગુમ થઈ ગયો છતા તેને સહેજ પણ દુઃખ ન થયું. ઈશ્વર તેનામાં ખીલેલાં સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો જોઈને ખૂશ થઈ ગયા અને એને લઈને ચોર મનોહરી બાબાના આશ્રમે લઈ ગયા, જ્યાં બાબાએ જણાવ્યું કે એ આજ દિવસની રાહ જોતા હતા.  સંજયને જ્યારે ખબર ન પડી કે આ બધું શું છે ત્યારે તેણે પોતાની વાત શરૂ કરી. 
હવે આગળ...
‘એક દિવસ આવશે જ્યારે કોઈ માણસ તારી પાસે આવીને પથ્થર માગશે અને એ દિવસે સ્વયં પરમાત્મા શ્રીકૃષ્ણ મને સદેહે લેવા આવશે...’
ચોર મનોહરી બાબા જેવું વિચિત્ર નામ ધરાનાર વ્યક્તિએ જ્યારે આ શબ્દો ઉચ્ચાર્યા ત્યારે સંજયને ખૂબ આશ્ચર્ય થયું. 
એક ઊંડો શ્વાસ લઈને બાબાએ વાત શરૂ કરી. 
‘આ એ જમાનો હતો જ્યારે હું ચોરીને મારું સર્વસ્વ માનતો હતો, પણ મારો એક નિયમ હતો કે હું ચોરી મારા માટે ક્યારેય નહોતો કરતો. હું જેકાંઈ ચોરી કરું એમાંથી મળતી રકમ હું જરૂરિયાતમંદ વ્યક્તિઓ અને અનાથ બાળકોમાં વહેંચી દેતો અને પોતાનું જીવન ગુજરાન કરવા માટે હું મજૂરી કરતો હતો. 
મેં ખૂબ ચોરી કરી હતી. કદાચ મેં લાખો રૂપિયાની ચોરી કરી હતી, પણ એમાંથી એક કાણો પૈસો પણ લેવાની વૃત્તિ રાખી નહોતી. મારા ચોર બનવા પાછળનું પણ કોઈ કારણ હશે. કારણ કે હું જન્મ્યો હતો એક ચોર પરિવારમાં અને મારા જન્માક્ષરમાં પણ ચોરી કરવાનું લખ્યું હતું, પણ એની સાથે-સાથે પોતે એને ભોગવવાનું હતું નહીં. 
મારામાં કદાચ સંસ્કાર ભરેલા હશે કે મેં ક્યારેય ચોરેલા રૂપિયામાંથી એક રૂપિયો પણ લેવાનો આગ્રહ કે ઇચ્છા નહોતી રાખી. આ સિવાય આજીવન મેં જેટલા લોકોને ત્યાંથી ચોરી કરી હતી એટલા લોકો માટે મેં સદાય પ્રાર્થના કરી હતી. તું મને કળિયુગનો રૉબિનહુડ કહી શકે. મેં ફક્ત એવા જ લોકોને ત્યાં ચોરી કરી હતી જે સદાય બીજાને નુકસાન પહોંચાડીને પોતે ખૂબ કમાયા હોય. 
આ દરમ્યાન એક ખૂબ વિદ્વાન સાધુમહારાજ ભગવાનની કથા કહી રહ્યા હતા. નાનપણથી જ ચોરો સાથે ઊછરેલા આ ચોરને ઝાઝી સમજ નહીં. ખાલી એ માણસને સાંભળવાનું મને ગમતું. એ ખૂબ જ રસાળ શૈલીમાં ભગવાન અને ભગવાનની લીલાઓનું વર્ણન કરતો. જે સાંભળવાની મને મજા પડી. એક દિવસ એ મહારાજે ભગવાને ધારણ કરેલાં ઘરેણાંનું વર્ણન કર્યું. દુનિયામાં કોઈની પાસે પણ ન હોય એવા હીરા-માણેક અને મોતીનાં ઘરેણાં આ ઈશ્વર પહેરે એની મને ખબર પડી.
હું પહોંચ્યો સીધો એ સાધુ પાસે અને તેમને પ્રશ્ન કર્યો કે આ વાસુદેવ કૃષ્ણ ક્યાં મળે? 
તેમણે હસીને જવાબ આપેલો, ‘તારી અંદર...’
પણ તેઓ શું કહી રહ્યા હતા એની મને ખબર નહોતી  એટલે મેં પૂછ્યું કે તમારો વાસુદેવ કૃષ્ણ હોય ક્યાં? શું તમે કથામાં કહ્યું એમ, આજે પણ કૃષ્ણ ગોવાળિયો બનીને ગાયો ચરાવવા યમુનાને કાંઠે આવે છે? કે પછી બધાં ગપ્પાં હાંકો છો?’
મારી વાત સાંભળીને એ મહાનુભાવે કહ્યું કે ‘જો તારામાં સાચી શ્રદ્ધા રાખ તો તને આજે કળિયુગમાં પણ મળશે શ્રીકૃષ્ણ.’ 
મે ઝાઝું વિચાર્યું નહીં અને હું નીકળી ગયો આ યમુનાનો કાંઠો શોધવા. ખબર નહીં મારા ભાગ્યમાં શું લખ્યું હશે કે હું અજાણપણે પણ યમુનાજીની પરિક્રમા કરવા લાગ્યો. રસ્તામાં આવતાં મંદિરોમાં હું પડ્યો રહેતો. દર્શન પણ કરતો અને સાચું કહું તો ચોરી પણ કરતો. નિયમ નિયમ હતો. ચોરી કરીને જે-તે જગ્યાએ આવેલા જરૂરિયાતમંદને હું એ વહેંચી દેતો. 
પણ ધ્યાન ચોરી કરતાં વધારે કૃષ્ણને શોધવામાં લાગ્યું હતું. અજાણપણે પણ મન ભક્તિમાં લાગી ગયું હતું. મનમાં શ્રદ્ધા હતી કે ભગવાન કળિયુગમાં પણ હોય જ છે. એટલે એક વાર તેમનાં દર્શન કરી તેમનાં ઘરેણાંની જ ચોરી કરી લેવી છે તો કંઈકેટલાય જરૂરિયાતમંદને મદદ કરી શકાય.
મન ચોખ્ખું હતું અને હેતુ ખોટો, છતાંય સતત શોધ ચાલુ હતી. આ દરમ્યાન અનેકાનેક સાધુઓને પણ રસ્તામાં મળવાનું થયું. પોતે વેદો અને ઉપનિષદોનું અધ્યયન કર્યું છે એમ કહેનારા સાધુઓ પણ મારી વાત સાંભળીને મારા પર હસતા હતા. દરેક જણ મને કહેતા હતા કે આજના જમાનામાં ઈશ્વર તે કંઈ મળતા હશે! અવિશ્વાસ એ લોકોને મારા પર હતો કે તેમના ઈશ્વર પર એની મને ખબર ન પડી. 
કોઈ-કોઈ સિદ્ધ સંતોએ મારી ઈશ્વરને મળવાની આ ગાંડી ઇચ્છાને ભક્તિ ગણાવી તો કોઈકે ગાંડપણ. પછી તો મને પણ ઝનૂન ચડ્યું કે હવે તો આ કૃષ્ણનાં ઘરેણાં ચોરવાં જ છે. સતત મનમાં કૃષ્ણનું સ્મરણ ચાલ્યા કરતું હતું. અજાણતાં પણ હૃદયમાં ‘શ્રીકૃષ્ણં શરણં મમ્’નો જાપ શરૂ થઈ ગયો હતો અને એની મને સમજ પણ નહોતી પડી. 
એ અવસ્થામાં હું લગભગ ગાંડા જેવો થઈ ગયો. ખબર નહીં કેમ, પણ પછી તો ચોરી કરવામાં પણ મારો રસ ન રહ્યો. હું હવે યમુનાને કાંઠે ભગવાનને સદેહે શોધી તેમના ઘરેણાં ચોરવા ફરતો એક ગાંડો જ બનીને રહી ગયો હતો. 
હવે ક્યારેક-ક્યારેક મને ગાયો ચરાવતો એક મનોહર બાળક દેખાતો હતો, પણ તેણે કોઈ ઘરેણાં પહેર્યાં નહોતાં એટલે તે કોઈ ગોવાળિયાનો છોકરો હશે એમ માનીને મેં કદી તેની સાથે વાત નહોતી કરી. ધીમે-ધીમે મને પણ એ છોકરા તરફ આકર્ષણ થવા માંડ્યું. ખબર નહીં પણ એક ગજબનું આકર્ષણ હતું તેનામાં. તેને જોતાં હું સઘળું ભૂલી જતો હતો. એક વાર તો તેને જોતાં-જોતાં મને પગમાં કાંટા વાગ્યા, પણ મને એનો પણ ખ્યાલ ન રહ્યો. પગના તળિયામાંથી લોહીની ધારા વહેતી હતી અને હું ફક્ત ગાયો ચરાવનાર એક સામાન્ય પણ તોય અતિપ્રભાવશાળી ગાયો ચરાવનાર બાળકને જોઈ રહ્યો હતો. 
એ દિવસે અચાનક તે મારી પાસે આવ્યો. તેણે ખૂબ પ્રેમાળ સ્વરે મને મારા નામ સાથે બોલાવ્યો. હું તેનો અવાજ સાંભળીને સઘળું ભૂલી ગયો. એ વખતે પહેલી વાર મને તેમણે દર્શન આપ્યાં. એ દર્શન કરતાં હું કંઈ જ ન બોલી શક્યો. ઈશ્વરનાં ઘરેણાં ચોરવાની વાત મને યાદ પણ ન આવી. 
એ વખતે આ તેં અંદર જોયાં એ અને એના જેવાં ઘણાં ઘરેણાં મને આપીને સદાયને માટે ગરીબ અને અપંગ જરૂરિયાતમંદોની મદદ કરવા આશ્રમ ખોલવાની આજ્ઞા આપી. જ્યારે તેમણે મને પૂછ્યું કે મારી ઇચ્છા શું છે? ત્યારે મારા મુખમાંથી શબ્દો સરી પડ્યા કે જો આપ મારા પર પ્રસન્ન જ થયા હોય તો મારા અંત સમયે તમે મને લેવા આવશો એની ખાતરી આપો. 
ત્યારે એક સરસમજાના સ્મિત સાથે તેમણે આ પથ્થર મને આપ્યો અને કહ્યું કે આ પથ્થર લેવા તારી પાસે કોઈક આવશે ત્યારે તેને એટલું કહેજે કે ઈશ્વરમાં વિશ્વાસ રાખનારની સાથે હું સદાય હોઉં છું અને તારી સાથે પણ એટલે જ આટલા વખતથી રહું છું. હવે આ ચોર સાથે હું સ્વધામ જઈશ. 
તો જલદી મને કહે દોસ્ત કે તારી સાથે ઈશ્વર રહે છે તેઓ ક્યાં છે? 
સંજય આભો બનીને આ માણસને સાંભળતો રહ્યો. અવાચક્ બનેલા તેણે આશ્રમની બહારની તરફ જ્યાં ઈશ્વરે તેને સ્કૂટર પરથી ઉતાર્યો એ તરફ આંગળી કરી. ચોર મનોહારી બાબા ઉંમર હોવા છતાં બમણા જોરે એ તરફ દોડ્યા. 
હાથમાં પેલા પથ્થરને લઈને બે ક્ષણ માટે સંજયને શું થયું એનો ખ્યાલ જ ન આવ્યો. 
અચાનક તેને આખી ગેમ સમજાઈ ગઈ. પોતાને મૂકીને ઈશ્વર પેલા બાબાને લઈને સ્વધામ જતા રહેશે એનો ખ્યાલ આવતાં એ પણ એ તરફ દોડ્યો... ત્યાં ન હતા ઈશ્વર કે ન હતા પેલા બાબા...
અચાનક તેને ચક્કર આવ્યાં. 
એક જોરદાર ઝાટકો લાગ્યો અને સંજય સંતુરામ જોષીએ ઊંડો શ્વાસ લઈને ઑપરેશન થિયેટરના સ્ટેડ બેડ પર ધીમેકથી આંખો ખોલી. પહેલા એંક વાર અનુભવ્યું હતું તેમ જ તેનું ઑપરેશન સક્સેસફુલ રહ્યું હતું. તેને જણાવવામાં આવ્યું કે શૂટિંગ દરમ્યાન અચાનક જ તેને ચક્કર આવ્યાં હતાં અને ત્યાં જ તેના ધબકારા બંધ થઈ ગયા હતા, પણ ડૉક્ટરના અગાક પરિશ્રમથી તે બચી ગયો છે. 
તેની નજર ઑપરેશન થિયેટરના એક ખૂણાની દીવાલ પર લાગેલા કૃષ્ણ અને અર્જુનના ભગવદ્ગીતા  કહી રહેલા ફોટો તરફ ગઈ. હમણાં જ ચોર મનોહરી બાબાના આશ્રમમાં જોયેલાં ઘરેણાં તેમણે પહેરેલાં હતાં અને એ જ મનગમતું મોહક સ્મિત હતું જાણે કહી
રહ્યા હતા...
यत्र योगेश्वर: कृष्णो यत्र पार्थो धनुर्धर:|
तत्र श्रीर्विजयो भूतिध्रुवा नीतिर्मतिर्मम || 78||
(સમાપ્ત...) 
ઇશ્વરોલૉજીની સમાપ્તિએ લેખકની લાગણીઓ... 
આપ સૌને ઈશ્વરોલૉજી ગમી એ બદલ આપ સૌ વાચકોનો આભાર. જ્યારે પણ અર્જુન જેવી નિષ્ઠા હશે ત્યારે કૃષ્ણ આપણને માર્ગદર્શન આપવા તૈયાર જ હશે. આપણને સૌને પણ ઈશ્વરની આ ઈશ્વરોલૉજી જીવનની દરેક પળે અનુભવાય એવી અભ્યર્થના...

weekend guide dr hardik nikunj yagnik columnists