સરકાર ક્યારે કોના પર મહેરબાન કે કોપાયમાન થાય તેનો તાગ ન મેળવી શકાય

25 March, 2019 09:38 AM IST  |  | પ્રવીણ સોલંકી

સરકાર ક્યારે કોના પર મહેરબાન કે કોપાયમાન થાય તેનો તાગ ન મેળવી શકાય

પ્રવીણ સોલંકી

માણસ એક રંગ અનેક

ક્યાં વરસવું અને ક્યાં વિખરાઈ જવું એ વાદળોને પણ ખબર નથી હોતી. પવન ક્યારે દિશા બદલે એનો અંદાજ નથી હોતો. સરકારનાં કેટલાંક કાર્યો પણ એવાં જ હોય છે. સરકાર ક્યારે કોના પર મહેરબાન થઈ જાય અને ક્યારે કોના પર કોપાયમાન થઈ જાય એનો ભાગ્યે જ તાગ મેળવી શકાય.

૯ માર્ચે એક અખબારી અહેવાલ વાંચ્યો. આ વર્ષે પદમ અવૉર્ડ્સ માટે મહારાષ્ટ્રની એક પણ ભલામણ કેન્દ્રે સ્વીકારી નથી. હા, રાજ્યની ૧૧ વ્યક્તિઓને પદમ અવૉર્ડ્સથી નવાજવામાં આવી છે ખરી, પણ તેમની પસંદગી કેન્દ્રે સીધેસીધી કરી હતી. રાજ્ય સરકારે અન્ય વ્યક્તિઓ ઉપરાંત ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન ગોપીનાથ મુંડે તથા ઑલિમ્પિક કુસ્તીબાજ સદ્ગત ખાશાબા જાધવના નામની પણ ભલામણ કરી હતી. વળી સદ્ગત ગોપીનાથ મુંડે તો ભાજપના વરિષ્ઠ નેતા પણ હતા. અન્ય વ્યક્તિઓમાં મારા નામનો પણ સમાવેશ હતો.

આ પદ્મ અવૉર્ડ છે શું? ભારતમાં અનેક સરકારી અને ખાનગી સંસ્થાઓ વિવિધ ક્ષેત્રની નિપુણ વ્યક્તિઓને વિવિધ પ્રકારના અવૉર્ડ એનાયત કરે છે. સરકારી ક્ષેત્રે અપાતા ખિતાબોમાં સર્વોચ્ચ સ્થાન ‘ભારત રત્ન’નું છે. એ પછીનાં સ્થાનોમાં પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી છે. આ ખિતાબ આપવાની શરૂઆત ૧૯૫૪થી થઈ હતી. દર વર્ષે પ્રજાસત્તાક દિન - ૨૬ જાન્યુઆરીએ પ્રસ્તુત ખિતાબો જાહેર થાય છે. ૧૯૭૮ અને ૧૯૭૯ તેમ જ ૧૯૯૩થી ૧૯૯૭નાં વષોર્માં આ અવૉર્ડની કોઈ જાહેરાત થઈ નહોતી એટલે કે આ વર્ષોમાં ખિતાબો આપવાનું મુલતવી રાખવામાં આવ્યું હતું.

આઝાદી પછીનાં શરૂઆતનાં વર્ષોમાં ખાસ વ્યક્તિઓને જે.પી.નો ખિતાબ એનાયત થતો હતો. એ પછી મહારાષ્ટ્રમાં SEM અને SEO - સ્પેશ્યલ એક્ઝિક્યુટિવ મૅજિસ્ટ્રેટ અને સ્પેશ્યલ એક્ઝિક્યુટિવ ઑફિસરના ખિતાબો અપાતા થયા (૨૦૦૩માં મહારાષ્ટ્ર સરકારે મને પણ કદાચ બનાવ્યો ને હું ‘બની’ ગયો). રાબેતા મુજબ આ ખિતાબ પણ ચર્ચાસ્પદ બન્યો. આલિયા-માલિયા-ટાલિયા-વાલિયાની નિમણૂક થવા લાગી. પાછળથી એના પર અંકુશ લદાયો.

તાજેતરમાં ‘પદ્મશ્રી’ની નિમણૂક માટેના નિયમો બદલાયા છે. વિધાનસભ્યો, રાજ્યના પ્રધાનો, ગવર્નર, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ વગેરે મહાનુભાવો વ્યક્તિના નામની ભલામણ કરી શકે છે. સાથોસાથ કોઈ પણ વ્યક્તિ નાત, જાત, જાતિ, ધર્મના ભેદભાવ વગર પોતાના નામની ભલામણ ઑનલાઇન કરી શકે છે. એટલું જ નહીં; સગાં, સંબંધી, મિત્રો, હિતેચ્છુઓ પણ વ્યક્તિના નામની ભલામણ કરી શકે છે. આ રીતે ૨૦૧૯ના અવૉર્ડ માટે દેશભરમાંથી ૫૦ હજાર અરજીઓ આવેલી.

અરજીમાં નામ, પિતાનું નામ, જન્મતારીખ, વય, રાષ્ટ્રીયતા, જાતિ (પુરુષ કે સ્ત્રી), રાજ્ય, ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ, કાયમી નિવાસસ્થાનનું સરનામું, ધર્મ વગેરે નિશ્ચિત અરજીપત્રકમાં દર્શાવવાનું હોય છે અને હવે ખાસ :- વ્યક્તિએ કે વ્યક્તિ વતી અરજદારે પાંચ વિભાગમાં વ્યક્તિની પાત્રતા દર્શાવવાની હોય છે : (૧) Citation વ્યક્તિની પ્રવૃત્તિ અને સિદ્ધિઓનો અહેવાલ, (૨) Significant contribution વિશેષ પ્રદાન, (૩) મળેલા આંતરરાષ્ટ્રીય ખિતાબો, (૪) મળેલા રાષ્ટ્રીય ખિતાબો અને અન્ય પારિતોષિકો, (૫) Impact એટલે કે વ્યક્તિની પ્રવૃત્તિઓ અને સિદ્ધિઓનો સમાજ પર શું પ્રભાવ પડ્યો?

હવે દોસ્તો વિચાર કરો કે આ પરિપ્રેક્ષ્યમાં અત્યાર સુધી જેને-જેને ખિતાબો મળ્યા છે એમાંના કેટલા હકદાર હશે? આવી શંકા ઉપસ્થિત થવાનાં ઘણાં કારણોમાંનું એક કારણ અખબારી અહેવાલ છે. કેન્દ્ર સરકારે મહાનુભાવોની ભલામણનો અસ્વીકાર કરીને સીધેસીધી પસંદગી કરી. શા માટે? આનું તાર્કિક તારણ એટલું જ નીકળે કે ભલામણ કરનાર મહાનુભાવો પર, તેમની નિષ્ઠા પર, તેમની બુદ્ધિ પર, તેમની પ્રામાણિકતા પર સરકારને વિશ્વાસ નથી. શું આ એક પ્રકારનું મહાનુભાવોનું અપમાન નથી? વ્યક્તિ પોતે કે પોતાના વતી અન્ય અરજીપત્રક ભરી શકતા હોય તો મહાનુભાવોની ભલામણનો અર્થ શું છે? નવાઈની વાત તો એ છે કે મહાનુભાવો પણ આ બાબત ચૂપ કેમ છે? જોકે ખિતાબોની બાબતમાં જ નહીં, સરકારી માધ્યમની અસંખ્ય બાબતોમાં આવાં કેટલાંય અપમાનો ચૂપચાપ ગળી જવાં પડતાં હોય છે. રાજકારણમાં રહેવું હોય તો આળી ચામડી કામ ન આવે. એના માટે ગેંડાની ચામડી ધારણ કરવી જોઈએ એ સૌ જાણતા હોય છે. વળી એવું જાણીને પણ ચૂપ રહેતા હોય કે...

કિસ કિસ કો પત્થર મારું? યહાં કૌન પરાયા હૈ?
યે શીશમહલ મેં હર એક ચેહરા અપના લગતા હૈ!

આમ જુઓ તો દુનિયાના તમામ માન્ય અને મોટા ખિતાબો ચર્ચાસ્પદ રહ્યા છે અને રહેવાના. જ્યાં એકથી વધુ વ્યક્તિએ કોઈ નિર્ણય લેવાનો હોય ત્યાં વિવાદને સ્થાન અવશ્ય હોવાનું જ. ‘તુંડે તુંડે મતિર્ભિન્ના’. દરેક વ્યક્તિને પોતાનો ગમો-અણગમો હોઈ શકે. વળી કોઈ કાર્યના કે વ્યક્તિના ન્યાયાધીશ થવાના કોઈ ચોક્કસ માપદંડ નથી હોતા. દરેકની પારાશીશી જુદી-જુદી હોય છે. એમ કહેવાય છે કે ૧૯૧૩માં રવીન્દ્રનાથ ટાગોરને પહેલી વાર નૉન-યુરોપિયનને સાહિત્યનું નોબેલ પ્રાઇઝ મળ્યું ત્યારે પણ ખૂબ ચર્ચાસ્પદ બન્યું હતું. એ વર્ષે પ્રખ્યાત લેખક થોમસ હાર્ડી અને અન્તોલે ફ્રાન્સ હકદાર હતા. જ્યુરીઓ વચ્ચે ઉગ્ર ચર્ચા બાદ બન્નેને પડતા મૂકીને ટાગોર પર પસંદગી ઉતારી.

આપણી તરફેણમાં આવે તો ન્યાય અને વિરુદ્ધમાં જાય તો અન્યાય એ માનવ સ્વભાવગત વિચારધારા છે. એટલે તો મોટા ભાગની સ્પર્ધા-કે-અવૉર્ડ અર્પણવિધિ ચર્ચાસ્પદ બને છે; પણ જ્યારે ખુલ્લી આંખે, છડેચોક, પૂર્વગ્રહ, અનુગ્રહ, તરફેણ કે વિરોધ દેખાઈ આવે ત્યારે ટીકાપાત્ર બને જ! દાખલા તરીકે ૨૦૧૭માં મહાન ક્રિકેટર એમ. એસ. ધોની, મશહૂર તબલાવાદક ઝાકિર હુસેન, સ્વર્ગસ્થ નિરજા ભનોતનાં નામની બાદબાકીનું કારણ શું? (‘ઇન્ડિયન એક્સપ્રેસ’નો અહેવાલ) અમેરિકન એમ્બેસી જેમ વીઝા નકારવાનું કોઈ કારણ આપતી નથી એમ સરકાર પણ!

છેલ્લાં કેટલાંય વર્ષોથી જાણીતો અને માનીતો ઑસ્કર અવૉર્ડ પણ વિવાદાસ્પદ રહ્યો છે તો આપણે ત્યાં અપાતા ઢગલાબંધ ફિલ્મી અવૉર્ડ વિશે તો એક આખો ગ્રંથ લખી શકાય એમ છે. પ્રખ્યાત પત્રકાર સ્વ. તારકનાથ ગાંધીએ એક રસપ્રદ કિસ્સો લખ્યો છે. વર્ષો પહેલાં ફિલ્મફેર અવૉર્ડમાં સંગીત વિભાગમાં બે નામ મોખરે હતાં. એક, નૌશાદ મિયાં અને બીજું, શંકર-જયકિશન. જ્યુરીના ચૅરમૅન હતા જસ્ટિસ ચાગલા. શંકર-જયકિશન ઇચ્છતા હતા કે એ વર્ષે સંગીત માટેનો અવૉર્ડ તેમને મળે, પણ જસ્ટિસ ચાગલાને મનાવવા-પટાવવાનું કામ લોઢાના ચણા ચાવવા જેટલું અઘરું હતું! આખરે તારકનાથ ગાંધીના કહેવા પ્રમાણે તેમણે બિડું ઝડપ્યું. ગાંધીએ એક યુક્તિ રચી. રોકડ રકમનું એક કવર જસ્ટિસ ચાગલાના નિવાસસ્થાનના પોસ્ટ-બૉક્સમાં સરકાવી દીધું. સાથે એક ટાઇપ કરેલો પત્ર પણ હતો. લખ્યું હતું, ‘માનનીય સાહેબ, નૌશાદ મિયાં જેવો ઉત્તમ સંગીતકાર બીજો કોઈ નથી. આ વખતનો ફિલ્મફેર અવૉર્ડ તેમને જ મળવો જોઈએ અને મળશે જ એની ખાતરી છે.’ પરિણામ ધાર્યું હતું એ જ આવ્યું. અવૉર્ડ શંકર-જયકિશનને ફાળો ગયો.

અને છેલ્લે...

બીજી એક રસિક વાત. ફ્રાન્સના મહાન લેખક જ્યાઁ પોલ સાર્ત્રે નોબેલ પ્રાઇઝનો અસ્વીકાર કર્યો. કારણ? તેમનું કહેવું એમ હતું કે મારું સાહિત્ય સારું છે કે ખરાબ એ નક્કી કરનારા તમે કોણ? વળી મારી કોઈ કૃતિને કોઈ નોબેલ પારિતોષિકવિજેતા લેખકના વિશેષણ સાથે વાંચે એ મને મંજૂર નથી. હું નોબેલવિજેતા છું એ પૂર્વગ્રહથી વાચક મારી કૃતિને એ રીતે મૂલવે એ મને મંજૂર નથી.

નોબેલ ઇનામનો એક વિવાદ હજી પણ ચર્ચામાં છે. મહાત્મા ગાંધી કે જવાહરલાલ નેહરુની ‘શાંતિ’ માટેના ઇનામ માટે ક્યારેય ગણના થઈ નથી. એ તો ઠીક, પણ વિશ્વશાંતિ માટે એવી વ્યક્તિઓને ઇનામ મળ્યાં છે જેમને વિશ્વમાં ભાગ્યે જ કોઈ જાણે છે (થોડા દિવસ પહેલાં પાકિસ્તાનની પાર્લમેન્ટમાં ઇમરાન ખાનને વિશ્વશાંતિ માટેનું ઇનામ મળાવું જોઈએ એવી ચર્ચા થઈ હતી. બોલો, કંઈ કહેવું છે? કદાચ મળી પણ જાય તો નવાઈ ન પામતા. અવૉર્ડ અને રાજકારણને ચોલી-દામનનો સાથ છે).

હવે વાત અવૉર્ડના પ્રભાવ વિશે. નોબેલ ઇનામ મળ્યા પછી રવીન્દ્રનાથ ટાગોરે પહેલું કરેલું ભાષણ વાગોળવા જેવું છે.

આ પણ વાંચો : વફાદારીની વાતો બધા જ કરે છે, પણ વર્તનમાં કંઈક જુદું જ હોય છે

‘તમારા સહુના આ સદ્ભાવ માટે હું આભારી જરૂર છું, પણ આ સદ્ભાવને હું શી રીતે સ્વીકારી શકું? આ સન્માન મારું નથી, પણ મને પશ્ચિમે આપેલા સન્માનનું સન્માન છે. મારી આ જ રચનાઓને જેઓ ગઈ કાલ સુધી વ્યર્થ બકવાસ માનતા હતા એવા કેટલાય ચહેરાઓ હું અહીં જોઈ શકું છું. જોકે કેટલાક એવા ચહેરા પણ છે જેમણે ભૂતકાળમાં મારા સાહિત્યને સદ્ભાવથી સ્વીકાર્યું છે. પણ હું નથી માનતો કે હવે તમારી પાસેથી આવા વિશેષ સન્માનનો કોઈ અધિકાર મેં પ્રાપ્ત કર્યો હોય. બનવાજોગ છે, આવતી કાલે તમારાં આ ફૂલો ફરી વાર કાદવમાં પરિવર્તિત થઈ જાય, કારણ કે હું જાણું છું કે તમારામાંથી ભાગ્યે જ કોઈએ મારું પૂરું સાહિત્ય વાંચ્યું છે.’ - દિનકર જોષી : અ-મૃતપંથના યાત્રીમાંથી

સમાપન...

છાંયડાની શી ખબર આકાશ ઊંચા તાડને
એ વિશે તું પૂછ જઈને લીમડાના ઝાડને!

- મણિલાલ હ. પટેલ

Pravin Solanki columnists