ફૂડ-મેકિંગ મારે મન મેડિટેશન છે

26 August, 2020 06:27 PM IST  |  Mumbai | Rashmin Shah

ફૂડ-મેકિંગ મારે મન મેડિટેશન છે

હું અને મારી ખાંડવી : ખાંડવીમાં ક્યારેય તીખાશ જોઈતી હોય તો મરચાને બદલે સમારેલી મરચી નાખજો, રિયલ તીખાશ મળશે.

તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલનો સાળો સુંદર યાદ છેને? જેમ સુંદર બનેવીને હેરાન કરવાની એક પણ તક જતી નથી કરતો એવી જ રીતે મયૂર વાકાણી રિયલ લાઇફમાં કિચનમાં જવાની એક પણ તક જતી નથી કરતો. ફૂડ-મેકિંગ તેની ફેવરિટ હૉબી છે તો સાથોસાથ અન્ન મયૂર માટે દેવતા સમાન છે. મયૂર કહે છે કે અન્નનો અનાદર નહીં કરવાનો એ વાત નાનપણમાં શીખ્યો હતો અને આજ સુધી એનો અમલ ચાલુ છે. કદાચ આ જ કારણસર મારાથી ક્યારેય ફૂડ-મેકિંગમાં બ્લન્ડર નથી થયાં. મયૂર વાકાણીએ રાંધવાના પ્રયોગો વિશે મિડ-ડેના રશ્મિન શાહ સાથે કરેલી વાતો મજાની છે
હું કંઈ પણ ખાઉં કે મને કંઈ પણ પીરસવામાં આવે તો મારો કોઈ ગમો-અણગમો આવે જ નહીં, ક્યારેય નહીં. એની પાછળનું કારણ છે મારા પપ્પા ભીમભાઈ. મારી ફૂડ-હૅબિટ, ફૂડ માટેની મારી માનસિકતા અને ફૂડ બનાવવા માટેનું પ્રોત્સાહન બધું મને પપ્પા પાસેથી મળ્યું છે એવું કહું તો જરાય અતિશયોક્તિ નથી. અન્ન માટે પપ્પાએ કહેલી બે વાત મારાથી ક્યારેય ભુલાવાની નથી. એ બન્ને વાતને હું આજે પણ અનુસરું અને પૂર્ણપણે એનું અનુકરણ કરું. હું નાનો હતો ત્યારે પપ્પાએ મને કહ્યું હતું કે અન્ન દેવતા છે, ભગવાન છે અને જે અન્ન આપે છે એ અન્નપૂર્ણા છે. આજે પણ આપણા દેશમાં અઢળક લોકો એવા છે જેમને બે ટંકનું ભોજન નથી મળતું એટલે જે મળે, જેવું મળે એનો આદર કરવો અને આદર સાથે જ અન્નદેવતાને ગ્રહણ કરવા એ વાત મારા મનમાં કાયમ માટે સ્ટોર થઈ ગઈ એટલે મેં ખાવાપીવાની બાબતમાં પ્રેફરન્સને મહત્ત્વ આપવાનું મૂકી દીધું. ‘આ જ ભાવે’ અને ‘આ જ જોઈએ’ એ માનસિકતા જ મેં કાઢી નાખી છે. જે મળે એ હું પ્રેમથી આરોગું અને ધારો કે ક્યારેક ન ભાવતું આવી પણ જાય તો તરત જ મારા મનમાં પપ્પાની પેલી અન્ન માટેની ફિલોસૉફી આવી જાય. પપ્પાની એ ફિલોસૉફીને કારણે જ મને લુખ્ખા ભાત આપી દો તો પણ હું એને એવી જ રીતે આરોગું જાણે બત્રીસ જાતના પકવાન એ ભાતમાં ભેળવ્યા છે.
મને ગળ્યું બહુ ભાવતું નથી અને એ બાબતમાં મારાં પર મમ્મી ઉષાબહેનની અસર થઈ હોય એવું મને લાગે છે. મમ્મીને પણ ગળપણ ભાવતું નહીં હોય એવું હું ધારું છું, પણ એમ છતાં આ વાત મારી ફૅમિલી સિવાય કોઈને ખબર નથી. આજે કોઈએ મને જમવા માટે આમંત્રિત કર્યો હોય અને મારી થાળીમાં જો મીઠાઈ મૂકવામાં આવે તો હું એટલા જ આદર, સત્કાર અને પ્રેમથી એ ખાઈ લઉં. ઘણી વાર એવું થાય કે કોઈને ત્યાં જમવા ગયા હોય ત્યારે આપણી ગુજરાતી દાળ ગળપણવાળી આવી જાય તો પણ મારું મોઢું બગડે નહીં. પપ્પા એક વાત કહે કે વખાણશો નહીં તો ચાલશે, પણ અન્નને ક્યારેય વખોડતા નહીં. હું પપ્પાની આ વાતનું પણ પૂરેપૂરું પાલન કરું છું.
મારા ફેવરિટમાં ખીચડી સૌથી પહેલું નામ. મને બહુ ભાવે. જો મને આખું વર્ષ ખીચડી આપે તો હું કોઈ જાતની કમ્પ્લેઇન વિના પ્રેમથી જમું. ખીચડી ઢીલી હોય, કડક હોય, મસાલો વધારે હોય, વઘારેલી હોય કે સાદી હોય. ખીચડી એટલે ખીચડી. ખીચડી મળી જાય એટલે જલસો પડી જાય.


નાનપણથી કિચન મને બહુ ગમતું. મમ્મી રસોડામાં જાય એટલે હું તેની પાછળ જાઉં જ જાઉં. તહેવાર આવે ત્યારે તો ખાસ. તહેવારોમાં મેં મમ્મીને બહુ હેલ્પ કરી છે. પૂરી બનાવવામાં, ગાંઠિયા બનાવવામાં, સંચો લઈને સેવ પાડવામાં, વડાં બનાવવામાં. મને બહુ મજા આવે. તહેવાર ઉપરાંત પાપડ કરવાના હોય કે ખીચું બનાવવાનું હોય ત્યારે પણ હું હેલ્પ માટે તૈયાર હોઉં. તમે માનશો નહીં પણ હું નાનો હતો ત્યારથી મને વણતાં પણ પર્ફેક્ટ આવડતું હતું.
પાંચેક વર્ષ પહેલાં મને ડાયેટિંગ કરવાનું મન થયું ત્યારે મેં નક્કી કર્યું કે મારી રસોઈ મારે જ બનાવવી. બધું જ મારી જાતે તૈયાર કરું અને પછી જમું. જો તમારે ડાયટિંગ કરવું હોય તો તમે ફૂડ જાતે બનાવજો. બે ફાયદા થશે; એક તો તમને ખ્યાલ આવશે કે તમારું ફૂડ હેલ્ધી અને કેટલું ટેસ્ટી બન્યું છે. બીજું, એ બહાને તમને એ પણ ખબર પડશે કે તમે કેટલી વસ્તુ નકામી ખાઈ લેતા હો છો. મારા ડાયટ-પ્લાનની વાત કરું તો સવારે હું ઓટ્સ અને ફ્રૂટ નાસ્તામાં લેતો, બપોરે થોડી દાળ અને ભાત કે જૂસ લેવાનાં. બે-ત્રણ દિવસમાં એક વાર મેન્યૂ ચેન્જ કરીને બાજરાની રોટલી અને શાક લેવાનાં. સાંજે ડિનરમાં સૅલડ, જવની રોટલી, શાક અને દાળ તથા એ પછી મોડેથી ભૂખ લાગે તો ફ્રૂટ લેવાનાં. આ બધું મારી જાતે જ બનાવતો એટલે તમને એ તો સમજાઈ ગયું હશે કે આટલું તો મને બનાવતાં આવડે જ છે, પણ આ બધું હું ડાયટ પર હતો ત્યારે બનાવતો, હવે નથી બનાવતો.
મારા પપ્પાને પણ મસ્ત રસોઈ આવડે છે, પણ એ જ્યારે રસોઈ બનાવે ત્યારે તેમને બે-ત્રણ જણનો સાથ જોઈએ, જે તેમને હેલ્પ કરે. એકની પાસે મીઠું માગે અને એકની પાસે ચમચી માગે. એક જણ તેમને શાક સમારી દેતો હોય અને એક જણ તેમને તેલ કાઢી આપતો હોય. મારું તેમનાથી સાવ ઊલટું છે.
હું જ્યારે ફૂડ બનાવું ત્યારે ધ્યાન-અવસ્થામાં ચાલ્યો જાઉં. હું કિચનમાં હોઉં ત્યારે મને આજુબાજુનું કશું ખબર હોય નહીં. અંદરથી અવાજ આવે, જે હુકમ થાય એ રીતે બનાવતા જવાનું, કોઈને પૂછવાનું નહીં અને કોઈ જગ્યાએ રેસિપી ચેક કરવાની નહીં. જાતે જ જે મન થાય અને જે મનમાં આવે એ રીતે બનાવતા જવાનું. હું જેકંઈ બનાવું એ પહેલાં ટેસ્ટ મુજબ, ઇન્ગ્રેડિયન્ટ્સ મુજબ પહેલાં ઇમૅજિન કરી લેતો હોઉં છું એટલે કદાચ સ્વાદ એ મુજબ જ મનમાં નક્કી થઈ ગયો હોય અને પછી બનાવું એટલે વાંધો ન આવે. હું વેજિટેબલ્સ સાથે બહુ અખતરા કરું. બધાં શાક મને ભાવે છે એટલે જે શાક ઘરમાં અવેલેબલ હોય એમાં થોડો ચેન્જ લાવીને કંઈક નવું કરવાનો પ્રયત્ન કરતો રહું, પણ ખાસ એક વાત, જમવાનું બધાને સમયસર મળી જાય એનું હું ખાસ ધ્યાન રાખું. હમણાં લૉકડાઉનમાં મેં ઘરે ફાફડા બનાવ્યા હતા. એ ઉપરાંત ભજિયાં બનાવ્યાં, ખાંડવી બનાવી અને એવું ઘણું નવું બનાવ્યું.
ફૂડમાં ક્યારેય કોઈ એવાં બ્લન્ડર થયાં નથી અને એનું કારણ મારી એકચિત્તે કામ કરવાની પદ્ધતિ છે અને ધારો કે એ પછી પણ થયાં હોય તો મેં પપ્પાની જ વાત સૌકોઈને સમજાવીને રાખી છે. અન્ન દેવતા છે એનો ક્યારેય અનાદર નહીં કરવાનો, પ્રેમથી એનો સ્વીકાર કરવાનો.

 

વાઇફે કહી દીધું કે બનાવો છો સારું, પણ....
મારી વાઇફ હેમાલી બહુ સરસ રસોઈ બનાવે છે. જો કોઈ કામ ન હોય અને હું ઘરમાં હોઉં તો તેને હેલ્પ કરવા હું વિનાસંકોચ કિચનમાં જાઉં. શાક સમારી આપું કે બીજી બધી તૈયારી કરી આપું પણ ભૂલથી પણ વઘાર નહીં કરવાનો. ભૂલથી પણ શાક સારું બની જાય અને છોકરાઓને લાગે કે મમ્મી કરતાં તો પપ્પા તમારી રસોઈ સરસ થાય છે તો પાછો મીઠો ઝઘડો ચાલુ થઈ જાય એટલે એવું નહીં કરવાનું. ગમે એમ તોયે વાઇફ ઘરની અન્નપૂર્ણા છે એટલે તેની સાથે કજિયો નહીં વહોરવાનો. બીજું, મેં તમને કહ્યું એમ જે સમયે હું કુક કરતો હોઉં ત્યારે હું લિટરલી ધ્યાન-અવસ્થામાં હોઉં. મારું મગજ ચાલતું હોય, હાથ ચાલતા હોય પણ આજુબાજુમાં શું થાય છે એની મને ખબર ન હોય. બધું પતી જાય પછી ખબર પડે કે મેં આખું કિચન ભરી મૂક્યું છે. દીવાલ અને પ્લૅટફૉર્મ પર ચિતરામણ થઈ ગયું હોય અને વાઇફ માટે, વાઇફ માટે કિચન એટલે મંદિર અને અને હું એ ચોખ્ખું રહેવા ન દઉં તો નૅચરલી એ બગાડવાની જ છે. શરૂઆતમાં તો એકાદબે વાર તેણે માન રાખ્યું અને કંઈ કીધું નહીં, પણ પછી એક દિવસ કહી દીધું કે તમે રહેવા દો, તમે બનાવો છો સરસ, પણ પછી કિચન સાફ કરવામાં મને બહુ મહેનત પડે છે.

ફાફડા અને જલેબી: લૉકડાઉનમાં બનાવેલા મારા હાથના ફાફડા ખાધા પછી ઘરના સૌકોઈને એવું લાગ્યું હતું કે હું ફાફડા-જલેબીની દુકાન કરું તો મારા ફાફડા-જલેબી અમદાવાદમાં ધૂમ મચાવે.

Rashmin Shah Gujarati food columnists