વિકાસ અનલિમિટેડ : જ્યારે દુનિયા આખીને મંદી જોવી પડે છે ત્યારે ઇન્ડિયા ડેવલપમેન્ટ જુએ છે

08 September, 2022 03:37 PM IST  |  Mumbai | Manoj Joshi

દેશની એ પ્રજાએ જેણે છેલ્લાં ત્રણ વર્ષમાં ઑલમોસ્ટ સવાથી દોઢ વર્ષ લૉકડાઉન જેવો કપરો કાળ જોયો અને એ પછીયે સહેજ પણ પાછા પડ્યા વિના એકધારું આગળ વધવાનું ચાલુ કરી દીધું છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

છેલ્લા થોડા સમયની ઇકૉનૉમી તમે જુઓ. વિકાસની દિશા ફરી એક વાર પુરબહારમાં ખીલી હોય એ પ્રકારે દેશ આગળ વધી રહ્યો છે. હૅટ્સ ઑફ. દેશની એ પ્રજાએ જેણે છેલ્લાં ત્રણ વર્ષમાં ઑલમોસ્ટ સવાથી દોઢ વર્ષ લૉકડાઉન જેવો કપરો કાળ જોયો અને એ પછીયે સહેજ પણ પાછા પડ્યા વિના એકધારું આગળ વધવાનું ચાલુ કરી દીધું છે.

કોરોના પછી આજે દુનિયાના મોટા ભાગના દેશો કપરો સમય જુએ છે એવા સમયે ઇન્ડિયા ડેવલપમેન્ટના નવા રસ્તા પર છે જે દર્શાવે છે કે આપણે ક્યાંય પાછા પડતા નથી અને પાછળ રહેવામાં માનતા નથી અને એટલે જ મંદી આપણને સ્પર્શતી નથી. તમે જુઓ, કઈ રીતે આપણે ફરીથી તેજીની ડ્રાઇવ પર આવી રહ્યા છીએ, કઈ રીતે આપણે નવેસરથી એ દિવસોમાં પ્રવેશી રહ્યા છીએ જે દિવસો આપણે કોવિડ પહેલાં જોતા હતા. આજે એક પણ ઇન્ડસ્ટ્રી એવી નથી રહી જે મંદીના નામે દેકારો કરતી હોય અને મરવાના વાંકે જીવતી હોય. ફિલ્મ-ઇન્ડસ્ટ્રીથી માંડીને ફૂડ-ઇન્ડસ્ટ્રી અને ઑટોમોબાઇલ-ઇન્ડસ્ટ્રીથી માંડીને ફૅશન-ઇન્ડસ્ટ્રીમાં પૈસો આવવા માંડ્યો છે અને આવતો એ પૈસો હવે સરકારી તિજોરીમાં પણ જીએસટીના સ્વરૂપમાં દેખાતો થયો છે.

સરકારના ચોપડે ઉધારાનારો એ પૈસો વિકાસ માટે જ વપરાવાનો છે અને ઇન્ડિયાને જ સીધો એનો ફાયદો થવાનો છે. આપણી રગોમાં ઊતરેલી પેલી નિઃશુલ્ક વૅક્સિનથી માંડીને પેન્ડેમિકના સમયમાં જે પ્રકારે ફ્રી સારવાર મળી છે એ બધાનો ખર્ચ એટલો મોટો હતો કે કોઈ પણ મહાકાય દેશના પગ ધ્રૂજી જાય, પણ ભારત અડીખમ રહ્યું હતું અને ભારતની એ જ માનસિકતાએ એને વધારે બળવત્તર બનાવવાનું કામ કર્યું છે. હજી હમણાં જ સત્તાવાર આંકડાઓ આવ્યા કે જીએસટીના મામલે ભારતે છેલ્લાં ત્રણ વર્ષનો રેકૉર્ડ તોડવાનો શરૂ કર્યો છે. છેલ્લાં ત્રણ વર્ષનો રેકૉર્ડ, જેનો સીધો અર્થ એવો થયો કે આપણે પેન્ડેમિકના પિરિયડ પહેલાંના નૉર્મલ પિરિયડ પર પહોંચવા માંડ્યા છીએ.

ટ્રાવેલ-ઇન્ડસ્ટ્રીને જુઓ તમે. આપણે ઇન્ડિયનોએ દુનિયા ફરાનું પણ આરંભી દીધું અને ટૂંકા વેકેશનમાં દેશમાં ફરવાનું પણ આરંભી દીધું. એક સમયે જે ટિકિટના પ્રાઇસ હતા, જે હોટેલના ટૅરિફ હતા એ જોઈને કોઈ પણ કહી શકે કે ટ્રાવેલ-ઇન્ડસ્ટ્રીની કમર તૂટી ગઈ છે. જોકે આજે તમે એ પ્રાઇસ અને ટૅરિફ જુઓ. તમે કલ્પી પણ ન શકો કે આપણે પેન્ડેમિક જોઈને બેઠા છીએ. ના, કલ્પી પણ ન શકો, વિચારી પણ ન શકો અને ધારી પણ ન શકો. વિકાસની આ જે નવી રેખાઓ અંકાતી જાય છે એ દેખાડે છે કે ભારતીયોને રડતા આવડતું નથી અને માથું પકડીને બેસી રહેવાનું પણ ફાવતું નથી. આપણે આગળ વધવામાં માનીએ છીએ અને આગળ વધતા રહેવું એ જ આપણી ફિતરત છે. 

ઊંચાઈ આપણો સ્વભાવ છે અને પ્રગતિ આપણા લોહીમાં છે. સર્વોચ્ચ રહેવું આપણી આદત છે અને સર્વોત્તમ બનીને જીવવું એ આપણા ડીએનએમાં છે. બસ, આ જ રીતે આગળ વધતા જવાનું છે અને આગળ વધતાં-વધતાં આપણે ફરી એક વાર એ ઊંચાઈ પર પહોંચવાનું છે જેનું સપનું આપણે ૩૬ મહિના પહેલાં જોઈને કામે વળગ્યા હતા.

columnists lockdown indian economy manoj joshi