પૂનમ પારાયણ : અવેરનેસના નામે કરવામાં આવેલો કાંડ કેટલો અયોગ્ય છે એની સમજણ મળવી જોઈએ

05 February, 2024 11:49 AM IST  |  Mumbai | Manoj Joshi

આ એ પ્રકારનું પગલું છે જે આવનારા દિવસોમાં બ્લૅકમેઇલનો રસ્તો બની જાય. આ એ પ્રકારનું પગલું છે જે પ્રેરણા આપવાને બદલે દુષ્પ્રેરણા આપવાનું કામ પહેલાં કરે છે

પૂનમ પાંડે

આમ તો આ વાત હવે જગજાહેર છે અને મોટા ભાગના લોકો એ વાતથી ઉશ્કેરાયેલા પણ છે. પૂનમ પાંડએ સર્વાઇકલ કૅન્સરના નામે જે પ્રકારનો સ્ટન્ટ કર્યો અને મહિલાઓમાં અવેરનેસ આવે એવા ભાવથી જે કાંડ કર્યો એનું પરિણામ અત્યારે ભોગવવું પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. પૂનમ સામે ઇન્ડ‌િયન પ‌ીનલ કોડની અમુક કલમો સાથે કેસ પણ દાખલ કરી દેવામાં આવ્યો છે અને આજે કે આવતી કાલે પૂનમની આ બાબતમાં ઇન્ક્વાયરી પણ શરૂ થઈ જશે. નૅચરલી, એ ઇન્ક્વાયરીમાં કશું નીકળવાનું નથી, પણ એટલું ચોક્કસ છે કે પૂનમે જે કંઈ કર્યું એ ગમે એટલા સારા ભાવથી, સારી ભાવનાથી કર્યું હોય તો પણ એ ખોટું તો છે જ છે. અવેરનેસ માટે આ પ્રકારના રસ્તાઓ વાપરવા એ સહેજ પણ યોગ્ય નથી. ખાસ કરીને ત્યારે જ્યારે તમે લોકોની લાગણી સાથે રમી રહ્યા હો છો.

હું મરી ગઈ છું.
તમે આવો સંદેશ આપીને પુરવાર શું કરવા માગો છો એ બહુ મહત્ત્વનું છે. કોઈ પણ વ્યક્તિએ એક વાત યાદ રાખવી જોઈએ કે જ્યારે તે આવો કોઈ પણ સંદેશ પોતાના સોશ્યલ મીડ‌િયા પર મૂકે છે ત્યારે એ માત્ર પોતાના ફેન્સને જ ટાર્ગેટ નથી કરતા, પણ ફેન્સની સાથોસાથ એ ફેન્સના ઇનર સર્કલને પણ ટાર્ગેટ કરે છે અને એ ઇનર સર્કલને જ્યારે ટાર્ગેટ કરવામાં આવે છે ત્યારે ચોક્કસપણે એક એવી હવા ઊભી થતી હોય છે કે આ ઘટના સાચી છે. તમે જુઓ તો ખરા. પૂનમ પાંડે નામની વ્યક્ત‌િ હયાત નથી એ વાત ઑલરેડી ન્યુઝ-ચૅનલથી લઈને ન્યુઝપેપર સુધ્ધાંમાં પ્રસિદ્ધ થઈ ગઈ અને દુનિયા તેના મૃત્યુ વિશે વાત પણ કરવા માંડી. અરે, અનેક લોકો એવા પણ હતા જેઓ પૂનમ પાંડેને નજીકથી ઓળખતા હતા. તેમણે તો તરત જ એવું કહેવાનું પણ શરૂ કરી દીધું કે એક વાર ચેક કરી લેજો, ક્યાંક આ પબ્લ‌િસિટી સ્ટન્ટ તો નથીને?

જાણે કે દુનિયામાં રહેલી એ વ્ય‌ક્ત‌િઓને સાચી પુરવાર કરવી હોય એમ જેવો કૅન્સર-ડે પૂરો થયો કે પૂનમબહેન પોતે સામે આવ્યાં અને તેણે જ એવું જાહેર કર્યું કે આ તો તેણે અવેરનસ માટે કર્યું છે. પહેલી વાત, આવી અવેરનેસની કોઈને જરૂર નથી અને બીજી વાત, આ પ્રકારની વાતથી કોઈ અવેર થાય એવું માનવું પણ ભૂલભરેલું છે.

જો તમે ઇચ્છતા હો, જો તમે ધારતા હો અને જો તમે માનતા હો કે આ પ્રકારનું પગલું ભરાવું ન જોઈએ તો તમારી જાણ ખાતર કે અડધી દુનિયા એ જ માની રહી છે કે આવું ન જ થવું જોઈએ. આ એ પ્રકારનું પગલું છે જે આવનારા દિવસોમાં બ્લૅકમેઇલનો રસ્તો બની જાય. આ એ પ્રકારનું પગલું છે જે પ્રેરણા આપવાને બદલે દુષ્પ્રેરણા આપવાનું કામ પહેલાં કરે છે અને એક વાત યાદ રાખજો કે માણસનો સ્વભાવ છે કે એ હંમેશાં દુષ્પ્રેરણા પહેલાં લે છે અને ઝડપથી લે છે. સાહેબ, એક વાત યાદ રાખવી કે પૂનમ પાંડે સામે ઍક્શન લેવાય એ બહુ જરૂરી છે, કારણ કે પૂનમ પાંડેએ કરેલા દુષ્કૃત્યમાંથી કોઈ એક શબ્દ પણ શીખે નહીં.

columnists manoj joshi poonam pandey