ન કિસી કો ગમ ચાહિએ,ન કિસી કો કમ ચાહિએ;એક-દો પલ નહીં,હમેં તો હરદમ ચાહિએ

11 March, 2019 09:38 AM IST  |  | પ્રવીણ સોલંકી

ન કિસી કો ગમ ચાહિએ,ન કિસી કો કમ ચાહિએ;એક-દો પલ નહીં,હમેં તો હરદમ ચાહિએ

પ્રવીણ સોલંકી

માણસ એક રંગ અનેક

ઇચ્છા-વાસના અનંત છે, એનો કોઈ અંત નથી. એને કોઈ હદ નથી, મર્યાદા નથી. અગ્નિમાં ગમેએટલાં લાકડાં નાખો, એને કોઈ ધરવ નથી. વર્ષોથી આપણે એ વાર્તા વાગોળતા આવ્યા છીએ કે પ્રેમિકાએ પ્રેમી પાસે શરત મૂકી કે તું તારી માનું કાળજું કાપીને મને આપ તો હું તારી થાઉં. ને દીકરાએ એ કર્યું પણ ખરું. ત્યારે કોઈ સિનેમા, નાટક, ટીવી કે મીડિયાનાં માધ્યમો નહોતાં તો પછી કોની અસર હશે દીકરામાં? આ તો પ્રકૃતિદત્ત છે. અનાદિકાળથી પ્રવર્તતું કાળનું સામ્રાજ્ય છે. પ્રસ્તુત લોકકથામાં માતા દીકરાના જીવની દુશ્મન બની. પછી? આગળ વધીએ...

કુંવરે જાળ કાપીને વાઘનાં ચારેય બચ્ચાંઓને ઉગાર્યા. ચારેય કુંવરના મિત્રો બની ગયાં. કુંવરે બચ્ચાંઓને બધી વાત કરી. વાઘણના દૂધ માટે આજીજી કરી. બચ્ચાંઓએ ખેલ શરૂ કર્યો. માને ધાવે જ નહીં. માએ પૂછ્યું, ‘બચ્ચાંઓ આજે તમે કેમ ધાવતાં નથી?’ બચ્ચાંઓએ પોતાના ભાઈબંધની બધી વાત કરી. વાઘણે લોટો ભરીને દૂધ આપતાં કહ્યું, ‘જા તું દૂધ લઈ જા અને સાથે તારા ભાઈબંધોને પણ લઈ જા, તને કામ આવશે.’

કુંવર વાઘણનું દૂધ લઈને આવ્યો કે રાક્ષસ અને રાણી ભોંઠાં પડી ગયાં. હવે? રાક્ષસે એક બીજો દાવ રાણીને બતાવ્યો. થોડા દિવસ પછી રાણીએ કુંવરને કહ્યું, ‘બેટા, હજી મારી આંખો સારી નથી થઈ. હવે છેલ્લો ઉપાય છે. દૂર દરિયાના બેટમાં એક મરઘી અને તેતર છે, એને લઈ આવે તો જ મારી આંખો સારી થાય!’

કુંવર તો ઊપડ્યો દરિયાના બેટ તરફ. રસ્તામાં એક મહાત્મા મળ્યા. મહાત્માની તેણે સેવા કરી. મહાત્મા ખુશ થઈ ગયા. તેણે એક મગરને બોલાવ્યો અને કુંવરને દરિયાના બેટમાં લઈ જવા કહ્યું. મગરની મદદથી કુંવરે બેટ પરથી મરઘી અને તેતર પકડ્યાં. રાણી અને રાક્ષસને તો મનમાં હતું કે આ વખતે કુંવર જરૂર પાછો નહીં જ આવે. પણ એ લોકો ખોટાં પડ્યાં!

ફરી નવી ગિલ્લી નવો દાવ. માએ નવું નાટક શરૂ કર્યું, ‘બેટા, મારી આંખો કેવી અભાગણી છે, સારી થતી જ નથી. પણ એક ઉપાય હજી બાકી છે. અમર જળ. અમર જળ છાંટીશ તો મારી આંખે દિવ્ય જ્યોત પ્રગટશે. છોકરાએ પૂછ્યું કે આ અમર જળ ક્યાં મળશે? માએ કહ્યું કે દૂર જંગલમાં સાતસો વાવ છે. એમાંની એક વાવમાં છે. કઈ વાવ એની મને ખબર નથી, પણ મને ખાતરી છે કે તું શોધી કાઢીશ.

કુંવર વાઘનાં ચારેય બચ્ચાંઓ-ભાઈબંધો સાથે નીકળી પડ્યો. બે દિવસ ચાલ્યા પછી એક નગર આવ્યું. નગરનો રાજા વૃદ્ધ થયો હતો. એકની એક કુંવરી પરણાવવાની એકમાત્ર ઇચ્છા બાકી રહી હતી. ઘણા રાજકુંવરો જોયા, પણ કુંવરીને કોઈ પસંદ ન આવ્યા. આખરે રાજગુરુની સલાહથી સાંઢણી-સ્વયંવર યોજ્યો. નગરમાં સાંઢણી નીકળે અને જેના ગળામાં સાંઢણી હાર નાખે તેને કુંવરી મળે. સાંઢણીએ આ છોકરાના ગળામાં હાર નાખ્યો. હાહાકાર થઈ ગયો. આ તો કોઈ મામૂલી પરદેશી છે. વૃદ્ધ રાજાએ તેને તગેડી મૂકવાનો હુકમ કર્યો, પણ રાજકુંવરી વચ્ચે પડી. કહ્યું કે પરણીશ તો હું આને જ પરણીશ. વિધિનો કોઈ સંકેત હશે, નહીં તો જેવું મારું નસીબ.

નગરમાં કુંવર અને કુંવરીએ થોડા દિવસ મોજ કરી. પછી એક દિવસે કુંવરે કહ્યું કે મારે મારી મા માટે અમૃત જળ લેવા જવું છે. કુંવરીએ કહ્યું કે અમૃત જળ લેવા જે-જે ગયા છે એ કોઈ પાછા આવ્યા નથી. હાથ જોડી વિનંતી કરી કે તમે સાહસ ન કરો. પણ કુંવર એકનો બે ન થયો.

કુંવર શ્વાસભેર ચાલ્યો જાય છે. ત્યાં ફરીથી પેલા મહાત્મા તેમને મળ્યા. કુંવરે મહાત્માને અમર જળની વાત કરી. મહાત્મા કુંવરની માતૃભક્તિ જાણી એકદમ પ્રસન્ન થઈ ગયા. કહ્યું કે ચાલ, હું તારી સાથે આવું છું, તને બતાવું છું કે સાતસો વાવ ક્યાં છે. ત્રણ દિવસે એક જંગલમાં આવ્યા. જોયું તો બધે વાવ, વાવ, વાવ ને વાવ જ! અમર જળ કઈ વાવમાં હશે? મહાત્માએ મંત્રોચ્ચાર કર્યો ને વચલી એક વાવમાંથી ફુવારો છૂટ્યો. મહાત્માએ કુંવરને એ ફુવારામાંથી એક નાનકડો ઘડો ભરી લેવા કહ્યું.

હરખાતો-હરખાતો કુંવર વાઘનાં બચ્ચાંઓ સાથે રાજકુંવરી-પરણેતર પાસે આવ્યો. રાજકુંવરીના અચરજનો પાર ન રહ્યો. તેણે પૂછ્યું, ‘ખરેખર તમે અમર જળ લઈ આવ્યા?’ કુંવરે ગર્વથી કહ્યું, ‘હા! હવે હું મારી મા પાસે જઈને તેની આંખો સાથે આખા દેહને અમર કરી દઈશ.’ કુંવરીએ તેનાં ઓવરણાં લેતાં કહ્યું ‘જવું હોય તો ભલે જાઓ, પણ જમીને જાઓ. મેં બત્રીસે ભોજન ને છપ્પન વાનાં કર્યા છે.’ જમવા બેસાડી કુંવરીએ ચાલાકીથી પાણીનો ઘડો બદલી નાખ્યો.

રાક્ષસ અને રાણીને જેની હવે આશા જ નહોતી એ કુંવરને સામે જોઈને પગ નીચેની ધરતી સરી જતી લાગી. રાણીએ સ્ત્રીચરિત્ર અજમાવ્યું. કુંવરને પડખામાં લઈ શાબાશી આપી. મનમાં વિચારવા લાગી, હવે આ છોકરાનું શું કરવું? એક દિવસ તે છેલ્લે પાટલે બેસી ગઈ. કહ્યું ‘બેટા, ચાલ આપણે સોગઠાબાજી રમીએ. પણ એક શરત છે, જે હારે તેનું માથું કાપી લેવાનું!’

મા-દીકરો સોગઠાબાજી રમવા બેઠાં, પણ કમનસીબે મા હારી ગઈ. ‘બેટા, તું મારું માથું વાઢી લઈશ?’ છોકરાએ કહ્યું, ‘ના મા. તું જનેતા છે, જનેતા હારે તો પણ તેને જીતેલી જ ગણવી જોઇએ!’ રાણી ખુશ થઈ ગઈ. કહ્યું, ‘ચાલ તો ફરીથી રમીએ.’ બન્ને ફરીથી રમવા બેઠાં. રાણીના મનમાં વૈરાગ્નિ ને આંખમાં (ખુન્નસ) હતું. ખૂબ દાવપેચ લડાવ્યા પછી છોકરાને હરાવ્યો. જેવો હાર્યો કે રાણી બરાડી ઊઠી, ‘છોકરા, તું હાર્યો છે. હવે હું તારું માથું વાઢી લઈશ.’ છોકરાએ કહ્યું, ‘મા, મેં તને મા સમજીને જીવતદાન આપ્યું હતું.’ રાણીએ કહ્યું, ‘પણ મેં તો તને કહ્યું જ હતું કે મારું માથું કાપી લે.’ અને છોકરો વધુ કંઈ બોલે એ પહેલાં રાણીએ તેના ચાર ટુકડા કરી બહાર ફેંકી દીધા.

થોડી વાર પછી વાઘનાં બચ્ચાંઓ ત્યાં આવ્યાં તો જોયું કે ભાઈબંધના શરીરના ટુકડા રસ્તે રઝળતા હતા. બધાએ એક-એક ટુકડો ઊંચકી લીધો અને છલાંગ ભરતા પરણેતર કુંવરીના નગરમાં આવ્યા. કુંવરીના મહેલ સામે જોઈ બરાડવા લાગ્યાં. કુંવરીએ બારી ખોલીને જોયું તો પતિના ભાઈબંધો! તે નીચે ગઈ. પતિના દેહના ટુકડાઓ જોઈ આભી બની ગઈ. મનોમન સમજી ગઈ કે આ કોનું કારસ્તાન હશે! રાજકુંવરીને પોતાની દૂરંદેશી પર ગર્વ થયો. એકદમ દોડીને અમરજળ લઈ આવી. કુંવર પર છાંટ્યું. કુંવર સજીવન થઈ ગયો.

બીજી બાજુ રાણી અને રાક્ષસ કુંવરની આડખીલી દૂર થવાથી એકદમ ખુશ છે. હવે કોઈ ભય નથી, શરમ-સંકોચ નથી. ખુલ્લેઆમ મનમાની મોજ કરે છે.

આ તરફ કુંવરને જનેતાનું નાટક સમજમાં આવી ગયું. તેના રોમેરોમમાં આગ લાગી ગઈ. જેને દેવી માનીને પૂજી હતી તે ડાકણ નીકળી? જેની સુખાકારી માટે મેં જીવનાં જોખમ ખેડ્યાં તે મારા જીવની દુશ્મન બની?

એક દિવસ રાક્ષસ અને રાણી ગેલ કરતાં ઘરમાં બેઠાં છે. ત્યાં બહાર વાઘનો ઘુઘવાટો સંભળાયો. સૈનિકોનો જયઘોષ સંભળાયો. જોયું કુંવર મોટું લશ્કર લઈને આવ્યો છે. બન્નેને સમજાયું નહીં કે આમ કેમ થયું? બન્ને કંઈ વિચારે એ પહેલાં કુંવર ખુલ્લી તલવાર લઈ અંદર ધસી આવ્યો ને માનું માથું વાઢી લીધું. સૈનિકોએ રાક્ષસના ટુકડે ટુકડા કરી નાખ્યા.

થોડા સમય બાદ વૃદ્ધ રાજાએ જમાઈને ગાદી પર બેસાડ્યો અને વર્ષો સુધી કુંવર-કુંવરીએ ખાધું, પીધું ને રાજ કર્યું.

છેલ્લે...

આ પણ વાંચો : કામ અને કાળ કોઈનેય બક્ષતા નથી, પછી એ દેવ હોય કે મનુષ્ય

બોલો, આ લોકકથાનો સાર શું? એ જને લોકો દ્વારા જે કહેવાય એ લોકકથા. એમાં રોમાંચ હોય, રોમૅન્સ હોય, આડેધડ કલ્પના હોય, તરંગો હોય, તર્ક હોય કે ન પણ હોય; પરંતુ ઉત્સુકતા જરૂર હોય. વાર્તામાંથી સાર તમારે તમારી રીતે શોધી લેવાનો. આ કથામાંથી શું સાર ગ્રહણ કરવો? વાસના થકી માણસ ભીંત ભૂલે છે, શરીર ખૂલે ત્યારે વિવેક બંધ થાય છે! વાસના પ્રગટે ત્યારે વહાલા દવલા લાગે ને દવલા વહાલા લાગે.

રાજા ભતૃર્હરિ કામના પ્રભાવ માટે કહે છે કે જેણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને હંમેશ માટે મૃગનયની સુંદરીઓના ગૃહકામ કરનારા દાસ બનાવી દીધા હતા અને વાણી પણ જેના વિચિત્ર ચરિત્રનો પાર પામી શકતી નથી એવા ભગવાન કામદેવને નમસ્કાર!

Pravin Solanki columnists