યુટ્યુબ ફૅમિલી : તેમને જોઈને થઈ આવે કે આનું નામ પરિવાર, આનું નામ સંપ અને આનું નામ આનંદ

11 October, 2022 05:31 PM IST  |  Mumbai | Manoj Joshi

દુબઈમાં બેસીને એ પરિવાર જમીન પર જમવા બેસે છે અને જમવામાં જે નાસ્તો કે લંચ-ડિનર હોય એ આપણું ટ્રેડિશનલ હોય

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

બે દિવસથી વાત ચાલે છે એ યુટ્યુબની પારિવારિક ચૅનલની આપણે વાત કન્ટિન્યુ કરવાના છીએ. દુબઈની એક ફૅમિલીની આપણે વાત કરવાના છીએ અને એ વાત બે દિવસથી ટળટળતી આગળ વધી રહી છે, પણ આજે એ ફૅમિલીનો ફોડ પાડીને કહી દઉં કે એ ફૅમિલી છે થાનકી ફૅમિલી. મૂળ પોરબંદરની આ ફૅમિલી વર્ષોથી દુબઈ સ્થાયી થઈ છે. દુબઈમાં તેમની રેસ્ટોરાં છે. આખી ફૅમિલી એ રેસ્ટોરાંનું કામકાજ સંભાળે છે. દીકરો લખન છે તો દીકરી કૃષ્ણા છે. દીકરાનાં મૅરેજ થઈ ગયાં છે અને પુત્રવધૂનું નામ છે અવનિ. મમ્મી પણ તેમની સાથે ઍક્ટિવ હોય અને પપ્પા પણ તેમની સાથે ઍક્ટિવ હોય તો સાથોસાથ મામા પણ એ ફૅમિલી સાથે ઍક્ટિવ રહે અને બધાં સાથે મળીને આનંદ કરતાં હોય. તમને એ આનંદમાં નરી ખુશી જ દેખાય, તમને એ આનંદમાં નર્યો પરિવારપ્રેમ દેખાય અને તમને એ આનંદમાં એકમેક પ્રત્યેનો નિઃસ્વાર્થ પ્રેમ ઝળકતો પણ દેખાય. આ જે પ્રેમ છે એ પ્રેમ એટલી હદે નિઃસ્વાર્થ છે કે બધાંને તમે દરેક વાત પર ખૂલીને હસતાં જોઈ શકો, બધાંને તમે મન ભરીને સમયને માણતાં, ખુશીને ઊજવતાં અને પારિવારિક લાગણીઓને એકબીજામાં ખીલવતાં જોઈ શકો.

ખરેખર અદ્ભુત કહેવાય એવી આ લાગણી છે અને અદ્ભુત કહેવાય એવી તેમની ચૅનલ છે. આ ચૅનલનું નામ અંજના થાનકી ઍન્ડ ફૅમિલી. હા, આ જ નામ છે અને ફૅમિલીની હૂંફ એમાંથી સતત વર્તાતી રહે છે. બધાં સાથે મળીને જે રીતે આનંદ માણે છે એ જોતાં ખરેખર કહેવાનું મન થઈ આવે કે એકમેક પ્રત્યેની આ લાગણી ભાગ્યે જ જોવા મળે અને એ જ પરિવાર વચ્ચે હોવી જોઈએ. તમે સાથે છો, રાત સરસ રીતે પસાર થઈ છે અને નવી સવારે તમારી આંખ ખૂલી ગઈ છે તો એ નવી સવારનો આનંદ તમે શું કામ ન લઈ શકો, લેવો જ જોઈએ અને એ દિવસને ઊજવવો જ જોઈએ.

આ જ ઉજવણી આ પરિવાર વચ્ચે ચાલતી રહે છે. દુબઈમાં બેસીને એ પરિવાર જમીન પર જમવા બેસે છે અને જમવામાં જે નાસ્તો કે લંચ-ડિનર હોય એ આપણું ટ્રેડિશનલ હોય છે. મા-દીકરાના સંબંધ તમે જુઓ, પતિ અને સાળાના સંબંધો તમે જુઓ, દીકરીની વર્તણૂકને પણ તમે નીરખો. નર્યો પ્રેમ, નરી નિર્દોષતા અને એ સિવાય બીજું કશું નહીં. જીવનના બે દાયકા ક્રૉસ કરી ચૂકી હોય એવી દેખાતી દીકરી કોઈ ફૅમિલીનું કોઈ નાનું બાળક હોય એ પ્રકારે વર્તતી હોય અને તેની નિર્દોષતાને દુનિયાની સામે મૂકતી વખતે થાનકી પરિવારને ભારોભાર ખુશી હોય. આ જે નિર્દોષ ભાવ છે એ આજની ફૅમિલીમાંથી ગાયબ થઈ ગયો છે અને કદાચ એટલે જ આજની ફૅમિલી ભાવ સાથે નહીં, પણ ભાર સાથે ફર્યા કરે છે. ભાર સાથે ફરતી આ ફૅમિલીએ ખરેખર એક વખત જઈને થાનકી પરિવારના જીવનને જોવાની જરૂર છે. તમને એવું જ લાગશે કે આજે પણ તેમનામાં બાળક હયાત છે અને એ જે બાળક છે એ બાળક જ ફૅમિલીની લાગણીને જીવંત રાખીને બેઠું છે.
સિમ્પલી, હૅટ્સ ઑફ થાનકી ફૅમિલી. ક્યાંય કોઈ જાતનો રંજ નહીં, ક્યાંય કોઈ જાતનો દંભ નહીં અને એ બધાં વચ્ચે સાથે જીવ્યાનો આનંદ એકધારો તેમના ચહેરા પર ઝળક્યા કરે છે. 

columnists manoj joshi youtube