IIPM ચૅપ્ટરઃ તમારા બાળકને ઍડ્મિદશન માટે કહેણ આપતી આ દુકાન

17 September, 2019 02:32 PM IST  |  મુંબઈ | મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

IIPM ચૅપ્ટરઃ તમારા બાળકને ઍડ્મિદશન માટે કહેણ આપતી આ દુકાન

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પ્લાનિંગ ઍન્ડ મૅનેજમેન્ટ.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પ્લાનિંગ ઍન્ડ મૅનેજમેન્ટ.

IIPM એનું શૉર્ટ નેમ. યાદ છે આ નામ, અઢળક જાહેરખબરો એની આવી છે અને બીજી પણ અનેક રીતે એની પબ્લિસિટી કરવામાં આવી છે. વાત છે ૧૯૯૦થી લઈને છેક ૨૦૧૦ સુધીના સમયગાળાની.

મીડિયા-ટાઇકૂન પણ એ માણસ બનવા માગતો હતો અને ઑલમોસ્ટ તેણે પ્રયાસ પણ એવો જ કર્યો હતો કે તે મીડિયા-ટાઇકૂન બની જાય. નામ તેનું અરિન્દમ ચૌધરી. આ અરિન્દમભાઈએ છેલ્લાં પાંચ-સાત વર્ષમાં તો શાહરુખ ખાનને પણ બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર તરીકે લઈ લીધો હતો પણ આજે, આજે ક્યાં છે એ જરા તપાસજો. ગૂગલ પર ખણખોદ કરજો અને જાણીતી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટને પણ આ વિશે પૂછજો. બિલકુલ ફ્રૉડ કહેવાય એવી આ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ આજે બંધ થઈ ગઈ છે, પણ એણે બંધ કરતાં પહેલાં એટલી મોટી છેતરપિંડી કરી લીધી કે તેને ત્યાં લાખો અને કરોડો રૂપિયાની ફી ચૂકવીને બહાર આવેલા સ્ટુડન્ટ્સ આજે ઑફિશ્યલી બારમું ધોરણ પાસ જ કહેવાય છે. હા, બારમી ફેલ હોય એવી જ રીતે બારમી પાસ સ્ટુડન્ટ્સ, કારણ કે તેમણે જે એજ્યુકેશન લીધું છે એનું કોઈ મૂલ્ય છે જ નહીં. આજે આ આખી વાત બહાર આવી તો એનું કારણ પણ શાહરુખ ખાન છે. શાહરુખ ખાનને લીધે બધાની સામે આ વાત બહાર આવી.

બન્યું એવું કે શાહરુખ ખાન આ કંપનીનો, ગ્રુપનો કે પછી કહો કે આ ઇન્સ્ટિટ્યૂટનો બ્રૅન્ડ- ઍમ્બૅસૅડર હતો અને એટલે તેના પર બંગાળના એક મોટી ઉંમરના પેરન્ટે કેસ કર્યો છે અને કોર્ટમાં દાવો માંડ્યો છે કે શાહરુખ ખાન પર વિશ્વાસ રાખીને અમે માન્યું કે આ ઇન્સ્ટિટ્યૂટ સારી છે અને અમે અમારી બધી કમાણી દીકરાને ભણાવવામાં લગાડી દીધી. હવે અમને અમારા પૈસાનું વળતર શાહરુખ ખાન ચૂકવે.

એ મોટી ઉંમરના પેરન્ટની વ્યથા ખોટી નથી. આજે સેલિબ્રિટી હોવું એ બહુ મોટું સન્માન છે. આ સન્માનને માન મળવું જોઈએ. સ્ટાર્સનો પોતાનો સ્ટાફ હોય છે અને એ સ્ટાફ તોતિંગ હોય છે. જો કોઈ પ્રોડક્ટ તમારા સુધી આવે, કોઈ કંપની તમારા સુધી આવે તો એને નહીં, પણ એ કંપની, એ કંપની સાથે જોડાયેલા લોકો અને એ પ્રોડક્ટ વિશે પૂરતી તપાસ કરીને જ આગળ વધવું જોઈએ. બ્રૅન્ડ-એન્ડોર્સમેન્ટ એ નાનું કામ નથી. હસતું મોઢું રાખીને કૅમેરા સામે ઊભા રહી જવાથી તમારું કામ પૂરું નથી થઈ જતું. લોકો તમારા પરના વિશ્વાસને એ પ્રોડક્ટ સાથે જોડી દેતા હોય છે. લોકો, તમારા ફૅન્સ, તમારા પ્રત્યેના પ્રેમને કારણે આગળ વધી જતા હોય છે. આ વિશ્વાસ કમાવા માટે તમે અઢળક મહેતન કરી છે, અથાક પરિશ્રમ કર્યો છે તો પછી એ મહેનત અને પરિશ્રમની વૅલ્યુ જાળવવી એ તમારી જવાબદારી છે અને આ બહુ જરૂરી છે. શાહરુખ પર થયેલો કેસ એકેક સેલિબ્રિટી સુધી પહોંચવો જોઈએ, પહોંચાડવો જોઈએ જેથી આ પ્રકારે પૈસાદાર પણ ફ્રૉડના હાથા બનતાં પહેલાં ૫૦૦ વખત વિચાર કરે અને આમાં માત્ર વિચાર નથી કરવાનો.

આ પણ વાંચો : મોટર વેહિકલ ઍક્ટ : ગેરલાભનું પ્રમાણ ચપટીક સરીખું અને લાભ અપાર-અપરંપાર

પૂરતી ચીવટ રાખીને, બધાં પેપર્સ ચકાસીને અને પોતાની ટીમને કામે લગાડીને નિર્ણય લેવાનો છે. શરમ આવે એ કહેતાં કે પૈસો આજે પણ આંખો આંજી દે છે અને એ પણ તેની આંખો જેને જોવા માટે, એક ઝલક લેવા માટે લોકો ટળવળતા હોય છે. અરિન્દમ ચૌધરી આજે ક્યાં છે, શું કરે છે અને કેવી અવસ્થામાં છે એની કોઈને ખબર નથી, પણ તેની ઇન્સ્ટિટ્યૂટમાં ભણીને મસમોટાં સપનાં જોનારા હજારો સ્ટુડન્ટ્સ આજે બારમી પાસ તરીકે ઓળખાય છે અને ક્યાંક ને ક્યાંક જીવનના બે છેડા ભેગા કરવાની લાયમાં ભટકી રહ્યા છે.

manoj joshi columnists