બા, બાબલો ને બૅન્ક - બોલે તો કિસ્સા રૉબરી કા (પ્રકરણ ૩)

07 January, 2026 02:58 PM IST  |  Mumbai | Rashmin Shah

સાડાચાર મિનિટમાં કામ પૂરું થયું અને લૉકર ૧૦૮માંથી મુસ્તાકે રાખેલા ડૉક્યુમેન્ટ્સ લઈને જેવી ટીમ સુરંગમાં પાછી ફરી, જીતનો ઑલમોસ્ટ મૂડ બની ગયો હતો અને કામ પૂરું થવા આવ્યું હતું પણ જેવો સુરંગમાં અબ્દુલે પગ મૂક્યો કે અચાનક જમીન ધ્રૂજવા લાગી

ઇલસ્ટ્રેશન

મધરાતના ત્રણ વાગ્યા હતા.

કાંદિવલીના ઠાકુર કૉમ્પ્લેક્સમાં જાણે કુદરતે સન્નાટો પાથરી દીધો હતો, પણ ‘શ્રીજી ફરસાણ માર્ટ’ના લોખંડના શટર પાછળ શ્વાસ અધ્ધર કરી દેનારી હિલચાલ ચાલી ચાલુ હતી. દુકાનની બહાર ભલે ભક્તિભાવનાં ભજનો ધીમા અવાજે વાગતાં હોય પણ દુકાનની નીચે બનેલી સુરંગમાં અબ્દુલ, સચિન અને રોમેશ પોતાની જિંદગીની સૌથી

મોટી અને ખતરનાક પરીક્ષા આપી રહ્યા હતા.

બા દુકાનમાં ખુરસી પર બેઠાં હતાં. તેમના એક હાથમાં વૉકી-ટૉકી અને બીજા હાથમાં પિત્તળની મૂઠવાળી લાકડી હતી. બાની આંખો સ્થિર હતી. તેમને ખબર હતી કે આ ત્રણ બાબલાઓ ગમેતેટલા ડરપોક હોય, ફટ્ટુ હોય; પણ તેમની મજબૂરી તેમને આ કામ પૂરું કરવા મજબૂર કરશે. સુરંગ હવે બૅન્કની મુખ્ય દીવાલ સુધી પહોંચી ગઈ હતી.

અબ્દુલે દીવાલ પર એક અલ્ટ્રાસૉનિક સેન્સર લગાવ્યું અને વૉકી-ટૉકી હાથમાં લીધું.

‘દીવાલ પર જેવું કાણું પડશે કે તરત ‘વજ્ર ૧.૦’ સિક્યૉરિટી સિસ્ટમ ઍક્ટિવેટ થઈ શકે છે. એ ઍક્ટિવેટ થશે એટલે બધા ડિપાર્ટમેન્ટને ખબર પડી જશે.’

ખૂબ જ ધીમા અવાજે અબ્દુલે વૉકી-ટૉકીમાં બાને કહ્યું. વાતની સાથોસાથ અબ્દુલની આંગળીઓ લૅપટૉપ પર વીજળીની ઝડપે

ફરતી હતી.

lll

ખરરર...

જેવું સચિને દીવાલમાં નાનું કાણું પાડ્યું અને ડ્રિલ મશીન બાજુ પર મૂક્યું કે તરત અબ્દુલ પોતાના

કામે લાગ્યો.

દીવાલ પર પાડવામાં આવેલા એ નાનકડા હોલમાં અબ્દુલે ફાઇવ-જી ફાઇબર-ઑપ્ટિક કૅમેરા દાખલ કર્યો. આ કૅમેરાનો બીજો છેડો લૅપટૉપ સાથે જોડાયેલો હતો. કૅમેરા અંદર જતાં જ એણે બૅન્કની અંદરના ભાગને લૅપટૉપની સ્ક્રીન પર દેખાડવાનું શરૂ કર્યું અને એ દૃશ્ય જોતાં જ અબ્દુલ, રોમેશ અને સચિનના મોતિયા

મરી ગયા.

લૉકરના મુખ્ય રૂમમાં લાલ રંગનાં અસંખ્ય લેઝર કિરણોની જાળ બિછાવેલી હતી, એ જાળે કોઈ ભૂમિતિની અઘરી આકૃતિ હોય એવું દૃશ્ય ઊભું કર્યું હતું.

‘અરે, આ લેઝર ગ્રિડ તો મારા જૂના સૉફ્ટવેર અપડેટમાં નહોતી!’

અબ્દુલનો અવાજ ફાટી ગયો.

‘તો આવી ક્યાંથી?’ સચિને સવાલ કર્યો, ‘તારી કંઈક ભૂલ થતી હશે.’

‘ના, મારી કોઈ ભૂલ નથી. હું સાચું કહું છું, મેં આ ગ્રિડ ડેવલપ નથી કરી. મારા ગયા પછી આ કામ થયું છે.’

અબ્દુલનું અનુમાન સાચું હતું. તેના કંપની છોડ્યા પછી બૅન્કના નવા IT ડિપાર્ટમેન્ટે ખાનગી રાહે સિક્યૉરિટીમાં વધારો કર્યો હતો. આ લેઝર કિરણો નરી આંખે જોઈ શકાતાં નથી, પણ કૅમેરામાં એ લાલ લીટા જેવા દેખાતા હતા. જો આ એક પણ કિરણ કપાય તો આખી

બૅન્ક સીલ થઈ જાય અને પોલીસ કન્ટ્રોલ રૂમમાં સીધી અલાર્મ વાગે.

અબ્દુલે પરસેવો લૂછતાં લૅપટૉપમાં કોડિંગ બદલ્યું. તે ધ્રૂજતા હાથે પ્રોગ્રામિંગ કરી રહ્યો હતો અને સાથોસાથ બા સાથે વાત પણ કરતો હતો.

‘બા, મારે આ સિસ્ટમને પાંચ મિનિટ માટે લૂપમાં નાખવી પડશે.’

‘એનાથી શું થશે બાબલા?’

‘સિસ્ટમ લૂપમાં જશે એટલે એને લાગશે કે બધું બરાબર છે, પણ હકીકતમાં એ પાંચ મિનિટ માટે બ્લાઇન્ડ થઈ જશે. આ પાંચ મિનિટમાં આપણા આખા પ્લાનની લાઇફ છે. આ પાંચ મિનિટમાં આપણે અંદર જઈને લૉકર ૧૦૮ ખોલવું પડશે.’

ખટ...

અબ્દુલે એન્ટર કી દબાવી અને લેઝર કિરણો હવામાં ઓગળી ગયાં કે તરત ત્રણેય સાંકડી જગ્યામાંથી તિજોરીના ઠંડા રૂમમાં સરકી ગયાં. તેમને ખબર નહોતી કે અંદર દાખલ થયા પછી તેમના જીવનમાં કેવો મોટો વળાંક આવવાનો છે.

lll

સુરંગમાંથી બૅન્કમાં ઘૂસ્યા પછી રોમેશ સીધો લૉકર સેક્શન તરફ વળ્યો. તેનો પ્લાન બાના આદેશ મુજબ લૉકર ૧૦૮ શોધવાનો હતો, પણ તેની નજર સતત લૉકર-નંબર ૪૨૦ને પણ શોધતી હતી. આ એ જ લૉકર હતું જેમાં તેના પિતાએ વર્ષોની મહેનતની કમાણી અને ફૅમિલીનાં ઘરેણાં રાખ્યાં હતાં. રોમેશના મનમાં વાત સ્પષ્ટ હતી કે જો તે અત્યારે આ તકનો લાભ નહીં લે અને પપ્પાનું લૉકર પણ ખાલી નહીં કરે તો તે પોતાની જાતને ક્યારેય માફ નહીં કરી શકે.

રોમેશ જ્યારે લૉકર ૪૨૦ પાસે પહોંચ્યો ત્યારે તેણે જોયું કે એ લૉકર પહેલેથી જ અધખુલ્લું હતું. તેને આશ્ચર્ય થયું. તેણે ધ્રૂજતા હાથે લૉકર ખોલ્યું. અંદર કોઈ શૅર કે સોનું કે હીરા નહોતા, માત્ર એક સફેદ કાગળની ચિઠ્ઠી હતી. રોમેશે ચિઠ્ઠી ખોલી. એ ચિઠ્ઠીમાં અક્ષર તેના પપ્પાના હતા. પપ્પાએ લખ્યું હતું.

‘રોમેશ, મને ખબર છે કે તને સટ્ટાની લત લાગી છે. મને એ પણ ખબર છે કે તું કયા રસ્તે ચડી ગયો છે. આ લૉકરમાં મેં તારા માટે જે સોનું રાખ્યું હતું એ મેં ગઈ કાલે જ વેચીને તારી ઉધારી ચૂકવી દીધી છે જેથી તું નિરાંતે અને ટેન્શન વિના જીવી શકે. મને વિશ્વાસ છે કે તું એક દિવસ સુધરીશ અને મારી પાસે પાછો આવીશ. દીકરા, એક વાત યાદ રાખજે, ભૂલ માણસથી થાય પણ ગુનેગાર એ છે જે ભૂલ સુધારતો નથી.’

રોમેશની આંખોમાં આંસુ આવી ગયાં. જે પિતાના પૈસા બચાવવા તે આગળ વધતો હતો એ જ પિતાએ તેને અગાઉથી બચાવી લીધો હતો. રોમેશને પોતાની જાત માટે નફરત થવા માંડી હતી. અત્યાર સુધી પોતે કરેલાં તમામ કામો માટે તેને જાત પર ગુસ્સો આવવા માંડ્યો હતો. રોમેશના હાથ-પગમાં ખાલી ચડી ગઈ હતી. જે બાપ કહેતો હતો કે બેટા, માણસથી ભૂલ એક વાર થાય અને તે... તે અત્યારે એવી ભયાનક ભૂલ કરવાની દિશામાં હતો જેમાં પકડાયા પછી દુનિયા આખી થૂ-થૂ કરે.

રોમેશ કંઈ સમજે એ પહેલાં

જ તેના વૉકી-ટૉકી પર બાનો

અવાજ આવ્યો.

‘રોમેશ! શું કરે છે? સમય ઓછો છે. લૉકર ૧૦૮ ખોલ અને કાગળો લે!’

રોમેશે પોતાની આંખો લૂછી અને ફરજ સમજીને લૉકર ૧૦૮ તરફ દોડ્યો.

lll

નક્કી કર્યા મુજબ સચિને બૅન્કના મૅનેજરના કૉસ્ચ્યુમમાં બૅન્કમાં દાખલ થવાનું હતું.

‘બા, એવું કેમ?’

‘ઘણી વાર સિક્યૉરિટી ગાર્ડ બૅન્કમાં સરપ્રાઇઝ રાઉન્ડમાં આવતા હોય છે.’ બાએ સમજાવ્યું, ‘ધાર કે એ રાતે પણ ગાર્ડ બૅન્કમાં રાઉન્ડ મારવા આવે તો તું મૅનેજર બનીને તેને સાચવી લે...’

કહે છેને, જે ઇચ્છતા ન હો એ ક્યારેય જિહ્‍વા પર આવવા ન દેવું. મનમાં વાસ કરતા ઠાકોરજી ક્યારેક તથાસ્તુ કહીને શબ્દો સાચા પાડી દે.

એ રાતે એવું જ થયું, જેવું બા બોલ્યાં હતાં.

lll

બૅન્કમાં અંદર કાંડ ચાલુ હતો ત્યારે બૅન્કના મેઇન ગેટ પર પોલીસ સાથે બૅન્ક-મૅનેજર શર્મા બૅન્ક પર આવ્યા હતા.

‘વૈસે તો ઐસી ગલતી ના હો પર આજ મુઝે લગતા હૈ કિ શાયદ AC યુનિટ ચાલુ રહ ગયા હૈ.’

‘વાંધો નહીં.’ પોલીસ-ઇન્સ્પેક્ટરે કહ્યું, ‘તમે જઈને બંધ કરી દો, અમે બહાર ઊભા છીએ.’

ખટાક...

બૅન્કનું લૉકર ખૂલ્યું અને એ જ વખતે સચિન મૅનેજરની ચેમ્બરમાંથી બહાર નીકળતો હતો. અનાયાસ જ સચિન અને શર્મા બન્ને આમનેસામને આવી ગયા.

શર્માજી સ્તબ્ધ થઈ ગયા.

‘તમે કોણ? આ મારો જેવો જ સૂટ કેમ પહેર્યો છે?’

સચિનના હોશ ઊડી ગયા, પણ અગેઇન તેણે પોતાનું ઍક્ટિંગ કૌશલ્ય વાપર્યું અને છાતી પકડી અને ફર્શ પર બેસી ગયો.

‘શર્માજી... હું હેડ ઑફિસથી ઑડિટમાં આવ્યો છું. મને અટૅક આવ્યો છે. પ્લીઝ, પાણી... પાણી...’

સચિને એટલી જબરદસ્ત ઍક્ટિંગ કરી હતી કે મૅનેજર સાચે જ પાણી લેવા સ્ટોર રૂમ તરફ ભાગ્યો. તકનો લાભ લઈ સચિને પાછળથી સ્ટોર રૂમનો દરવાજો બંધ કરી બહારથી લૉક મારી દીધું. જોકે આ દોડાદોડી વચ્ચે સચિનના ખિસ્સામાંથી ‘શ્રીજી ફરસાણ માર્ટ’નું વિઝિટિંગ કાર્ડ નીચે પડી ગયું, જેની તેને ખબર નહોતી.

શ્રીજી ફરસાણનું આ કાર્ડ હવે પોલીસ માટે પુરાવો બનવાનું હતું.

સચિન ત્યાંથી ભાગ્યો કે તરત જ તેને પીઠ પાછળ સ્ટોર રૂમમાંથી ઠોકવામાં આવતો અવાજ સંભળાયો.

ઠક... ઠક... ઠક...

થૅન્ક ગૉડ કે સ્ટોર રૂમ મેઇન ડોરથી દૂર હતો અને એ અવાજ બહાર સુધી પહોંચવાની સંભાવના નહીંવત હતી. જો એ અવાજ મેઇન ડોર સુધી પહોંચી ગયો હોત તો ત્રણેય બાબલાઓની ગેમ ત્યાં જ પૂરી થઈ ગઈ હોત.

lll

સાડાચાર મિનિટમાં કામ પૂરું થયું અને લૉકર ૧૦૮માંથી મુસ્તાકે રાખેલા ડૉક્યુમેન્ટ્સ લઈને જેવી ટીમ સુરંગમાં પાછી ફરી, જીતનો ઑલમોસ્ટ મૂડ બની ગયો હતો અને કામ પૂરું થવા આવ્યું હતું પણ જેવો સુરંગમાં અબ્દુલે પગ મૂક્યો કે અચાનક જમીન ધ્રૂજવા લાગી. મ્યુનિસિપાલટીની પાણીની જે પાઇપલાઇન પહેલાં નડતરરૂપ હતી એમાં રાતે ત્રણ વાગ્યે વૉટર-સપ્લાય શરૂ થતી, જેની ટીમને ખબર નહોતી તો ટીમને એ પણ ખબર નહોતી કે સુરંગ બનાવતી વખતે એ પાઇપલાઇન પર પણ ટોચા લાગ્યા છે અને લાઇનમાં ક્રૅક ઊભી થઈ છે.

પાણી પસાર શરૂ થવાને કારણે લાઇનમાં પ્રેશર અચાનક વધી ગયું. ડ્રિલિંગના લીધે પાઇપલાઇન નબળી પડી હતી, હવે એનાથી દબાણ સહન થઈ શકે એમ નહોતું અને જોરદાર ધમાકા સાથે પાઇપલાઇન ફાટી.

અઢાર ઇંચનો વ્યાસ ધરાવતી પાઇપલાઇનમાંથી છૂટેલા પાણીને લીધે સેકન્ડોમાં જ સાંકડી સુરંગમાં ઠંડું પાણી ઘૂસવા લાગ્યું. અબ્દુલનું લૅપટૉપ પાણીમાં ડૂબી ગયું અને એને લીધે સિક્યૉરિટી હૅકિંગ બંધ થયું અને જેવો સિક્યૉરિટી હૅક બંધ થયો કે બીજી જ સેકન્ડે બૅન્કની મેઇન સાયરન સિસ્ટમ જીવંત થઈ.

વોંઓઓઓ... વોંઓઓઓ..

નીકળવાનો રસ્તો બંધ અને બૅન્કમાંથી આવતા સાયરનનો અવાજ.

બહાર ઊભેલા પોલીસને આ ખતરો સૂંઘવામાં વધારે વાર લાગી નહીં.

ઢિચ્યાંઉ... ઢિચ્યાંઉ...

શરૂ થયેલા ગોળીબારથી આખો ઠાકુર કૉમ્પ્લેક્સ એરિયા જાગી ગયો.

lll

‘બા! અમે ફસાઈ ગયા! સુરંગમાં ગળા સુધી પાણી સુધી છે અને બહાર સાયરન શરૂ થઈ ગયાં છે!’

અબ્દુલે ભયભીત થઈને વૉકી-ટૉકી પર બૂમ પાડી.

લાઇટ માટે સુરંગમાં મૂકી રાખેલા મોબાઇલ પણ પાણીના કારણે હવે બંધ થઈ ગયા હતા અને આખી સુરંગ કાળી કબર બની ગઈ હતી.

બા ઉપરથી જરા પણ વિચલિત થયા વિના શાંતિથી બોલ્યાં,

‘બાબલાવ, ગભરાશો નહીં. મારી વાત સાંભળો. સુરંગના મોઢા પાસે મેં પ્લાસ્ટિકનાં ખાલી મોટાં ડ્રમ રાખ્યાં છે. ત્રણેય જણ એ ડ્રમમાં બેસી એનું ઢાંકણું બંધ કરો. પાણીનું પ્રેશર વધશે એટલે એ ડ્રમ તમને જાતે જ સુરંગમાંથી બહાર ફેંકશે.’ બાનો પ્લાન ક્લિયર હતો, ‘હું અહીં રસ્તો સાફ કરું છું. પોલીસ ઑલરેડી બહાર છે. કદાચ એ બૅક-અપ મગાવશે, પણ તમે ટાઇમ વેડફ્યા વિના જલદી ડ્રમમાં બેસી જાઓ.’

બાએ કહી તો દીધું, પણ હકીકત એક જ હતી, ત્રણેય બાબલાઓ હવે મોતના મુખમાં હતા.

એક તરફ સુરંગમાં ભરાતું પાણી, બીજી તરફ બૅન્કના સાયરન અને ત્રીજી તરફ મુસ્તાકના ડોક્યુમેન્ટ્સ સાચવવાની જવાબદારી. રોમેશના એક હાથમાં તેના પપ્પાનો લેટર હતો, જે ભીનો થતો હતો. રોમેશ એને જિંદગીભર પોતાની સાથે રાખવા માગતો હતો પણ અત્યારે તો આ ખોળિયું જિંદગી પૂરી કરશે કે કેમ એના પર પણ મસમોટી શંકા હતી.

(ક્રમશ:)

columnists exclusive gujarati mid day Rashmin Shah