હાલ કૈસા હૈ જનાબ કાઃ ચિદમ્બરમ માટે કસ્ટડીના દિવસો ક્યારેય વીસરાવાના નથી

09 September, 2019 10:46 AM IST  |  મુંબઈ | મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

હાલ કૈસા હૈ જનાબ કાઃ ચિદમ્બરમ માટે કસ્ટડીના દિવસો ક્યારેય વીસરાવાના નથી

પિ. ચિદમ્બરમ

ચિદમ્બરમ અત્યારે કસ્ટડીમાં છે અને એ વાત હવે આમ તો જૂની પણ થઈ ગઈ છે, પરંતુ મુદ્દો એ છે કે દેશના એક સમયના ગૃહપ્રધાન આ રીતે જેલમાં છે ત્યારે તે શું કરતા હશે, તેના દિવસો કેવી રીતે પસાર થતા હશે? હમણાં હું અઠવાડિયા પહેલાંના ન્યુઝપેપર વાંચતો હતો એમાં ધ્યાન ગયું એક ન્યુઝ પર. ચિદમ્બરમ કસ્ટડીમાં લેવાયા એ પહેલાં તેમને કોર્ટરૂમમાં હાજર કરવામાં આવ્યા. ત્યારે કોર્ટરૂમ જોઈને મિસ્ટર (એક્સ) ફાઇનૅન્સ મિનિસ્ટરે કોર્ટરૂમની સાઇઝ જોઈને આશ્ચર્ય દર્શાવ્યું હતું તો સાથોસાથ કોર્ટરૂમનો કઠેડો જોઈને તેમણે કહ્યું હતું કે આ તો ઊભા રહેવાય એવડો પણ નથી.

ગૃહપ્રધાનને આ વાતની હવે છેક ખબર પડી હોય તો હું કહીશ કે બહુ સારું થયું, સાહેબે આ રીતે તો આ રીતે પણ એક વખત જવું પડ્યું. હવે તેમને એ પણ સમજાશે કે જેલો કેવી છે અને તેમને એ પણ સમજમાં આવશે કે જેલો કેવી હોવી જોઈએ. તેમને સમજાશે કે જેલવાસમાં કેવા-કેવા લોકોનો સંગાથ મળે અને એ પણ ખબર પડશે કે કેવાં કારણોસર જેલમાં જવું પડે.

કોર્ટ પાસે ચિદમ્બરમે માગ કરી હતી કે તેમને ઇંગ્લિશ ટૉઇલેટ મળે. મજાક કરવાની આ વાત નથી. ઘૂંટણનો પ્રશ્ન હોય તેમને આ પ્રકારની આવશ્યકતા ઊભી થઈ શકે છે એટલે સૉરી, પણ આ માગને મજાકની નજરથી નહીં, આવશ્યકતાની નજરથી જોવાનું મન થાય, પરંતુ જો ઘૂંટણનો પ્રશ્ન ન હોય તો, તો આ માગને કેવી ગણવાની?

એવા સમયે તમને આ માગમાં લક્ઝરીની છાંટ જ જોવા મળે અને આ લક્ઝરી કોર્ટે નથી સ્વીકારી. બહુ વાજબી હતો આ નકાર અને એટલા માટે વાજબી હતો કે જો આવી સગવડો સાચવી લેવામાં આવે તો જેલવાસનો કોઈ અર્થ નીકળતો નથી અને જેલવાસ સગવડો માટે છે પણ નહીં. જો તમે ઇચ્છતા હો કે તમને આવી સગવડો વચ્ચે જ રહેવા મળે તો તમારે એ બાબતમાં સાવચેતી રાખવી જોઈએ. ભ્રષ્ટાચાર એક માત્ર એવું દૂષણ છે જેમાં ક્યાંય આક્રોશ ભાગ ભજવતો નથી. કરવામાં આવેલી મારામારી આક્રોશનું પરિણામ છે. બળાત્કાર પણ જાતિય આવેગનું પરિણામ છે અને હત્યા પણ આવેગને આધિન છે, પરંતુ ભ્રષ્ટાચારને કોઈ આવેગ સાથે નિસબત નથી. હું માનું છું કે ભ્રષ્ટાચારને સીધો સંબંધ જો કોઈ સાથે હોય તો એ અસલામતી છે. જેને પોતાના ‌પર વિષય નથી એ અસલામતીની ભાવના વચ્ચે વધુમાં વધુ એકઠું કરવાની લાયમાં પડે છે અને એ વધુ ભેગું કરી લેવાની લાયમાં જ તે ભ્રષ્ટાચારને આવકારી લે છે.

આ પણ વાંચો: મિશન ઇસરોઃ પોણાચાર લાખ કિલોમીટર હેમખેમ અને છેલ્લાં બે ‌કિલોમીટરમાં શ્વાસ છૂટ્યો

ભ્રષ્ટાચાર એક રૂપિયાનો હોય કે પછી એકસો કરોડનો હોય, ચોરી એ ચોરી જ છે અને એ ચોરીને કોઈ રીતે સ્વીકારી ન શકાય. આવું કહેવાની સાથે હું એ પણ કહીશ કે સંજોગો મહત્ત્વના હોઈ શકે. મા માટે દવા ચોરનારા બાળક પર ગુસ્સો આવવાને બદલે દયા જન્મે અને પદનો ગેરલાભ લઈને ઘર ભરનારા પર વિકાર જન્મે. ચિદમ્બરમે પોતાની સત્તાનો, પોતાની બુદ્ધિનો અને પોતાની આવડતનો ગેરલાભ લઈને એવું મોટું પાપ કર્યું છે જેની સજા તેમણે અહીં ચૂકવવી પડશે અને ઉપર પણ એનો ચુકાદો સહન કરવો પડશે.

p chidambaram columnists manoj joshi