દરેક અધ્યાયની એક દિશા હોય છે એવી જ રીતે આ અધ્યાયની પણ એક દિશા છે

14 September, 2019 02:46 PM IST  |  મુંબઈ | મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

દરેક અધ્યાયની એક દિશા હોય છે એવી જ રીતે આ અધ્યાયની પણ એક દિશા છે

પ્રતીકાત્મક તસવીર

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

સગવડો ત્યારે જ મળે જ્યારે કમાણી થતી હોય. કોઈ પણ લાઇનનો આ સીધો અને સરળ હિસાબ છે અને આ હિસાબ દરેકને સહજતા સાથે સમજાતો હોય છે. સેવનસ્ટાર હોટેલમાં જે કંઈ મળે એ બધું ફ્રી હોય છે, પણ એનો ચાર્જ તમારી પાસેથી લઈ લેવામાં આવ્યો છે અને એની તમને પણ ખબર છે. એ ચાર્જ ચૂકવ્યા પછી તમે કોઈ ફરિયાદ કરો તો તમારી પાસે એક, બે કે ત્રણ નહીં પણ પાંચ અને સાત અધિકારીઓ આવીને ઊભા રહી જાય છે અને તમારી તમામ ફરિયાદોનું નિરાકરણ કરે છે. આ જે સુવિધા છે એ સુવિધા ચાર્જ ચૂકવ્યા પછીની છે. નિઃશુલ્ક સુવિધાઓ નથી જ નથી. આવું જ અમેરિકા, કૅનેડા, ઑસ્ટ્રેલિયા અને દુબઈનું છે. એ જગ્યાએ તમને મળતી સ‌ુવિધાઓ, હાઇવે, રસ્તાઓ, રસ્તા પર લાગેલા સીસીટીવી કૅમેરા અને કૅમેરા રીડર (જેને લીધે તમારે ટોલ ટૅક્સ ચૂકવવા માટે ઊભા નથી રહેવું પડતું, એ આપોઆપ તમારા અકાઉન્ટમાંથી કપાઈ જાય છે) જેવી આંખોમાં અચંબો આંજી દે એવી આ સુવિધા કોઈ મફતમાં નથી આપી રહ્યું. ટૅક્સમાંથી એનો ચાર્જ લેવામાં આવે જ છે અને એ ચૂકવવો પણ પડે છે. લાઇસન્સ વિના કોઈ તમને ત્યાં ગાડીને હાથ પણ લગાડવા નથી આપતું. કારણ શું? એ જ, લાઇસન્સ વિનાની ગાડી પકડાય તો વીસ ટકા નવી ગાડી આવી જાય એવો દંડ વસૂલવામાં આવે છે.

આજે જ્યારે ટ્રાફિકના નવા રૂલ્સનો દેકારો ચાલી રહ્યો છે ત્યારે કેવી રીતે આ બધી વાતો આપણે ભૂલી શકીએ અને ખરું કહું તો, આપણે એ ભૂલવી પણ ન જોઈએ. જો તમને એવું લાગતું હોય કે તમને બધું આલાગ્રાન્ડ વાપરવું છે તો તમારે એની પૂરતી તૈયારી રાખવી પડે અને તમારે એ મુજબનો ચાર્જ પણ ચૂકવવો પડે. જો તમે ચાર્જ ચૂકવવા રાજી હો તો જ તમે અવ્વલ દરજ્જાની ડિમાન્ડ કરી શકો અને એવી અપેક્ષા પણ રાખી શકો.

નવા ચાર્જિસ બહુ વધારે છે. સાચું, એકદમ સાચું પણ આ ચાર્જિસ ચૂકવવાના કોણે છે? જે નિયમ તોડે એણે, અને હું કહીશ કે આ બધી રાડારાડીઓ પણ એ જ કરે છે જેને નિયમો સાથે કંઈ લાગતું વળગતું નથી. જે નિયમોને ગાંઠતા નહોતા અને જે નિયમોને ગણકારતા નહોતા. જો તમે નિયમ પાળવા માટે રાજી ન હો તો જ તમારે દંડ ભરવાનો છે. આ પાયાની વાત મોટાભાગના અવગણી રહ્યા છે, પણ એ અવગણવા જેવી નથી જ નથી. જો તમારી પાસે લાઇસન્સ હોય તો તમારે ગભરાવાની જરૂર નથી. તમે ઓવરસ્પીડ ડ્રાઇવ ન કરતાં હો તો તમારે ડરવાનું નથી. તમે હેલ્મેટ રેગ્યુલર પહેરતાં હો તો તમારે એનો દંડ ભોગવવાનો આવવાનો નથી. ગાડી તમારી પરફેક્ટ હોય, એના પેપર્સ ક્લિયર હોય તો તમારે બીક રાખવાની નથી અને જો તમે ઇન્સ્યોરન્સ પણ લીધો હોય તો તમારે કોઈથી ફાટી પડવાની જરૂર નથી. ઇન્સ્યુરન્સ અને પીયુસી આ બે એવા છે જેમાં મોટાભાગના લોકો બેદરકારી કરે છે, પણ આ બેદરકારી ન કરવામાં આવે એ જરૂરી પણ છે. પીયુસી પર્યાવરણના હેતુથી અને સાથોસાથ લોકોના સ્વાસ્થ્યના હેતુથી ખૂબ આવશ્યક છે તો ઇન્સ્યોરન્સ ઇમર્જન્સી સમયે ખૂબ ઉપયોગી બની રહે છે. આજે મેડિક્લેઇમનું મૂલ્ય સૌ કોઈને સમજાઈ ગયું છે અને આવતાં સમયમાં વધારે સમજાવાનું છે, પણ વેહિકલ ઇન્સ્યોરન્સનું મૂલ્ય પણ સમજવાનો સમય આવી ગયો છે. કહેવાનો ભાવાર્થ એટલો જ કે, જો તમે ખોટું નથી કરતાં તો કોઈ દંડ તમારા પર છે નહીં એટલે એ બાબતમાં ગભરાટ રાખવાની જરૂર નથી.

વધુ વાત આવતી કાલે, ફરી આ જ ટૉપિક પર.

mumbai manoj joshi columnists