પાકિસ્તાન પારાયણ : ઇમરાન ખાનની અરેસ્ટની વાત પણ પાકિસ્તાનની હાલત વધારે કફોડી કરી રહી છે

09 March, 2023 04:22 PM IST  |  Mumbai | Manoj Joshi

પાકિસ્તાનનું રાજકારણ કઈ હદે ગંદું છે અને આ રાજકારણમાં કઈ રીતે કોઈ સારો માણસ પ્રવેશી શકે એ વાત ફરી એક વાર સપાટી પર આવી છે

ઇમરાન ખાન ફાઇલ તસવીર

હા, માત્ર વાત જ આવી છે અને એ પછી પણ લોકોને ખાતરી છે કે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનની અરેસ્ટ થશે જ થશે. ઇમરાન ખાન પણ એવું જ ધારીને બેસી ગયો છે કે હવે તેને છોડવામાં નહીં આવે અને તેના પર ભ્રષ્ટાચારના લાંબાલચક આરોપો લગાવવામાં આવશે. અમુક આરોપો તો ઑલરેડી લગાડી દેવામાં આવ્યા છે પણ એ આરોપોમાં વધારો થશે એવું તો પાકિસ્તાન પૉલિટિક્સના બિગ શૉટ્સ પણ કહે છે. 

ઇમરાન ખાનની અરેસ્ટ માત્રની વાતોએ પણ પાકિસ્તાનની હાલત ખરાબ કરવાની શરૂ કરી દીધી છે. પાકિસ્તાનનું રાજકારણ કઈ હદે ગંદું છે અને આ રાજકારણમાં કઈ રીતે કોઈ સારો માણસ પ્રવેશી શકે એ વાત ફરી એક વાર સપાટી પર આવી છે. ઇમરાન ખાન સારો રાજકારણી હતો કે નહીં એની ચર્ચામાં આપણે ઊતરવું નથી, પણ એટલું તો સ્વીકારવું જ રહ્યું કે આ જ એ માણસ છે જેણે અનેક વખત દુનિયાના સ્ટેડિયમમાં પાકિસ્તાનનું શિર ઊંચું કરવાનું કામ કર્યું હતું. અનેક વખત પાકિસ્તાનના કૉલર એણે જ ટાઇટ કર્યા અને કરાવ્યા તો આ જ એ માણસ છે જેણે પાકિસ્તાન સામે દુનિયાના ક્રિકેટ-પ્રેમીઓને સૅલ્યુટ પણ કરાવી. આ માણસ સાથે તમે આજે ચોરની જેમ, ભ્રષ્ટાચારીની જેમ વર્તો અને તેની અરેસ્ટના ઑર્ડર રિલીઝ કરો એ ખરેખર ઘૃણાસ્પદ છે. જો તે ભ્રષ્ટાચારી હોત, જો તેણે ખાયકી કરી હોત તો અગાઉ પણ તેને એવી તકો મળી જ હતી. પાકિસ્તાન ક્રિકેટ ટીમ જ્યારે ટૉપ પર હતી ત્યારે તે એનો કૅપ્ટન હતો, તેણે ધાર્યું હોત તો એ સમયે ટીમ આખી વેચી નાખી હોત અને કોઈને ખબર સુધ્ધાં ન પડી હોત. પણ એવું થયું નથી એ પણ હકીકત છે. એ માણસ શું કામ પોતાની નિરાંતની જિંદગી છોડીને દેશ માટે કામ કરવા આગળ આવ્યો હોય, પૈસા માટે?

ના, બિલકુલ નહીં. ઇમરાન ખાને એવો પૈસો જોયો છે જેની આજની જનરેશન તો કલ્પના સુધ્ધાં ન કરી શકે. આજે સલમાન અને શાહરુખની જે શોહરત છે, જે નામના છે એનાથી પણ અનેકગણી નામના ઇમરાન ખાનની એક ક્રિકેટર તરીકે હતી. એંસીના દશકમાં તો રીતસર છોકરીઓ તેની પાછળ પાગલ હતી. ઇમરાન ખાનની આ ફેમ જોઈને જ તેને અનેક કંપનીઓએ બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર તરીકે લીધો હતો અને લાખો-કરોડો રૂપિયા ચૂકવ્યા હતા. ઇમરાન નામ અને દામ માટે પૉલિટિક્સમાં નહોતો જ ગયો, તે ધારતો હતો કે તે પાકિસ્તાનને એક નવી જ દિશા આપી શકશે અને પાકિસ્તાનનો વિકાસ કરશે. પણ મૂઈ પ્રજા, એને ક્યાં વિકાસમાં રસ હતો અને એને ક્યાં સંપત્તિ ઊભી કરવામાં દિલચશ્પી હતી. જરા પણ નહીં. પાકિસ્તાન એક એવો દેશ છે જે ટાંટિયા ખેંચવામાંથી ઊંચો નથી આવ્યો અને કદાચ આવશે પણ નહીં.

ઇમરાન ખાન સામે લેવાયેલાં વાહિયાત પગલાંઓ એક વાત પુરવાર કરશે કે પાકિસ્તાન જેવા દેશને આગળ લઈ આવવા માટે બૌદ્ધિક સ્તરની એક પણ વ્યક્તિએ આગેવાની નહીં લેવાની.
રે પાકિસ્તાન, તારાં નસીબ!

columnists pakistan imran khan manoj joshi