વફાદારીની વાતો બધા જ કરે છે, પણ વર્તનમાં કંઈક જુદું જ હોય છે

18 March, 2019 10:51 AM IST  |  | પ્રવીણ સોલંકી

વફાદારીની વાતો બધા જ કરે છે, પણ વર્તનમાં કંઈક જુદું જ હોય છે

પ્રવીણ સોલંકી

માણસ એક રંગ અનેક

આ જમાનામાં માણસમાં શરમ કે સંકોચ રહ્યા નથી. સોરઠી ભાષામાં કહીએ તો માણસે નાક નેવે મૂક્યું છે. મંદિરમાં દાખલ થતાં પહેલાં લોકો ચંપલ-બૂટ બહાર ઉતારીને આવે છે એમ ક્યાંય પણ જતાં પહેલાં કે કંઈ પણ કરતાં પહેલાં માણસો શરમ મૂકીને આવે છે. કોઈ કવિએ કહ્યું છે, ‘આંગળી મૂકીને અમે ચાખ્યો અંધકાર ને અજવાળાને અમે દેશવટો દઈ દીધો.’ એમ શરમ અને લજ્જા આજે દેશવટો ભોગવી રહી છે. વ્યક્તિને વ્યક્તિ પ્રત્યે, કુટુંબ પ્રત્યે, સમાજ પ્રત્યે, દેશ પ્રત્યે વફાદારી રહી નથી. વફાદારીની વાતો બધા જ કરે છે, પણ વર્તનમાં કંઈક જુદું જ હોય છે. જવાબદારીનું જળ તો સ્વાર્થે શોષી લીધું છે. જાગવા માટે આપણે અલાર્મ મૂકીએ છીએ, પણ હકીકતમાં તો આપણને આપણી જવાબદારી જ જગાડતી હોય છે. જવાબદારીના આ અલાર્મની ચાવી ખૂટી ગઈ છે.

ઘણા સમયથી મનમાં એક વિચાર ઘુમરાયા કરે છે કે આપણે ખરેખર એક જવાબદાર નાગરિક છીએ? આઝાદ ભારતમાં આજ સુધીમાં સૌથી વધારે જવાબદારી કોણે નિભાવી છે? પ્રજાએ, પ્રધાનોએ, નેતાએ, ધર્મગુરુઓએ, અખબારો-મીડિયાએ, કલાકારોએ, વેપારી-ઉદ્યોગપતિએ, સમાજસેવકે, રમતવીરોએ કે મધ્યમ વર્ગના માણસે? મારી દૃષ્ટિએ બે મહત્વના વર્ગો છે. એક, મધ્યમ વર્ગના માણસે જવાબદારી નિભાવી છે અને બીજા સરહદ પરના જવાનોએ. એમાં પણ જવાનોનો નંબર પહેલો આવે.

પુલવામાના કિસ્સા પછી આપણા સૈનિકોએ જે પરાક્રમો કર્યાં એ કંઈ પહેલી વારનાં નથી. આઝાદી પછી તરત જ કાશ્મીર માટે યુદ્ધ થયું. સરદાર પટેલની આગેવાની હેઠળ આપણા જવાનોએ જે જવાંમર્દી દાખવી એનો ઇતિહાસ સાક્ષી છે. ૧૯૬૨માં દગાબાજ ચીન સામે આપણે હાર્યા એ કબૂલ, પણ એ હારનું કારણ શું આપણા જવાનો હતા? બિલકુલ નહીં. આપણા જવાનો તો હંમેશાં એક જ મંત્ર મનમાં રટતા હોય છે કે જબ સે સૂના હૈ મરને કા નામ ઝિંદગી હૈ, સર પે કફન બાંધે કાતિલ કો ઢૂંઢતે હૈં! દેશ માટે શહીદ થવાની તમન્ના લઈને જ હાથમાં હથિયાર ધારણ કરનારા આપણા જવાનો માટે હાર-જીત મહત્વનાં નથી, મહત્વનું છે વતન માટે ખુમારીથી ખુવાર થઈ જવાનું. આટલી ખુમારી સૈનિકોમાં હતી છતાં આપણે હાર્યા એનું કારણ આપણી રણનીતિ હતી, આપણું રાજકારણ હતું, ‘હિન્દી-ચીની ભાઈ ભાઈ’ના સૂત્રમાં મૂકેલો વધારે પડતો ભરોસો હતો, એ વખતમાં સંરક્ષણપ્રધાન કૃષ્ણ મેનનની નિષ્ફળ નેતાગીરી હતી, શસ્ત્રનો અભાવ, સરંજામનો અભાવ, રણનીતિનો અભાવ, ઊંઘતા ઝડપાયાની પરિસ્થિતિ અને પૂરતી તૈયારીનો અભાવ જવાબદાર હતાં. આ હાર આપણે માટે ઉપકારક બની. આપણે સંરક્ષણ સાધનો માટે જાગૃત બન્યા અને ૧૯૬૫-૧૯૭૧ના પાકિસ્તાન સામેના યુદ્ધમાં આપણા જવાનોને તેમની કાબેલિયત અને જવાંમર્દી બતાવવાનો મોકો મળ્યો. તેમ જ કારગિલના યુદ્ધે સાબિત કરી આપ્યું કે આ જવાંમર્દી સદાકાળની છે.

દેશદાઝ કે દેશભક્તિ જો સૌથી વધુ કોઈની પાસે હોય તો આપણા જવાનોમાં છે, એના પુરાવા માગવાનો આપણને કોઈ અધિકાર નથી. અને જેની દેશભક્તિ કે વતન પરસ્તીના પુરાવા માગવા જોઈએ એવા નેતાઓ અને રાજકારણીઓના પુરાવા માગતા નથી એ આપણી કમનસીબી છે.

આ બધું આજે હું શું કામ લખું છું? આ બધું લખવાનું કારણ કપિલ શર્માનો શો છે એ જાણીને તમને નવાઈ લાગશે. ૯ માર્ચ, શનિવારે અને ૧૦ માર્ચના રવિવારે રાતના સોની ટીવી પર પ્રસારિત થયેલા કપિલ શર્માના કૉમેડી શોના એપિસોડ તમે જોયા? ૧૯૮૩માં રમાયેલી ક્રિકેટ વર્લ્ડ કપની વિજેતા ટીમની મુલાકાતના એ એપિસોડ હતા. તમને એમાં કશું અજુગતું ન લાગ્યું? મને ખૂબ લાગ્યું.

ક્રિકેટ આપણી રાષ્ટ્રીય રમત નથી છતાં ક્રિકેટ અને ક્રિકેટરો દેશમાં સૌથી વધુ લોકપ્રિય, લોકભોગ્ય અને લોકમાન્ય છે. બે દેશ વચ્ચે રમાતી સ્પર્ધાત્મક ક્રિકેટ સાથે રાષ્ટ્રભાવના જોડાયેલી રહે છે. ખાસ કરીને ભારત-પાકિસ્તાન વચ્ચે રમાતી મૅચો ‘કરો યા મરો’ સમ યુદ્ધ જેવી હોય છે. ટૂંકમાં બે દેશ વચ્ચે રમાતી આ રમતમાં દેશની આન-બાન-શાન, અસ્મિતાનો સવાલ બની જતો હોય છે!

દેશના ક્રિકેટરો પાસે આ અસ્મિતા જાળવવાનું ભાન છે? દરેક ક્રિકેટર કહેતો હોય છે કે અમે દેશ માટે રમીએ છીએ પણ ખરેખર એવું હોય છે? આજ સુધી મને એ લોકોની નિષ્ઠા પર માત્ર શંકા હતી પણ કપિલ શર્માનો શો જોયા પછી પડદો ઉઠી ગયો અને ભેદ ખુલી ગયો. શંકાને પુરાવો મળ્યો.

આમ તો ક્રિકેટની રમત આપણા જીવન જેટલી જ અનિશ્ચિત છે પણ કોઈ પણ મૅચ હાર્યા પછી એનું વિશ્લેષણ એટલું જ નિશ્ચિત હોય છે. માત્ર નિશ્ચિત જ નહીં; બીબાઢાળ, હાસ્યાસ્પદ અને તર્ક વગરનું હોય છે. વર્ષોથી અપાતાં હારનાં કારણોની તમે ક્યારેય નોંધ લીધી છે? (૧) અમે ખરાબ રમ્યા, (૨) હરીફ ટીમ અમારાથી સારું રમી. અરે ડોબાઓ, આમાં તમે નવું શું કહ્યું? તમે ખરાબ રમ્યા એટલે તો હાર્યા અને સારું રમનારી ટીમ જીતે એમાં કઈ મોટી વાત તમે કરી?

(૩) અમારા બોલરો નિષ્ફળ રહ્યા કે અમારા બૅટ્સમેનોનો દેખાવ કંગાળ રહ્યો અથવા અમારો મિડલ ઑર્ડર ધાર્યો દેખાવ ન કરી શક્યો. બોલો! શું તારણ કાઢયું? કોઈ પણ આપણને પૂછે કે તમે ઉઘાડા શરીરે કેમ ફરો છો? અને આપણો જવાબ હોય કે કપડાં નથી પહેર્યા એટલે તો સામેવાળો આપણને તમાચો જ મારેને! (૪) અમે જો કૅચ ન છોડ્યા હોત તો પરિણામ જુદું જ હોત! ભલા માણસ, કૅચ પકડવા જ તમને ફીલ્ડિંગમાં રાખ્યા હતા, માછલાં પકડવા નહીં. જે કામની જવાબદારી સોંપી હોય એ કામ ન થાય તો નિષ્ફળતા જ મળેને! સૌથી વધુ હાસ્યાસ્પદ વાત તો એ વાંચવા-સાંભળવા મળે છે કે આવતી મૅચમાં અમે અમારી ભૂલો સુધારી લઈશું!

આવા હાસ્યાસ્પદ ખુલાસાની યાદ એટલા માટે આવી કે કપિલ શર્માના કૉમેડી (૧) શોમાં આનાથી પણ વધુ હાસ્યાસ્પદ જ નહીં; શરમજનક, નફ્ફટાઈભરેલી વાતો જોવા-સાંભળવા મળી. ‘કૉમેડી’ શોમાં અમુક પ્રકારની છૂટ લેવાય એ સમજી શકાય. એ સમજીને જ અત્યાર સુધી કૉમેડી શો વિશે લખવાનું ટાળ્યું છે. ‘ઉનસે વફા કી ક્યા ઉમ્મીદ જો નહીં જાનતે વફા કયા હૈ?’ કૉમેડી વિશે જે જાણતા જ ન હોય તેને માટે લખવાનું શું? પણ જ્યારે દેશની કોઈ એકાદ મહત્વની, ગૌરવભરી ઘટનાના શિલ્પકારો ભેગા થયા હોય, એ ઘટનાની યાદોને વાગોળવાનો ઉદ્દેશ હોય ત્યારે ચૂપ તો ન જ રહેવાય. તમે હવે જરૂર પૂછશો કે તમને શરમજનક વાત શું લાગી?

કપિલ શર્માએ પહેલો પ્રશ્ન કપિલ દેવને પૂછ્યો, ૧૯૮૩માં વર્લ્ડ કપ રમવા જતાં ‘કિતની ઉમ્મીદ થી?’ જવાબ ગોળ-ગોળ મળ્યો, પણ મોભાસર મળ્યો. ‘ઉમ્મીદ તો નહીં થી લેકિન આશા જરૂર થી.’ એ પછી તો કીર્તિ આઝાદને પુછાયેલો સવાલ ખૂબ જ અગત્યનો હતો, કેમ કે તેનો જવાબ સોનાની થાળીમાં લોઢાની મેખ જેવો હતો. તમારી પસંદગી ટીમમાં થઈ ત્યારે તમને કેવી લાગણી થઈ? કીર્તિ આઝાદે કહ્યું, ‘આર્ય તો થયું, પણ પછી થયું કે ચલો દેઢ મહિના કા ફ્રી પેઇડ હૉલિડે મિલ ગયા!’ આ જવાબમાં બે-ત્રણ ક્રિકેટરોએ ટાપસી પણ પૂરી. બેઠેલા બધા જ વિજેતા ક્રિકેટરોને આવી જ લાગણી હતી એવા મુખભાવ હતા. કોઈએ આ વિધાનનો લેશમાત્ર વિરોધ ન કર્યો! ‘જિમી’ અમરનાથ તો એનાથી પણ આગળ વધી બોલ્યો, ‘ફ્રી પેઇડ હૉલિડે તો મળશે ઉપરાંત ગોરી-ગોરી ચામડીવાળી છોકરીઓ પણ જોવા મળશે.’ તો એકે કહ્યું, ‘હા, એ સમયે અમે બધા કુંવારા હતા!’ આનો અર્થ શું?

નફ્ફટાઈની હદ તો સંદીપ પાટીલે વટાવી. વાતના દોરમાં આગળ વધતાં તેણે કહ્યું, ‘મારો રૂમ-પાર્ટનર ગાવસકર જેવો મહાન ખેલાડી હતો. મને એથી બહુ જ સંકોચ થયો, કારણ કે દર અડધા કલાકે મને મળવા કોઈ સ્પેશ્યલ ગેસ્ટ આવે. મારે ગાવસકર સાહેબને વિનંતી કરવી પડતી કે પ્લીઝ, તમે જરા બહાર જશો?’ અપ્રત્યક્ષ ઑનલાઇન બેઠેલા ગાવસકરે આ વાતને પુષ્ટિ આપતાં કહ્યું કે એક સમયે મારે સંદીપને કહેવું પડ્યું કે તું મને વારંવાર બહાર મોકલે છે એના કરતાં હું આખો સમય બહાર જ રહું પછી તને શાંતિ થશેને! આ ટિપ્પણી પર બધા વિજેતા ક્રિકેટરો હસ્યા પણ ખરા.

કીર્તિ આઝાદે બીજું એક કોથળામાંથી બિલાડું કાઢ્યું. તેણે કહ્યું, મૅચ પછી રાતના શું થતું હતું એ સંદીપને પૂછો! કોઈએ કહ્યું કે અમારી બે ટીમ હતી. એક દિવસની, બીજી રાતની. દિવસની ટીમનો કૅપ્ટન કપિલ દેવ હતો, રાતની ટીમનો કૅપ્ટન સંદીપ પાટીલ હતો. દિવસે મૅચ, રાત્રે મહેફિલ! કપિલ દેવે વાત આગળ વધે એ પહેલાં વાળી લેવાનો પ્રયત્ન કરતાં કહ્યું કે મૅચનું એટલુંબધું ટેન્શન હતું કે રાત્રે આવી મહેફિલ જરૂરી હતી! બોલો, કહેવું છે કે કંઈ? મોડી રાત સુધી મહેફિલો માણ્યા પછી શું બીજે દિવસે મૅચ નહોતી?

ઘણું બધું બોલાયું જે ન બોલાવું જોઈએ. પણ બોલાયું તો આપણી માન્યતાને પુષ્ટિ મળી કે દેશપ્રેમ, દેશદાઝ, અમે દેશ માટે રમીએ છીએ એવી વાતો બધી લોલમલોલ છે. બે-ચાર અપવાદો બાદ કરતાં મોટે ભાગે ક્રિકેટરો ધન, કીર્તિ અને જલસા માટે જ રમે છે. જો હોય તે, પણ કપિલ શર્માના આ શોનો સાર એ નીકળ્યો કે ૧૯૮૩નો વર્લ્ડ કપ આપણે આપણી આવડત અને મહેનતથી નથી જીત્યા, ફ્લુકમાં (અઠ્ઠે ગઠ્ઠે) જીત્યા છીએ. ખુદા મહેરબાન તો ગધા પહેલવાન! એપિસોડ ગોઠવાયો હતો ઘટનાનું ગૌરવ વધારવા, યુવા પેઢીને ભૂતકાળની ભવ્ય યાદ દેવરાવવા; પણ ખોદ્યો ડુંગર ને નીકળ્યો ઉંદર. ગૌરવ લેવા જેવી જીત પર પાણી ફરી વળ્યું.

અને છેલ્લે...

વર્લ્ડ કપનો પ્રસ્તુત એપિસોડ જોયા પછી એક રમૂજી ટુચકો યાદ આવ્યો. એક પાર્ટી ચાલી રહી હતી. હૉસ્ટેલના સ્વિમિંગ-પુલ પાસે અસંખ્ય લોકો નાચી-ઝૂમી રહ્યા હતા. શરાબની છોળો ઊડી રહી હતી. લગભગ બધા અર્ધ ભાન અવસ્થામાં મગ્ન હતા. એવામાં જોરદાર બૂમાબૂમ થઈ. એક નાનકડું બાળક સ્વિમિંગ-પૂલમાં ડૂબતું દેખાયું. બધા નશામાં હતા. શું કરવું-ન કરવું એ સમજાય એ પહેલાં એક વ્યક્તિ સ્વિમિંગ-પૂલમાં કૂદી પડી અને ખૂબ મહેનત બાદ બાળકને ઉગારી લીધો.

આ પણ વાંચો : ન કિસી કો ગમ ચાહિએ,ન કિસી કો કમ ચાહિએ;એક-દો પલ નહીં,હમેં તો હરદમ ચાહિએ

હોટેલમાલિકે તેની જવાંમર્દી બદલ સનમાન કર્યું, મહામૂલી ભેટ આપી. પછી એ વ્યક્તિને બે શબ્દો બોલવા કહ્યું. વ્યક્તિએ ગદ્ગદ બની ભાષણ કરતાં કહ્યું, ‘તમે મને સન્માન આપ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ-ખૂબ આભારી છું, પણ મેં તો મારી ફરજ બજાવી છે. વિશેષ મારે કંઈ કહેવું નથી. પણ હા, એક વાત જાણવાની મને ખૂબ જિજ્ઞાસા છે કે મને ધક્કો કોણે માર્યો હતો?’

Pravin Solanki columnists