ઈશ્વરોલૉજી - પ્રકરણ - 44

16 February, 2020 02:52 PM IST  |  Mumbai | Dr. Hardik Nikunj Yagnik

ઈશ્વરોલૉજી - પ્રકરણ - 44

ઈશ્વરોલૉજી

ગતાંક...

સંજય સાથે પૃથ્વી પર સામાન્ય માણસ બનીને આવેલા ઈશ્વર વિવિધ પરિસ્થિતિઓનું નિર્માણ કરીને સંજયના જીવનને શીખવાની અને સમજવાની તક આપી રહ્યા છે. સંજય ઈશ્વરને પૂછે છે કે આ આખા વિશ્વમાંથી તેમણે આ કામ માટે મને જ કેમ પસંદ કર્યો? અને જવાબમાં ઈશ્વરે તેને તેના બાળપણનો એક કિસ્સો યાદ દેવડાવ્યો, જેમાં તેના મિત્ર કાબા સાથે તે કૂકડાવાળા સ્વામીને ભગવાન દેખાડવાની માગણી કરી હતી. સ્વામીએ તેને કૂકડો આપતાં કહ્યું કે કોઈ જોતું ન હોય એમ બલિ ચડાવી દેવાથી આ કામ સરળ થઈ જશે. નાનકડો સંજય ગામડામાં સૌની નજર છુપાવીને ધારદાર છરો ઉગામે છે.

હવે આગળ...

‘દીવાલના કોઈ ખૂણે ચાલી રહેલી કીડીથી લઈને પાડોશમાં રહેતા કરસનકાકા સુધી સૌકોઈમાં ભગવાન છે જને.’

દાદીએ એક વાર કહેલા શબ્દો એ વખતે સંજયને યાદ આવ્યા અને ઉગામેલો હાથ હવામાં અધ્ધર અટકી ગયો. કૂકડાની આંખોમાં જોતાં પોતે કેટલો પામર છે અને પોતાનો સ્વાર્થ સાધવા કોઈ જીવને મારવા તત્પર થઈ ગયો છે એ વિચારથી જ પોતે ડઘાઈ ગયો. તેણે એ જ ક્ષણે મનોમન નક્કી કર્યું કે ‘જો કોઈનો જીવ લઈને ભગવાન મળતા હોય તો આપણે ભગવાનને પણ મળવું નથી અને ભગવાન એવા કેવા હોય કે એક જીવને બીજો જીવ લેવાની પ્રેરણા આપે?’

નાનકડા સંજયના મનમાં પ્રશ્નોનો મારો ચાલ્યો. તે કૂકડાને લઈને ગામની દક્ષિણે આવેલા પહાડની ભોંયગલી તરફ જવા માંડ્યો. રસ્તામાં તેને ખૂબ સારા વિચાર આવવા લાગ્યા. તેને એક અજીબ સંતોષ થયો કે પોતે પોતાના સ્વાર્થ માટે કોઈનો જીવ તો નથી જ લીધો. આ સાથે જ તેને કાબાનો વિચાર આવ્યો. આમ તો તે જાણતો હતો કે કાબો જડબુદ્ધિ હતો એટલે તેણે તો આવું કંઈ જ નહીં વિચાર્યું હોય છતાં તે સૌથી પહેલાં આમાંથી છૂટવા માગતો હતો.

એ જ્યારે પહોંચ્યો ત્યારે ભોંયગલીના આશ્રમ કહેવાતા બખોલ જેવા ભાગમાં નીરવ શાંતિ હતી. કૂકડાવાળા સ્વામી ખૂબ જ પ્રેમથી આસપાસ ફરતા કૂકડાઓને દાણા આપી રહ્યા હતા. તેમના ચહેરા પર એક અદ્ભુત તેજ હતું. વહાલ અને કરુણા તેમની આંખોમાંથી જાણે ગંગાજી હોય એમ વહી રહ્યાં હતાં. આ માણસ કોઈ જીવની હત્યા કરવાનું કહે એ નાનકડા સંજયના મને માન્યું નહીં. તેણે આવીને પેલા કૂકડાને પાછો આપતાં કહ્યું,

‘આ રાખો તમારો કૂકડો તમારી જોડે. કોઈને મારીને કે દુઃખ પહોંચાડીને મારે ભગવાન જોવાના હોય તો નથી જોવા મારે ભગવાનને અને આમેય એવા ભગવાન શું કામના જે કોઈને દુઃખ પહોંચાડીને દર્શન આપે.’

તેને લાગ્યું કે આ વાત સાંભળીને પેલા ગુરુજી ગુસ્સે થઈ જશે, પણ અહીં તો ઊલટું થયું. એ મહારાજ ખુશ થઈ ગયા. તેમણે કહ્યું, ‘દીકરા, તું મારી પરીક્ષામાં પાસ થઈ ગયો છે. ઈશ્વરને મળવાનું પહેલું પગથિયું છે કરુણા અને નિર્દોષતા. તારામાં એ બન્ને યોગ્યતા છે. હવે નક્કી રાખ કે તને ભગવાન મળશે જ.’

સંજય મૂંઝાયો અને થયું કે આ મહારાજ બનાવટી કે પછી કોઈ પણ જ્ઞાન વગરનો છે. ઘડીમાં કહેતો હતો કે બલિ ચડાવી લાવ તો ભગવાન મળે અને હવે કહે છે કે કોઈનો જીવ બચાવ્યો એટલે ભગવાન મળશે.

તેને મૂંઝાયેલો જોઈને કૂકડાવાળા સ્વામીએ તેને હાથ પકડીને બાજુ પર રહેલા એક પથ્થર પર બેસાડતાં કહ્યું, ‘મારી પાસે આવનારા જેટલા લોકો છે જેમને મારી પાસે કશુંક જોઈએ છે. તેમને હું આમ જ કૂકડો આપું છું અને તેને મારવાનું કહું છું. પોતાને કશું મેળવવું હોય તો બીજાના જીવની પણ ચિંતા ન કરે એવા સ્વાર્થી માણસોને ઈશ્વર ધિક્કારે છે. એવા લોકોને ઈશ્વર હોય કે હું કોઈ ક્યારેય મદદ નથી કરતા. તેં જીવહત્યા કરવાની હોવા છતાં ન કરી. તારામાં દયા અને લાગણી નામનાં તત્વ છે. યાદ રાખજે કે માણસ હોવાનો સૌથી મોટો પુરાવો છે કે તમને બીજા પ્રત્યે દયા આવે.’

પોતે ખોટું નથી કર્યું એનો સહજ આનંદ સંજયને થયો અને વળતી જ પળે ફરી પાછું તેના મગજે બંડ પોકાર્યું. તેણે કહ્યું, ‘આ તે કેવો હિસાબ. કોઈ વ્યક્તિમાં દયા અને કરુણા છે એ જાણવા માટેના તમારા પ્રયોગ માટે આમ તો તમે કેટલાય લોકોને આવા કૂકડા આપ્યા હશે અને કેટલા લોકોએ એનો વધ કર્યો હશે! તમારા જેવાને લોકો સાધુ તરીકે કેવી રીતે માને છે? તમે તો દંભી અને ખૂની કહેવાઓ.’

આ બોલતાંની સાથે જ તેને કાબો યાદ આવ્યો. તેને મનોમન થયું કે કાબો આટલું લાંબું વિચારી શકે એવો હતો નહીં. તેણે તો નક્કી પેલા કૂકડાને મારી નાખ્યો હશે. તેણે મૂઠ્ઠી વાળીને દોડવાનું શરૂ કર્યું જે જગ્યાએ ભોંયગલી પાસે જ એક મોટા પથ્થરની પાછળ તે કૂકડાને મારવા ગયો હતો. સૌથી પહેલાં એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તે ત્યાં પહોંચ્યો. એ મોટા પથ્થરને જોતાં તેનું હૃદય એક

ધબકારો ચૂકી ગયું. તેને થયું કે પેલા અડધી બુદ્ધિએ કામ પતાવીને નિર્જીવ કૂકડાને ત્યાં જ નાખી દીધો હશે. મહામહેનતે ખૂબ જ બીતાં-બીતાં નાનકડા સંજયે પથ્થરની પાછળ ડોકિયું કર્યું. ત્યાં કંઈ જ નહોતું.

તેને થયું કે માન ન માન, કાબો તેને બીજે ક્યાંક લઈ ગયો હશે. તે નાઠો કાબાના ઘર તરફ. કાબાના ઘરે તે હતો જ નહીં અને એ પછી તો એ લોકો રોજ રમવા ભેગા થાય એ ગામના ચોરે, જ્યાં રોજ ચોરી કરીને કેરી તોડવા જતા હતા એવી રતન ભૂલાની વાડીએ, જ્યાં રોજ સવાર-સાંજ ધુબાકા મારતા એ તળાવની પાળે અને આખરે ગામના બસ-સ્ટૅન્ડની પાછળ બધે તેણે કાબાને શોધ્યો, પણ જડબુદ્ધિ ક્યાંય ન મળ્યો. સંજયને દરેક ક્ષણે ખાતરી વધતી જતી હતી કે તેણે તો કૂકડાને મારી જ નાખ્યો હશે.

આખરે સંતુરામ ડૉક્ટ‍રના દવાખાનાની પાછળ આવેલા ટીલાની ઉપર કાબો એકલો બેઠો-બેઠો હાથમાં રહેલી કાંકરીઓને ડૉક્ટરના બોર્ડ પરના ક્રૉસને તાકી-તાકીને મારી રહેલો દેખાયો. તેને જોઈને બમણા જોરે દોડીને સંજય તેની પાસે આવ્યો અને હાંફતાં-હાંફતાં તેણે પૂછ્યું...

‘શું થયું? કૂકડો માર્યો?’

કાબાએ મોઢું બગાડતાં કહ્યું, ‘ક્યાંથી મારું? હું છેને પહેલેથી જ આ બધી બાબતમાં કાચો. હું જઈને જ્યાં એની ડોક મચેડવા ગયો ત્યાં તો એ મારા હાથમાંથી છટક્યો. એક પથ્થરથી બીજા પથ્થર પાસે અને ત્યાર પછી પહાડોમાં ક્યાં ગુમ થઈ ગયો એની ખબર જ ન પડી. મારું તો નસીબ જ નથી. તેં તો કામ બરોબર પૂરું કર્યું હશે એટલે હવે તને ભગવાન મળશે અને મને નહીં મળે.’

દુખી થયેલા મિત્રને જોઈને દુખી થવાને બદલે સંજય મિત્રની નિષ્ફળતાથી ખુશ થયો.

સંજયને થયું કે જેકાંઈ થયું એ સારું થયું, પણ પોતાને સોંપેલું કામ પૂરું ન થયું અને એને લીધે ભગવાનને મળવાની આખી બાજી બગડી ગઈ એમાં સારું શું થયું એ વાત કાબાના મગજમાં ન ઘૂસી, પણ સંજય ગજબનો ખુશ હતો.

અત્યારે ઈશ્વરે સંજયને આ આખી ઘટના યાદ દેવડાવી ત્યારે ફરી પાછો એ નિર્દોષ અને અબોલ જીવ બચાવવાનો ઉત્સાહ તેના રોમેરોમમાં ફરી વળ્યો, પણ અચાનક તેને વિચાર આવ્યો કે ઈશ્વરે કેમ તેને આ વાત યાદ દેવડાવી? અને એના વિચાર સાથે જ ઈશ્વરે પોતાની વાત શરૂ કરી...

‘એ નાનક્ડી કરુણા એ આપણા મિલનની પહેલી સીડી હતી અને એ પછી તો...’

ઈશ્વર હજી કશું આગળ બોલે એ પહેલાં તેમને અટકાવીને સંજયે પૂછ્યું, ‘પણ મારા પહેલાં અને પછી પણ પેલા કૂકડાવાળા સ્વામીએ લોકોને આમ જ અબોલ જીવો બલિ માટે આપ્યા હશને? તેમનું શું?’

ઈશ્વરે કહ્યું કે એ જ તો લીલા હતી. આજ સુધી તેમણે આપેલા એક પણ જીવની હત્યા કોઈ કરી શક્યું નથી. કોઈ ને કોઈ રીતે એ કૂકડા ત્યાંથી ગુમ જ થઈ જતા, પણ આમ કરતાં વ્યક્તિની અંદર રહેલી વૃત્તિનાં દર્શન એ દાર્શનિક કરી લેતા.

એ સાધુ ખરેખર સાધુ હતા એ વાત તેના માન્યામાં ન આવી, પણ હવે તો સ્વયં ભગવાને એ વાતની પુષ્ટિ કરી એટલે શંકાને સ્થાન નહોતું, પણ તરત જ તેને થયું કે ખાલી એક નાનકડા કૂકડાનો જીવ બચાવ્યો એમાં ભગવાન એટલા ખુશ થઈ ગયા કે પોતે સદેહે તેને મળી ગયા?

‘કર્યા વગર કંઈ જ મળતું નથી અને કરેલું ક્યાંય જતું નથી.’

કોઈક કોઈક વાર કોઈ ગીતાસારના કૅલેન્ડર પર વાંચેલું વાક્ય આજે સંજયે ઈશ્વરના મુખેથી સાંભળ્યું. પોતે એવું તે શું કર્યું છે જેથી ભગવાન તેના પર ખુશ થઈને તેની સાથે રહેવા આવ્યા એનો હિસાબ તે લગાડવા માંડ્યો. નાનપણમાં થયેલી આ ઘટના પછી ભગવાન પર તેનો વિશ્વાસ ઓછો હતો. ઉપરથી આખી જિંદગી તેણે કોઈ ખાસ પાઠપૂજા કે ભક્તિ તો કરી જ નહોતી.

ઈશ્વરે આગળ ચલાવ્યું, ‘કોઈ મંદિરની અંદર બેસીને સમજ્યા વગર જ કરાતી પ્રાર્થના કરવાથી હું મળી જઈશ એ વિચારમાત્ર ખોટો છે. હા, મારું નામસ્મરણ તમારામાં એક શાંતિ અને સમજણ કેળવશે, પણ મને પામવા માટે દંભ અને દેખાડાથી મુક્ત થવું પડે છે. તમારી અંદર બેઠેલા મને જાણવાનો અને માણવાનો પ્રયત્ન કર્યો છે કદી?’

સંજયે વિચાર્યું કે પોતે જીવનમાં ક્યારેય પોતાની અંદર બેઠેલા ભગવાનને શોધ્યો છે?

અને ત્યાં જ ઈશ્વરે તેને યાદ દેવડાવ્યું...

(વધુ આવતા અંકે)

‘કર્યા વગર કંઈ જ મળતું નથી અને કરેલું ક્યાંય જતું નથી.’

કોઈક કોઈક વાર કોઈ ગીતાસારના કૅલેન્ડર પર વાંચેલું વાક્ય આજે સંજયે ઈશ્વરના મુખેથી સાંભળ્યું. પોતે એવું તે શું કર્યું છે જેથી ભગવાન તેના પર ખુશ થઈને તેની સાથે રહેવા આવ્યા એનો હિસાબ તે લગાડવા માંડ્યો.

dr hardik nikunj yagnik columnists