કૉલમ:તમે પ્રોગ્રામ જોવાનો ચાર્જ ચૂકવો છો કે પછી ઍડ્વર્ટાઇઝમેન્ટ જોવાનો?

27 April, 2019 11:39 AM IST  |  | મનોજ નવનીત જોષી

કૉલમ:તમે પ્રોગ્રામ જોવાનો ચાર્જ ચૂકવો છો કે પછી ઍડ્વર્ટાઇઝમેન્ટ જોવાનો?

પ્રતીકાત્મક તસવીર

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

ટીવીપુરાણમાં જ આજે આપણે વાત કરવાની છે કેબલ કે પછી ડીટીએચ ઑપરેટર દ્વારા લેવામાં આવતા ચાર્જની. તમને ક્યારેય વિચાર આવ્યો છે ખરો કે તમારી પાસેથી જે ચાર્જ લેવામાં આવે છે એ શેનો ચાર્જ લેવામાં આવે છે. પ્રોગ્રામ જોવાનો કે પછી ઍડ્વર્ટાઇઝમેન્ટ જોવાનો? જો ન આવ્યો હોય તો આ વિચાર આવવો જોઈએ, જો મનમાં ન સૂઝ્યું હોય તો આ સૂઝવું જોઈએ કે તમે ખરેખર પેમેન્ટ શાનું કરો છો અને કયા કારણસર કરો છો?

આપણે ત્યાં અત્યારે ઑપરેટર જે ચાર્જ લે છે એ ચાર્જ દુનિયા આખીમાં લેવાતો હતો પણ અમુક દેશો એવા જન્મ્યા જેણે એ ચાર્જનો વિરોધ કરવાનું શરૂ કર્યું. આ દેશોમાં બે નામ સૌથી મોખરે લેવાનું મન થાય છે. એ નામ અમેરિકા અને ઑસ્ટ્રેલિયા. હું શું કામ કોઈની જાહેરખબરના વિડિયો જોવા માટે દર મહિને ચાર્જ આપું. હું ચાર્જ ચૂકવું છે એ પ્રોગ્રામ જોવાનો ચૂકવું છું અને એ ચાર્જ ચૂકવવા માટે મારી પૂરતી તૈયારી છે. તમને પોસાય એ ચાર્જ રાખો, મને કોઈ વાંધો નથી, મારો કોઈ વિરોધ નથી પણ એની સામે મારી એટલી માગ છે કે તમે મને પ્રોગ્રામ દેખાડો. દૂધ અને ડાઇપર કે પછી સૅનેટરી વેર્સ અને સૅનેટરી પૅડની ઍડ મારે નથી જોવી. મારે એ જોવી હશે, એના વિશે નૉલેજ જોઈતું હશે કે પછી એની જાહેરખબરો જોઈને આનંદ લેવો હશે તો હું એનો બીજો રસ્તો અપનાવી લઈશ પણ એનું પેમેન્ટ તો નહીં જ ચૂકવું.

અત્યારે એવું જ થઈ રહ્યું છે. અત્યારે આપણી પાસેથી પ્રોગ્રામના નામે ઑપરેટર ચાર્જ લે છે અને એ કમાણી કરે છે તો સાથોસાથ જાહેરખબરોનો મારો ચલાવીને એમાંથી પણ કમાણી કરે છે. બેમાંથી એક આવક વાજબી છે. તમે કપડાં પહેરવાનો ચાર્જ ચૂકવો અને કપડાં ધોવાનો પણ ચાર્જ ચૂકવો એ કેવી રીતે ચાલી શકે. અમેરિકા અને ઑસ્ટ્રેલિયામાં આ જ બાબતમાં વિરોધ થયો અને વિરોધ થયા પછી ફાઇનલી કોર્ટે સ્વીકાર્યું પણ ખરું કે હા, આ પ્રકારે પ્રોગ્રામની વચ્ચે કોઈ જાહેરખબર દેખાડી ન શકાય. તમને ખબર ન હોય તો કહી દઉં કે આ જ કારણ છે કે જેને લીધે હૉલીવુડની ફિલ્મમાં ઇન્ટરવલ પણ નથી હોતો. આવું શું કામ છે એની માટે એક નહીં અનેક કારણ છે, પણ એ અનેક કારણો પૈકીનું એક કારણ એ પણ છે કે તમે ફિલ્મ જોવા આવ્યા છો, જાહેરખબર નહીં અને એટલે ફિલ્મના ઇન્ટરવલમાં અમે દસ મિનિટ સુધી તમારા માથા પર જાહેરખબરો કે જાહેરખબરની સ્લાઇડસ નહીં મારીએ.

આ પણ વાંચો : મારો મિહિર, તારી તુલસી:ઑડિયન્સ પાત્રોને અખૂટ પ્રેમ-અતૂટ સ્નેહ આપે છે

અમેરિકા અને ઑસ્ટ્રેલિયાની કોર્ટે ટીવી ચૅનલોને પણ આ જ નીતિ પર જવાનું કહ્યું. નેચરલી, ચૅનલોને એની સામે પ્રોબ્લેમ હતો એટલે એ કંપનીઓએ વિરોધ કરીને ઉપરની કોર્ટ પસંદ કરી પણ ઉપરની કોર્ટે અમુક અંશે એ જ રસ્તો રાખ્યો અને ટીવી ચૅનલો સામે બે રસ્તા મૂક્યા. એક કે જે ચૅનલ ઍડ લેવા માગે છે અને એ ઇન્કમ ઊભી કરવાની ઈચ્છા છે એ કંપનીઓએ ઑપરેટર બનીને એ ચૅનલનો ચાર્જ વસૂલવાનો રહેશે નહીં. ટૂંકમાં ચૅનલ ફ્રીમાં દેખાડવાની રહેશે. બીજો રસ્તો જાહેર કર્યો કે જે ચૅનલોને ઍડ નથી લેવી, જે ચૅનલ પ્રોગ્રામ જ દેખાડવા માગે છે એ પોતાનું ઑપરેટર તરીકેનું પૅકેજ વસૂલી શકશે. બહુ વાજબી આ રસ્તો હતો અને આ જ રસ્તાનો અમલ કરવામાં આવી રહ્યો છે. આજે તમે જઈને જુઓ આ દેશોની ચૅનલોને, જેમાં તમને ઍડ જોવા મળે એમાં તમારે સમજી જવાનું કે એ ફ્રી ચૅનલ છે અને જેમાં તમને કોઈ ઍડ જોવા ન મળે તો તમારે પારખી લેવાનું કે આ પેઇડ ચૅનલ છે. આપણે, આપણે બન્ને બાજુથી મૂર્ખ પુરવાર થઈ રહ્યા છીએ. સિમ્પલ.

manoj joshi columnists television news