05 March, 2025 12:54 PM IST | Mumbai | Rashmin Shah
ઇલસ્ટ્રેશન
‘મિસ્ટર ફોજદાર, યુ આર અન્ડર અરેસ્ટ...’
સંજયના ચહેરા પર સ્માઇલ આવ્યું. તે ઊભો થઈ ઇન્સ્પેક્ટર પંડિત પાસે આવ્યો.
‘જો વાંધો ન હોય તો કપડાં ચેન્જ કરી લઉં?’
ઇશારાથી હા તો પાડી દીધી પણ પંડિતની આંખોમાં અચરજ રહ્યું.
‘અરેસ્ટનું કારણ નહીં પૂછો મિસ્ટર ફોજદાર?’
‘ના...’ નકારમાં નોડ કરતાં સંજયે કહ્યું, ‘મનમાં હતું કે કેસ સૉલ્વ નહીં થાય ત્યારે અલ્ટિમેટલી વાત મારા પર આવશે. ઓળખું છું તમારી પોલીસની કામગીરી.’
‘જાઓ જઈને કપડાં ચેન્જ કરી લો...’ પંડિતે દાઢમાં કહ્યું, ‘પોલીસ-સ્ટેશન જઈને હું તમને અમારી કામગીરીથી વધારે વાકેફ કરું...’
lll
‘સર, તમે જે રીતે સીધો જ હાથ સંજય ફોજદાર પર મૂકી દીધો છે એ જોતાં મને બીક લાગે છે. ક્યાંક આ આર્મીવાળો વાત વધારે નહીં.’
‘અત્યાર સુધી તો લાગતું નથી પણ હા, એક વાત છે. જો વૈશાલી સામેથી આવીને હાજર થઈ તો આપણું સસ્પેન્શન ફાઇનલ.’
આપણું!
દલપત ધોત્રેને કહેવાનું મન થયું કે અરેસ્ટ તમે કરો છો, એમાં મારું નામ શું કામ સામેલ કરવાનું પણ સિનિયરથી એવી રીતે હાથ ઝાટકી લેવામાં પણ જોખમ હતું એટલે અત્યારે તો તે ચૂપ રહ્યો અને સંજય ફોજદાર રૂમની બહાર આવે એની રાહ જોવા માંડ્યો. જોકે તેનાથી રહેવાયું નહીં એટલે તે પંડિતના કાનની નજીક ગયો.
‘તમને એવું તે કયું પ્રૂફ મળ્યું કે તમે આ માણસની અરેસ્ટ પર આવી ગયા?’
પંડિતની આંખ સામે અઢાર કલાક પહેલાંની આખી ઘટના આવી ગઈ.
lll
‘મિસ્ટર ફોજદાર, તમારાં વાઇફના મોબાઇલની કસ્ટડી લેવાની છે...’
‘આપી દઉં.’ તરત ઊભા થઈને સંજયે ટીવી યુનિટની બાજુમાં પડેલો મોબાઇલ ઉપાડી ઇન્સ્પેક્ટર પંડિત સામે લંબાવી દીધો, ‘હમણાં થોડી વાર પહેલાં જ ચાર્જ કર્યો. મનમાં હતું કે કદાચ પોતાના મોબાઇલ પર ફોન કરીને તે કૉન્ટૅક્ટ કરે.’
‘પોતાના ફોન પર શું કામ ફોન કરે?’
‘યુઝ્અલી, લેડીઝને બીજાના મોબાઇલ કરતાં પોતાનો મોબાઇલ નંબર વધારે યાદ હોય છે.’ ઇન્સ્પેક્ટરની આંખમાં અચરજ જોઈને સંજયે તરત ખુલાસો કર્યો, ‘દસેક દિવસ પહેલાં આ પ્રકારના એક સર્વેના ન્યુઝ પેપરમાં વાંચ્યા હતા એટલે યાદ છે.’
ઇન્સ્પેક્ટર પંડિતે મોબાઇલ હાથમાં લીધો કે તરત સંજય ચોખવટ કરી.
‘મોબાઇલ પર મારી ફિંગરપ્રિન્ટ્સ હશે પણ એનો અર્થ એવો નહીં કરતા...’
‘મારે શું અર્થ કરવો એ તો મને નક્કી કરવા દો ફોજદારસાહેબ...’
પ્લાસ્ટિકની બૅગમાં મોબાઇલ મૂકતાં ઇન્સ્પેક્ટર પંડિતે જવાબ આપ્યો અને પછી તરત જ તે ઘરેથી નીકળી જીપમાં ગોઠવાયા. જીપમાં બેઠા પછી તેમણે પહેલું કામ મોબાઇલ નેટવર્કને ફોન કરવાનું કર્યું.
‘આ નંબર પર છેલ્લા છ મહિનામાં થયેલા અને આવેલા તમામ કૉલની વિગત જોઈએ છે. બીજું, સૌથી વધારે જે નંબર પર કૉલ થયા હોય અને આવ્યા હોય એની અલગથી વિગત જોઈએ છે.’
lll
વિગત આવી અને ઇન્સ્પેક્ટર પંડિતને જે શક હતો એ જ સામે આવ્યું.
પંડિતને ફોન કરીને વૈશાલી સાથે લગ્નેતર સંબંધોનો દાવો કરનારા બન્ને જણના નામે રજિસ્ટર્ડ હોય એવા એક પણ નંબર પરથી વૈશાલીને ફોન નહોતો આવ્યો. મજાની વાત એ હતી કે વૈશાલીએ સૌથી વધુ જો કોઈની સાથે વાત કરી હોય તો એ નંબરમાં સંજયનું નામ સૌથી ઉપર હતું અને બીજા નંબરે વૈશાલી અને સંજયની દીકરી સાનિયાનું નામ હતું. મળેલા મોબાઇલ ડેટા પરથી એ પણ સાબિત થતું હતું કે વૈશાલી કોઈની સાથે મેસેજ કે મેસેન્જર-કૉલથી પણ જોડાયેલી નહોતી. હવે કેસ ક્લિયર હતો. કાં તો સંજય ફોજદારે જે ફરિયાદ કરી છે એ સાચી છે. અને વૈશાલી પાસે એકથી વધુ નંબર હતા. જે નંબર અત્યારે પોલીસ પાસે હતો એ નંબર તેનો ઑફિશ્યલ નંબર હતો અને બીજા જે અનઑફિશ્યલ નંબર હશે એનાથી તે પોતાના બૉયફ્રેન્ડ સાથે કૉન્ટૅક્ટમાં હશે અને કાં તો સંજય હળાહળ જૂઠું બોલે છે. ગુમ થયેલી વૈશાલી પાછળ તેનો જ હાથ છે પણ કેસને અવળા માર્ગે ચડાવવા માટે સંજયે આ આખી બાજી ગોઠવી છે.
ઇન્સ્પેક્ટર પંડિતના મનમાં બીજી વાત વધારે બળવત્તર હતી અને તેણે નિર્ણય લઈ એને અમલમાં પણ મૂકી દીધો.
સંજય ફોજદારની અરેસ્ટ પછી અડધા કલાકમાં જ ન્યુઝ ચૅનલ પર બ્રેકિંગ ન્યુઝ શરૂ થઈ ગયા.
lll
‘મેં તમને બધી વાત કરી દીધી છે. મારો અને વૈશાલીનો ઝઘડો થયો અને તેણે ઘર છોડી દીધું. આનાથી આગળ મને કંઈ ખબર નથી.’
સંજયના ચહેરા પર બેફિકરાઈ હતી, જે ઇન્સ્પેક્ટર પંડિતના આત્મવિશ્વાસને ડગાવવાનું કામ કરતી હતી. અલબત્ત, એ પછી પણ તેણે પોતાના આત્મવિશ્વાસને ફૉલો કરવાનો હતો અને પંડિતે એ જ કર્યું.
‘મિસ્ટર ફોજદાર, માન્યું કે તમે જે કહો છો એ બધું સાચું પણ તો મને એટલું કહેશો, ઘર છોડીને જનારાં વૈશાલી ફોજદાર આજે સાત દિવસ પછી પણ હજી ઘરે પાછાં કેમ નથી આવ્યાં?’ સંજય કંઈ કહે એ પહેલાં પંડિતે તેની વાત આગળ વધારી, ‘ઝઘડામાં કોઈ એવું કારણ હતું નહીં કે જેને લીધે તમારાં વાઇફે કાયમ માટે ઘર છોડી દેવું પડે. હાથ ઉપાડવાનો અર્થ એવો પણ નથી કે વાઇફ કાયમ માટે ઘર છોડી દે.’
‘સાહેબ, તમે ‘થપ્પડ’ ફિલ્મ જોઈ છે?’ પૂછી લીધા પછી સંજયે તરત કહી પણ દીધું, ‘નહીં જોઈ હોય, જોઈ હોત તો કદાચ તમે વૈશાલીની અત્યારની માનસિકતા સમજી ગયા હોત. ફિલ્મમાં દારૂના નશામાં હસબન્ડ વાઇફ પર હાથ ઉપાડે છે અને વાઇફ ડિવૉર્સનો કેસ ફાઇલ કરી દે છે. બન્નેની લાઇફમાં એક પણ પ્રશ્ન નથી અને એ પછી પણ વાઇફ ડિવૉર્સ લઈ લે છે. બને કે વૈશાલીએ પણ ‘થપ્પડ’ જોઈ હોય અને તેને થયું હોય કે હસબન્ડની આ ભૂલ માફ ન કરી શકાય.’
સંજયના જવાબથી બે સેકન્ડ માટે ઇન્સ્પેક્ટર પંડિતની બોલતી બંધ થઈ ગઈ. માણસ જ્યારે ચૂપ થઈ જાય છે ત્યારે તેની આંખ સામે તર્ક શરૂ થઈ જતા હોય છે. એવું જ એ સમયે ઇન્સ્પેક્ટર પંડિત સાથે થયું.
‘માન્યું કે તમે કહો છો એ સાચું પણ તો મને જવાબ આપશો.’ પંડિતે પૂછ્યું, ‘વૈશાલી આગળના ગેટથી બહાર નીકળી નથી એવું CCTV કૅમેરા દેખાડે છે. તમારું કહેવું છે કે વૈશાલી પાછળના ગેટથી નીકળી...’
‘એક મિનિટ... મારું કહેવું નથી, મેં અનુમાન કર્યું છે. જો તે આગળથી બહાર ન ગઈ હોય તો બીજો એક જ રસ્તો છે જે ઘરની બહાર જાય છે, એ છે ઘરનો પાછળનો ગેટ. આ સિવાય બીજો કોઈ રસ્તો નથી એટલે મેં અનુમાન લગાવ્યું છે.’
‘તમારું અનુમાન ખોટું છે મિસ્ટર ફોજદાર, વૈશાલી...’ પંડિતે તરત સુધારો કર્યો, ‘આઇ મીન તમારી વાઇફ, ઘરના પાછળના ગેટથી બહાર નથી ગઈ. ઇન ફૅક્ટ તેણે પાછળનો ગેટ ખોલ્યો જ નથી.’
ટેબલ પર ફૉરેન્સિક રિપોર્ટ મૂકતાં પંડિતે વાત આગળ વધારી.
‘દરવાજો લાંબા સમય સુધી ખૂલ્યો નહોતો એ જેટલું સાચું છે એટલું જ સાચું એ પણ છે કે તમારા ઘરનો પાછળનો દરવાજો આપણે ખોલ્યો એના ચોવીસથી છત્રીસ કલાક પહેલાં ખૂલ્યો હોવાની શક્યતા છે કારણ કે દરવાજા પર લાગેલો કાટ દરવાજો ખૂલ્યા પછી ત્યાં જ પડેલો મળ્યો છે.’
‘એ તો વૈશાલીએ દરવાજો ખોલ્યો હોય ત્યારે પણ પડ્યો હોઈ શકેને?’ સંજયે લૉજિક સાથે દલીલ કરી, ‘વૈશાલીની ગેરહાજરીમાં ઘરનો પાછળનો ભાગ સાફ થયો હોય એવું મને યાદ નથી અને અત્યારે તો ઘરમાં મેઇન વ્યક્તિ હું એક જ છું.’
‘સાચું, પણ જો વૈશાલીએ ઘરનો દરવાજો ગુરુવારે રાતે ખોલ્યો હોય અને દરવાજે લાગેલો કાટ જમીન પર પડ્યો હોય તો એના પરથી જે માત્રામાં ધૂળ કે રજકણ મળવાં જોઈએ એ માત્રામાં ધૂળ-રજકણ ફૉરેન્સિક રિપોર્ટમાં આવ્યાં નથી.’ ઇન્સ્પેક્ટર પંડિતે કહ્યું, ‘બીજી વાત, જો દરવાજો પહેલાં ખૂલી ગયો હોત તો ઊખડેલા કાટનો જે ડાઘ લાગે એ તમારા કે મારા હાથ પર લાગ્યો ન હોત, કારણ કે લોખંડ હવાની સાથે સંપર્કમાં આવતાં તરત જ નવેસરથી કાટ બનાવવા લાગે છે. આ જુઓ...’
ઇન્સ્પેક્ટર પંડિતે પોતાના મોબાઇલમાં ફોટો કાઢ્યો અને ઝૂમ કરીને સંજયની સામે સ્ક્રીન કરી.
‘આ એ સમયનો ફોટો છે જે સમયે તમે દરવાજો ખોલવા જતા હતા. દરવાજો ખોલતી વખતે ઑલરેડી તમારા હાથમાં લાલ ડાઘ છે, જે કાટનો છે.’ પંડિતે હવે સંજયનો ડાબો હાથ પકડીને ટેબલ પર રાખ્યો, ‘અત્યારે એ ડાઘ તમારા હાથમાં નથી. મતલબ કે ઘરનો પાછળનો દરવાજો તમે એક રાત પહેલાં ખોલ્યો, એ સમયે જે ડાઘ લાગ્યો એ કદાચ નકામા કપડાથી સાફ પણ કરી લીધો પણ હાથ ધોવાની તસ્દી તમે લીધી નહીં અને ડાઘ હાથ પર રહી ગયો, જે ડાઘ આ ફોટોમાં દેખાય છે.’
‘તમે સાબિત શું કરવા માગો છો ઇન્સ્પેક્ટર?’
‘એ કે તમે કહી દો...’ પંડિત ઊભા થઈ સંજયની નજીક આવ્યા, ‘વૈશાલી ક્યાં છે?’
‘હું પણ એ જ પૂછું છું, ક્યાં છે વૈશાલી?’
‘તમારા સિવાય એની કોઈને ખબર નથી.’ પંડિતે હડપચીથી સંજયને પકડતાં કહ્યું, ‘અત્યારે નહીં પણ ભૂતકાળમાં તમે દેશની સેવા કરી છે એટલે હું ઇચ્છું છું કે મારે હાથ ઉપાડવો ન પડે. જલદી કહે, ક્યાં છે વૈશાલી?’
‘તમે’ પરથી ‘તુંકારા’ પર આવી ગયેલા ઇન્સ્પેક્ટર પંડિતની આંખોમાં રતાશ પથરાઈ ગઈ હતી.
‘જેટલો જલદી જવાબ આપીશ એટલો ઓછો ત્રાસ સહન કરવો પડશે...’ પંડિતે રાડ પાડતાં કહ્યું, ‘કહે, ક્યાં છે વૈશાલી?’
‘મને નથી ખબર.’
સટાક...
પોલીસનો હાથ એક્સ-આર્મીમૅનના ગાલ પર છાપ છોડી ગયો અને સંજય ફોજદાર હેબતાઈ ગયો.
‘ઇન્સ્પેક્ટર, તમે ભૂલ કરો છો.’
‘ભૂલ તેં કરી છે ફોજદાર...’ પંડિતનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો હતો, ‘તારી વાઇફનું કૅરૅક્ટર-ઍસેસિનેશન કરીને તું પ્રૂવ કરવા માગતો હતો કે તે કૅરૅક્ટરની લૂઝ છે પણ તારી જાણ ખાતર, તારી એ બધી ચાલે જ તને આ કેસમાં ખુલ્લો પાડ્યો છે. વૈશાલીના નામે આડા સંબંધો ખુલ્લા પાડવા માટે તેં જેને ફોન કરાવ્યા એ કોણ હતા એની ખબર પડશે ત્યારે એ તારી સામે હાજર કરીશ પણ જો તેં બીજો ફોન ન કરાવ્યો હોત તો કદાચ હું તારી વાત સાથે સહમત પણ થઈ જાત, પણ તારે તો જલદી વૈશાલીના મામલામાંથી બહાર આવવું હતું એટલે ઉતાવળમાં તેં એક નહીં, વૈશાલીના બબ્બે ડમી યાર ઊભા કરી દીધા. ચાલ, બોલ... છે શું આ બધું ને વૈશાલી છે ક્યાં?’
(વધુ આવતી કાલે)