કથા-સપ્તાહ : આનંદ (ભાઈ-ભાઈ.... - 2)

12 March, 2019 02:37 PM IST  |  | સમિત પૂર્વેશ શ્રોફ

કથા-સપ્તાહ : આનંદ (ભાઈ-ભાઈ.... - 2)

આનંદ

ભાઈ-ભાઈ.....

સવારના પૂજાપાઠમાંથી પરવારી કાદંબરી વરંડાની બેઠકે ગોઠવાયાં. થોડાં વર્ષોથી આ નિત્યક્રમ જેવો થઈ ગયેલો. અરવિંદ પણ નાહીધોઈ પરવારી ગયા હોય, કુમળો તડકો માણતાં માણતાં ચા-નાસ્તા સાથે સંસાર-સમાજની વાતો થાય. સ્કૂલ-કૉલેજ ન હોય ત્યારે અમિત ૫ણ અમારી સાથે જોડાય...

આવી જ એક સવારે અરવિંદનો મોબાઇલ રણક્યો હતો - ‘પપ્પા જલદી આવો, માને કંઈ થઈ ગયું છે!’

આનંદના અવાજમાં રહેલી ફાળ મા-દીકરા સુધી પણ પહોંચી હતી. અરવિંદના બે સંસારના ઇતિહાસમાં પહેલી વાર બન્યું કે એ એક ફૅમિલી સાથે હોય ત્યારે બીજાને ત્યાંથી ફોન આવે... દીકરાના ફોને અરવિંદ દોડ્યા.

‘મા, ક્યાંક આમાં ડેડીની બીજી વાઇફની ચાલ નથીને?’ અમિતની

શંકા સળવળેલી.

કાદંબરી નારાજ થયેલાં. અમિતને મેં અરવિંદના બીજા ઘરથી નિ:સ્પૃહ બનવાની શિક્ષા આપી છે, એનામાં આવી અંટશ કેમ છે? કદાચ પિતાનું બીજી વારનું ઘર પહેલી વારના વંશજને અળખામણું જ લાગવાનું, ભલે એ સીમારેખાની બહાર હોય. માના સ્થાનમાં ભાગ પડાવનારી પ્રત્યે દીકરાને ખટકો રહેવાનો જ? અમિત માટે દેવયાની કશુંક છીનવનારી છે - પિતાનો સમય, માની ખુશી. જ્યારે આનંદ માટે કાદંબરી કશુંક આપનારી છે - માનો સ્વીકાર! કદાચ એટલે પણ આનંદ-અમિતની પ્રતિક્રિયામાં ભેદ હોવાનો... જોકે પૂર્વગ્રહવશ અમિતને ખોટાં અનુમાને દોરાતો મારે રોકવો ઘટે.

‘દેવયાની મારી સૌતન ભલે હોય, કપટી નથી. અરવિંદ માટેની તેની ચાહત અને મારી ખેવનામાં તસુભારનો ફેર નથી.’

એથી જોકે દેવયાની પરત્વે માન જાગવાને બદલે અમિત કાદંબરીથી પ્રભાવિત બનતો - પરસ્ત્રીને આ રીતે સ્વીકારનારી મારી મા કેટલી મહાન છે!

આવી પળોમાં કાદંબરીને થતું, દેવયાનીને અળગી રાખી પોતે કદાચ ભૂલ કરી. એક છત્ર નીચે રહ્યાં હોત તો અમિત દેવયાનીના હેતમાં રંગાઈ ગયો હોત... પણ એથી તો મારો દીકરો પણ મારા પતિની જેમ વહેંચાઈ ગયો હોત, એ હું સહી શકી હોત ખરી?

ના, ના, જે થયું એ ઠીક જ થયું. કાદંબરી મન મનાવે છે ત્યાં અરવિંદનો ફોન આવે છે - દેવયાની ઇઝ નો મોર!

હેં. માંડ ૪૨-૪૪ની વયે દેવયાની હાર્ટઅટૅકમાં ઊકલી જશે એવું કોણે ધાર્યું હોય? બિચારા આનંદ પર તો પહાટ તૂટી પડ્યો!

અમિતને લઈ કાદંબરી દેવયાનીને અંતિમ વિદાય દેવા પહોંચ્યાં. સોહાગણના વેશમાં અર્થી પર પોઢેલી દેવયાની મૂર્તિમંત લાગી. કેટલું સુખ, કેવી ચિર શાંતિ છે એના વદન પર. જાણે કહેતી હોય - દીદી, હું જાઉં છું હોં!

કાદંબરી રડી પડેલાં. સ્મશાનમાં આનંદની સ્તબ્ધતા ધ્યાનમાં આવી. તેને સાંત્વના પાઠવવા ગયાં એમાં અમિતનો ધીરજબંધ તૂટ્યો. તેણે ત્યાં સુધી કહી દીધું કે તારે આનંદને દીકરો માનવો હોય તો તું અમિતની મા નહીં રહે!

જવાબમાં આનંદે દાખવેલી સમજદારી સરાહનીય લાગી. આટલા દુ:ખમાં પણ એ છોકરાએ બીજાનું સુખ પહેલાં જોયું! દેખાવડો તો મારો અમિત પણ કમ નથી, પરંતુ આનંદના વ્યક્તિત્વમાં કશુંક ચુંબકીય તkવ જણાયું.

‘અમિત તું મારા કારણે આનંદથી આળો થાય છે, પરંતુ એમ કરી મારા જ ઉછેર પર પ્રશ્નાર્થ મૂકી દે છે.’

ઘરે આવી કાદંબરીએ દીકરાનો દૃષ્ટિકોણ સાફ કરવાની મથામણ આદરેલી. જોકે અમિતને સંશય નહોતો: મા, તેં કહેલું એમ આપણી સીમારેખા બહાર શ્વસતા ડેડીના બીજા સંસારનું અસ્તિત્વ મેં સ્વીકારી લીધું, એનાથી વધુ મારાથી કંઈ જ નહીં થાય!

કૉલેજ જતા થયેલા દીકરા જોડે જબરદસ્તી પણ કેટલીક થાય?

‘જબરદસ્તી આપણે કરવી પણ નથી,’ ઘટનાક્રમ જાણી અરવિંદે કહેલું, ‘તેં આનંદના સ્વીકારનું વિચાર્યું કાદંબરી, પૂરતું છે. જોકે આનંદને ધબકતો કરવા આપણે અમિતનું સ્મિત છીનવી શકીએ નહીં.’

એ ચર્ચા ત્યાં જ અંત પામી. બાદમાં અરવિંદે આનંદને સાચવી જાણ્યો. પતિ ત્યાં વધુ સમય ગાળે એની ફરિયાદ કાદંબરી કરતાં નહીં. તેમની ગેરહાજરીએ ગંભીર બની જતા અમિતને ટટોળવાનું ચૂકતાં નહીં - તું તારા પિતા પ્રત્યે નારાજ તો નથીને?

અમિત ફિક્કું હસતો. સમાજ માટે ડેડીના બેવડા સંબંધ છૂપા નહોતા. સ્કૂલ લાઇફમાં આની કૂથલી ન થતી, પણ કૉલેજની તાસીર જુદી હોય છે. મિત્રો હવે ખૂલીને પૂછતા - યાર, તારો સાવકો ભાઈ છે એ સાચું? એકાદ છોકરી અમિતને સંભળાય એમ બોલી હતી - અમિત એક્સ્ટ્રીમલી હૅન્ડસમ છે, રિચ છે, સ્માર્ટ છે - બધું સાચું, પણ છેવટે તો એનામાં એના પિતાના જિન્સ. બાપની જેમ એ પણ બીજી લાવવાનો હોય તો આપણને ન ફાવે! એવાથી દૂર જ સારાં!

સમસમી જવાતું. ભીતર ફંફોસતી મા સમક્ષ ઊભરો ઠાલવી દેતો તે.

‘આજની કન્યાઓને સ્નેહ, સમર્પણની કિંમત જ નથી રહી’ કાદંબરી જીવ બાળતાં.

‘તું છોકરીનું કહે છે મા, હું પોતે એ ઘરમાં રિશ્તો બાંધવાનું પસંદ નહીં કરું જ્યાં એકના જીવતેજીવ બાપે બીજી બૈરી કરી હોય!’

દીકરાનો સંતાપ કોરી ખાતો. આમાં અમિતનો દોષ નહોતો. ક્યાંક હું જ ચૂકી.

‘હું નહીં, આપણે ચૂક્યાં એમ કહે કાદંબરી...’ છેલ્લા દિવસોમાં અરવિંદ કહેતા.

અલબત્ત, એ અગાઉ એમણે માલમિલકતની વહેંચણી સરખે હિસ્સે કરી દીધેલી. વ્યાપારમાં બેઉને ઘડેલા પણ ખરા.

‘મારી ઇચ્છા તો એવી જ હોય કે બેઉ ભાઈઓ સાથે મળી ધંધો આગળ ધપાવે... જોકે એકમેકને પછાડવાની હીનભાવના બેમાંથી કોઈમાં નથી એટલો સંતોષ છે.’

વરસ અગાઉ, ન અહીં, ન દેવયાનીને ત્યાં, અરવિંદે બ્રીચકેન્ડીના બિછાને પ્રાણ ત્યજ્યા. લિવરની માંદગીવશ છેલ્લું પખવાડિયું હૉસ્પિટલમાં રહ્યા એ દરમ્યાન આનંદ-અમિત સતત હાજર, પણ ધરાર જો તેમની વચ્ચેની હિમશિલા તૂટતી હોય! કાદંબરી કૉરિડોરમાં આનંદને થાળી ધરે તો અમિત જમ્યા વિના ઊઠી જાય.

‘મા... સી, આપણે અત્યારે કેવળ ડેડીની સારવાર પર ફોકસ્ડ રહીએ.’ આનંદ કાદંબરીને આશ્વસ્ત કરતો.

અરવિંદભાઈએ પ્રાણ ત્યજ્યા ત્યારે બેઉ પુત્રો તેમની ડાબેજમણે જ હતા, પણ તેમની વચ્ચે કેટલું અંતર હતું એ તો કાદંબરીનું હૈયું જ જાણતું હતું!

‘અરવિંદના અગ્નિસંસ્કાર-તેમનાં ક્રિયાપાણી તમે બેઉ ભાઈઓ સાથે મળીને કરશો.’ સાંભળીને કશુંક બોલવા જતા અમિતને ઇશારાથી અટકાવી કાદંબરીએ દમામ દાખવ્યો હતો, ‘આ મારી આજ્ઞા છે અને એનું ઉલ્લંઘન હું નહીં ચલાવી લઉં એટલું યાદ રહે!’

અમિતે વિરોધ પડતો મૂક્યો. જોકે અગ્નિસંસ્કારથી વરસી વળ્યાના પંદર-વીસ દહાડા આનંદ અહીં આ ઘરમાં રહેવા છતાં અમિત તો અળગો જ રહ્યો.

- અત્યારે પણ એ સાંભરી હળવો નિ:શ્વાસ જ નાખી શક્યાં કાદંબરી!

‘ગુડ મોર્નિંગ મા’

દીકરાના ટહુકાએ વિચારમેળો સમેટી કાદંબરીએ ખટકો ખંખેરી મલકી લીધું, ‘આવ, બેટા.’

બાજુની ચૅર પર ગોઠવાતો અમિત ટીપૉટમાંથી ચાનો પ્યાલો તૈયાર કરતી માને નિહાળી રહ્યો. મા તેને અદ્ભુત લાગતી. આખરે પતિની બીજી સ્ત્રીને સ્વીકારવા ભારોભાર પોટેન્શ્યલ જોઈએ. દીકરાને પિતા પ્રત્યે ફરિયાદ ન ઊઠે એનું તેણે ધ્યાન રાખ્યું. જોકે સૌતનની વિદાય પછી તેના દીકરાને અપનાવવાની ઉદારતા મારા માટે અસહ્ય હતી. માની મમતામાં કોઈ ભાગ પડાવે એ કેમ ચાલે? એટલે તો પોતે આજ દિન સુધી ધૅટ આનંદ પ્રત્યે અક્કડ રહ્યો છે, કોઈ પણ આયાસ વિના. તેને ક્યારેય અમારા વિશ્વમાં વેલ્કમ નહીં હોય! પિતાની આખરી ઇચ્છારૂપે પણ નહીં, માતાની આજ્ઞા અનુસાર પણ નહીં.

જોકે સવાર-સવારમાં આનંદને શું સંભારવેા! તેણે વિચાર્યું ત્યાં કાદંબરીએ જ ગમતી ચર્ચા છેડી, ‘શ્રાવણી કેમ છે, અમિત?’

ચોપાટીનો મુખ્ય શોરૂમ અમિતને ફાળે આવ્યો હતો. શ્રાવણી ત્યાંની મૅનેજર. માંડ છ મહિના અગાઉ જૉબમાં જોડાયેલી ત્રેવીસ વર્ષની શ્રાવણીએ ખાસ અનુભવ ન હોવા છતાં આગવી સૂઝથી કામકાજ સંભાળી લીધેલું.

‘મા, શ્રાવણી એટલી હાર્ડવર્કિંગ છે કે ન પૂછો. ઑડર્સ-પેમેન્ટની વિગતો એને મોઢે હોય...’

શરૂ-શરૂમાં દીકરાના મોઢે વારંવાર શ્રાવણીનું નામ સાંભળી કાદંબરી અચંબિત બનતાં. કૉલેજમાં એકાદ છોકરીની કમેન્ટ પછી અમિત ગલ્ર્સથી જાણે છેટો રહેતો. લગ્નનું કહું તો હજુ વ્યાપારમાં ઘડાવું છે કહી ટાળી જતો. આ વળી કઈ છોકરીએ મારા લાલ પર જાદુ કર્યો!

સામાન્યપણે દુકાને ભાગ્યે જ જતાં કાદંબરી એક બપોરે ખાસ સમય કાઢી શોરૂમ પર પહોંચ્યાં. માને ભાળી દોડી આવેલા અમિતને ટાળ્યો - તું તારું કામ પતાવ, મારી ચિંતા ન કર. તારી મૅનેજર ક્યાં છે, તે મને શૉપિંગ કરાવી દેશે!

એવી જ તે હાજર થઈ. યલો-ગ્રીન ચૂડીદારમાં તે ગજબની શોભતી હતી. ઊજળો વાન, નમણું રૂપ, સાદગીભરી સજાવટને નિખારતો આત્મવિશ્વાસ. ‘નમસ્તે મૅડમ’ હાથ જોડી અદબથી આવકારતી શ્રાવણીએ પહેલાં તો ત્રણ માળના સ્ટોરની ટુર કરાવી. શું-શું નવુ થયું એની જાણકારી દઈ છેલ્લે એમ્બ્રૉઇડરી સેકશનમાં લઈ ગઈ - તમને પારસી વર્ક ગમે છેને! જરદોસીમાં આપણે ત્યાં નવો સ્ટૉક આવ્યો છે... દરમ્યાન ચા-નાસ્તો સર્વ થયાં એમાં પોતાને બહુ ભાવતાં કાજુ બિસ્કિટ જોઈ મલકી જવાયું. છોકરીએ મારી પસંદનું બરાબર ધ્યાન રાખ્યું!

શ્રાવણી તેના કામમાં તો કુશળ છે જ, સ્વમાની પણ એટલી જ છે. શૉપિંગ તો બહાનું હતું, તેની સાથે વાત-વાતમાં પોતે જાણી લીધું કે ત્રેવીસ વર્ષની શ્રાવણી તેના માબાપની એકની એક દીકરી છે. પિતા બૅન્કમાં કારકુન છે, મહાલક્ષ્મીના જૂના બિલ્ડિંગમાં વન બેડરૂમ હૉલ કિચનનો ફ્લૅટ છે એવું કહેવામાં તેણે શરમ-સંકોચ અનુભવ્યાં નહોતાં. એક નજરમાં ગમી ગયેલી છોકરી સાથે તેમણે ઘનિષ્ઠતા કેળવવા માંડી.

‘અમિત, મંગળવારે મારે સિદ્ધિવિનાયકનાં દર્શને જવું છે. ત્યાં ભીડ એટલી હોય છે કે વિચારું છું કોઈનો સંગાથ લઈ લઉ - ના, ના, કામકાજ છોડી તારે આવવાની જરૂર નથી, પેલી શ્રાવણીને મોકલી આપજેને- ફાવતું હોય તો તેનાં મધરનેય તેડી લાવે...’

‘દર્શનનું નામ પડ્યું એટલે મારાથી આવ્યા વિના ન રહેવાયું.’ શ્રાવણીનાં મમ્મી કુંદનબહેન ભોળાં લાગ્યાં. અલકમલકની વાતો સાથે દર્શનમાં સાચે જ મજા આવી. શ્રાવણીને કહી દીધું - તું નવરી પડે એટલે અમને દર્શને તારે જ લઈ આવવાનાં!

અને શ્રાવણી ફોન કરી આવી પણ જાય એ કદાચ તેની ફરજની રૂએ હશે, પણ પછી મને જાળવવામાં તેના સંસ્કાર, લાગણી જ ઉજાગર થાય છે. દર વખતે કુંદનબહેન આવે નહીં, આવા સમયે અમિતનો ઉલ્લેખ થતાં તેના ચહેરા પર પ્રણયની રતાશ મારા ધ્યાન બહાર નથી. જોકે દીકરાને પરણાવતાં પહેલાં પોતે કઈ વૈતરણી પાર કરવાની રહેશે એનો ખ્યાલ હતો.

‘શ્રાવણી, તું કદાચ જાણતી હોઈશ, અરવિંદ-અમિતના પપ્પા -એ બીજો સંસાર પણ માંડેલો.’

અરેજન્ડ મૅરેજમાં સંબંધ બાંધતાં અગાઉ ખાનદાનની આગલીપાછલી તમામ બાબતો લક્ષ્યમાં લેવાતી હોય છે. આગળ વધવા પહેલાં આ વિશે શ્રાવણીનું મંતવ્ય જાણી રાખવું ઘટે. કુંદનબહેનની ગેરહાજરીમાં પોતે વાત છેડેલી.

‘જાણું છું આન્ટી’ શ્રાવણીએ ઠાવકાઈથી કહેલું, ‘અમિતે-અમિતસરે - મને ટુકડે-ટુકડે આખી ગાથા કહી છે. મને તો સંબંધમાં જોડાયેલું દરેક પાત્ર અદ્ભુત લાગે છે.’

દીકરાએ પણ પોતાની જેમ આગળ વધતાં પહેલાં બે સંસારનો ખુલાસો કરી લીધો એ ગમ્યું એમ તેનું અંતર પણ સમજાયું. શ્રાવણીની સૂઝમાં તેની તૈયારી પડઘાયા પછી પોતે હોળાષ્ટક ઊતરવાની જ રાહ જોઉં છે, પછી લગ્નનો પ્રસ્તાવ મૂકી જ દેવો છે! બાકી અમિતના ભરોસે છોડીશ તો કોણ જાણે તે ક્યારે પ્યાર કન્ફેસ કરશે! અલબત્ત, શ્રાવણીને ત્યાં જતાં પહેલાં તેને જ સીધું પૂછી લેવાનું હોય.

અત્યારે દીકરાને તેના ખબર પૂછતાં જુદું જ સાંભળવા મળ્યું,

‘મા, તેના ફાધર બીમાર છે. હીમોગ્લોબિન ઓછું થતાં ગઈ બપોરે હૉસ્પિટલાઇઝ્ડ કર્યા છે.’

‘લો, તું હવે મને કહે છે!’ કાદંબરીએ ઠપકો આપ્યો, ‘શ્રાવણીયે મને ફોન નથી કરતી?’

‘એને એમ કે મેં કહ્યું હશે,’ દીકરાએ બચાવ કર્યો એ ગમ્યું, ‘મા, મેં ડૉક્ટર્સ સાથે પણ વાત કરી છે-’

‘સરસ’ કાદંબરીએ નક્કી કરી લીધું, ‘શ્યામલભાઈ સ્વસ્થ થાય એટલે હું શ્રાવણી માટે તારું કહેણ મૂકવાની છું. મૂકી દઉંને?’

અમિત રાતો બન્યો, ‘જે તું ઠીક સમજે મા.’

કાદંબરીના હૈયે હરખ પ્રસરી ગયો. જોકે એકલા અમિતને પરણાવ્યે નહીં ચાલે... આનંદની વહુ પણ મારે જ શોધવાનીને!

- એ જ વખતે અમિતનો સેલફોન રણક્યો. સામે શ્રાવણી હતી.

‘અમિત, ઇટ્સ ઇમર્જન્સી. પપ્પાને તત્કાલ બ્લડ ચડાવવું પડશે. તેમનું બ્લડગ્રુપ રૅર છે. હૉસ્પિટલે રેગ્યુલર ડોનર્સને ઇન્વાઇટ તો મોકલી છે, પછી મને ધ્યાનમાં આવ્યું કે -’

‘કે મારું બ્લડગ્રુપ પણ રૅર છે. ડોન્ટ વરી, આઇ ઍમ કમિંગ.’

ઘરેથી ફટાફટ નીકળેલો અમિત મહાલક્ષ્મીની ‘વીરાણી હૉસ્પિટલ’ના ત્રીજા માળે પહોંચ્યો એવો જ થીજી ગયો.

સામે, શ્યાલમભાઈના રૂમ બહાર કૉરિડોરમાં શ્રાવણી સાથે આનંદ ઊભો હતો! તે અહીં શું કરે છે? ધમધમતા દિમાગમાં કડાકો બોલ્યો - બ્લડગ્રુપ!

આ પણ વાંચો : કથા-સપ્તાહ : આનંદ (ભાઈ-ભાઈ.... - 1)

અમારા બેઉના જનક એક છે. પિતાના વારસ તરીકે મને તેમનું બ્લડગ્રુપ મળ્યું એમ આનંદનું બ્લડગ્રુપ પણ રૅર હોય એ સાવ સંભવ છે! મારી પ્રિયતમાની મદદમાં મારાથી પહેલાં તે પહોંચ્યો એ કેવું?

આ ઘટના કેવો વળાંક સર્જવાની એની ત્યારે ખુદ આનંદને પણ ક્યાં ખબર હતી? (ક્રમશ:)

Sameet Purvesh Shroff columnists