ડાયમન્ડ રૉબરી જોખમ જિંદગીનું, કિંમત મજૂરીની (પ્રકરણ-૪)

13 February, 2025 11:35 AM IST  |  Mumbai | Lalit Lad

બે સવાલો તો ત્યાંના ત્યાં જ છે, જો આની પાસે નકલી હીરા છે તો અસલી ૮૧ લાખના હીરા ક્યાં ગયા?

ઇલસ્ટ્રેશન

‘યે હીરે નકલી હૈ?’

રાજશેખરને તો ડાયમન્ડના વેપારીની ઑફિસમાં બેઠા-બેઠા જ ચક્કર આવવા લાગ્યાં.

‘ભાઈલા, કીધું નંઈ? કાચ કે ટુકડે હૈ.’ કાકાએ ચશ્માં કપાળે ચડાવી સલાહ આપી. ‘તુમારા યે જો બનેવી હે ને, ઉસ કો જરા હોસ મેં આને દો. ફિર બાદ મેં ઉનકો પૂછના કે અસલી હીરે કહાં હૈ...`

રાજશેખર ઊભો થઈ ગયો. બહાર નીકળતાં-નીકળતાં તો રીતસર તેની આંખે અંધારાં આવી ગયાં. આ તો હદ થઈ ગઈ.... જે હીરા માટે તેણે તેના જિગરી દોસ્ત ગંગાધરના કહેવા પર આવડું મોટું જોખમ લીધું, તેના પગમાં ગોળી મારી દીધી અને ભાગી છૂટ્યો... એ તમામ હીરા નકલી?

અને ઉપરથી ગંગાધરનું તો ખૂન જ થઈ ગયું, જેનો આરોપ પણ તેના જ માથે હતો!

રાજશેખર શૉપિંગ સેન્ટરમાંથી નીકળીને સડક પર પહોંચ્યો ત્યાં સુધીમાં તો ઢીલોઢફ થઈ ગયો. હવે કરવું શું? કંઈ જ સૂઝતું નહોતું. સામે એક રેસ્ટોરાં દેખાઈ. રાજશેખરને થયું, કમ સે કમ ત્યાં ચા પીવાના બહાને બેસીને પહેલાં વિચારી લેવું પડશે કે...

lll

પણ આ તરફ પેલા કાકા એકદમ કામે લાગી ગયા હતા. રાજશેખરના જતાંની સાથે જ તેમણે ફોન ઉપાડીને એક નંબર જોડ્યો હતો.

‘કોણ ગિધુભાઈ? નવનીતલાલ બોલું. હવે ધ્યાનથી હાંભળજો. તમારા જ ફાયદાની વાત છે. તમને છેક રાજકોટની બદલી કરીને આંયાં વરાછા પોલીસ સ્ટેશનમાં ધકેલી દીધા છે ઈ જરાય નથ ગમતુંને? તમારે રાજકોટ પાછી બદલી કરાવવી છેને? તો હાંભળો, તમારા સાહેબ ખુશ થઈ જાય એવો એક કેસ છે...’

નવનીતલાલે જેને ફોન જોડ્યો હતો એ ગિધુભાઈ વરાછા પોલીસ સ્ટેશનમાં કૉન્સ્ટેબલની નોકરી કરતા હતા. તેમને પાછી રાજકોટ બદલી કરાવવી હતી અને કાકા એનો ઉપાય બતાડી રહ્યા હતા.

‘એક મિનિટ ગિધુભાઈ,’ ફોન પર હાથ મૂકતાં તેમણે એક છોકરાને કહ્યું, ‘હમણાં અહીંથી જે ઝભ્ભાવાળો ગ્યોને? ઇની વાંહે ને વાંહે જા. સ્કૂટરની ચાવી લેતો જા. આ મોબાઇલ પણ લેતો જા. હું તને ફોન કરીને પૂછી લઈશ.’

છોકરાને રવાના કરીને તરત જ નવનીતલાલે ગિધુભાઈ હવાલદારને ફોનમાં કહેવા માંડ્યું. ‘ગિધુભાઈ, મને તો કાંઈ ચોર લાગે છે. આંયાં આયવો`તો ચોરેલા હીરા વેચવા. પણ બોલો, ઈ હીરા સાવ કાચના હતા! હવે તમે ઝટ એક કામ કરો...’

ગિધુભાઈ હવાલદારે ખરેખર ઝડપ કરી. ઇન્સ્પેક્ટર વિજયકુમાર દેસાઈને લઈને તેઓ વરાછા રોડ પર પહોંચી ગયા.

રાજશેખર રેસ્ટોરાંમાંથી બહાર નીકળતાં જ ઝડપાઈ ગયો.

lll

‘હું સાચું બોલું છું સાહેબ, ખૂન મેં નથી કર્યું...’

રાજશેખર વારંવાર માર ખાવા છતાં એકની એક વાત બોલતો હતો. ‘સાહેબ, ગંગાધર તો મારો જિગરી દોસ્ત હતો. હું એનું ખૂન શું કામ કરું? હા, મેં એને ગોળી જરૂર મારેલી. પણ પગમાં! મને ખબર જ નથી કે અસલી હીરા ક્યાં છે. ત્યાં ગંગાધરના બૉસની કૅબિનમાં આવાં ને આવાં ત્રણ ખાખી પૅકેટ હતાં. મને શું ખબર કે ક્યા પૅકેટમાં કેવા હીરા હોય? મને મારવો હોય એટલો મારો સાહેબ, પણ મેં ખૂન નથી કર્યું...’

ઇન્સ્પેક્ટર વિજયકુમાર દેસાઈને પણ હવે ધીમે-ધીમે રાજશેખરની વાત પર ભરોસો બેસી રહ્યો હતો કારણ કે તેણે બધી જ કબૂલાત કરી નાખી હતી. ઇન્સ્પેક્ટર દેસાઈએ વીસેક દિવસ પહેલાં જ ટીવીમાં સમાચાર જોયા હતા કે પેલી ચોરેલી મોટરસાઇકલ તો મહેમદાવાદ પાસે એક ઢાબા નજીકથી કબજે લેવાઈ ચૂકી હતી. આ બાજુ રાજશેખરની ખોલીમાંથી એક ગન અને એક મોબાઇલ પણ હાથ લાગી ગયાં હતાં. પણ...રાતના બાર વાગવામાં થોડી મિનિટો બાકી હતી. સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં ધીમે-ધીમે સુસ્તી છવાઈ રહી હતી. લૉકઅપમાં માર ખાઈ-ખાઈને ઢીલો થઈ ગયેલો રાજશેખર ઢગલાની જેમ પડી રહ્યો હતો. બહાર ટેબલ પર પગ લંબાવીને બેઠેલા ઇન્સ્પેક્ટર દેસાઈ પણ હવે થાક્યા હતા.

 ‘શું હાથ લાગ્યું?’ દેસાઈ વિચારી રહ્યા હતા. ‘બસ, એક મોટરસાઇકલ ચોરને પકડ્યો એટલું જને? આ ડફોળ બિહારીએ ૮૧ લાખના હીરાની લૂંટ કરી પણ સાલા પાસે નકલી હીરા છે, જેની કિંમત સવાસો રૂપિયા પણ ન થાય!’

દેસાઈને ચેન નહોતું પડતું. ‘જો આ માણસ સાચો હોય તો તેની ગનમાંથી જે ગોળી નીકળી એની સાથે ગંગાધરની છાતીમાં ઘૂસી ગયેલી ગોળીની સરખામણી ફૉરેન્સિક લૅબોરેટરીમાં થાય કે તરત ખબર પડી જશે. પછી તો સાલો કોઈ કેસ જ ન રહ્યોને? અને મેઇન બે સવાલો તો ત્યાંના ત્યાં જ છે. જો આની પાસે નકલી હીરા છે તો અસલી ૮૧ લાખના હીરા ક્યાં ગયા? અને જો આણે મર્ડર નથી કર્યું તો કર્યું કોણે? બિચારા રાજશેખર અને ગંગાધર તો કઠપૂતળીઓ છે, અસલી સૂત્રધાર તો...’

અચાનક દેસાઈ ઊભા થઈ ગયા.

‘અરે ગિધુભાઈ હવાલદાર, આ રાજશેખરની ખોલીમાંથી જે મોબાઇલ હાથ લાગ્યો છે એ જરા લાવો તો...’

ગિધુભાઈ હવાલદારે એ મોબાઇલ આપ્યો કે તરત જ ઇન્સ્પેક્ટર દેસાઈએ એમાં પ્રિવિયસ કૉલ્સ અને મિસ્ડ કૉલ્સની સર્ચ મારી. મોબાઇલની સ્ક્રીન પર માત્ર એક જ નંબર ઝબક્યા કરતો હતો... ૯૮૨૫૦ ૯૯*** !

જોવાની વાત એ પણ હતી કે મોબાઇલમાં એ ઇનકમિંગ કૉલ સિવાય બીજા કોઈ કૉલ જ નહોતા! એનો મતલબ શું થયો? કે માત્ર આ કામ માટે જ ખાસ આ મોબાઇલ ખરીદવામાં આવ્યો હતો. હવે જો એ કૉલ કરનાર માણસ કોણ છે એ ખબર પડે કે તરત જ...

ઇન્સ્પેક્ટર દેસાઈ એકદમ ઉત્તેજિત થઈ ગયા. ઝડપથી એ જ મોબાઇલમાં તેમણે ‘કૉલ’નું બટન દબાવી દીધું. પણ બીજી જ ક્ષણે તે અટકી ગયા.

હજી કોલ કનેક્ટ થાય એ પહેલાં જ તેમણે કટ કરી નાખ્યો. હવાલદાર ગિધુભાઈને કહ્યું :

‘ગિધુભાઈ, બદલી કરાવીને પાછા રાજકોટ જવું છેને?’

‘જી સાયેબ!’ ગિધુભાઈએ તરત ટટ્ટાર થતાં હોંકારો ભણ્યો.

‘તો એક કામ કરો. આપણા કમ્પ્યુટરમાં સર્ચ મારીને શોધો કે આ નંબર કોના નામે નોંધાયેલો છે?’

હવાલદાર ગિધુભાઈ તરત જ કામે લાગી ગયા. ચાર મિનિટમાં હાજર થયા. ‘સાહેબ, અમદાવાદનો કોઈ અજય કામાણી નામનો માણસ છે. મણિનગર વિસ્તારમાં રિયે છે. થોડા ખમી જાવ તો ફોટાને આધારે આધાર કાર્ડનો રેકૉર્ડ પણ મળી જાશે.’

દેસાઈ ગિધુભાઈનો આ ઉત્સાહ જોઈને રાજી થયા, પણ બોલ્યા, ‘હમણાં એ છોડો, હાલ તો પેલા રાજશેખરને પૂછી જોઈએ.’

બિચારા રાજશેખરને ગિધુભાઈએ દસ-દસ ડંડા માર્યા છતાં તે એક જ રટણ કરતો રહ્યો. ‘ભાઈસાહેબ, એ નામના કોઈ માણસને હું ઓળખતો નથી...’

હવે? દેસાઈસાહેબે ઘડિયાળમાં જોયું. રાતના સવાબાર થઈ રહ્યા હતા. પછી ફોન ઉપાડતાં બબડ્યા, ‘ચાલો, આ ટાઇમે અજય કામાણી ઊંઘતા હોય તો તેમને જગાડવા તો પડશે જ...’

ઇન્સ્પેક્ટર દેસાઈએ હવે ‘કૉલ’ના બટન પર આંગળી મૂકી જ દીધી. રિંગ જઈ રહી હતી... બે, ચાર, છ રિંગ પછી સામેથી સાવધ અવાજ આવ્યો :

‘હલો?’

દેસાઈ બોલ્યા : ‘રાજશેખર બોલ રહા હૂં...’

તરત જ સામેથી પેલો માણસ બોલી ઉઠ્યો ‘અરે, કહાં હો તુમ? તુમ્હેં કુછ હુઆ તો નહીં ના? પુલીસ તુમ્હે ઢૂંઢ રહી હૈ, મગર તુમ બિલકુલ ફિકર મત કરના. તુમ હો કહાં?’

‘જી મૈં...’

‘ઓ સાંભળ, તું જ્યાં હોય ત્યાંનું મને લોકેશન મોકલ! હું તને હેમખેમ બચાવી લઈશ! બિચારો ગંગાધર ગફલતમાં મરી ગયો પણ તું ગંગાધરનો ખાસ દોસ્ત છે. હું તને હેમખેમ બચાવી લઈશ.. બસ, તારું લોકેશન મોકલ. ઓકે?’

‘ઓકે.’ કહીને દેસાઈએ ફોન કાપી નાખ્યો. એના મનમાં એક જ સવાલ હતો : આ માણસ વારંવાર ‘હેમખેમ’ શા માટે બોલતો હતો?

ઇન્સ્પેક્ટર દેસાઈને બીજો એક સવાલ પણ થઈ રહ્યો હતો કે આ માણસ વારંવાર રાજશેખરનું ‘લોકેશન’ શા માટે મગાવી રહ્યો હતો?

દેસાઈએ ફોન મૂકતાં પહેલાં ‘ઓકે’ કહ્યું હતું એટલે તેમને
ખાતરી હતી કે સામેનો માણસ ઊંચોનીચો થતો હશે કે ‘હમણાં લોકેશન આવશે... હમણાં લોકેશન આવશે...’

દેસાઈએ પાંચ મિનિટ સુધી લોઢું ગરમ થવા દીધું. પછી જાણે ગરમ લોઢા પર ઝીણી હથોડી મારતા હોય એમ પેલા નંબર પર એક મિસ કૉલ મારીને કટ કરી નાખ્યો.

અને જુઓ ચમત્કાર! સામેથી રિંગ આવવા લાગી! દેસાઈએ ફોન ઉપાડ્યો જ નહીં. બે વાર, ચાર વાર, છ-છ વાર પેલી વ્યક્તિના ધડાધડ ફોન આવ્યા છતાં જ્યારે દેસાઈએ ફોન ઉપાડ્યો જ નહીં ત્યારે એમાં મેસેજો આવવા લાગ્યા!

‘તુમ કહાં હો?’ ‘પ્લીઝ લોકેશન ભેજો’ ‘પુલીસ તુમ્હેં ઢૂંઢ રહી હૈ’ ‘તુમ પકડે ગએ તો ગંગાધર કે મર્ડર મેં અંદર જાઓગે...’ ‘ઔર દૂસરા કોઈ પ્રૉબ્લેમ હો તો બતાઓ...’

‘અચ્છાઆઆ...’ છેલ્લો મેસેજ વાંચતાં જ દેસાઈના ચહેરા પર સ્માઇલ આવ્યું. તેમણે લાલચોળ થઈ ચૂકેલા લોઢા પર આ વખતે સાવ નાનકડી હથોડી મારી. તેમણે મેસેજ કર્યો : મની પ્રૉબ્લેમ.

અને વધુ એક ચમત્કાર! સામેથી ફરી રિંગ આવવા લાગી. આ વખતે પણ દેસાઈએ ફોન ન ઉપાડ્યો. હવાલદાર ગિધુભાઈ આખો ખેલ પહોળી આંખે જોઈ રહ્યા હતા. ‘આ સું હાલી રિયું છે સાયેબ?’

‘માછલીના ગળામાં ગલ સહેજ તો ફસાયો છે. હવે થોડી વાર માછલીને તડપવા દઈએ...’ દેસાઈસાહેબે રિંગો વાગવા જ દીધી. આખરે છ-છ વાર મિસ કૉલ થવા દીધા પછી સાતમી વાર જ્યારે રિંગ વાગી કે તરત દેસાઈએ કૉલ ઉપાડ્યો. સામેથી ઉતાવળિયો
અવાજ આવ્યો : ‘પૈસે તુમ્હે મિલ જાએંગે યાર! હમારી બાત તો
હુઈ થી!’

‘કિતના ભેજોગે?’ દેસાઈ બોલ્યા.

‘અરે, દો લાખ બોલા થા ના?’

‘ચાર લાખ.’ દેસાઈ બોલ્યા. ‘ગંગાધર કા દો લાખ ભૂલ ગએ? ઔર હાં, ચૂપ રહને કા એક લાખ એક્સ્ટ્રા લગેગા.’

‘ડન!’ સામેથી જવાબ આવ્યો. સાથે તરત જ સવાલ આવ્યો : ‘મગર તુમ હો કહાં? લોકેશન ભેજોના!’

‘લોકેશન...’ દેસાઈએ જાણી જોઈને દસ સેકન્ડ બગાડી. પછી બોલ્યા ‘લોકેશન ભેજતા હૂં. પહલે વહાં પૈસે ભેજો. બાદ મેં આગે બાત હોગી...’

દેસાઈએ આટલું કહીને ફોન કટ કરી નાખ્યો એટલું જ નહીં, સ્વિચ ઑફ પણ કરી દીધો. હવાલદાર ગિધુભાઈ આ જોઈને બોલ્યા :

‘આ સું કઈરું સાયેબ?’

ઇન્સ્પેક્ટર દેસાઈ ભેદી રીતે હસ્યા. ‘જાળ નાખી, કેમ કે
આખા મામલામાં માત્ર એક
માછલી નથી... બીજી પણ ઘણી હોઈ શકે છે.’

 

(ક્રમશઃ)

columnists gujarati mid-day exclusive