આધુનિક પંચતંત્રની કથા નંબર-6 રાજાના રવાડે ચડો તો નખ્ખોદ નીકળે

20 October, 2019 03:38 PM IST  |  મુંબઈ | મનમર્ઝી - મયૂર જાની

આધુનિક પંચતંત્રની કથા નંબર-6 રાજાના રવાડે ચડો તો નખ્ખોદ નીકળે

આ વાત એ સમયની છે જ્યારે ફાંકાનગર નામના રાજ્યના મહારાજા મહાન તો હતા, પણ વિશ્વમાં સૌથી મહાન સાબિત નહોતા થયા. પ્રભાવી તો હતા, પણ વિશ્વમાં સૌથી વધુ પ્રભાવી સાબિત નહોતા થયા. એ સમયે તેમના રાજ્યમાં એક ફાંકાભાઈ ફોજદાર વસવાટ કરતા હતા. આ કથા છે એવા સજ્જનની જેઓ તેમના મહાન અને પ્રભાવી રાજાના રવાડે ચડ્યા એના પછી શું થયું એની...

ફાંકાનગર નામના રાજ્યમાં સુખેથી જીવતા ફાંકાભાઈ ફોજદારના જીવનમાં અચાનક એક પરિવર્તન આવ્યું. ફાંકા ફોજદારે ઘોષણા કરી કે આજ પછી ઘરમાં તમામ સ્થળે તેમના ફોટો મૂકવામાં આવશે. ફાંકા ફોજદાર વગર ચાલશે, પણ તેમના ફોટો વગર નહીં ચાલે. ફાંકા ફોજદારની આ જીદ પાછળનું કારણ એ હતું કે કંઈક આવું જ તેમના રાજ્યના રાજા પણ કરતા હતા. રાજા આખા રાજ્યમાં પોતાના ફોટો ચોંટાડતા એટલે ફાંકાભાઈને થયું કે તે આખા રાજ્યનો રાજા, તો હું મારા ઘરનો રાજા. એક રાજાએ બીજો રાજા કરે એવું જ આચરણ કરવું જોઈએ, પણ પછી બરાબરની ઉપાધિ શરૂ થઈ. 

પરિણામ જાણવા જેવું છે.

સૌથી પહેલી આવી ‘દીનદુખી કલ્યાણ મેળા યોજના’

ફાંકાભાઈએ તપાસ કરી તો ખબર પડી કે મોટો દીકરો રાજેશ આર્થિક રીતે જરા નબળો હતો. દર મહિને પૈસા ખૂટતા એટલે ઉછીના લઈ જતો. ફાંકાભાઈએ નક્કી કર્યું કે આ તો દીનદુખી કહેવાય, આપણા રાજા પણ રાજ્યના દીનદુખિયાઓ માટે કલ્યાણ મેળા કરે છે એટલે મારે પણ કરવા જોઈએ.

રાજેશ : બાપુજી, આ મહિને પણ તમારે લગભગ ૧૦,૦૦૦ રૂપિયાની મદદ કરવી પડશે.

ફાંકાભાઈ : કેમ?

રાજેશ : પગાર ટાઇમસર નથી થયો.

ફાંકાભાઈ : આપીશ, પણ દર વખતે આપું છું એમ નહીં આપું.

રાજેશ : તો?

ફાંકાભાઈ : તારે દર મહિને મારી પાસેથી જ રૂપિયા કેમ લેવા પડે છે?

રાજેશ : તમારી પાસેથી ન લઉં તો શું ગામમાંથી ૧૦ ટકાના વ્યાજે લઉં.

ફાંકાભાઈ : તને ૧૦ ટકાના વ્યાજે પણ કોણ આપે? તું આ ઘરનો સૌથી દીનદુખી સભ્ય છો. તારે કાયમ માટે મારી મદદની જરૂર પડે છે, પણ હું તને મદદ કરું છું એની ખબર કોઈને નથી પડતી એટલે હવે દર મહિને હું દિનદુખી કલ્યાણ મેળો કરીશ, આખા ગામના મીડિયાને બોલાવીશ, મારા ફોટો છપાવીશ, બૅનર-હોર્ડિંગ લગાવીશ, મારો જયજયકાર કરાવીશ અને આખા ગામની હાજરીમાં તને ૧૦,૦૦૦ની મદદ કરી તુજ દીનદુખીનું કલ્યાણ કરીશ.

રાજેશ : એ ડોસા, ડાગળી ચસકી ગઈ છે કે શું? ૧૦,૦૦૦ રૂપૈડી આપવામાં આવા તમાશા કરવા છે. પૈંડના દીકરાની આબરૂ લઈ લેવી છે. રાજાના રવાડે ચડવું છે? તેલ પીવા ગયા તમારા ૧૦,૦૦૦ રૂપિયા. હું મારું ફોડી લઈશ. આજ પછી તમારું ડાચું જુએ ઈ બે બાપનો થાય.

રાજેશ તો રણે ચડ્યો અને ફાંકાભાઈની દિનદુખી કલ્યાણ મેળાની યોજના પડી ભાંગી, પણ એ કાંઈ હાર માને એવા નો’તા. ભાઈ એ તો વિશ્વપ્રતાપી એવા મહાન રાજાના રવાડે ચડેલા હતા. તેમણે બીજી યોજના વિચારી...

બાલિકા કેળવણી યોજના

ફાંકાભાઈના નાના દીકરા પ્રદીપની દીકરી હવે નિશાળે ભણવા મૂકવા જેવડી થઈ ગઈ હતી. ઍડ્મિશન લેવાઈ ગયું હતું, પણ એમ કેમ ચાલે? ફાંકાભાઈએ હુકમ કર્યો કે ‘બાલિકા કેળવણી’ યોજના હેઠળ દીકરીને ભણવા મૂકવામાં આવશે.

પ્રદીપ : બાપુજી, ઢીંગલીનું ઍડ્મિશન લઈ લીધું છે. આવતી કાલે સવારે તેને સારું મુરત જોઈને ગોળ-દહીં ખવડાવીને નિશાળે બેસાડી દઈએ.

ફાંકાભાઈ : ના, એમ નહીં, આખા ગામના મીડિયાને બોલાવીશ, મારા ફોટો છપાવીશ, બૅનર-હોર્ડિંગ લગાવીશ, મારો જયજયકાર કરાવીશ અને આખાય ગામની હાજરીમાં હું જાહેર કરીશ કે ‘બાલિકા કેળવણી યોજના’ના ભાગરૂપે આ દીકરીને ફાંકાભાઈ ફોજદાર નિશાળે ભણવા મૂકી રહ્યા છે. 

પ્રદીપ : એ ડોસા, ડાગળી ચસકી ગઈ છે કે શું? પૈંડની દીકરીને નિશાળે બેસાડે એમાં કાંઈ ઉપકાર કરે છે? શરમ નથી આવતી? તેલ પીવા ગઈ તમારી બાલિકા કેળવણી યોજના. આજ પછી આડા ઊતર્યા છો તો જોવા જેવી થાશે.

ફાંકાભાઈને લાગ્યું કે સાલું આવું તે કેવું. છોકરાંઓ જ કપાતર પાક્યાં છે. ઘરવિરોધી થઈ ગયા છે, પણ હાર માને એ બીજા. આખરે તેઓ તો મહાન, પ્રતાપી અને વિશ્વપ્રભાવી રાજાના રવાડે ચડેલા હતા એટલે તેમણે ત્રીજી યોજનાનો અમલ કરવાનું નક્કી કર્યું.

સુંદરબાઈનું મામેરું યોજના

ફાંકાભાઈએ નક્કી કર્યું કે દીકરી પ્રગતિનાં લગ્નમાં ‘સુંદરબાઈનું મામેરું’ યોજનાનો અમલ કરવો. દીકરી, થનાર જમાઈ ‘વિકાસ’ અને થનાર વેવાઈને બોલાવ્યા.

ફાંકાભાઈ (આદેશના સૂર સાથે) : મારી દીકરી પ્રગતિનાં લગ્ન તમારા દીકરા વિકાસ સાથે થાય પણ શરત એક જ છે કે આ લગ્નને હું ‘સુંદરબાઈનું મામેરું’ યોજના હેઠળ કરાવીશ, કંકોતરીમાં મારા ફોટા છપાવીશ, આખા ગામના મીડિયાને બોલાવીશ, મારા ફોટો છપાવીશ, બૅનર-હોર્ડિંગ લગાવીશ, મારો જયજયકાર કરાવીશ અને આખાય ગામની હાજરીમાં પ્રગતિનાં લગ્ન વિકાસ સાથે કરાવીશ.

(આ સાંભળીને ‘વિકાસ’ વસૂકી ગયો બિચારો. પ્રગતિને આખી દુનિયાની દુર્ગતિ થતી જણાઈ, થનારા વેવાઈ તો વંડી ટપીને વન્જો થઈ ગયા.)

પ્રગતિ : (માંડ-માંડ સૂધબૂધ પ્રાપ્ત કર્યા પછી) એ બાપા, કાંઈ ડાગળી ચસકી ગઈ છે કે શું? મારાં લગનમાં મામેરું તો મારા મામા કરે. બાપ થઈને મામેરું કરવું છે, કાંઈ ઉપલો માળ સાવ ખાલી થઈ ગયો છે કે શું? આ ઓલા રાજાના રવાડે ચડ્યા છો, પણ કંઈ અક્કલ છે કે વેચી ખાધી છે? લગન મારા ને કંકોતરીમાં ફોટો તમારા? 

પ્રગતિએ વિકાસનો હાથ પકડ્યો ને ફાંકાભાઈ ફોજદારના દેખતાં જ કોર્ટમાં જઈને સિવિલ મૅરેજ કરી આવી.

બિચારા ફાંકાભાઈ ફરી એક વાર મોળા પડી ગયા, પણ હાર માને તે બીજા, ફાંકાભાઈ તો નહીં જ. આખરે મહાપ્રતાપી, વિશ્વપ્રભાવી એવા રાજાના રવાડે ચડેલા હતા એટલે તેમણે નક્કી કર્યું કે ગમે તે થાય, હું મારા ફોટો તો બધી જગ્યાએ ચોંટાડીને જ રહીશ.

હવે ફાંકાભાઈની નજર બાપદાદાએ બંધાવેલા આલીશાન મહેલ પર પડી. મહેલ પહેલેથી જ ભવ્ય હતો, પણ એ તો પૂર્વજોએ બંધાવેલો હતો એટલે ફાંકાભાઈએ એમાં થોડું સમારકામ અને થોડું રંગરોગાન કરાવ્યું. મહેલની અંદર પૂર્વજોના ફોટો લાગેલા હતા એ ઉતરાવી દીધા અને એની જગ્યાએ ફાંકાભાઈએ પોતાના ફોટો લગાવ્યા. એટલે સુધી કે સાલું ટૉઇલેટ અને બાથરૂમમાં પણ ફાંકાભાઈ ફોટોસ્વરૂપે બિરાજમાન થયા. આવું એટલા માટે કર્યું કે ભાઈ, મહેલ ભલેને પૂર્વજોએ બનાવ્યો હતો, પણ એની કાયાપલટ તો ફાંકાભાઈએ કરીને, તો પછી બાપદાદાઓના ફોટોને શું ધોઈ પીવા છે ભાઈ?

પણ મિત્રો, પૂર્વજોનો આત્મા કકળી ળઠ્યો. પિતૃઓનો પ્રકોપ ફાટી નીકળ્યો. આખો મહેલ જાણે ગુસ્સામાં ધૂણી ઊઠ્યો. આખા મહેલમાં લાગેલા ફાંકા ફોજદારના ફોટો ધરાશાયી થયા. ફાંકાભાઈના પરિવારજનોએ પણ સેંકડો ફોટો સાથે ફાંકાભાઈને ઘરની બહાર તગેડી મૂક્યા.

હવે ફાંકાભાઈ માટે યક્ષપ્રશ્ન ઊભો થયો કે સાલું જે અતિમહાન અને વિશ્વપ્રભાવી રાજાના વાદે ચડીને તેમણે આ જોખમ લીધું એ રાજાની તો પાંચેય આંગળી ઘીમાં છે. એની સામે હરામ બરાબર જો કોઈ ઊંચો અવાજ કરતું હોય તો. તો પછી તેમની હાલત કફોડી કેમ કરીને થઈ?

ઑન અ લાઇટર નોટ

હવે ફાંકાભાઈને કોણ સમજાવે કે આ કાંઈ એ વિશ્વના અતિમહાન અને પ્રભાવી રાજાની વાર્તા થોડી છે. આ તો ફાંકા ફોજદારની વાર્તા છે અને વાર્તાની મજા એ છે કે જે હકીકતમાં ન થતું હોય એ વાર્તામાં તો થઈ શકેને ભાઈ... હું માનું છું કે તમને તો સમજ પડી જ ગઈ છે, પણ લાગે છે કે ફાંકા ફોજદારને હજીય નથી પડી એટલે તેમણે હિંમત હાર્યા વગર અમારા વાંકાનેરના ગઢિયાના જંગલમાં આવેલી એક લીલુડી ટેકરી પર અડિંગો જમાવ્યો છે અને આ ટેકરી એ જ તેનો હિમાલય પર્વત છે. સાંભળવામાં આવ્યું છે કે એ જંગલમાં પોતાના ફોટોનું એક અતિભવ્ય પ્રદર્શન યોજવાની ફાંકાભાઈની તૈયારી ચાલી રહી છે, કારણ કે હજી જંગલનાં પ્રાણીઓએ ફાંકાભાઈના ફોટો ક્યાં જોયા જ છે? અહીં કદાચ ફાંકાભાઈ એમ બોલે કે આખા ગામના મીડિયાને બોલાવીશ, ફોટો છપાવીશ. બૅનર-હોર્ડિંગ લગાવીશ, મારો જયજયકાર કરાવીશ અને આખાય ગામની હાજરીમાં મારા ફોટોનું પ્રદર્શન ખુલ્લું મૂકીશ. તો મારા ભાઈ આ જંગલમાં કોને ફેર પડે છે. એટલે જ કહેવાય છે ભાઈ, રાજાના રવાડે ન ચડાય, ચડો તો નખ્ખોદ નીકળી જાય.

weekend guide columnists