તમે અને અમેરિકન: આપણને અટકવાની આદત છે, જ્યારે અમેરિકનોનો સ્વભાવ આગળ વધી જવાનો છે

04 February, 2023 12:30 PM IST  |  Mumbai | Manoj Joshi

હા, આ બહુ મોટો ફરક છે અને આ ફરકને ક્યાંક ને ક્યાંક ઍસ્ટ્રોલૉજી સાથે પણ નિસબત હોય એવું મને અંગત રીતે લાગે છે,

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)

હા, આ બહુ મોટો ફરક છે અને આ ફરકને ક્યાંક ને ક્યાંક ઍસ્ટ્રોલૉજી સાથે પણ નિસબત હોય એવું મને અંગત રીતે લાગે છે, કારણ કે જ્યોતિષશાસ્ત્રમાં એવું સાંભળ્યું છે ખરું કે અમુક રાશિના લોકો કોઈ એક વાત, વસ્તુ કે વ્યક્તિ સાથે ચીટકી રહે છે. પરિવર્તન તેમને પસંદ નથી અને એવું જ અ​​લ્ટિમેટલી આપણા આખા દેશનું છે એટલે બને કે જ્યોતિષશાસ્ત્ર મુજબ આપણો આખો દેશ પેલી રાશિઓ જેવો હશે જે ચીટકી રહેવામાં માને છે.  તમે જુઓ કે અમેરિકા એ બધું જ બનાવશે જે બનાવ્યા પછી આપણે એની સાથે ચીટકી જઈએ અને એ લોકો આગળ વધી નવેસરથી નવી દુનિયા એક્સપ્લોર કરવામાં લાગી જાય. આ જે માનસિકતા છે એ માનસિકતા જ અમેરિકનોને આગળ લઈ જવાનું કામ કરી શક્યું છે અને આ સ્વભાવ હવે આપણે લાવવાની જરૂર છે. આ વિચાર મનમાં ક્યાંથી ઝળક્યો એની વાત કરીએ. હમણાં સોશ્યલ મીડિયા સ્ક્રૉલ કરતાં-કરતાં અચાનક એક ઍડ પર ધ્યાન ગયું અને કુતૂહલવશ એ ઍડ પર ક્લિક કર્યું તો આવ્યું કે તમારું લેફ્ટ બ્રેઇન કેટલું કામ કરે છે એની ટેસ્ટ કરવી હોય તો આ ગેમ રમો. સાહેબ, જરાક વિચાર તો કરો કે તમારા લેફ્ટ બ્રેઇનના નામે તમને હાથમાં એક રમકડું પકડાવીને એક અમેરિકન પોતાનો બિઝનેસ આગળ વધારવાનું કામ કરે છે અને મજાની વાત એ છે કે આપણે લેફ્ટ બ્રેઇન ચેક કરતાં-કરતાં એ ગેમને આપણી લાઇફસ્ટાઇલ બનાવી લઈએ છીએ.
જુઓ તમે તમારો જ મોબાઇલ, એમાં કેટલી ગેમ છે અને કેટલી એવી ઍપ છે જે તમારા સમયની ઘોર ખોદવાનું કામ કરે છે. સફળતાની આ પણ એક નિશાની છે. તમને વ્યસ્ત રાખીને પોતાનું કામ કરતા જવું અને આગળ વધતા જવું. આ અમેરિકન સ્ટાઇલ છે. એ ત્યારે જ બોલશે જ્યારે પોતે સજ્જ હોય. સજ્જ હોય અને તમારી સામે એવી ચીજ મૂકી દે કે તમારી બોલતી બંધ થઈ જાય અને તમને થઈ આવે કે ‘યાર, આ તો ચેક કરવું જ રહ્યું.’ આ માર્કેટિંગનો યુગ છે અને માર્કેટિંગના યુગમાં આ પ્રકારની અનિવાર્યતા સાબિત થાય એ અત્યંત આવશ્યક છે, તો સાથોસાથ એ પણ એટલું જ જરૂરી છે કે તમારે પુરવાર કરવું પડે કે તમે નવું વિચારી શકો છો અને એ વિચાર્યા પછી તમે એ વિચારને દુનિયા માટે પાછળ મૂકીને આગળ વધી શકો છો.આગળ વધવા માટે એક નિયમનું ફૉલોઅપ અત્યંત આવશ્યક છે. જો આગળ વધવું હોય તો તમારે છોડવાની માનસિકતા રાખવી પડે. જો એ માનસિકતા તમે રાખી ન શકો તો તમે ડેફિનેટલી એ જ દલદલમાં અકબંધ રહેશો અને અકબંધ રહેવાની સાથોસાથ તમે એ જગ્યાએથી પગ પણ નહીં ઊંચકી શકો. પગ ઊંચકવો હોય તો પગ ઉપાડવો પડે અને આપણે એ ઉપાડવામાં જ પાછળ પડીએ છીએ એટલે જ અમેરિકન એ કામ કરી જાય છે. ફેસબુક બન્યા પછી જો એને દુનિયા સામે મૂકી દેવાનો વિચાર ન આવ્યો હોત તો માર્કભાઈ અત્યારે પણ એમાં જ રચ્યાપચ્યા રહ્યા હોત. જો ઇન્સ્ટાગ્રામને તૈયાર કર્યા પછી એ મૂકી દેવાની તૈયારી રાખવામાં ન આવે તો તમે ક્યારેય ટ્વિટર વિશે વિચારી ન શકો. કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે ટાઇમપાસ અને ટાઇમ-સેવરની પ્રોસેસને તમે ઓળખી લેશો તો ચોક્કસપણે વિકાસની દિશામાં આગળ વધશો.

manoj joshi columnists gujarati mid-day