કથા-સપ્તાહ : આનંદ (ભાઈ-ભાઈ.... - 3)

13 March, 2019 11:58 AM IST  |  | સમિત પૂર્વેશ શ્રોફ

કથા-સપ્તાહ : આનંદ (ભાઈ-ભાઈ.... - 3)

આનંદ

ભાઈ-ભાઈ.....

‘તાત્કાલિક જરૂર છે... વીરાણી હૉસ્પિટલ, મહાલક્ષ્મી ખાતે પંચાવન વર્ષના પેશન્ટને અર્જન્ટ લોહી ચડાવવું પડે એમ છે. બ્લડબૅન્કમાં તેમનું રૅર ગ્રુપ પ્રાપ્ય નથી. તમારું બ્લડગ્રુપ ‘ઓ નેગેટિવ’ હોય અને આપ લોહી આપી શકો એમ હોવ તો તરત હૉસ્પિટલ આવી જવા વિનંતી...’

બ્લડબૅન્ક પાસે રેગ્યુલર અને રૅર ગ્રુપ ડોનર્સનું લિસ્ટ રહેતું હોય છે ત્યાંથી સક્યુર્લેટ થયેલો મેસેજ મળતાં આનંદ હૉસ્પિટલ પહોંચ્યો હતો. ‘ઓ નેગેટિવ’ બ્લડગ્રુપ રૅર ગણાય છે એટલે જરૂર પડ્યે બીજાની મદદમાં દોડી જવાનું પિતાએ શીખવ્યું હતું. રિસેપ્શન પર પૂછતાછ કરી તે સીધો ત્રીજા માળે પેશન્ટની રૂમ પર પહોંચ્યો. બ્લડડોનર આવ્યો છે જાણી શ્રાવણી બહાર આવી, ‘થૅન્ક્યુ સો મચ...’

‘આનંદ’ તેણે સ્મિત વેર્યું,

‘આનંદ કાપડિયા’

ઓળખે શ્રાવણી જરા બઘવાઈ. મદદે આવેલો જુવાન અમિતની જેમ ઓ નેગેટિવ બ્લડગ્રુપ ધરાવતો હોય, તેનું નામ આનંદ અને અટક પાછી કાપડિયા હોય એવો જોગાનુજોગ સંભવ નથી, સિવાય આ અમિતનો સ્ટેપ બ્રધર હોય!

અમિતને ત્યાં નોકરીએ લાગ્યા પછી બહુ જલદી તેમનાં મન મળી ગયેલાં. અમિતને બીજા સમક્ષ ખૂલવાની આદત નહોતી, પણ શ્રાવણી સાથે સહજતાથી અંતર ખોલી શકાતું. અમિતની તબિયતના દરેક પહેલુથી શ્રાવણી વાકેફ. અમારી વચ્ચે ખુલ્લા શબ્દોમાં પ્રણયનો એકરાર ભલે ન થયો, અમારું આકર્ષણ-અમારી લાગણી છૂપી ક્યાં રહી શકી છે! કાદંબરી મૅડમ કેવળ મંદિરે જવા પોતાનો સંગાથ નથી માગતાં એટલી સૂઝ તો તેને ખરી. મને એની પણ જાણ છે કે અમિતને આનંદ સાથે ભળવું પસંદ નથી. એ માટે તેનાં પોતાનાં કારણો છે; એના વાજબીપણાની દલીલ ન હોય.

‘હલો’ આનંદે ચપટી વગાડતાં શ્રાવણી ઝબકી.

‘ક્યાં ખોવાણા?’ હળવા સ્મિતભેર પૂછતો તે કેવો સોહામણો લાગ્યો. તેના વદનમાં ટપકતી નિર્મળતા દૃષ્ટિને જાણે જકડી લે છે. અમિતને આ જુવાનનો વાંધો છે?

‘મારા ખ્યાલથી આપણે પહેલાં બ્લડ ટેસ્ટિંગ માટે આપી દેવું જોઈએ.’ શ્રાવણી હજુય પૂતળા જેવી રહી એટલે આનંદે કહેવું પડ્યું, ‘આમ તો હું ફિટ છું. બસ પખવાડિયા અગાઉ તાવની દવા કરેલી. એટલા પૂરતું ચેક કરાવી લઈએ.’

શ્રાવણીને સમજાયું નહીં કે શું કરવું! ડોનર તરીકે આવેલા આનંદને નકારાય નહીં, ને તેનું બ્લડ લેવામાં ન જાણે અમિતને કેવું લાગે!

‘શ્રાવણી!’ એ જ વખતે કૉરિડોરના ખૂણેથી બૂમ પડી ને અમિતને ભાળી શ્રાવણીને થયું પોતે ધર્મસંકટમાંથી ઊગરી ગઈ!

હવે આનંદ ડઘાયો. અમિત, અહીં! વેલ, વેલ, અમારું બ્લડગ્રુપ સેમ છે એટલે એ પણ બ્લડ ડોનેટ કરવા આવ્યો હોઈ શકે - પણ તે આ છોકરીને જાણે છે?

‘હું આવી ગયો છું, શ્રાવણી આપણને બીજા કોઈની જરૂર નથી.’

આનંદને જોવા સુધ્ધાંની તમા દાખવ્યા વિના અમિતે કહ્યું. તેનો ઍટિટ્યુડ જ આનંદની ઓળખ પર મહોર મારતો હતો.

આનંદે જોકે એનું માઠું ન લગાડ્યું. ‘શ્રાવણીજી, એક સે ભલે દો. વધુ લોહીની જરૂર પડે તો એક ડોનરથી કામ નહીં બને.’

‘જી’ શ્રાવણી હવે ચૂપ ન રહી, ‘તમે નીચે લૅબોરેટરીમાં બ્લડ ટેસ્ટ કરાવવા પહોંચો. અમે પણ આવીએ જ છીએ.’

અમિતને જોઈ, શ્રાવણીને નિહાળી આછું સ્મિત ફરકાવતો આનંદ ત્યાંથી નીકળી ગયો.

***

‘અચ્છા! પછી શું થયું?’

બપોરે શ્યામલભાઈના ખબર પૂછવા હૉસ્પિટલ આવેલાં કાદંબરીને બાદમાં શ્રાવણી ઉપલા માળની કૅન્ટીનમાં લઈ ગયેલી - ચાલોને તમને કંઈક કહેવું છે!

ના, શ્રાવણીના ફાધરનો મેડિક્લેમ છે એટલે તો શ્રાવણીએ અમિતને પણ આર્થિક મદદની મનાઈ ફરમાવેલી. સવારે બ્લડ ચડાવ્યા પછી શ્યામલભાઈની તબિયત પણ સ્થિર છે. બીજું તો શ્રાવણીએ શું કહેવું હોય?

‘જાણો છો, આન્ટી, આજે સવારે બ્લડ ડોનર તરીકે આનંદ આવેલા.’

હેં. સાંભળીને ચમકી જવાયું. પિતાની વરસી વળ્યાના લગભગ વરસ પછી બે ભાઈઓ આમનેસામને થયા જાણી ટેન્શન પણ થઈ ગયું.

‘કહેવું પડે આનંદનું. અમિતે તેમને બોલાવાની શું, જોવાની દરકાર ન રાખી તોય જો એનું માઠું લગાડ્યું હોય!’ શ્રાવણીએ દિલચોરી ન કરી, ‘અલબત્ત, તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો. કશાક ઇન્ફેક્શનને કારણે બ્લડ ડોનેટ થાય એમ નહોતું; તોય પોતાનો સેલનંબર મને આપીને ગયા - ફિઝિશ્યનને બતાવી ઍન્ટિબાયોટિકનો ડોઝ લઈશ એટલે બે દહાડામાં ઇન્ફેકશન છૂ થઈ જશે. પછી જરૂર હોય તો મને સીધો ફોન કરજો!

‘આનંદના ગુણમાં મને શંકા છે જ નહીં.’

‘અમિતને આવું કહો તો તે આકરા થઈ જાય - હુ ઇઝ આનંદ? દુનિયામાં ઘણી વ્યક્તિઓ સારી, સરળ હોવાની; એ દરેકને તમે તમારા અંગત વતુર્ળમાં પ્રવેશવા ન દઈ શકો.’

કાદંબરીએ નિ:શ્વાસ નાખ્યો. આનંદનો બાયકોટ અમિતનું વળગણ બનતો જાય છે.

‘તેમનું બ્લડ ચાલી ગયું ને આનંદનો સૅમ્પલ રિજેક્ટ થયો એની તેમને ખુશી થઈ, બોલો.’

‘એનું કારણ છે. અમિત તને ચાહે છે અને તમારા વિશ્વમાં તે આનંદને ખમી જ ન શકે, જેમ અમારા મા-દીકરાના રિશ્તામાં આનંદને પ્રવેશબંધી છે એમ જ.’

કાદંબરીએ ચાહતનો ઘટસ્ફોટ કરી નાખ્યો. શ્રાવણી થોડી લજાઈ, પણ મુદ્દો ભૂલી નહીં,

‘મા, અમિત તેમની જીદ છોડે એ માટે આપણે કંઈ કરી ન શકીએ?’ એનાથીયો આન્ટીને બદલે મા કહેવાઈ ગયું, ‘બે ભાઈઓને એક જોવાની અમિતના ડેડીની પણ અધૂરી ખ્વાહિશ રહી હોવાનું જાણું છું, માટે પૂછ્યું.’

કુટુંબને એક કરવાની શ્રાવણીની ભાવના કાદંબરીને સ્પર્શી ગઈ.

‘આજે દેવયાની નથી, અરવિંદ નથી, એકલા પડેલા આનંદને અમિત આપણા વિશ્વમાં સમાવી લે તો રૂડું શું? પણ એટલું સ્મરણ રહે કે આ મામલે અમિતને રાજી કરવો આગ સાથે રમવા જેવું છે. અમિત આનંદને તો ન અપનાવે, પણ તને તરછોડી દે એવું ન બને તે જોજે. નક્કી તારે કરવાનું છે શ્રાવણી, આગ સાથે રમત માંડવી કે નહીં?’

કમસે કમ અત્યારે તો શ્રાવણી પાસે આનો જવાબ નહોતો!

***

‘આઇ ઍમ સૉરી, યંગમૅન.’

ત્રીજી સાંજે દક્ષિણ મુંબઈના ખ્યાતનામ ફિઝિશ્યન ડૉ. મુખરજી ગંભીર વદને તેમની કૅબિનમાં સામે ગોઠવાયેલા આનંદને કહી રહ્યા છે,

‘મામલો પેચીદો છે.’

આનંદના કપાળે કરચલી ઊપસી, અદૃશ્ય થઈ. ત્રણ દિવસ અગાઉ વીરાણી હૉસ્પિટલની લૅબોરેટરીમાં પોતાનો બ્લડ સૅમ્પલ રિજેક્ટ કરતાં ટેક્નિશિયને કહેલું - બ્લડમાં ઇન્ફેક્શન જેવું લાગે છે. બેટર યુ કન્સલ્ટ યૉર ફિઝિશ્યન.

પોતે શ્રાવણીને કામ ન આવી શક્યો એની અમિતને કેવી ખુશી થયેલી. આવી પળે અહેસાસ થાય કે કંઈકેટલું ધરબાયું હશે અમિતની અંદર મારી વિરુદ્ધ, મારી મા વિરુદ્ધ, અને કદાચ અમારા પિતા વિરુદ્ધ પણ!

તેની હરકતનું માઠું લગાડ્યા વિના શ્રાવણીને નંબર દઈ પોતે રુખસદ લીધી, સાંજે ફૅમિલી ડૉક્ટરને બતાવ્યું તો તેમણે અનેક જાતના ટેસ્ટ લખી આ ડૉક્ટર મુખરજીને કેસ રિફર કર્યો, જે હવે રિપોર્ટ જોઈ કહે છે કે મામલો સિરિયસ છે!

‘મિ. આનંદ, તમારી ફૅમિલીમાં કોઈ જ નથી?’

ડૉક્ટરના પ્રશ્ને ટટ્ટાર થઈ ગયો આનંદ, ‘જે કહેવું હોય એ મને જ કહી દો, ડૉક્ટર, હું ગમે તેવો આઘાત જીરવી જઈશ.’

‘તો સાંભળો.’ મેડિકલ ટર્મ્સ બોલી જઈ મુખરજીસાહેબે સાદી ભાષામાં તરજુમો કર્યો, ‘તમને બ્લડકૅન્સર છે.’

હેં. આનંદ પડતાં રહી ગયો.

‘ડોન્ટ વરી, ફસ્ર્ટ સ્ટેજ છે, યુ હૅવ ફિફટી પર્સન્ટ ચાન્સીસ.’

આનંદની બુદ્ધિ બહેર મારી ગઈ. આવો વળાંક કોણે કલ્પ્યો હોય? કૅન્સર જેવી બીમારીનાં લક્ષણો ક્યાં હતાં? શ્રાવણીના ફાધર માટે બ્લડ ટેસ્ટ કરાવવાનું બન્યું ન હોત તો કદાચ જાણે ન થાત!

‘યા, એટલે તો કૅન્સરને સાયલન્સ ડિસીઝ કહે છે,’ ડૉ. મુખરજીએ સહાનુભૂતિ દાખવી, ‘મારી પહેલી સલાહ તો એ જ હશે કે તમે તરત ને તરત સ્પેશ્યલિસ્ટને દેખાડો. તાતા હૉસ્પિટલ વુડ બી ધ અલ્ટિમેટ.’

અલ્ટિમેટ.

આનંદને થયું આ જિંદગીમાં મોત જ નિશ્ચિત છે, તો મૃત્યુ પહેલાંની મારી અલ્ટિમેટ ઇચ્છા શું હોય?

‘ડોન્ટ થિંક નેગેટિવ. જવાન છો, હોસલામંદ બનો. વિશેષ તો તમને એક્સપર્ટ જ સમજાવી શકે, પણ હું એટલું કહી શકું કે તમારે કોઈ ભાઈ-બહેન હોત - બ્લડ રિલેશન, આઇ મીન- તો તેનું બોન મૅરો તમારા માટે લાઇફ ગિવિંગ ગિફટ બની રહેત.’

હાડકામાં રહેલા સૉફ્ટ ટિશ્યુઝને બોન મૅરો કહે છે જે સ્ટેમસેલ્સ ધરાવે. સાદી સમજ માટે કહી શકાય કે આ કોષો નવું લોહી બનાવવામાં મદદ કરે અને એ માટે લ્યુકેમિયા જેવા કૅન્સરમાં સચોટ ઇલાજ તરીકે વપરાય છે. હેલ્ધી વ્યક્તિના બોન મૅરો ટિશ્યુઝ પેશન્ટ જોડે મૅચ કરાયા બાદ જ બોન મૅરો ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે. એ માટે બ્લડગ્રુપ એક જ હોવું જરૂરી નથી, છતાં બ્લડ રિલેશનમાં બોન મૅરો મૅચ થવાની સંભાવના સૌથી પ્રબળ હોય એ સ્વાભાવિક છે.

ડૉક્ટરને કેમ કહેવું કે મારો એક ભાઈ છે, પણ તે મને બોન મૅરો ડોનેટ કરે કે કેમ એ સવાલ છે!

ના, ના, શું કામ ન કરે? એ કંઈ એવું જોખમી નથી, ભાઈ તરીકે નહીં તો માનવતાના નાતે અમિત જરૂર કરે, આખરે તેનામાં કાદંબરીમાના સંસ્કાર છે!

પહેલાં કૅન્સર સ્પેશ્યલિસ્ટને મળવું અને તેમની સલાહ પણ બોન મૅરો ટ્રાન્સપ્લાન્ટની જ હોય તો અવશ્ય અમિતને ટહેલ નાખવી. જિંદગીને હું એમ જ મૃત્યુના હવાલે કરી ન શકું. આઇ વિલ ફાઇટ ફૉર યુ, માય ડિયર લાઇફ!

***

જોયું, પપ્પા-મમ્મી, જિંદગીએ કેવી કરવટ લીધી?

બીજી રાત્રે અગાશીના એકાંતમાં આરામખુરશી પર ગોઠવાઈ આનંદે આભના તારલાઓમાં માબાપ દેખાતાં હોય એમ આંખોથી વાત માંડી: કાલે કૅન્સરનો વિસ્ફોટ થયો, આજે સ્પેશ્યલિસ્ટે પણ બોન મૅરો ટ્રીટમેન્ટ જ સજેસ્ટ કરી...

સામે જડબાં ફાડતા મોતને જોઈ હબકી જવાય, આનંદે પણ રડી લેવું હતું, પણ ક્યાં જાય? કોનો ખોળો શોધે? કાદંબરીમા ખરાં, પણ તેમનો ખોળો વહેંચવો અમિતને નહીં ગમે! હૈયે ઘૂંટાતી ઉદાસી લઈને અગાશીમાં ગોઠવાયો છે.

- જોકે હું એમ હાર નહીં માનું. તારાઓની ભીતરમાંથી હૂંફ સાંપડતી હોય એમ આનંદે મક્કમતા કેળવી-

જાણું છું, માને મૃત્યુ અણધાર્યું તાણી ગયું. નહીંતર તે મને પરણાવ્યા વિના જાત નહીં. પપ્પાની બે ભાઈઓના સંપની ઇચ્છા અધૂરી રહી... મારે આધુંઅધૂરું છોડવું નથી. તમારું હેત મારા સંઘર્ષમાં સાથી બનશે, મમ્મી-પપ્પા, આઇ વૉન્ટ ગિવ અ૫! કાલે અમિતને મળવા જાઉં છું. મને ખાતરી છે કે તે મને બોન મૅરો દેવાનો ઇનકાર નહીં જ કરે... કદાચ બે ભાઈની દૂરી ખતમ કરવા જ વિધતાએ આ મુજબના લેખ લખ્યા હોય!

***

‘હાઉ ડૅર યુ કમ હિયર!’

બપોરની વેળા ચોપાટીના શોરૂમમાં આનંદનું આગમન અણધાર્યું હતું. મૅનેજરની કૅબિન બહાર શ્રાવણી સાથે તેને ગુફતેગો કરતો ભાળી અમિતનું દિમાગ ધમધમી ઊઠ્યું. આ માણસ શ્રાવણીની પાછળ કેમ પડ્યો છે? મને ગમતા, મારા નિકટના સ્વજનોના સ્નેહમાં ભાગ પડાવાનું જ તેને સૂઝે છે?

એ જ આવેશમાં ધસી જઈ તેણે ત્રાડ પાડતાં શોરૂમમાં સ્તબ્ધતા છવાઈ ગઈ. શ્રાવણીને થયું હમણાં તમાશો સર્જાઈ જવાનો. અમિતે સીધો જ મોરચો માંડ્યો પછી આનંદ કેમ ચૂકે? જોકે તે બિચારો તો હજુ આવીને મારા ડેડીના ખબર પૂછે છે, તેમને કાલે ડિસ્ચાર્જ મળ્યાનું જાણી હરખ જતાવે છે, અમિત જાણે શું સમજીને ધસી આવ્યા?

‘અમિત, આનંદે જસ્ટ ડેડીના ખબર પૂછ્યા-’ શ્રાવણી વાત વાળવા ગઈ, પણ-

‘એક વાત સમજી લે, શ્રાવણી,’ અમિતની વાણીમાં, નજરમાં ઠંડક હતી, ‘આ માણસની તરફેણ હું મારી માને પણ નથી કરવા દેતો.’

શ્રાવણી સહેમી ગઈ. માએ સાચું કહ્યું હતું, અમિત સામે આનંદની તરફદારી દાઝવા જેવી જ નીવડે!

‘ચીલ, અમિત, શ્રાવણી રિલેક્સ.’ આનંદને બેઉનો સ્નેહગાંઠનો અંદાજો બરાબર હવે આવતો હતો, પણ અત્યારે એનું મુરત નથી.

‘તારી કૅબિનમાં જઈએ, અમિત, મારે તારી સાથે પર્સનલ વાત કરવી છે.’

‘આપણી વચ્ચે કશું જ પર્સનલ નથી, મિ. આનંદ. જે કહેવું હોય એ પબ્લિકમાં કહો.’

આ પણ વાંચો : કથા-સપ્તાહ : આનંદ (ભાઈ-ભાઈ.... - 2)

તેની આડાઈ આનંદને જરા ખટકી, બોન મૅરોની માગ બધાની વચ્ચે કરવાની ન હોય... છતાં એટલું તો કહ્યું, ‘તારી પાસે કંઈક માગવા આવ્યો છું અમિત...’

માગવા? અમિતની ભ્રુકુટિ તંગ થઈ. ના, આનંદ રૂપિયા પૈસા માટે હાથ ફેલાવે એવો નથી જ, તેને એવી જરૂર પણ નથી. તેની માગ તો એક જ હોવાની - માના સ્નેહમાં ભાગ!

‘ઇમ્પૉસિબલ’ જાણે અમિતનાં નાખોરાં ફૂલી ગયાં, ‘તને આપવા મારી પાસે કંઈ જ નથી. ન એક કાણી પાઈ, ન રક્તનું એક બુંદ - સમજ્યો!’ તેણે ચપટી વગાડી, ‘નાઉ ગેટ આઉટ!’

તેના જાકારાએ આનંદના ચહેરા પર અકથ્ય ભાવ પથરાઈ ગયો, ‘જાઉં છું અમિત, પણ આજે મને નકારવા બદલ કાલે તારે પસ્તાવું ન પડે એ જોજે, મારા ભાઈ!’

કહી સડસડાટ તે શોરૂમનાં પગથિયાં ઊતરી ગયો. (ક્રમશ:)

Sameet Purvesh Shroff columnists