યદા યદા હી ધર્મસ્ય : યાદ રહે, પાપના નાશ માટે દરેક તબક્કે ભગવાનનું આવવું જરા પણ જરૂરી નથી

29 August, 2022 05:34 PM IST  |  Mumbai | Manoj Joshi

જો તમારામાં આત્મવિશ્વાસ હશે તો તમને કોઈ રોકી શકવાનું નથી અને જો કોઈ તમને રોકી શકવાનું ન હોય તો તમારે કોઈનાથી ગભરાવાની જરૂર નથી. તું જ કૃષ્ણ, તું જ રામ. તું જ પાલનહાર, તું જ તારણહાર.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

આ વિષય પર આપણી વાત ગઈ કાલથી ચાલે છે. આ જ વાતને આજે દોહરાવવાની છે. એવું કેવી રીતે ધારી શકાય કે દરેક વખતે, દરેક તબક્કે, દરેક સમયે ભગવાન જ આવીને તમારો ઉદ્ધાર કરે અને તમને સુખ-શાંતિ આપે. ના, જરા પણ નહીં. જો ભગવાન નાની-નાની વાતમાં તમારી મદદે આવશે તો એ મોટાં કામો ક્યારે કરશે અને કેવી રીતે કરશે? ભગવાનની પણ ઘણી જવાબદારી છે અને એ જવાબદારીઓને તેણે જોવાની છે તો બહેતર છે કે તેમની જવાબદારીમાં થોડી રાહત આપીએ અને એ રાહત વચ્ચે આપણે તેમનું થોડું કામ સંભાળીએ.
રસ્તે ચાલતી છોકરીઓનું વસ્ત્રહરણ થાય ત્યારે ચીર પૂરવા ભગવાન આવે એ સમજાય, પણ એ ચીરહરણની પ્રક્રિયા શરૂ થાય એ પહેલાં જ એને અટકાવવાની જવાબદારી તમારી પોતાની છે અને એના માટે સક્ષમતા તમારે હાંસલ કરવાની છે. હમણાં જ ૧૫ ઑગસ્ટના દિવસે એક સ્પીચમાં કહ્યું કે જેટલી જરૂરિયાત સીમાને સૈનિકની છે એટલી જ જરૂરિયાત આંતરિક દુશ્મનો સામે દેશની અંદર પણ સૈનિકની છે અને એ સૈનિક આપણે બનવાનું છે. આ હકીકત છે. જો તમે અંદરના સૈનિક બની શક્યા, જો તમે અંદરના સેનાપતિ બની શક્યા તો કોઈ તમને નડવાનું નથી અને કોઈ તમારી પ્રજાને પણ નડતર બનવાનું નથી.

એક વાત ક્યારેય ભૂલવી નહીં કે ઈશ્વરે સૌને સમાન તાકાત આપી છે. વાત છે એ માત્ર વિશ્વાસ અને આત્મવિશ્વાસની છે. જો તમારામાં આત્મવિશ્વાસ હશે તો તમને કોઈ રોકી શકવાનું નથી અને જો કોઈ તમને રોકી શકવાનું ન હોય તો તમારે કોઈનાથી ગભરાવાની જરૂર નથી. તું જ કૃષ્ણ, તું જ રામ. તું જ પાલનહાર, તું જ તારણહાર. 

બહુ અર્થસભર આ શબ્દો છે અને આ શબ્દોનો અર્થ જીવનમાં સૌકોઈએ ઉતારવાનો છે. જો તમે તમારી આજુબાજુની દુનિયાનો પાપાચાર રોકી ન શકો તો તમને ભગવાનની રાહ જોવાનો કોઈ હક નથી. જો તમે તમારી આજુબાજુની દુનિયાનાં કુકર્મો રોકી ન શકો તો તમને હક નથી કે તમે ઈશ્વરના આગમનની રાહ જુઓ. ના, જરા પણ નહીં અને ક્યારેય નહીં.

એક વાત યાદ રાખજો કે તું જ તારો ઈશ્વર. તમારે જ ઈશ્વરની એ તમામ જવાબદારીઓ સંભાળવાની છે જે જવાબદારીઓ ઈશ્વર પૂરી કરવાનો છે. આજના સમયમાં તેના પક્ષે કામ ઘણું વધ્યું છે તો ઍટ લીસ્ટ એટલી જવાબદારી તો આપણે ઉપાડીએ જ અને એ જવાબદારીને પૂરી સભાનતા સાથે પૂરી કરીએ અને એ પૂરી કરતી વખતે ખરા અર્થમાં ધ્યાન રાખીએ કે કોઈ જાતનો ડર મનમાં રહે નહીં. આ બહુ જરૂરી છે. 

આજના સમયમાં જે માનસિકતા બની છે કે દરેક પોતાનું ફોડી લે એ માનસિકતા ખરેખર ગેરવાજબી છે અને આ ગેરવાજબી માનસિકતા વચ્ચે ઈશ્વર પર ભાર વધતો જાય છે. ભગવાન પર ભાર વધારનારો એ વાત ભૂલી જતો હોય છે કે આવું કરીને તે ખરેખર સાચા સમયે અને યોગ્ય દિશામાં ભગવાનને આવકારતો નથી. જો તમે ઇચ્છતા હો કે ભગવાન તમને ક્યાંક ને ક્યાંક મદદરૂપ બને તો તમારે પહેલું કામ એ કરવાની જરૂર છે કે અર્થહીન જગ્યાએ ભગવાનને હેરાન કરવાના બંધ કરી દો અને ઉચિત જગ્યાએ જ ભગવાનને આવકારો.

columnists manoj joshi