થોડી સી આપ કી તારીફ ક્યા કર દી, કિ ચાંદ જલતે જલતે સૂરજ હો ગયા

11 February, 2019 11:54 AM IST  |  | પ્રવીણ સોલંકી

થોડી સી આપ કી તારીફ ક્યા કર દી, કિ ચાંદ જલતે જલતે સૂરજ હો ગયા

પ્રતીકાત્મક તસવીર

માણસ એક રંગ અનેક

પ્રિયતમે પ્રિયતમાના રૂપનાં થોડાંક વખાણ કર્યા કે તું ચાંદથી પણ વધારે ખૂબસૂરત છે એટલે ચાંદ ઈર્ષાની આગમાં બળતાં-બળતાં સૂરજની જેમ લાલઘૂમ થઈ ગયો. ‘તેરી કમીઝ સે મેરી કમીઝ ઝ્યાદા સફેદ હૈ’ આવા પ્રકારની જાહેરાત આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ. માણસ એક અસંતુષ્ટ પ્રાણી છે. સંતોષી નર સદા સુખી કહેવાય છે, પણ તે હંમેશાં દુ:ખી જ રહ્યો છે; કારણ કે તેને માત્ર સુખી જ નથી થવું, બીજા કરતાં વધુ સુખી થવું છે.

ઈર્ષા માનવસહજ અવગુણ છે. ઈર્ષાનો શબ્દકોશી અર્થ છે બીજાથી ચડિયાતા થવાની લાગણી, એકનું સારું જોઈ તેના જેવું થવાનો અથવા કરવાનો જુસ્સો, સરસાઈ, દેખાદેખી, સ્પર્ધા, બરોબરી, ચડસાચડસી. ઈર્ષાનો અર્થ માત્ર શબ્દકોશ પૂરતો મર્યાદિત નથી. ઈર્ષા અનેકાર્થી છે. ઈર્ષા અવિનાશી છે. ઈર્ષાના અનેક પ્રકાર છે. ઈર્ષા કુદરતી પણ હોય, મન-માનવ સર્જિત પણ હોય, એ મીઠી પણ હોય, કડવી પણ હોય, ઈર્ષામાં દ્વેષ પણ હોય, લોભ પણ હોય, મત્સર પણ હોય ને અદેખાઈ પણ હોય. ઈર્ષાનો વ્યાપ સર્વવ્યાપી છે. કામક્રોધની માફક ઈર્ષાથી દેવો પણ બચી શક્યા નથી તો માનવની શી વિસાત? ઈર્ષાએ ગીતાનો મર્મ બરાબર પચાવ્યો છે. એ નાત-જાત, ધર્મ-અધર્મ, રૂપ-રંગ, અમીર-ગરીબના ભેદ રાખતી નથી. આજના જમાનામાં ઈર્ષાની અસર એ હદે વ્યાપી ગઈ છે કે ‘માચીસ કી ઝરૂરત યહાં નહીં પડતી, આદમી આદમી સે જલતા હૈ.’

એક તરફ એમ પણ કહેવાયું છે કે ઈર્ષા ન હોત તો માણસનો વિકાસ અટકી જાત. ઈર્ષા મહkવાકાંક્ષાની માતા છે ને લોભ ઈર્ષાનો પિતા છે. બીજાના દુ:ખમાંથી આશ્વાસન લેવાય, પણ સુખની ઈર્ષા થાય તો જ પ્રગતિનો પાયો નખાય. ઈર્ષા નાગણ છે તો પાપણ પણ છે. ઈર્ષા આગ છે તો ઉન્નતિનો બાગ પણ છે. ઈર્ષા આંધળી છે તો ર્દીઘદૃષ્ટિ પણ છે. કયા સંજોગોમાં કેવી રીતે ઈર્ષાનો ઉપયોગ થાય છે એ પ્રકારે ઈર્ષાની અસર વર્તાય છે.

ફુટપાથ પર રહેતા બે માણસો ટાઢ, તડકો, વરસાદ સહન કરે છે. એકને આ પરિસ્થિતિમાંથી બહાર આવવું છે. તે મહેનત કરી રહેવા માટે ઝૂંપડી બનાવે છે. બીજાને તેની ઈર્ષા આવે છે. તે પણ મહેનત કરવા માંડે છે અને એમાંથી રળીને નાનકડી પણ પાકી બાંધેલી ખોલી બનાવે છે. આ ઈર્ષા સકારાત્મક છે, એમાં દ્વેષ કે અદેખાઈ નથી. નકારાત્મક ઈર્ષાને પગ હોય છે, પાંખ હોય છે; પણ હદ નથી હોતી, સરહદ નથી હોતી. ઈર્ષા ઉઘાડી પણ ને ઈર્ષા ઢાંકેલી પણ હોય છે. ઈર્ષાનાં બીજ ક્યારેક ફળે છે તો ક્યારેક વાંઝણી પણ રહે છે. ઈર્ષા ઊંડી હોય છે ને ઈર્ષા ભૂંડી પણ હોય છે. ઈર્ષા કાચિંડો છે. ઈર્ષા અનેકરંગી હોય છે પણ મૂળભૂત સ્વરૂપ એનું કાળું હોય છે.

ઈર્ષાની અસરનાં કેટલાંક પ્રચલિત દૃષ્ટાંતો આપણી આંખ ઉઘાડનારાં છે. સ્વર્ગની એક સુંદર અપ્સરાના રૂપમાં બે યક્ષો મોહિત થઈ ગયા. બન્ને વિચારતા હતા કે જો આ સુંદરી મળી જાય તો તેના રૂપથી જીવનભર આંખો ઠરેલી રહે. રૂપની પૂનમના પાગલ આ બે પ્રેમીઓએ અપ્સરાને રીઝવવા જાતજાતના પ્રયત્નો કર્યા, પણ અફસોસ, બન્નેમાંથી કોઈ સફળ ન થયું. આખરે બન્નેએ ભગવાન ભોલેનાથનું તપ આદર્યું. બન્નેએ ઉગ્ર તપ કર્યું. પરંપરા મુજબ દરેક કથામાં બને છે એમ ભોલેનાથ પ્રસન્ન થયા. પહેલા નંબરના પ્રેમીની આંખ પહેલાં ખૂલી અને બીજાની થોડી ક્ષણો પછી. બન્ને ભોલેનાથને પગે પડ્યા. ભોલેનાથે હંમેશ મુજબ કહ્યું, ‘હું તમારા બન્નેની તપસ્યાથી અતિ પ્રસન્ન થયો છું. માગો જે માગવું હોય એ માગો.’ પહેલાએ કહ્યું કે પ્રભુ, આપનાં દર્શન મને પહેલાં થયાં છે એટલે માગવાનો પહેલો હક મારો બને છે. ભગવાન થોડા મૂંઝાયા. થોડું વિચારી બોલ્યા કે ભલે પહેલાં તું માગ, પણ શરત એટલી કે તું જે માગીશ એનાથી બમણું બીજાને મળશે. હવે પહેલો મૂંઝાયો. પ્રભુએ ખરો ફસાવ્યો તેને. પણ તે ગાંજ્યો જાય એમ નહોતો. મનમાં વિચાર્યું કે હું મરું પણ તને રાંડ કરું. તેણે માગતાં કહ્યું કે પ્રભુ, મારી એક આંખ ફોડી નાખો. પ્રભુએ તથાસ્તુ કહ્યું. એકની એક આંખ ફૂટી, બીજાની બન્ને. અપ્સરાના રૂપને બીજો માણી ન શકે એ ઈર્ષા થકી પહેલાએ તેની એક આંખ ફોડી!

કોઈને કોઈના રૂપની ઈર્ષા થાય, કોઈના ધનની ઈર્ષા થાય, કોઈને પદવીની ઈર્ષા થાય, કોઈને કોઈના માન-સન્માનની ઈર્ષા થાય. કોઈને કોઈના પ્રેમની તો કોઈને કોઈની લાગણીની પણ ઈર્ષા થાય છે. કેટલીક વ્યક્તિઓને તો કોઈ કારણ વગર ઈર્ષા થતી હોય છે. આવી વ્યક્તિઓ માનસિક રોગી હોય છે. લઘુતાગ્રંથિથી પીડાતી હોય છે. વૈજ્ઞાનિકોનું એક તારતમ્ય એવું છે કે સ્ત્રીઓમાં ઈર્ષાનું પ્રમાણ વધારે હોય છે, પણ એના કોઈ સચોટ પુરાવા નથી સાંપડતા. હા, એ હકીકત છે કે સ્ત્રીઓની ઈર્ષા છૂપી રહી શકતી નથી, જ્યારે પુરુષો ઈર્ષાને ચાલાકીપૂર્વક ગુપ્ત રાખી શકે છે.

આપણા રોજિંદા જીવનમાં ડગલે ને પગલે ઈર્ષાની અસર દેખાતી હોય છે. દાખલા તરીકે આખા દિવસ માટે રાખેલો નોકર પોતાની ઇન્કમ વધારવા પોતાના ફાજલ સમયમાં અન્ય ઘરોનાં કોઈ કામ કરે એ જોઈને માલિકના મનમાં ઈર્ષા મોટે ભોગે જાગે છે. અન્યનાં કામ અટકાવવા પોતાના ઘરમાં ન હોય એવાં કામોનું બહાનું કાઢીને બોલાવવાનું ચૂકતો નથી. બહેનને ભાઈની ઈર્ષા કે ભાઈને બહેનની ઈર્ષા સ્વાભાવિક બની ગઈ છે. દીકરીને એમ જ લાગતું હોય છે કે મા-બાપ દીકરા પ્રત્યે વધુ ધ્યાન-માન આપે છે. સાસુને વહુની ઈર્ષા અને વહુને સાસુની ઈર્ષા કૉમન-સામાન્ય બની ગઈ છે. બે ઉંમરલાયક સખીઓમાંથી એકનાં લગ્ન કોઈ સારા ઘરમાં થઈ જાય ત્યારે બીજાને ‘જલન’ ઊપડવી સહજ છે. વંધ્યા સ્ત્રીને આડોશપાડોશના ઘરમાં થયેલા પુત્રજન્મના સમાચાર સળગાવી મુકે છે. બે પાર્ટનરો, બે મિત્રો, બે સહેલીઓ, બે સંબંધીઓ, બે વ્યાપારીઓ કે કોઈ પણ બેની જોડીમાંથી એકની પ્રગતિ બીજાની ઈર્ષાનું કારણ બનતી જ હોય છે; પણ એ ઈર્ષા છડેચોક વ્યક્ત થતી નથી.

ઈર્ષાનો એક અર્થ છે ‘કરચલાવૃત્તિ’. એક કરચલો ઉપર ચડતો હોય ત્યારે બીજો કરચલો એને પછાડવા ટાંગ ખેંચતો જ હોય છે. એક વાર ભારતના એક શહેરના દરિયાકાંઠે ઇન્ટરનૅશનલ કરચલા વેચવાનો મેળો ભરાયો. દુનિયાભરમાંથી કરચલાના વ્યાપારીઓ આવ્યા. સૌએ પોતાના દેશના કરચલાઓને કાચની પેટીમાં મૂકીને પ્રદર્શન કર્યું. દરેક પેટીના બંધ કરેલા ઢાંકણા પર જે-તે દેશનું નામ હતું. મેળાનો સંચાલક ગ્રાહકોને જે-તે દેશના કરચલા બતાવતો ને એના વિશે વિશેષ માહિતી આપતો. ગ્રાહક એક જગ્યાએ અટકી ગયો. કરચલાની પેટી ખુલ્લી હતી, ઉપર ઢાંકણું કે દેશનું નામ હતું જ નહીં. ગ્રાહકે સંચાલકને પૂછ્યું, ‘આ કયા દેશના કરચલા છે અને ઢાંકણું કેમ ખુલ્લું છે?’ સંચાલકે મરક-મરક હસતાં જવાબ આપ્યો કે આ તો અમારા દેશના કરચલાઓ છે, ઢાંકણું એટલા માટે નથી રાખ્યું કે કોઈ કરચલો ભાગી નહીં શકે, કેમ કે જેવો એક કરચલો ઉપર ચડવા જશે કે બીજો અવશ્ય એને નીચે ખેંચી લેશે.

ઈર્ષા દેવલોકમાં દુર્લભ નથી. રાધાને કૃષ્ણની વાંસળીની ઈર્ષા હતી. મીરાને મોરના પીંછાની ઈર્ષા હતી. રુક્મિણીને રાધાની ઈર્ષા હતી. ભક્તોને નારદની વીણાની ઈર્ષા હતી, અપ્સરાઓને ઇન્દ્રના રૂપની ઈર્ષા હતી, ભરતને લક્ષ્મણની સેવાની ઈર્ષા હતી, મંદોદરીને સીતાના સતીત્વની ઈર્ષા હતી.

દેવલોક તો ઠીક, સંત-સાધુ સમાજ પણ ઈર્ષાથી પર નથી. બલકે આજકાલ માનવસમાજ કરતાં સંત-સાધુ સમાજમાં ઈર્ષાની દોડ વધારે પ્રમાણમાં છે. શિષ્યો બનાવવાની, વધારેમાં વધારે દીક્ષાઓ અપાવવાની, મનગમતી ટીવી-ચૅનલો મેળવવાની, સભામાં વધારેમાં વધારે શ્રોતાઓ મેળવવાની, વધારેમાં વધારે પ્રસિદ્ધિઓ પ્રાપ્ત કરવાની, વધારેમાં વધારે શાખાઓ ખોલવાની, વધારેમાં વધારે સ્ત્ભ્ઓને સાથે રાખવાની હોડ ચાલી રહી છે.

અને છેલ્લે...

સંત નામદેવની એક રસપ્રદ વાત. નામદેવ પાંડુરંગના પ્રખર ભક્ત, પણ એક દિવસ નામદેવને પાંડુરંગ પ્રભુની ઈર્ષા થઈ આવી. થયું કે પ્રભુ કમર પર હાથ રાખીને ઊભા રહે, ભક્તો તેમને નમે, ફૂલહાર ચડાવે, ભજે, પૂજે, કેવી મજા! પાંડુરંગ નામદેવની મનની વાત કળી ગયા. એક દિવસ તેમણે નામદેવને કહ્યું, ‘મારા વહાલા, લાડકા ભક્ત, આજે મારે જનાબાઈના ઘરે જવાનું છે. તું આજનો દિવસ મારી જગ્યાએ ઊભો રહીશ?’

નામદેવને તો ભાવતું’તું એ મળી ગયું.

શરૂઆતની થોડી પળો તો નામદેવને ધન્ય-ધન્ય લાગી, પણ જેમ-જેમ સમય ગયો કે અકળાવા લાગ્યા. પગમાં ખાલી ચડવા લાગી, પગ ભારે થવા લાગ્યા, ખંજવાળ આવવા લાગી; પણ નીચા વળી ખંજવાળે કેમ? થોડી વાર પછી તેમણે જોયું તો કીડીઓની હાર તેના પગ પર ફરી રહી છે. વળી ભક્તો પુષ્પો, પત્રો ગમે ત્યાં શરીર પર ‘ઘા’ કરી રહ્યા છે. અંધારી ઓરડી, ઘીના ચારે બાજુ દીવાઓ, મશાલો! તેનો શ્વાસ ગૂંગળાવા લાગ્યો. વધુમાં ભક્તોની ચિચિયારીઓ, ઘંટનાદ, શંખનાદ, ઢોલનગારાંઓ, પરિસરમાં ધક્કામુક્કી, ધાંધલધમાલ. નામદેવની અકળામણ વધવા લાગી. મનોમન પાંડુરંગને યાદ કરી બબડવા લાગ્યા કે હે પ્રભુ! મને ક્ષમા કરો, મને આ વિપદામાંથી છોડાવો. પાંડુરંગ તો એક ખૂણામાં અદૃશ્ય ઊભા રહી આ બધો તાલ જોતા જ હતા. ક્ષણભર પછી મરક-મરક હસતાં નામદેવ સમક્ષ પ્રગટ થયા. બોલ્યા, ‘હે વત્સ, તારે મારું સ્થાન લેવંમ હતુંને? મંે તો તને પ્રેમથી આપ્યું, પણ તું જ ડગી ગયો?’ નામદેવનું માથું શરમથી ઝૂકી ગયું. પાંડુરંગે કહ્યું કે ‘મારા લાડકા નામદેવ, તું મારો પ્રિય ભક્ત છે. આમ પણ બધા જ ભક્તો મને પ્રિય છે. પણ વત્સ, એક વાત ખાસ યાદ રાખજે કે કોઈનું સ્થાન મેળવતાં પહેલાં એ સ્થાન ટકાવી રાખવાની લાયકાત પહેલાં કેળવવી-મેળવવી જોઈએ.’

ઈર્ષા માનવસહજ અવગુણ છે. ઈર્ષાનો શબ્દકોશી અર્થ છે બીજાથી ચડિયાતા થવાની લાગણી, એકનું સારું જોઈ તેના જેવું થવાનો અથવા કરવાનો જુસ્સો, સરસાઈ, દેખાદેખી, સ્પર્ધા, બરોબરી, ચડસાચડસી. ઈર્ષા અનેકાર્થી છે. ઈર્ષા અવિનાશી છે. ઈર્ષાના અનેક પ્રકાર છે. ઈર્ષા કુદરતી પણ હોય, મન-માનવ સર્જિત પણ હોય, એ મીઠી પણ હોય, કડવી પણ હોય, ઈર્ષામાં દ્વેષ પણ હોય, લોભ પણ હોય, મત્સર પણ હોય ને અદેખાઈ પણ હોય.

આ પણ વાંચો : માણસોને જીવ કરતાં ઘરેણાં અને સંપત્તિ વધારે વહાલાં લાગે છે

સમાપન

‘બેફામ’ના એક શેરથી...
ખુદા ને આદમી વચ્ચે તફાવત છે બહુ થોડો
બનાવ્યું એકે જગત, બીજો બગાડે છે
હરીફાઈ ન કર હદથી વધુ દર્શાવવા માટે
બીજાના દીપ જલતા જોઈ, આગ કાં ઘરને લગાડે છે?

Pravin Solanki columnists