29 October, 2023 09:14 AM IST | Mumbai | Manoj Joshi
ફાઈલ ફોટો
આવતી કાલે એ ઘટનાને એક વર્ષ પૂરું થશે. આજથી બરાબર એક વર્ષ પહેલાં સાંજના સમયે મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો અને નીચે વહેતી મચ્છુ નદીમાં ૧૨૫થી વધારે લોકોએ જીવ ગુમાવ્યા. આ હોનારત માટે જેકોઈ જવાબદાર હતા એમાંથી મોટા ભાગનાની અરેસ્ટ કરવામાં આવી છે અને એ પછી પણ એવું ધારવામાં આવે છે કે અમુક લોકોને છટકબારીનો લાભ મળી ગયો છે તો કસ્ટડીમાં રહેલા એકલ-દોકલને છોડાવવા માટે હવે પૉલિટિકલ રંગનો પણ લાભ લેવાની ચીમકી આપવામાં આવે છે. સાથોસાથ એવું પણ કહેવામાં આવે છે કે જો તેમને છોડવામાં નહીં આવે તો આખો પાટીદાર સમાજ એક થઈને લડત ચલાવશે. અહીં એક વાત કહેવી છે. કઈ ઘટના સાથે જ્ઞાતિ કે સમાજને જોડવાનો હોય એનો જરા વિચાર કરવો જોઈએ. જો એ વિચાર કરવામાં ન આવે તો જ્ઞાતિ કે સમાજે ઊભી કરેલી ઇજ્જત અને આબરૂને બટ્ટો લાગે અને એવું બને તો ચોક્કસપણે આખા સમાજની બદનામી થાય.
છોડવા માટે મેદાનમાં ઊતરેલા અને કાઉં-કાઉં કરતા રાજકારણીઓ છે અને એ રાજકારણીઓ એ વાત સમજી નથી રહ્યા કે અહીં એવા લોકોના જીવ ગયા છે જેઓ માત્ર અને માત્ર મનોરંજન ખાતર ફરવા ગયા હતા અને પાછા ન આવ્યા. કબૂલ કે પુલ મેઇન્ટેન્સના કામમાંથી ઇન્કમ કરવાની ગણતરી નહીં હોય અને એ પણ કબૂલ કે કોઈના મનમાં એવો વિચાર સુધ્ધાં ન આવ્યો હોય કે આ પ્રકારની ઘટના ઘટશે, પણ એ બન્ને વાત ત્યારે ડિસ્કાઉન્ટ થાય છે જ્યારે ઘટના ઘટી ચૂકી છે અને અનેક પરિવાર એમાં વેરણછેરણ થયા છે. આ ઘટના જ પુરવાર કરે છે કે તમે જ્યારે તમારા વિસ્તાર, ગામ કે શહેરના હિત માટે આગળ આવતા હો છો ત્યારે તમારા મનમાં સેવાકીય ભાવ હોય તો ભલે રહ્યો એ ભાવ, પણ તમારામાં એ કામ પ્રત્યેની ગંભીરતા એ જ સ્તરે હોવી જોઈએ. જો એમાં તમારા પક્ષેથી કે પછી તમે જેને એ કામની જવાબદારી સોંપો એના પક્ષેથી બેદરકારીની જરાસરખીય છાંટ આવે તો એના છાંટા તમને પણ ઊડે જ અને તમારે પણ એનો ભોગ બનવું પડે.
મોરબી પુલ હોનારત એ નાની ઘટના નથી જ નથી. એ માનવસર્જિત દુર્ઘટના જ છે અને એવું તો કોર્ટ પણ સ્વીકારી ચૂકી છે. વળતર ચૂકવી દીધાનો બચાવ કરવો એ પણ બહુ શરમજનક છે. પૈસા આપવાથી જો વાત પૂરી થઈ જતી હોત તો આજે સંપન્ન પરિવારનો નબીરો હાથમાં પૈસાનો થેલો લઈને નીકળતો હોત અને જે ન ગમતા હોય તેને મારી, તેના શરીર પર વળતરની રકમ મૂકીને આગળ વધી જતો હોત, અને એવું કર્યા પછી પણ તેનો વાળ વાંકો કરવામાં ન આવતો હોત.
કેટલીક દુર્ઘટના પછી લેવામાં આવતાં પગલાં હકીકતમાં તો દૃષ્ટાંતરૂપ હોય છે અને એવા દૃષ્ટાંતની આપણે ત્યાં જરૂર પણ છે. ઑલમોસ્ટ ૭૦ દસકા દેશમાં અરાજકતા હતી, એ અરાજકતા હવે છે નહીં અને એવી કોઈ અરાજકતા ચલાવી પણ લેવામાં નહીં આવે એ વાત પુરવાર કરવાના ભાગરૂપે પણ મોરબી પુલ હોનારત સાથે સંકળાયેલા પેલા સો-કોલ્ડ અબજોપતિ અને પ્રૂવન બેદરકારો હજી પણ અંદર રહે એમાં કશું ખોટું નથી જ નથી.