કથા-સપ્તાહ : આનંદ (ભાઈ-ભાઈ.... - 4)

14 March, 2019 11:09 AM IST  |  | સમિત પૂર્વેશ શ્રોફ

કથા-સપ્તાહ : આનંદ (ભાઈ-ભાઈ.... - 4)

આનંદ

ભાઈ-ભાઈ.....

‘અમિત, એ ધમકી નહોતી...

આનંદની એક્ઝિટ લાઇનમાં મને તો વ્યથા જ દેખાઈ...’

શ્રાવણી સહેજ હાંફી ગઈ. કાદંબરી સ્તબ્ધ હતાં. અમિત ધૂંધવાતો હતો - હું જેને પણ ચાહું તે બધાને આનંદની પણ કેમ એટલી જ ફિકર હોય છે?

શોરૂમમાં આનંદનું આગમન ઓચિંતું, વણકલ્પ્યું હતું. એકબીજાની હદમાં ન જવાની વણલખી શરત અમે દુ:ખના પ્રસંગો સિવાય અચૂક પાળી છે. એનું ઉલ્લંઘન કરવાનો શો અર્થ? આવતાં જ તે શ્રાવણીને મળ્યો, તેની સાથે હસીને વાત કરતો આદમી કોઈ ઍન્ગલથી દુ:ખી જણાતો નથી. આખરે તેનો ઇરાદો શું છે? પેલે દહાડે બ્લડ ડોનેશનના બહાને હૉસ્પિટલ પહોંચી ગયો, આજે શોરૂમ પર આવી પહોંચ્યો - ક્યાંક તે શ્રાવણીની પાછળ તો નથી પડ્યોને! ના, હું શ્રાવણીને ચાહું છું એ જાણીને તો આનંદ મને ઓવરટેક કરવાની ગુસ્તાખી ન કરે, પણ અમારા રિશ્તા વિશે હજી સત્તાવાર જાહેરાત ક્યાં થઈ છે? એ હિસાબે અમારા રિશ્તાથી અજાણ આનંદ શ્રાવણીથી મોહિત નથી થયોને? ગૉડ, મારા સ્વજનોમાં જ કેમ એ ભાગ પડાવવા દોડ્યો આવે છે?

આના ગુસ્સામાં પોતે તેને ઝાટકી કાઢેલો. શ્રાવણીને મળવા આવ્યો હોવાનું કબૂલાય નહીં એટલે તેણે કશુંક માગવા આવ્યો છુંનું બહાનું ઊપજાવ્યું ને જતાં જતાં કેવું બોલી ગયો - આજે મને નકારવા બદલ તું પસ્તાઈશ!

ખુલ્લા શબ્દોની ધમકીને શ્રાવણી ધમકી ગણવા નથી માગતી, જસ્ટ બિકૉઝ એ આનંદે કહી એટલે?

અમિતના સ્વરમાં ઉગ્રતા ભળી, ‘આનંદ તારો શું સગલો થાય છે કે તું તેની આટલી તરફદારી કરે છે?’

શ્રાવણી સહેમી ઊઠી. બપોરે આનંદના ગયા બાદ પોતે દલીલ કરવાને બદલે અમિતને તેની કેબિનમાં દોરી જઈ બીજી બાબતોમાં પરોવી દીધેલો, પણ રાત્રે ડિનર પછી બંગલે આવી કાદંબરીમાને બ્રીફ કરવાં જરૂરી લાગ્યાં. તેમની જ હાજરીમાં અમિતને ટટોલવાનો પ્રયાસ આદરતાં તે આ શું કહી ગયા! કાદંબરી પણ દીકરાના રૌદ્રરૂપે ફફડી ગયાં.

‘પપ્પા ગયા, બે ઘર વચ્ચેની સામાન્ય ધરી તૂટી, પછી એને એક કરવાની મથામણ શું કામ? ઠીક છે, મારી માએ સંબંધ સ્વીકાર્યો, મારા પિતાએ બે સંસાર વચ્ચે સમતોલન સાધ્યું, દેવયાનીમાના ગુણનોય ઇનકાર નહીં... પણ આનંદના પ્રવેશે મારા પિતાનું પિતૃત્વ વહેંચાયું. વધારે કંઈ જ વહેંચવાની મારી શક્તિ નથી. મેં મમ્મીને પણ કહ્યું હતું, એમ તને પણ આનંદની ફિકર વધુ હોય, શ્રાવણી, તો તારા વિશ્વમાં હું નહીં હોઉં.’

ધબ દઈને બેસી પડી શ્રાવણી. ઘણું કહી શકાત, પણ દલીલ વ્યર્થ હતી. પિતા વહેંચનારો અમિત દેવયાનીના અંતે સ્મશાનમાં માતા વહેંચવાની શક્યતાએ એવો તો અસલામત બન્યો કે આનંદ બાબત પોતાના ફરતે દીવાલ ચણી દીધી છે. એ કિલ્લેબંધીને તોડવા જતાં સંબંધ તૂટવાની શક્યતા વધુ છે!

‘આઇ હૉપ ધ મૅટર ક્લોઝીઝ હિયર.’

અમિત સડસડાટ હૉલમાંથી નીકળી ગયો, બે સ્ત્રીઓ વચ્ચે છવાયેલી સ્તબ્ધતા ખાસ્સી વારે તૂટી.

‘અમિતની જીદનો પરચો તને મળી ગયો, શ્રાવણી, પણ આ બધામાં મૂળ મુદ્દો વીસરાય છે. આખરે આનંદ માગવા શું આવ્યો હતો?’

‘આ વિશે તો મેં વિચાર્યું જ નથી મા.’

‘તેને જ પૂછી લઈએ,’ કાદંબરીએ ફોન જોડ્યો, ‘આટલું પૂછવામાં અમિત નારાજ નહીં થાય...’

***

કાદંબરીમા કૉલિંગ.

આનંદે રિંગ વાગવા દીધી. અમિતે કરેલું અપમાન ક્યાંય સુધી ભુલાયું નહોતું. તેને મારા પર ગુસ્સો છે, જાણું છું, સમજું છું, પણ જ્યારે સામે ચાલીને તેની પાસે કશુંક માગવા ગયો હોઉં ત્યારે એ વિશે જાણવાની પણ તમા રાખ્યા વિના ગેટ આઉટ કરી દે એવું તો કોઈ ભિખારી સાથે પણ નહીં કરે!

અમિતને ત્યાંથી પોતાના શોરૂમ પર જવાને બદલે આનંદ ઘરે આવી જાતને પીંજતો રહેલો. બોન મૅરો માટે મારે અમિતની સાડીબારી રાખવાની ક્યાં જરૂર છે! તે બડે ખાં હોય તો તેના ઘરનો. આજ સુધી મેં તેનું માન રાખ્યું છે. મારી માના અંતિમ સંસ્કાર સમયે હું કાદંબરીમાને વળગી રડી પડ્યો ત્યારે તેણે કરેલો વાણીવિલાસ ભૂલીને મેં તેની ખેવના કરી છે. ડેડીના ગયા પછી પણ બે ભાઈઓ વચ્ચે સંપ કેમ થાય એ વિચાર્યું છે, પણ અમિત માટે એમાંનું કંઈ જ ગણતરીમાં ન હોય તો મારેય બહુ થયું.

આક્રોશ ગાઢો થતો હતો ત્યાં માનું વાક્ય ગુંજ્યું - ભાઈ-ભાઈ ઝઘડે નહીં

હોં બેટા!

આનંદની એક કમજોરી હતી. તેની રીસ વધુ ટકતી નહીં. માના વાક્યે તેણે રોષ, રીસ વાળવાનાં કારણ ખોળી કાઢ્યાં - શક્ય છે હું ખોટા વખતે શોરૂમ પહોંચ્યો હોઉં. અમિત બીજા જ કોઈ કારણે મૂડલેસ હોય એમાં મને ભાળી પિત્તો ગુમાવ્યો હોય... શ્રાવણી સાથે તેનો સંબંધ હોવાનું કળાયું; શક્ય છે, મને તેની સાથે વાત કરતો ભાળી તેનું દિમાગ હટ્યું હોય! બની શકે, મારી આજની એક્ઝિટ લાઇન તેને સમજાય, એમાં રહેલી વ્યથા પરખાય ને તે સામેથી મારો સંપર્ક કરે પણ ખરો!

અમિતને બદલે માનો ફોન ભાળી રોકાઈ જવું પડ્યું. કાદંબરીમા પૂછશે તો શું કહેવું? અમિતનો ફોન હોય તો માલૂમ પડત કે તેનો ગુસ્સો ઊતર્યો છે ને તો બોન મૅરોની વાત મૂકી શકત... પણ માને કહેવામાં જોખમ છે. ધારો કે અમિત તેની રક્તની બુંદ ન દેવાની જીદ પર કાયમ રહ્યો તો તો મા-દીકરા વચ્ચે અંટશ સર્જાઈ જાય... એવું તો કેમ થવા દેવાય! માને અંધારામાં ન રાખવાં જોઈએ, પણ બીજો ઉપાય પણ નથી!

ફરી રિંગ વાગી ત્યારે કૉલ લેવો પડ્યો.

‘આનંદ, મારો ફોન લેવા તારે વિચારવું પડ્યું?’

‘નહીં મા, જરા મૂંઝવણમાં હતો એટલે વાર થઈ.’

‘મારે તારી મૂંઝવણ વિશે જાણવું છે બેટા. અત્યારે હું અરવિંદની જગ્યાએ છું ને બે દીકરા વચ્ચે મારે સંતુલન રાખવાનું છે. બોલ, અમિત પાસે તું શું માગવા ગયેલો?’

‘માર્ગદર્શન’ આનંદે ઠાવકાઈથી કહ્યું, ‘એ બધું સૉર્ટઆઉટ થઈ ગયું છે મા, તમે બોધર ન કરતાં.’

તેણે કહ્યું, માન્યા સિવાય છૂટકો ક્યાં હતો!

***

‘આનંદ સ્વમાની છે, શ્રાવણી. રૂપિયાપૈસા માટે અરવિંદનો દીકરો હાથ ન ફેલાવે... વ્યાપારમાં બીજું શું કામ હોય?’ શ્રાવણીને વિગતો કહી કાદંબરીએ ઉમેર્યું, ‘મને કેમ લાગે છે કે આપણે બીજી કોઈક રીતે વાતનો તાગ પામવો જોઈએ?’

થનારાં સાસુ-વહુ આનંદ વિશે વિચારતાં હતાં ને તેમને દૂરથી નિહાળતા અમિતના ચિત્તમાં જુદો જ પડઘો ઊઠતો હતો. મા-શ્રાવણીને હજુ આનંદની દરકાર! બહુ થયું. જેના માટે આટલી હમદર્દી છે એ શખસ તેમની નજરમાંથી હંમેશ માટે ઊતરી જાય એવું જ કંઈક હવે કરવું રહ્યું!

સૉરી, આનંદ, બટ એવરીથિંગ ઇઝ ફૅર ઇન લવ. મા-શ્રાવણીનું વહાલ તારી સાથે નહીં વહેંચવા હું કંઈ પણ કરવાનો, જોઈ લે!

***

‘સો મિસ લીલી, યુ ગૉટ ધ જૉબ?’

અઠવાડિયા પછીની વાત.

‘કશુંક માગવા’ આવેલો આનંદ ફરી દેખાયો નથી. તેની માગનો તાગ મેળવવા માગતાં મા-શ્રાવણીમાંથી શ્રાવણીને બીજે દહાડે મોઘમ સમજાવી દીધેલું - હોળાષ્ટક ઊતરતાં મા તારા ઘરે કહેણ મૂકવાની છે. હું એટલું જ ઇચ્છું છું કે આપણા જીવનના મહામૂલા સમયગાળામાં કોઈ જાતની કડવાશ ન પ્રસરે - આનંદને કારણે તો નહીં જ.

આટલું સાંભળ્યા પછી મને-કમને શ્રાવણીએ કાદંબરીમાને પણ મનાવી લીધાં છે - થોડા દિવસ ખમી જઈએ. આપણી હરકતથી અમિત છંછેડાશે. તે આપણાથી વધુ નારાજ નહીં રહી શકે, પણ આનંદથી વધુ દૂર થઈ જશે એ જોખમ લેવા જેવું નથી!

બસ, આ ‘થોડા દિવસ’માં પોતે આનંદ વિરુદ્ધ રમત રમી લેવાની છે... એમાં આ મિસ લિલિયન હુકમનું પત્તું પુરવાર થવાની! લિલિયનને નિહાળતાં અમિતના હોઠો પર ગમતીલી મુસ્કાન ફરી વળી.

‘આઇ ગૉટ ઇટ’ લીલી એ સિગારેટ સળગાવી, કશ લઈ ધુમાડો હવામાં ફંગોળ્યો, ‘તમારું કામ થઈ જશે.’

વીખરાતી ધૂમ્રસેરમાં અમિતની નજર સામે કલ્પનાચિત્ર ઊપસ્યું-

જુહુ સર્કલ પર આવેલો આનંદનો શોરૂમ. રાત્રે નવનો સુમાર. ત્રણ માળનો ભવ્ય શોરૂમ બંધ થવાની તૈયારીમાં છે, અડધાં શટર પડી ચૂક્યાં છે. કર્મચારીગણ સ્ટૉકની ગણતરીમાં પરોવાયો છે, મુખ્ય કાઉન્ટર પરના હિસાબનીશોએ દિવસભરનાં ટ્રાન્ઝૅક્શનનો હવાલો પહેલા માળે શેઠસાહેબની કૅબિનમાં બિરાજતા આનંદને દેવાનો હોય છે. દરમ્યાન રડ્યાખડ્યા ગ્રાહકોને ફટાફટ નીપટાવવાની ઉતાવળની વચ્ચે મિસ લીલીનું પેમેન્ટ અટવાયું છે. મૅડમ પાસે કૅશ છે નહીં, કાર્ડ ચાલતું નથી અને ખરીદી ત્રણેક લાખની...

‘હું તમારા શેઠને મળી કોઈ રસ્તો કાઢું છું.’ કહી મૅડમ લિફ્ટમાં પહેલા માળે જઈ આનંદની કૅબિનમાં પ્રવેશે છે...

...અને ત્રીજી મિનિટે લીલીની ચીસો લાકડાની કૅબિનની પાતળી દીવાલોમાંથી આખા સ્ટોરમાં ફરી વળે છે - બચાવો... આ બદમાશ મારી આબરૂ પર હાથ નાખે છે!

બસ, પછી ટોળું, લીલીની અસ્તવ્યસ્ત હાલત, બળજબરીનો આક્ષેપ અને આનંદ ગુનેગાર!

લૉક-અપમાં ધક્કો ખાઈ દાખલ થતાં આનંદના દૃશ્ય સાથે કલ્પનામાં દોડતી ફિલ્મ ફ્રીઝ થઈ, અમિતે પૈસા વસૂલ જેવી સંતુષ્ટિ અનુભવી.

ઘણા વિકલ્પો વિચાર્યા બાદ આનંદની બદનામીનો ઉકેલ અનુકૂળ લાગ્યો હતો. સ્ત્રીની આબરૂ પર હાથ નાખનાર પ્રત્યે શ્રાવણીને સહાનુભૂતિ નહીં રહે, મા આનંદની તરફેણની સ્થિતિમાં નહીં રહે, આનંદને અપરાધી માને કે ન માને; મારા માટે આ આનંદથી છેડો ફાડવાનું હાથવગું કારણ રહે!

યોજના મગજમાં બેઠી, પછી એને પાર પાડનારીને શોધવા બહુ મથવું ન પડ્યું. બેત્રણ ઍડ એજન્સીઝમાંથી બી-સી ગ્રેડની મૉડલ્સના રેફરન્સ મેળવ્યા, એમાં આ લીલી વિશે એવુંય જાણવા મળ્યું કે ઘરના વરવા સંજોગોને કારણે તે એસ્કોર્ટની સર્વિસ પણ આપતી થઈ છે. તેના પર મન બેઠું. ચોપાટીની રેસ્ટોરાંમાં રૂબરૂ મળતાં પહેલાં પૂછી લીધું - મારે તમારા દેહની નહીં, અભિનયની જરૂર છે. એક પુરુષને બળજબરીના પ્રયાસમાં બદનામ કરવાનો ખેલ રચવાનો છે.

‘તમે કિંમત ચૂકવો તો હું ડોનલ્ડ ટ્રમ્પને પણ બદનામ કરી આવું.’

તેના રણકા પછી સંશય ન રહ્યો... છવ્વીસ વરસની યુવતી રૂપનો કટકો છે. બિન્દાસ છે. મેં તેને શિકારની સમજ આપી દીધી છે. પ્લાન સમજાવ્યો છે. અડધી રકમ ઍડવાન્સ પેટે આજે ચૂકવી દીધી, બાકીના આનંદ જેલમાં જાય એટલે.

અમિત મહોરી ઊઠ્યો. હોળી વીતતાં માએ કહેણ મૂકી દીધું હતું. શ્રાવણીના પેરન્ટ્સની મંજૂરી મળી ગઈ એટલે આવતા રવિવારે ઘરઘરના ગણાય એવા વીસ-પચીસ સ્નેહીઓની હાજરીમાં અમારા ઘરે ગોળધાણાનો પ્રોગ્રામ છે. મા એમાં આનંદને તેડાવાનો આગ્રહ રાખવાની, એ પહેલાં આ ખેલ પાર પડી જવો જોઈએ!

‘શ્યૉર’ લીલીએ ચૂકવાયેલી રકમની કૅશ પર્સર્માં મૂકી, ‘એક-બે વાર સ્ટોરમાં આંટોફેરો કરી હું પરિસ્થિતિ માપી છેવટનો હુમલો કરીશ.’

‘આઇ લીવ ઇટ ટુ યુ,’ અમિતે ખભા ઉલાળ્યા, ‘આઇ વૉન્ટ રિઝલ્ટ.’

‘મળી જશે’ લિલિયન છટાભેર રેસ્ટોરાંમાંથી નીકળી.

અમિતને તો એવું જ લાગ્યું તેની ચાલમાં આનંદ ફસાઈ જ ચૂક્યો!

***

‘આખરે વહુ આણવાના મારા ઇંતજારનો અંત આવ્યો.’

કાદંબરી માનો હરખ માતો નથી. રવિની આજની સવારે અમિત-શ્રાવણીની સગાઈના ગોળધાણાના અવસરે ઘરે નાનકડો મેળાવડો જામ્યો છે. કેસરિયા ઘાઘરાચોળીમાં શ્રાવણી દીપી ઊઠી છે, મરૂન શેરવાનીમાં અમિત રાજકુમાર જેવો રૂડો લાગે છે. સૌ એકઅવાજે કહે છે - અમિત-શ્રાવણીની જોડી ખૂબ જામે છે!

‘તમે જોયું અરવિંદ?’

મહેમાનો ખાણીપીણીનો જલસો માણતા હતા, નવયુગલ તેમનામાં ગુલતાન હતું ત્યારે કાદંબરીએ હૉલમાં લટકતી પતિની વિશાળ તસવીર સાથે મનોમન સંવાદ સાધવાની તક ઝડપી લીધી: આપણો દીકરો કેવો ખુશ છે! શ્રાવણીમાં કુટુંબને જોડવાની ભાવના છે, હોં. પછી તે સહેજ ઝંખવાયાં - જાણું છું તમારી આંખો આજના દિવસે આનંદને શોધતી હશે... પણ બે ભાઈઓની દૂરી મટી નથી. શું થાય, આ તબક્કે અમિતને છેડવો નથી... બાકી આનંદને મેં ફોન પર ખબર આપ્યા છે, તે ખુશ છે અને તેને માટેય આવી જ દુલ્હન શોધવાની છું...

આ પણ વાંચો : કથા-સપ્તાહ : આનંદ (ભાઈ-ભાઈ.... - 3)

કાદંબરી આટલું વિચારે છે કે પૉર્ચમાં ટૅક્સી અટકી. એમાંથી ઊતરતી યુવતીને તેમણે તો ઓળખી નહીં, પણ તે દરવાજે દેખા દેતાં હૉલના હીંચકે શ્રાવણી સાથે ગોઠવાયેલો અમિત ચમક્યો- લીલી અહીં!

એક તો તેણે ઍડવાન્સ લીધા, પણ ધાર્યા મુરતમાં કામ ન થયું. આનંદની બદનામી ચોરે ને ચૌટે ગવાતી હોત તો આજનું સુખ ખુશનુમા જણાત! પણ કામ બાકી રાખીને તે અહીં ક્યાં આવી!

‘એક્સક્યુઝ મી’ લીલીએ શ્રાવણીને કહ્યું, અમિતનો હાથ પકડી ઊભો કયોર્, ‘જરા આવો તો.’

બૉલબેટમ પહેરેલી અત્યંત ફૅશનલબલ યુવતી અમિતને તાણી ગઈ એ બહુ વસમું લાગ્યું શ્રાવણીને.

‘વ્યાપારની જ વાત હશે’

કાદંબરીએ ગણગણાટ પ્રસરવા ન દીધો. ત્યાં તો બેઉ ઉપલા માળની અમિતની રૂમમાં પહોંચ્યા...

- અને ચોથી મિનિટે લિલિયનની ચીસો ગુંજી - હેલ્પ! અમિતે મારી આબરૂ પર ઘા કર્યો!

હેં. ખળભળાટ પ્રસરી ગયો. અમિતને તમ્મર આવ્યાં. શું તેં કરવા ધાર્યું ને આ શું થઈ ગયું! (આવતી કાલે સમાપ્ત)

Sameet Purvesh Shroff columnists