કામ અને કાળ કોઈનેય બક્ષતા નથી, પછી એ દેવ હોય કે મનુષ્ય

04 March, 2019 10:52 AM IST  |  | પ્રવીણ સોલંકી

કામ અને કાળ કોઈનેય બક્ષતા નથી, પછી એ દેવ હોય કે મનુષ્ય

પ્રવીણ સોલંકી

માણસ એક રંગ અનેક

રોજ સવેરે દિન કા નિકલના, શામ મેં છલના જારી હૈ; જાને કબસે રૂહી કા યે જિસ્મ બદલના જારી હૈ
જાને કિતની બાર યે તૂટા, જાને કિતની બાર યે લૂટા; ફિર ભી સીને મેં ઇસ પાગલ દિલ કા મસલના જારી હૈ - રાજેશ રેડ્ડી

ક્યારથી આત્મા શરીર બદલ્યા કરે છે કે બદલ્યા કરશે? દિલ જેવી બેધડક ચીજ સદીઓથી તૂટતી આવી છે, લૂંટતી આવી છે, લૂંટાતી આવી છે છતાં દિલ લગાડવાનું ભૂલતી કેમ નથી? સાચું જ કહ્યું છે કે ‘દિલ તો પાગલ હૈ!’ આ પાગલપણું ક્યારથી શરૂ થયું ને ક્યારે પૂરું થશે?

મૅરી સ્ટેપ અને સિગ્મન્ડ ફ્રૉઇડ કહે છે, ‘સંસારનું મધ્યબિંદુ સેક્સ છે. જ્યાં સુધી સેક્સનું સામ્રાજ્ય છે ત્યાં સુધી આ બધું ચાલતું રહેશે.’

આપણાં શાસ્ત્રોમાં કામ અને કાળને સર્વોપરી ગણાવ્યો છે. કામ અને કાળ કોઈને બક્ષતા નથી, પછી એ દેવ હોય કે મનુષ્ય. ‘કામ’નાં ઘણાંબધાં સ્વરૂપો છે. આપણે એણે ઘણાંબધાં નામ આપી દીધાં છે. કામ એટલે ઇચ્છા. ઇચ્છા અનંત છે. એક પૂરી થાય કે બીજી જન્મે. ઇચ્છા એટલે કામના. કામના વગરનો મનુષ્ય પ્રાણ વગરના ખોળિયા જેવો છે. દરેક મનુષ્યના જહેનમાં કોઈ ને કોઈ કામનાનો વાસ હોવાનો જ - પછી તે સંત હોય કે સંસારી. સંતને મુક્તિની કામના હોય, સંસારીને સુખની કામના હોય, ડાકુને લૂંટવાની કામના હોય, શેઠિયાઓને સંઘરવાની કામના હોય. ‘કામ’ એટલે ઉન્માદ, આવેગ, લાગણી, સંવેદના, ઉત્તેજના, મન્મથ, મોહ, વાસના, સંમોહન. જોકે સૌથી પ્રખ્યાત અને પ્રચલિત છતાં અનર્થભર્યું નામ છે ‘પ્રેમ’. ઉપરનાં બધાં નામો, વિશેષણો થકી રચાતા સંબંધોને મોટા ભાગે ‘પ્રેમ’ તરીકે ઓળખાવાય છે. હકીકતમાં શાસ્ત્રો કહે છે, ‘નહીં કામ નહીં કેમ? એનું નામ પ્રેમ.’ કામના વગરનો અને પ્રશ્નો વગરનો જે સંબંધ રચાય એ પ્રેમ છે.

આ વિષય હાથ ધરવાનું કારણ એક ચર્ચાસભા છે. આજનાં ચલચિત્રો, ટીવી, મોબાઇલ, વૉટ્સઍપ, કંઈક અંશે નાટકો વગેરે પર આવતાં સેક્સી દૃશ્યો કે સંવાદોએ સમાજ પર ઊંડી અસર કરી છે એ ચર્ચાનો વિષય હતો. દરેક વક્તાનો એક જ સૂર હતો કે ખરેખર આ માધ્યમોએ વ્યક્તિના ચારિત્ર્ય પર ઘેરી અસર કરી છે. સમાજ માનસિક રીતે રોગિષ્ઠ બન્યો છે. છેડછાડ, બળાત્કાર, શારીરિક હરકતો સામાન્ય બની ગયાં છે. હું પણ આ અભિપ્રાય સાથે સહમત તો હતો જ, પણ એ જ સમયે મારા મનમાં બીજા અનેક પ્રશ્નો ખડા થયા. આજથી પાંચસો-હજાર વર્ષો પૂર્વ આવાં ઇલેક્ટ્રિક માધ્યમો ક્યાં હતાં? ત્યારે સમાજ ખરેખર તંદુરસ્ત હતો? વળી એ જ અરસામાં મારા મર્કટ મનને જાણે દારૂ મળ્યો હોય એમ એક લોકકથા સાંભળવા મળી. આજથી દોઢસો-બસો વર્ષ પહેલાં લખાયેલી કે કહેવાયેલી લોકકથા. એ લોકકથા સાંભળીને મારા મનમાં બીજા અનેક પ્રશ્નો ઊભા થયા. લોકકથા એટલે શું? લોકો વડે, લોકો માટે, લોકો દ્વારા કહેવાયેલી કથા. એમાં એ વખતના સમયનું જ પ્રતિબિંબ હોય છેને?

પહેલાં લોકકથા પર નજર કરીએ. એક રાજારાણી હતાં. તેમણે એક સુંદર, ચાલાક, હોશિયાર, નાનકડો રાજકુમાર હતો. એક સમયે ત્રણેય વનવિહાર કરવા નીકળી પડ્યાં. વર્ષોથી રાજમહેલમાં કેદ એવી આ ત્રિપુટીને કુદરતી વાતાવરણમાં ખૂબ મજા આવી ગઈ. ખૂબ ફર્યાં. જોકે કમનસીબે રાજા થાકી ગયો, એકાએક ઢળી પડ્યો અને પ્રાણપંખેરું ઊડી ગયું. રાણીના માથે તો જાણે આભ તૂટી પડ્યું. કલ્પાંત કરતાં-કરતાં રાણી કુંવરને લઈને આગળ ચાલવા લાગી, ક્યાંક મદદ મળી જાય એ આશાએ. ખૂબ ચાલ્યા પછી રાણી પણ ઢળી પડી. કુંવર તો સમજ્યો કે માતા થાકીને ઊંઘી ગઈ છે. તે પણ માતાને બાથ ભરીને સૂઈ ગયો. તે પણ થાક્યો હતો.

એ જ સમયે આકાશમાં શંકર-પાર્વતી રથમાં વિહાર કરવા નીકળ્યાં હતાં. પાર્વતીએ નીચે પૃથ્વી પર મરેલા રાજાને જોયો. પાર્વતીને દયા આવી. શિવજીને કહ્યું, ‘રાજાને સજીવન કરો.’

શંકરે કહ્યું, ‘આવી દયા ખાઈએ તો દુનિયા ન ચાલે. આવા તો આગળ ઘણા મરેલા આવશે.’

થોડી વાર પછી કુંવર અને રાણીને જોયાં. ફરી પાર્વતીએ એ જ કહ્યું. શિવજી ચિડાયા અને બોલ્યા, ‘તમે વારંવાર એકની એક વાત ન કરો. ચૂપચાપ જોયા કરો.’

પાર્વતીને ગુસ્સો આવ્યો. તે રથમાંથી કૂદી પડ્યાં અને અદૃશ્ય થઈ ગયાં. શંકરે પાર્વતીને ન જોયાં એટલે વિહ્વળ થઈ ગયા. આમતેમ ચારે બાજુ શોધવા લાગ્યા. ‘પાર્વતી, પાર્વતી’ નામની બૂમો પાડવા લાગ્યા. પાર્વતી મનુષ્યનું રૂપ ધારણ કરીને બોલ્યાં, ‘હું બે પળ તમારી પાસે નહોતી તો કેવા દુ:ખી-દુ:ખી થઈ ગયા? આ બાળકે તો મા-બાપ બન્ને ખોયાં છે. તે છોકરાને કેવું થતું હશે!’

સ્ત્રીહઠ આગળ શિવજી ઝૂકી ગયા. શંકરે અંજલિ છાંટીને રાણીને જીવતી કરી. પાર્વતીએ રાણીને શિખામણ આપી કે આ રસ્તો ઘણો કપરો છે, તું બીજા રસ્તે જા.

રાણીએ વિચાર્યું, ‘આ રસ્તે તો મારો ધણી, મારો રાજા મરેલો પડ્યો છે. તેને મૂકીને હું બીજા રસ્તે કેમ જઉં?’

ખૂબ ચાલ્યા પછી રાણીને કડકડતી ભૂખ લાગી. તેણે કુંવરને કહ્યું, ‘બેટા, મને ખૂબ ભૂખ લાગી છે.’

કુંવરે કહ્યું, ‘મા, તું વડની ડાળી પર બેસ. હું કંઈક પ્રબંધ કરું છું.’

કુંવર નજીકના કોઈ ગામની શોધમાં ચાલી નીકળ્યો. એક ગામની ભાગોળે રાક્ષસ જોયો. ગામ ઉજ્જડ હતું. રાક્ષસે ગામના તમામ લોકોને મારી નાખ્યા હતા. છોકરાને જોઈને રાક્ષસ હરખાયો. ખોરાક સામે ચાલીને મળ્યાનો હરખ થયો. તેણે છોકરાને છલાંગ મારીને બાથમાં ઝડપી લીધો, પણ કુંવર પર શિવજીની અંજલિનાં છાંટણાં હતાં. તે છટકી ગયો. ગામમાંથી ખોરાક લઈને માતાને ખવડાવ્યો.

બે-ત્રણ કલાક વીત્યા પછી માએ ફરીથી ખાવાનું માગ્યું. છોકરો ફરી ગામમાં આવ્યો. ફરી રાક્ષસનો સામનો થયો અને ફરી છોકરો છટકી ગયો. ફરી માને તૃપ્ત કરી. જમ્યા પછી માએ કહ્યું, ‘બેટા, રાત પડવા આવી છે, ક્યાં વાસ કરીશું?’

કુંવરે કહ્યું, ‘મા, ગામમાં બધાં ઘર ખાલી મેં જોયાં છે. ત્યાં જઈએ?’

મા-દીકરો બન્ને ગામમાં આવ્યાં. રાક્ષસ રાણીનું રૂપ જોઈને મોહી પડ્યો. તેણે મનુષ્યરૂપ ધારણ કર્યું. બીજી તરફ મનુષ્યના રૂપાળા-ખડતલ દેહને જોઈને રાણી પણ તેને જોઈને મોહી પડી.

રાણી છોકરો તેનાથી દૂર જાય એની રાહ જોવા લાગી. લાગ મળતાં તેણે રાક્ષસને કહ્યું, ‘તમે મારી સાથે લગ્ન કરશો?’

રાક્ષસે કહ્યું, ‘મારું તો ખૂબ મન છે, પણ તારા કુંવરનું નડતર છે. તું તેને મારી નાખ!’

રાણી હેબતાઈ ગઈ! પણ કામીને બુદ્ધિ ક્યાંથી હોય? તેણે રાક્ષસને કહ્યું, ‘મારે તેને મારવો કઈ રીતે?’

રાક્ષસે કહ્યું, ‘બહુ સહેલું છે. અહીંથી થોડે દૂર નાગરવેલનું જંગલ છે. ત્યાં મારો ભાઈ રહે છે. તું તારી આંખો આવી છે એવો ઢોંગ કરીને તેને નાગરવેલનાહ પાન લેવા મોકલ. મારો ભાઈ તેને કાચો ને કાચો ખાઈ જશે!’

મા-રાણીએ આંખ આવવાનો ઢોંગ ચાલુ કર્યો! દીકરાને નાગરવેલના જંગલમાં મોકલ્યો. કુંવર નાગરવેલની વાડીમાં આવે છે-જુએ છે. એક વિકરાળ રાક્ષસ વાડીમાં ઊંઘે છે. તેણે મોટેથી બૂમ પાડી, ‘રાક્ષસમામા, ઓ રાક્ષસમામા... ઊઠો, મારી માની સારવાર માટે મારે નાગરવેલનાં પાન જોઈએ છે... ઓ મામા...’

રાક્ષસ ‘મામા’નું સંબોધન સાંભળીને ખુશ થઈ ગયો. તેણે ઢગલો ભરીને પાન આપ્યાં.

બીજી તરફ છોકરાની ગેરહાજરીમાં રાક્ષસ અને રાણી મજા કરે છે. છોકરો આવે છે. તેને જોઈને રાણી હેબતાઈ ગઈ. બીજા દિવસે રાક્ષસને વાત કરી. રાક્ષસે કહ્યું, ‘તું તેને કહે કે પાનથી મારી આંખોમાં કંઈ ફરક નથી પડ્યો. તેને કહે કે વાઘનું દૂધ લઈ આવે તો મારી આંખે દીવા પ્રગટે.’

આજ્ઞાંકિત કુંવર વાઘનું દૂધ લેવા નીકળી પડ્યો. એક દિવસ ચાલ્યા પછી રસ્તામાં વાઘનાં નાનાં-નાનાં ચાર બચ્ચાં મળ્યાં. તેઓ એક જાળમાં ફસાયાં હતાં. છોકરાને જોઈને એક બચ્ચાએ કહ્યું, ‘મોટા ભાઈ, અમને જાળમાંથી કાઢો.’

કુંવરે કહ્યું, ‘ભાઈ સમજો છો તો જરૂર કાઢીશ, પણ તમારી મા આવીને મને ખાઈ જાય તો?’

છોકરાઓએ વચન આપ્યું. કુંવરે જાળ કાપીને ચારે બચ્ચાંઓને ઉગાર્યાં!

અને છેલ્લે...

વાર્તા લાંબી છે, આવતા સપ્તાહે પૂરી કરીશું; પણ આટલું વાંચીને જ અણસાર તો આવી જ ગયો હશે કે હું શું કહેવા માગું છું.

કામ-વાસના મનુષ્યના શરીરના બંધારણનો એક ભાગ જ છે. એ એક રાસાયણિક પ્રતિક્રિયા છે. જૂના જમાનામાં પણ હતી અને આજે પણ છે.

આ પણ વાંચો : ફૈસલા કુછ ભી હો મંજૂર હોના ચાહિએ, જંગ હો યા ઇશ્ક હો ભરપૂર હોના ચાહિએ

સમાપન

આ કથા હજી અધૂરી છે, પણ સવાલ થાય છે કે લોકકથા આવી હોઈ શકે? જોકે લોકકથામાં લોકોના જીવનની-મનની વાત હોય એ સાચું, વાર્તાનું વ્યાકરણ ન હોય એ પણ સાચું; છતાં કેટલાક પ્રશ્નો મનમાં ઉદ્ભવ્યા. આ કથાનો ઝવેરચંદ મેઘાણીના ‘ગુજરાતી લોકસાહિત્ય માળા’ના બીજા મણકામાં સમાવેશ થયો છે. તડવી જાતિની પ્રચલિત લોકવાર્તા રેવાબહેન તડવીએ મેઘાણીને સંભળાવી હોય એવું અનુમાન છે. ખેર, વધુ રસિક ભાગ (?) અને વિશ્લેષણ આવતા સોમવારે.

જિસ્મ છૂને સે મોહબ્બત નહીં હોતી યારોં
ઇશ્ક તો ઝજ્બા હૈ જિસે ઈમાન કહતે હૈ!
બરસો બાદ ભી તેરી જિદ કી આદત નહીં બદલી
કાશ હમ મોહબ્બત નહીં તેરી આદત હોતે

Pravin Solanki columnists