તું તો ચાણક્ય જેવો મૂર્ખ છે : આ એક સંવાદે ચાણક્યને કઈ વાત શીખવી દીધી?

03 February, 2019 10:07 AM IST  |  | મનોજ નવનીત જોષી

તું તો ચાણક્ય જેવો મૂર્ખ છે : આ એક સંવાદે ચાણક્યને કઈ વાત શીખવી દીધી?

પ્રતીકાત્મક તસવીર

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

મગધની રાજધાની પાટલીપુત્ર પર હુમલો કરીને ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૌર્યએ પોતાના માટે જ કફોડી હાલત ઊભી કરી. મગધની સેના સામે મૌર્ય સેના અડધો દિવસ પણ ઊભી રહી શકી નહીં અને એટલે બપોર પડતાં સુધીમાં તો ચંદ્રગુપ્ત મૌર્યની આખી સેના તહસનહસ થઈ ગઈ. પરિસ્થિતિ એવી આવી ગઈ કે ચંદ્રગુપ્ત મૌર્ય અને ચાણક્ય બન્નેએ રીતસર મેદાન છોડીને ભાગવું પડ્યું અને બન્ને ભાગ્યા પણ ખરા.

ભાગીને બન્ને જંગલમાં એક ઝૂંપડાની પાછળ સંતાઈ ગયા. તેમની પાછળ મગધની સેનાના કેટલાક સૈનિકો પડ્યા હતા. એ સૈનિકો નીકળી ગયા એ પછી પણ બેમાંથી કોઈ બહાર નહોતું આવ્યું. સાંજ પડી અને આકાશમાં અંધકાર પ્રસરી ગયો. હવે ઝૂંપડામાંથી આછોસરખો ગણગણાટ સંભળાવા લાગ્યો. એ ઝૂંપડામાં એક મા અને તેનો દીકરો હતાં. મજૂરીએથી પાછી આવેલી માએ ફટાફટ ખીચડી બનાવીને દીકરાની સામે મૂકી. દીકરો બહુ ભૂખ્યો હતો. તેણે તરત જ એ ખીચડીમાં હાથ નાખ્યો અને તે દાઝી ગયો. તેણે રડવાનું શરૂ કર્યું અને થાકેલી માએ દીકરા પર દેકારો કરવાનું શરૂ કર્યું. ચાણક્યએ સહેજ આગળ વધીને અંદર નજર કરી અને જેવી તેણે નજર કરી કે તેના કાનમાં અંદર રહેલી માનો અવાજ પડ્યો, ‘તું તો ચાણક્ય જેટલો મૂર્ખ છે. એકેય જાતની અક્કલ જ નથી તારામાં. ગરમ ખીચડીની વચ્ચે તું હાથ નાખે તો દાઝી જ જવાય. ખીચડીને એના ખૂણેથી ખાવી જોઈએ. જો તું ખૂણા પરથી ખીચડી લે તો તને અડધી ઠરેલી ખીચડી મળે અને બે-ચાર ફૂંક મારે તો એ ખીચડી આમ પણ ઠરી જાય.’

ચાણક્યની આંખો ચાર થઈ ગઈ. આ વાત તેને સમજાણી નહોતી જે વાત અંદર ઝૂંપડામાં એક મા તેના દીકરાને સમજાવતી હતી. ચાણક્યએ ચંદ્રગુપ્તને ત્યાં જ ઊભો રાખ્યો અને તે સીધા અંદર ગયા અને પેલી માને પગે લાગ્યા. કેટલી મોટી શીખ તે માએ આ સમયે ચાણક્યને આપી દીધી હતી. ચાણક્યએ એ જ ભૂલ કરી હતી જે ભૂલ પેલા બાળકે કરી હતી. તેણે મગધની રાજધાની એવા પાટલીપુત્ર પર એટલે ખીચડીની વચ્ચેના ભાગ પર જ આક્રમણ કર્યું, જેનું પરિણામ એ આવ્યું કે ચાણક્ય અને ચંદ્રગુપ્તના હાથ દાઝી ગયા. જો મગધને હરાવવું હોય, જો રાજા ધનાનંદને પછાડવો હોય તો મગધને એના ખૂણેથી ફોલવાની જરૂર હતી; પણ એ કામ તો તેમણે કર્યું નહોતું.

આ પણ વાંચો : શીખવા મળે એને ગ્રહણ કરો અને ગ્રહણ કરેલી વાતને શ્રેષ્ઠ રીતે અમલમાં મૂકો

ચાણક્યની નવી સ્ટ્રૅટેજી અહીંથી શરૂ થઈ અને અહીંથી જ એ વાતનો પણ ઉદય થયો કે વિજય માટે, સફળતા માટે નાનામાં નાની જગ્યાએથી પણ તમને સૂચન મળી શકે છે. આ સૂચનનો ક્યારેય અનાદર ન કરો અને આ સૂચનને સાચી રીતે સ્વીકારો. જો સ્વીકારવાની તૈયારી રાખશો તો અને તો જ તમને એ સમજાશે કે તમારે સફળતાને મોટી કરવી છે કે પછી તમારે તમારા અભિમાનને મોટો કરવો છે. ચાણક્યએ એક ખેતમજૂર મહિલા પાસેથી પણ સમજવા જેવી વાત સમજી લેવાનું કામ કર્યું અને એ પણ અજાણતાં જ. ચાણક્યની આ ખાસિયત હતી અને ચાણક્યની ઊંચાઈઓ હાંસલ કરવી હોય તો આ જ કામ તમારે પણ કરવાનું છે.

manoj joshi columnists