વો અગર યાદ કરે હમ કો તો ભૂલે કિસકો? હમ અગર ઉનકો ભુલાએં તો કિસે યાદ કરેં

12 August, 2019 03:47 PM IST  |  મુંબઈ | માણસ એક રંગ અનેક - પ્રવીણ સોલંકી

વો અગર યાદ કરે હમ કો તો ભૂલે કિસકો? હમ અગર ઉનકો ભુલાએં તો કિસે યાદ કરેં

શાયર કહે છે કે તારે મને ભૂલવો હોય તો ભૂલી જા, કેમ કે તારે યાદ રાખવા જેવા ઘણાયે હશે, પણ મારે માટે તું એક જ છે. તું જો મને યાદ રાખીશ તો હું સૌને ભૂલી જઈશ અને હું જો તને ભૂલીશ તો કોને યાદ કરું? મારી પાસે તારા જેવું અને બીજું કોઈ નથી. રાધા કૃષ્ણને આ પ્રમાણે કહે છે. કૃષ્ણને કોણ ભૂલી શકે? કૃષ્ણ પાસે યાદ કરવા જેવા ઘણાબધા છે, પણ કૃષ્ણ રાધાને યાદ કરતા જ નથી. કૃષ્ણ પોતે પોતાને શું કામ યાદ કરે? કૃષ્ણ રાધાથી જુદા નથી, તે રાધામય જ છે. તો વળી રાધાના નામમાં જ બબ્બે કાના છે. ‘ર’ ને કાનો રા અને ‘ધ’ને કાનો  ધા. કૃષ્ણ જેમ રાધામય છે એમ શ્રાવણ માસ કૃષ્ણમય છે. શ્રાવણ મહિનો એટલે કૃષ્ણનો મહિનો, શંકરનો મહિનો, શક્તિનો મહિનો, ભક્તિનો મહિનો. શ્રાવણમાં રાંધણ છઠ્ઠ આવે, શીતળા સાતમ આવે, નાગ પાંચમ આવે, પવિત્રા એકાદશી આવે, રક્ષાબંધન-બળેવ, બોળ ચોથ આવે અને જન્માષ્ટમી તો ખરી જ. શ્રાવણ માસ એટલે તહેવારોનો મહિનો અને તહેવારો સાથે ત્યાગનો મહિનો ને ત્યાગ સાથે હર્ષોલ્લાસનો મહિનો. આ માસમાં ઉપવાસ પણ થાય અને ઉલ્લાસ પણ થાય. ગાન-તાનમાં લોકો ગુલતાન પણ થાય.

શ્રાવણ માસની સૌથી નિરાળી બાજુ છે જુગારનો મહિમા. શ્રાવણ અને જુગાર સિક્કાની બે બાજુ જેવા બની ગયા છે. જુગાર ધાર્મિક ક્રિયા કે વૃત હોય એમ ઘણા લોકો પાળે છે. કોઈ દિવસ જુગાર ન રમતા લોકો પણ આ મહિનામાં રમતા હોય છે. કોઈ આખો મહિનો રમે છે, કોઈ શનિ-રવિ રમે છે, કોઈ આખો દિવસ રમે છે, કોઈ આખી રાત રમે છે, કોઈ દિવસ-રાત રમે છે તો કોઈ સાતમ-આઠમે તો ખાસ રમે છે.

શ્રાવણમાં જુગારનો આટલો મહિમા શા માટે? જુગાર એટલે શું? જુગાર રમવો એટલે દ્યુત રમવું, હારજીતની શરત કરવી. રૂપિયા કે વસ્તુ હોડમાં મૂકવા. જુગાર પાસાથી પણ રમાય, પત્તાથી પણ રમાય. (આજકાલ જુગાર તરંગો કે તર્કો પર પણ રમાય છે. દા. ત. ક્રિકેટ મૅચ હોય ત્યારે ‘બોલ કોણ જીતશે? ઇન્ડિયા કે પાકિસ્તાન? વિરાટની આ મૅચમાં સદી થશે કે નહીં? બુમરાહ પાંચ વિકેટ લેશે કે નહીં? વગેરે અનુમાનો પર દાવ-શરતો લગાવાય અને હાર-જીત થાય). જુગારનાં બીજાં ત્રણ નામ પ્રચલિત છે - દ્યુત, જુગટું અને અક્ષક્રીડા! જુગારની વૃત્તિ  મનુષ્યના સ્વભાવમાં જ વણાયેલી હોય છે. વેદકાળમાં પણ જુગાર રમાતો, જુગારીઓ હતા. ક્ષત્રિયોમાં એક વણલખ્યો ખતરનાક નિયમ હતો, માન્યતા હતી. દ્વંદ્વયુદ્ધ માટેના આમંત્રણની પેઠે જુગાર રમવા માટેનું આમંત્રણ સ્વીકારવાની એ ફરજ સમજતા-ગણતા. કોઈ જુગાર રમવાનું આમંત્રણ આપે એનો અસ્વીકાર કરવો એ કાયરતાની નિશાની ગણાતી.

કેટલાક વિદ્વાનો-શાસ્ત્રજ્ઞ માને છે કે જુગાર કેટલી હદે અનિષ્ટ છે એ દર્શાવવા વ્યાસ મુનિએ યુધિષ્ઠિર જેવા ધર્મપ્રેમી, જ્ઞાની, વિવેકી વ્યક્તિમાં આ અવગુણનું રોપણ કરી સમાજ સામે લાલબત્તી ધરી. યુધિષ્ઠિર જેવો માણસ જુગારમાં પાયમાલ થાય, રાજપાટ ગુમાવે. પત્ની, દ્રૌપદીને લજ્જાસ્પદ પરિસ્થિતિમાં મુકાવે તો સામાન્ય માણસના તો કેવાય હાલ થાય? બીજી તરફ કેટલાક વિદ્વાનો આને નિયતિ માને છે. યુધિષ્ઠિરનું જુગાર રમવું એ તો નિયતિનું એક  પ્યાદું હતું. નિયતિ આધીન એક બહાનું. રાજસૂય યજ્ઞ પૂરો થયા પછી આમંત્રિત ઋષિમુનિઓ, રાજામહારાજાઓ, સગાંસંબંધીઓ પોતપોતાના સ્થાને જવા રવાના થઈ રહ્યાં હતાં ત્યારે વ્યાસ મુનિને વિદાય આપવા યુધિષ્ઠિર આવ્યા. તેમણે પ્રણામ કર્યા, આશીર્વાદ લીધા પછી પૂછ્યું, ‘પૂજ્ય પૂર્વજ ગુરુવર્ય, હું સમ્રાટ તો બન્યો પણ મારો જીવ અસુખ ‌અનુભવે છે, ભૂતકાળમાં મેં ઘણાં દુ:ખો સહન કરી ઇન્દ્રપ્રસ્થ મેળવ્યું છે પણ મારું ભવિષ્ય શું છે? ઇન્દ્રપ્રસ્થનું ભવિષ્ય શું છે? કૃપા કરીને આપ મને જણાવશો.’ વ્યાસ મુનિ જરા ચિંતિત થઈ ગયા. શુભ પ્રસંગે સારું બોલવું એ પરંપરા હોવા છતાં તે મુનિ હતા, સારા કરતાં સાચું બોલવું તેમને ઇષ્ટ લાગ્યું. વ્યાસજીએ કહ્યું, ‘વત્સ, હજી તેર વર્ષ સુધી કષ્ટ અને યાતના ભોગવવાનું આપના પ્રારબ્ધમાં છે. ભવિષ્યમાં ભયાનક આપત્તિ આવશે, નરસંહાર થશે, મહાયુદ્ધ  થશે, ક્ષત્રિયો નામશેષ થશે. નિયતિનો આ નર્ધાર છે. એને કોઈ બદલી નહીં શકે માટે દરેક આપત્તિ સમયે ધીર રહેજો, સ્થિર રહેજો.’

આ કારણે જ યુધિષ્ઠિરની મતિ ફરી ને જુગાર રમવા લલચાયા.

ખેર, જે હોય તે. પણ જુગાર અનિષ્ટ છે એમાં કોઈ બેમત નથી. જુગાર હોય કે અન્ય કોઈ પણ કુટેવ-આદત, માણસનું પતન નોતરે છે. પહેલાં માણસ આદત પાડે છે પછી આદત માણસને પાડે છે. યુધિષ્ઠિરની જુગારની આદતને કારણ મહાભારત રચાયું અને કૃષ્ણના યાદવોની દારૂ અને નશાને કારણે યાદવાસ્થળી થઈ. કુટેવોનાં અનિષ્ટોની આ બે પરાકાષ્ટા નજર સામે હોવા છતાં આપણે એમાંથી કંઈ શીખ્યા નથી એ આપણું દુર્ભાગ્ય છે.

એક સત્ય ઘટના કહું, વ્યાવસાયિક નાટકો લખવા ઉપરાંત હું શહેરની ઘણી સામાજિક અને સાંસ્કૃતિક-શૈક્ષણિક સંસ્થાઓ સાથે માનદ્ રીતે સંકળાયેલો છું. ક્યારેક આ સંસ્થાઓ પોતાના જ કલાકારો દ્વારા કોઈ ખાસ પ્રસંગે નાટક ભજવતા હોય છે. એક જ્ઞાતિ મંડળે પોતાની સંસ્થાની સુવર્ણ જયંતીના પ્રસંગે પોતાની જ્ઞાતિના કલાકારો દ્વારા મારું નાટક ભજવવાનું નક્કી કર્યું. દિગ્દર્શન પણ હું જ કરતો હતો. એ નાટકમાં એક ૨૫-૨૭ વર્ષની છોકરી-મહિલા પણ હતી. દેખાવમાં સુંદર, અભિનયનો અનુભવ, અવાજમાં રણકાર, સંવાદોમાં આરોહ-અવરોહને બરાબર જાણે. રિહસર્લ રાતના થાય. રોજ તેની સાથે ૬૦-૬૫ વર્ષના વડીલ રિહસર્લમાં આવે. ઘણા કલાકારોનાં મા-બાપ આવતાં.

એક દિવસ રિહસર્લના બ્રેકના સમયે મને એ કલાકાર સાથે વિસ્તારથી વાત કરવાની તક મળી. મેં કહ્યું, ‘તું સરસ અભિનય કરે છે. અત્યાર સુધી ક્યાં હતી? હું એક નવું ધંધાદારી નાટક કરું છું, તું એમાં કામ કરીશ?’ તે મને તાકી રહી. ફીકું હસી. મેં કહ્યું, હા કે ના, બોલને! તેણે  સ્પષ્ટપણે કહ્યું, ના. એ શક્ય જ નથી. આ પહેલાં પણ મને ઘણી ઑફર્સ આવી હતી. મેં કહ્યું, ‘શું કામ શક્ય નથી? તારા ફાધર ના પાડે છે? કહે તો હું તેમને સમજાવું. રોજ મને હાય-હલ્લો કરી સ્મિત આપે છે. મને તે સ્વભાવે સારા લાગે છે. બોલાવ તેમને.’ તે બોલી, ‘એ મારા ફાધર નથી, હસબન્ડ છે.’ સાંભળીને હું અવાક્ થઈ ગયો. ૨૫-૨૭ વર્ષની છોકરી અને ૬૦-૬૫ વર્ષનો હસબન્ડ? જોકે આ કોઈ નવી વાત નહોતી. આવું બનવાનું તો અવારનવાર આપણે સાંભળતા આવ્યા છીએ. પણ કોઈ ઘટના આપણી નજર સામે બને ત્યારે એના આઘાત-પ્રત્યાઘાત જુદા હોય છે.

આઠેક દિવસ પછી તેણે મને તેની કરૂણ કહાણી કહી. તેને બે બહેનો અને એક ભાઈ હતાં. તે સૌથી મોટી, ભાઈ સૌથી નાનો. ફાધર એક કંપનીમાં અસિસ્ટન્ટ મૅનેજર હતા. પગાર  પણ સારો હતો. મા ચારેક વર્ષ પહેલાં ગુજરી ગઈ હતી. આ ઘરકામ કરે, નાનાં ભાઈબહેનોનું ધ્યાન રાખે, કૉલેજમાં અભ્યાસ કરે. નાટકનો તેને પહેલેથી જ શોખ. કૉલેજનાં નાટકોમાં ઇનામો પણ મેળવ્યાં. મૂળ વાત હવે શરૂ થાય છે. પત્નીના અવસાન પછી ફાધર રોજ ઘરે મોડા આવે. જુગારની લત લાગી ગઈ. ધીરે-ધીરે આદતે ભરડો લીધો. દેવું વધતું ગયું. હાર્યો જુગારી બમણું રમે. પત્તાની સાથે બપોરના સમયે કસીનોમાં જવાનું શરૂ થયું. બરબાદીની હારમા‍ળા શરૂ થઈ. પ્રોવિડન્ટ ફન્ડમાંથી લોન લીધી, એલઆઇસી પૉલિસી પર લોન મેળવી, પત્નીનાં ઘરેણાં વેચાઈ ગયાં. છેવટે રહેણાકનો ફલૅટ વેચવાનો વારો આવ્યો. આપણી હિરોઇન સજાગ થઈ ગઈ. ફ્લૅટ વેચવા બાબત ફાધર જોડે રોજ ઝઘડા શરૂ થઈ ગયા.

મકાનના ગ્રાઉન્ડ ફલોર પર એક વડીલ, જે હિરોઇનના ફાધરના મિત્ર પણ હતા તેમને આ બધી વાતની જાણ થઈ. મૂળ વાત કરું, તેમણે હિરોઇનના ફાધર પાસે પ્રસ્તાવ મૂક્યો. ‘હું વિધુર છું, દીકરો-દીકરી સેટલ થઈ પરદેશ રહે છે. એકલતાથી પીડાઉં છું. તારી દીકરી મને ખૂબ ગમે છે, ઠરેલ-ઠાવકી છે. જો તું તેને મારી સાથે પરણાવ તો હું તારી તમામ જવાબદારી ઉપાડવા તૈયાર છું.’ શરૂઆતમાં તો ફાધર ભડક્યા, પણ ધીમે ધીમે પીગળવા લાગ્યા. એક દિવસ દીકરી જોડે વાત થઈ. હિરોઇનને જબરદસ્ત આંચકો લાગ્યો. પણ મજબૂરી અને લાચારી જેમ માણસને ઝુકાવે છે એમ વધુપડતી સમજદારી માણસને ન કરવાનું કરાવે છે. છોકરીએ વિચાર્યું કે એક વ્યક્તિના બલિદાનથી કુટુંબના ચાર સભ્યોનું ભવિષ્ય સુધરતું હોય તો આ સોદો ખોટો નથી. અને તેણે લગ્ન કરી લીધાં.

છેલ્લે... 

મને થયું કોને સલામ કરું, કોને ધુત્કારું? છોકરીની સમજણને બિરદાવું કે ફાધરની હીનતા કે દીનતાને ધિક્કારું? જુગારને વખોડું કે જીવન જ એક જુગાર છે એમ સમજીને સાંત્વના લઉં? જુગારમાં તો ઘણી વાર બનતું હોય છે કે હાથમાં સારાં પત્તાં હોવા છતાં બાજી હારી જવાય છે તો ક્યારેક ખરાબ પાને જીતી પણ શકાય છે.

આ પણ વાંચો : આજના જમાનામાં શેમાં વધુ લાભ દેખાય છે તમને પુરુષ થવામાં કે સ્ત્રી?

આદતનો માણસ કેટલો ગુલામ છે એનો અધમ દાખલો યુધિષ્ઠિર સિવાય બીજો કોનો આપી શકાય? જુગારમાં પત્ની સહિત સર્વસ્વ હાર્યા પછી પણ તેની આંખ ઊઘડતી નથી. ધૃતરાષ્ટ્રની મધ્યસ્થીથી હારેલું બધું પાછું મેળવ્યું, પણ એમાંથી તે કંઈ પાઠ શીખ્યા નહીં. ફરી વાર તેમણે જુગાર રમવાનું આમંત્રણ સ્વીકાર્યું ને વિનાશ નોતરી લીધો. તેર વર્ષનો વનવાસ! યુધિષ્ઠિરના આ વર્તનને મૂર્ખતા સમજવી કે નિયતિનો વિજય? એક વ્યક્તિની આદતને કારણે આખા કુટુંબને સહન કરવું પડ્યું તો વૃષ્ણિ કુળની દારૂ-નશાની લતને કારણે જ્યારે યાદવાસ્થળી થઈ ત્યારે ભગવાન શ્રીકૃષ્ણના હૃદય પર શું વીત્યું હશે? આદતના પરિણામને જ્યાં ભગવાન પણ નથી રોકી શક્યા ત્યાં પામર મનુષ્યની શી વિસાત? કે આમાં પણ કોઈ નિયતિ હશે?

Pravin Solanki columnists