બા, બાબલો ને બંદૂક બોલે તો કિસ્સા કિડનૅપિંગ કા (પ્રકરણ ૧)

08 July, 2025 12:55 PM IST  |  Mumbai | Rashmin Shah

જાગુ, મુંબઈ કે દેશની તારે વાત નથી કરવાની. તું લંડનમાં છો ને તારી જવાબદારી લંડન પૂરતી જ છે

ઇલસ્ટ્રેશન

‘શું છે યાર...’ રોમેશે અબ્દુલને ધક્કો માર્યો, ‘આઘો તો રહે.’

અબ્દુલની આંખો ખૂલી નહોતી રહેતી. રાતનો હૅન્ગઓવર હજી પણ તેના મસ્તક પર ચડેલો હતો. જોકે એ પછી પણ રોમેશે તેને ગુસ્સામાં ધક્કો માર્યો એ વાત અબ્દુલે નોટિસ કરી હતી.

‘ભૂલથી ટેકો દઈ દીધો.’

‘હા, એવી જ રીતે જેવી રીતે કાલે રાતે પ્લેયર પર પૈસા લગાડી દીધા હતા.’ આ વખતે જવાબ સચિને આપ્યો હતો, ‘ભાન છે, કેટલા હારી ગયો તું?’

‘તું નહીં, આપણે.’

‘એ મુસ્તાક સામે... રિયલમાં તો તું જ પૈસા હાર્યો છેને?’ રોમેશે અબ્દુલના માથામાં ટપલી મારી, ‘અમારે તો તારે કારણે હેરાન થવું પડ્યું.’

વાત ક્ષણ વાર માટે અટકી અને દુબઈ ઍરપોર્ટની અનાઉન્સમેન્ટ પૂરી થયા પછી એ ફરી શરૂ થઈ.

‘હાર્યો હું, કારણ કે મને ક્રિકેટમાં વધારે ખબર પડે છે.’ અબ્દુલે કહ્યું, ‘જો જીત્યા હોત તો તમે બન્ને મારા પાર્ટનર જ હતા અને ભૂતકાળમાં તમે લોકોએ મારી પાસેથી પ્રૉફિટમાં ભાગ લીધો જ છે. આ તો આ વખતે...’

‘આ વખતની જ વાત છે અબ્દુલ. કેટલા હાર્યા છીએ ખબર છેને?’ સચિનની જીભ પર ગાળ આવી ગઈ હતી, ‘એક કરોડ... એક વીકમાં મુસ્તાકભાઈને પાછા આપવાના છે. હવે ક્યાંથી કાઢીશું પૈસા?’

‘એ નથી ખબર યાર.’ અબ્દુલના શબ્દોમાં અકળામણ હતી, ‘કંઈક રસ્તો કાઢીશું. એક વીક છેને, એક વીકમાં ૭ દિવસ હોય.’

‘અબ્દુલ, સાડાછ દિવસ.’ સચિને કહ્યું, ‘કાલ રાતથી અત્યાર સુધીમાં અડધો દિવસ પસાર થઈ ગયો ને હમણાં ૪ કલાક ફ્લાઇટમાં બીજા પસાર થઈ જશે. મુંબઈ પહોંચતાં સુધીમાં પોણો દિવસ પૂરો. પછી શું કરીશું?’

‘અત્યારે નથી ખબર પણ તમે લોકો પ્લીઝ, ટેન્શન કરો નહીં ને મને આપો નહીં. ટેન્શનમાં મને કંઈ સૂઝશે નહીં.’

‘એ ભાઈ, તું તેને બોલાવવાનું રહેવા દે.’ રોમેશે સચિનની સામે જોયું, ‘અબ્દુલ બધું વિચારી લેશે. આપણે કંઈ ચિંતા કરવાની જરૂર નથી. મુંબઈ જઈને તે મુસ્તાકભાઈને એક કરોડ મોકલાવી પણ દેશે. બરાબરને અબ્દુલ?’

નજર એક જગ્યા પર સ્થિર થઈ હોવાથી અબ્દુલે જવાબ આપવાનું ટાળ્યું, પણ સચિન
અને રોમેશની આંખો સામે રવિવારની રાત આવી ગઈ હતી.

lll

‘ઇંગ્લૅન્ડ-ઇન્ડિયાની ટેસ્ટ-મૅચમાં જાડેજા રમે છે.’

‘નથી રમતો.’

‘પંદર-પંદર.’

મુસ્તાકભાઈ બોલ્યા અને અબ્દુલે ટેબલ પર હાથ પછાડ્યો.

‘ડન, પંદર-પંદર...’

સચિન અને રોમેશના ફેસ પર લાલી પથરાઈ ગઈ હતી. રવીન્દ્ર જાડેજા જામનગરનો અને અબ્દુલ પણ જામનગરનો. કેટલીય વખતે જાડેજા અબ્દુલના મેસેજનો જવાબ આપતો એ પણ સચિન-રોમેશે જોયું હતું. બન્ને નાનપણમાં સાથે ક્રિકેટ રમતા એ સમયના અને સ્કૂલ સમયના રવીન્દ્ર અને અબ્દુલના ફોટોગ્રાફ પણ બન્ને જોઈ ચૂક્યા હતા.

‘ડન મુસ્તાકભાઈ.’ સચિને આત્મવિશ્વાસ સાથે કહ્યું, ‘અબ્દુલ કહે છે તો પંદર-પંદરની ડીલ ડન.’

મુસ્તાકભાઈએ પાછળ ઊભેલા બન્ને પન્ટરોની સામે જોયું. મુસ્તાકભાઈની ડાબી તરફ ઊભેલા પન્ટરે સહેજ આગળ આવીને કહ્યું, ‘પંદર એટલે ખબર છેને કેટલા?’

‘હા, પંદર લાખ.’ જવાબ અબ્દુલે આપ્યો અને બાજુમાં બેઠેલા ફ્રેન્ડ્સ સામે જોયું, ‘અગાઉ પર રમ્યા જ છીએને પંદરનું આપણે.’

‘ડન, મુસ્તાકભાઈ. પંદર-પંદરની બેટ થઈ ગઈ.’

મૅચ ચાલુ થવાને પાંચ મિનિટની વાર હતી અને મુસ્તાકભાઈએ એ પાંચ મિનિટમાં મુંબઈના આ ત્રણ છોકરાઓ માટે બ્લૅક લેબલ ખોલાવી.

આલ્કોહોલ શરીરમાં ઊતરતો ગયો એમ-એમ ઉત્સાહ અને વિશ્વાસ પણ જોર પકડવા માંડ્યા અને એ ઉત્સાહ-વિશ્વાસમાં પહેલું પંક્ચર પડ્યું ત્યારે જ્યારે ટીમની અનાઉન્સમેન્ટ થઈ.

‘રવીન્દ્ર જાડેજાને આજે સવારની ફ્લાઇટમાં ખાસ બોલાવવામાં આવ્યો. આજની મૅચમાં તે ટીમમાં સામેલ છે.’

કમેન્ટેટરની વાણી તો આગળ વધતી ગઈ, પણ રોમેશ અને સચિનને હવે આગળ કંઈ સંભળાતું નહોતું. પાંચ મિનિટમાં પંદર લાખ રૂપિયા એ લોકો હારી ગયા હતા. અગાઉ હાર્યા હતા એ પંચ્યાસી લાખ અલગ.

હારનો કુલ આંકડો પહોંચ્યો એક કરોડે.

lll

‘એક વીક... એક વીક મેં મુઝે મેરે પૈસે મિલ જાને ચાહિએ.’

મુસ્તાકના ભારેખમ હાથની થપ્પડોને લીધે રોમેશ, સચિન અને અબ્દુલના ચહેરા લાલ થઈ ગયા હતા.

‘ક્યાંથી લઈ આવશો, કેવી રીતે લઈ આવશો એની મને નથી ખબર. મને એટલી ખબર છે કે મારે તમારી પાસેથી એક કરોડ લેવાના છે ને એ તમે ચૂકવશો.’ મુસ્તાકે વારાફરતી ત્રણેય મિત્રો સામે જોયું, ‘તમારામાંથી રોમેશ અને અબ્દુલ મુંબઈના નથી એની પણ મને ખબર છે ને મને એ પણ ખબર છે કે તમારા ત્રણેયનાં માબાપથી માંડીને ભાઈ-બહેન શું કરે છે એટલે હોશિયારી કરશો તો એ લોકોએ જીવ ગુમાવવો પડશે, સમજાયું?’

નીચી મૂંડી કરીને ઊભેલા સચિન, રોમેશ અને અબ્દુલે હકારમાં મસ્તક નમાવ્યું.

‘એકાદ પરચો જોવો છે કે પછી...’ જવાબની રાહ જોયા વિના મુસ્તાકે જ નક્કી કરી લીધું, ‘આપી દઉં એક પરચો... સાંભળો...’

મુસ્તાકે ફોન લગાડ્યો અને મોબાઇલની રિંગના કારણે ત્રણેયના કાન સરવા થયા.

ત્રણેય મિત્રોએ પહેલાં એકબીજા સામે અને પછી મુસ્તાક સામે જોયું. મુસ્તાકે કોને ફોન કર્યો હતો એનો તેમને અણસાર નહોતો અને ભયનું આ જ કામ છે. એ જ્યારે કાલ્પનિક હોય ત્યારે પરસેવો છોડાવવાનું કામ કરે.

‘હેલો... કોણ?’

રિસીવ થયેલા ફોનમાં લેડીનો અવાજ સાંભળીને અબ્દુલના શરીરનું એકેએક રૂંવાડું ઊભું થઈ ગયું.

‘હેલો અમ્મીજાન... કૈસે હૈં આપ?’

મુસ્તાકે અબ્દુલની સામે જોયું, અબ્દુલની આંખમાં આંસુ આવી ગયાં હતાં.

જે માણસ દુબઈ બેઠો-બેઠો તેની અમ્મી સુધી પહોંચી શકે તે ધારો એ કંઈ પણ કરી શકે. અબ્દુલ આ સમજ્યો અને મુસ્તાક પણ આ જ સમજાવવા માગતો હતો. અબ્દુલે હાથ જોડ્યા અને નેટવર્ક-એરરને લીધે ફોન કપાઈ ગયો હોય એમ મુસ્તાકે ફોન કાપી નાખ્યો.

‘અબ, બારી લેતે હૈં... સચિન શાહ કે પિતાજી કી...’ નંબર ડાયલ કરતાં મુસ્તાકે સચિન સામે જોયું, ‘અરે, તું તો ૧૨ વર્ષનો હતો ત્યાં જ તારો બાપ મરી ગયો કેમ? ચાલ, તારી માને ફોન કરીએ. તે આમ પણ ઘરમાં એકલી હશે.પેલો મહારાજ છે કે પછી તે ગયો?’

સચિન સીધો મુસ્તાકના પગમાં આવ્યો અને તેની પાછળ રોમેશ પણ મુસ્તાકના પગમાં ઢોળાઈ ગયો.

‘એક વીક. ના કમ, ના ઝ્યાદા.’ પગ પાસે બેઠેલા ભાઈબંધની ખોપરી પર બંદૂક મૂકીને મુસ્તાકે અબ્દુલને કહ્યું, ‘એક વીક. એક કરોડ. જ્યાંથી લઈ આવવા હોય, જેની પાસેથી માગવા હોય, લોન લેવી હોય... એક કરોડ મને અહીં, મારા ટેબલ પર જોઈએ.’

lll

‘રોમેશ, સામે જો.’

‘શું છે?’ રોમેશે ગુસ્સા સાથે અબ્દુલને કહ્યું, ‘નથી જોવું મારે ક્યાંય...’

‘અરે જોને.’ અબ્દુલની નજર હજી પણ એક જગ્યા પર ચોંટેલી હતી, ‘જલદી જો...’

રોમેશે પરાણે એ દિશામાં નજર કરી. સ્ટારબક્સનું કૉફીપાર્લર હતું. અબ્દુલની નજર હજી પણ એ જ દિશામાં હતી. જાણે કે રોમેશની નજર ક્યાં છે એ સમજી ગયો હોય એમ અબ્દુલે હોઠ ફફડાવ્યા.

‘એ જ દિશામાં જોવાનું છે. નજર ફેરવ્યા વિના હવે ડાબી બાજુએ બુકસ્ટોર તરફ જો... ત્યાં વ્હીલચૅરમાં એક લેડી દેખાશે.’ અબ્દુલે સચિનનું ધ્યાન પણ એ દિશામાં વાળ્યું, ‘સચિન, તું પણ ફટાફટ જો એ બાજુએ.’

સચિને એ દિશામાં નજર કરી અને રોમેશે વ્હીલચૅર પર આંખો સ્ટોર કરી.

lll

‘અરે ના રે. મને શું જરૂર પડવાની?’ હસુમતીએ ધીમેકથી કહ્યું, ‘આ વ્હીલચૅરની પણ મને ક્યાં જરૂર છે? તમે લોકો થોડી વધારે પડતી ચિંતા કરો છો.’

‘મમ્મી, તું છેલ્લા બે દિવસથી સતત ટ્રાવેલ કરે છે. ચિંતા તો થાયને?’

‘ચિંતા ને ચિતા એકસમાન, બન્નેમાં બળવાનું...’ હસુમતીના અવાજમાં વજન હતું, ‘ચિતામાં બળવાનું જ છે તો પછી ચિંતામાં શું કામ બળવું?’

‘સમજી ગઈ. હવે મારી વાત સાંભળ. મુંબઈમાં તને...’

‘જાગુ, મુંબઈ કે દેશની તારે વાત નથી કરવાની. તું લંડનમાં છો ને તારી જવાબદારી લંડન પૂરતી જ છે.’ હસુમતીએ આજુબાજુમાં જોઈ લીધું, ‘દેશમાં હું મારું ફોડી લઈશ.’

હસુમતીએ ફોન કટ કર્યો અને નિરાંતનો શ્વાસ લઈને આજુબાજુમાં નજર કરી.

દુબઈ-મુંબઈની ફ્લાઇટના બોર્ડિંગને હજી દોઢ કલાકની વાર હતી.

આ દોઢ કલાક તેમણે અહીં જ પસાર કરવાનો હતો.

હસુમતીએ ઇલેક્ટ્રિક વ્હીલચૅરનું બટન દબાવવા માટે ચૅરના ડાબા હાથા પર હાથ મૂક્યો કે ત્યાં જ પાછળથી અવાજ આવ્યો...

‘અરે રહેવા દો... તમારે જવું હોય ત્યાં હું લઈ જઉં.’

હસુમતીએ પાછળ ફરીને જોયું.

શાહરુખ ખાનની કાર્બન કૉપી કહી શકાય એવો અબ્દુલ હસુમતીની પીઠ પાછળ હતો. અબ્દુલના હાથ વ્હીલચૅરના હૅન્ડલ પર હતા.

‘તમે દુબઈ પહેલી વાર આવ્યા છો?’ અબ્દુલે વ્હીલચૅરને બુકશૉપ તરફ વાળતાં કહ્યું, ‘હું મહિનામાં ઓછામાં ઓછી બે વાર અહીં આવું એટલે મને ખબર છે કે ઍરપોર્ટ પર તમારો ટાઇમ ક્યાં પસાર થશે. ચાલો, લઈ જઉં...’

હસુમતીએ ચૂપચાપ વ્હીલચૅરની સાથે આગળ વધવાનું સ્વીકારી લીધું અને વ્હીલચૅર બુકશૉપમાં દાખલ થઈ.

lll

‘મારા મનમાં આઇડિયા છે.’

‘એક કરોડ ક્યાંથી આવશે એનો આઇડિયા છે?’

રોમેશે તેના મનની વાત કરી તો સચિને પોતાના મનમાં હતું એ કહી દીધું.

‘તારો આઇડિયા ગયો તેલ પીવા.’ સચિન હજી પણ રાતની ઘટનામાં જ અટવાયેલો હતો, ‘તને ના પાડી હતી કે હવે કવર કરવા નથી જવું, પણ તું મારી વાત માન્યો નહીં ને હવે અમને બધાને ધંધે લગાડી દીધા.’

‘બસ યાર...’

અબ્દુલને ગુસ્સો આવતો હતો. જોકે ગુસ્સા વચ્ચે પણ તેણે પેલી લેડી પરથી નજર હટાવી નહોતી.

‘જલદી બોલો. એક કરોડના બોજમાંથી બહાર આવવું છેને?’

‘ઑબ્વિયસલી, આવવું જ હોયને...’ જવાબ રોમેશે આપ્યો અને ચોખવટ પણ કરી દીધી, ‘જે કરવાનું હોય એ કહે... અમે રેડી છીએ.’

‘મારું લગેજ જોઈ લેજો.’ અબ્દુલ ઊભો થયો, ‘આપણે મુંબઈ ઍરપોર્ટ પર મળીએ છીએ.

‘પછી?’ સચિને મનમાં આવેલી શંકા પણ કહી દીધી, ‘રોમેશ, આ ભાગી જશે ને આપણે મરી જઈશું.’

‘સાચે જ બેય જણ ડોબા છો. તમને ભાન છે કે મુસ્તાકને મારા ઘરથી માંડીને મારી ફૅમિલી બધાની ખબર છે. એમાં હું ભાગીને શું કરવાનો?’

‘તો તારા મનમાં શું છે?’

‘પેલી લેડીને જોઈને?’ અબ્દુલે ફરી વ્હીલચૅર પર નજર કરી, ‘એ લેડીના બૉડી પર ઑર્નામેન્ટ્સ જુઓ. ઓછામાં ઓછા પચાસ લાખના દાગીના હશે.’

‘તારો બાપ બીજા પચાસ લાખ ક્યાં જશે?’

‘એક કરોડ...’ અબ્દુલના ફેસ પર સ્મિત હતું, ‘એક કરોડ આ લેડીનાં સગાં આપશે. આ લેડીને આપણે કિડનૅપ કરીએ છીએ.’

(ક્રમશ:)

columnists gujarati mid day Rashmin Shah mumbai exclusive