બતાઉં તુમ્હે એક નિશાની ઉદાસ લોગોં કી કભી ગૌર કરના યે હંસતે બહુત હૈં

05 August, 2019 01:17 PM IST  |  મુંબઈ | માણસ એક રંગ અનેક - પ્રવીણ સોલંકી

બતાઉં તુમ્હે એક નિશાની ઉદાસ લોગોં કી કભી ગૌર કરના યે હંસતે બહુત હૈં

આમ તો આ શેર અનેક વ્યક્તિઓ  માટે સામાન્ય સ્વરૂપે છે, પણ ખાસ કરીને ભગવાન શ્રીકૃષ્ણને વધુમાં વધુ લાગુ પડે છે. શ્રાવણ મહિનો એટલે કૃષ્ણ મય મહિનો. કૃષ્ણજન્મ વખતે નાચતા-ગાતા, હર્ષોલ્લાસ કરતા લોકોને કૃષ્ણજીવનની વેદનાનો જરાસરખો પણ ખ્યાલ નથી આવતો. ‘ડાન્સિંગ ગૉડ’ નામના નટવર તરીકે ઓળખાતા કૃષ્ણની ભીતર કેટકેટલી વ્યથા છુપાયેલી છે એ જાણવાની દરકાર ભાગ્યે જ કોઈ કરે છે કે કોઈએ કરી છે. કૃષ્ણે પોતે પણ પોતાની વેદનાનું વૃંદાવનમાં રૂપાંતર કરી કોઈને કળાવા દીધી નથી.

કૃષ્ણજીવનની પૂર્ણ કથા મહાભારતમાં નથી. કૃષ્ણજીવન તૂટક-છૂટક વિવિધ પુરાણોમાં લખાયું છે. ‘મહામાનવ શ્રીકૃષ્ણ’ના શીર્ષક હેઠળ જ્યોત્સનાબહેન તન્ના અને શ્રી નગીનદાસ સંઘવીએ કૃષ્ણચરિત્રને ખૂબ જ વિસ્તારથી અને દાખલા-દલીલોથી આલેખ્યું છે. કૃષ્ણનું આખું જીવતર દોડધામ અને સંઘર્ષોથી ભરેલું છે. કૃષ્ણ જેવા જન્મ દુ:ખિયારા જીવનનો જોટો મળવો મુશ્કેલ છે. જય-પરાજય, માનાપમાન, સિદ્ધિ-નિષ્ફળતાની ઘટમાળ કૃષ્ણના જીવનમાં સતત ઘૂમતી રહી છે. જન્મ પહેલાં જ માતા-પિતાને કારાવાસ, જન્મ જેલમાં, જન્મતાંની સાથે જ માતા-પિતાથી વિખૂટાં પડવું, બાળપણથી જ માથે મૃત્યુનો ઓછાયો, પાંચ-સાત વરસની ઉંમરથી જ ગાયો-વાછરડા ચારવા જવાનું અતિ ત્રાસદાયક કામ તેમણે ઉપાડવું પડ્યું, એ પછી તો નાગદમન, ઇન્દ્ર સાથે દુશ્મની, ટચલી આંગળીએ ગોવર્ધન ઊંચકવા જેવાં ઘણાં પરાક્રમોમાં બાળપણ ખોયું, ગોકુળ  છોડી મથુરા જવું પડ્યું. જન્મદાતા માતા-પિતાનો જન્મથી જ વિયોગ હતો હવે પાલક મા સ્વરૂપથી પણ દૂર થયાં. મથુરા જઈ કંસને તો માર્યો, પણ એ કારણે કૃષ્ણે જીવનભર સમ્રાટ જરાસંધ જેવા બળવાન રાજાની શત્રુતા વહોરવી પડી. જરાસંધે કૃષ્ણની ઊંઘ હરામ કરી દીધી. મથુરાથી ભાગવું પડ્યું. શુર્પારક ગોમાંતક ટેકરી પર ભાગવું પડ્યું, કૃષ્ણને કારણે જરાસંધે મથુરા પર વારંવાર છાપા માર્યા. મથુરાની આમ પ્રજાએ કૃષ્ણને મથુરા છોડી જવા મજબૂર કર્યા. કૃષ્ણ દ્વારકા સ્થાયી થયા, પણ ત્યાં પણ ઠરીને ઠામ ન થઈ શક્યા. દ્વારકા આવ્યા એ પહેલાં કાળઝાળ કાળયવન સાથેના સંઘર્ષથી તેઓ ખૂબ થાકી ગયા હતા. દ્વારકામાં પોતે રાજા ન બન્યા છતાં પીડાએ તેમનો પીછો છોડ્યો નહોતો. અંગત સંબંધીઓએ તેમની સામે ચોરી ને હત્યાના આક્ષેપો કર્યા એ તો ઠીક, પણ મોટાભાઈ બલરામે પણ એમાં સાથ આપ્યો. ત્રણ-ત્રણ વર્ષ સુધી બન્ને ભાઈઓ વચ્ચે અબોલા રહ્યા. આ આક્ષેપોમાંથી બહાર આવતાં બાર-બાર વર્ષ લાગ્યાં હતાં. પાંડવો સાથેનો મૈત્રીસંબંધ યાદવોએ તો ઠીક ખુદ તેમના કુટુંબીજનોએ પણ કદી સ્વીકાર્યો નહીં. યાદવો કૌરવ પક્ષે લડ્યા. જે કુળને સાચવવા તેમણે સતત આત્મભોગ આપ્યો એ તેમની નજર સામે આપસમાં લડીને નાશ પામ્યું. દ્રોહતા, શઠતા, કપટતા, અસત્યવાદિતાના આક્ષેપો કૃષ્ણના દુશ્મનો તેમની સામે જિંદગીભર કરતા રહ્યા.

એક વાત સ્પષ્ટ છે કે પોતાનો અંગત સ્વાર્થ સાધવા માટે ક્યારેય શઠતા કરી નથી, કપટ આચર્યું નથી. જિંદગી આખી તેમણે રાજકારણમાં કાઢી પણ કોઈ હોદ્દો કે સત્તા કે સ્થાન તેમણે કદી સ્વીકાર્યાં નથી. કુબેરના ખજાનાને શરમાવે એટલી અઢળક સંપત્તિ, ધન તેમણે સ્વપરાક્રમે પ્રાપ્ત કર્યાં પણ એ ધન પોતાની પાસે ન રાખતાં સગાંસંબંધીઓ અને નગરજનોમાં વહેંચી દીધાં. કૃષ્ણજીવનની મોટી કરુણતા એ છે કે જેના હિત માટે તે લડ્યા, પોતાની આખી જિંદગી ઘસી કાઢી તે જાતભાઈઓએ જ અણીના સમયે તેમને વારંવાર જાકારો દીધો, તેમનો તિરસ્કાર કર્યો, તેમની સલાહ અવગણી. યાદવાસ્થળી થઈ ત્યારે પણ આ વયોવૃદ્ધ, જ્ઞાનસમૃદ્ધ આગેવાનનું માન કોઈએ જાળવ્યું નહીં: મૃત્યુ સમયે પણ તેમના અજંપાને કોઈ જંપ નહોતો. પશુ ધારીને કોઈ અજાણ્યા શિકારી-શૂદ્રે તેમને બાણ માર્યું! ભલભલા શક્તિશાળી, બળવાન રાજા અને રાક્ષસોને ધૂળ ચટાવનાર સુદર્શન ચક્રધારી એક શૂદ્ર શિકારીના બાણથી ઢળી પડે એ કાળની ગતિ નહીં તો બીજું શું?

કૃષ્ણ માટે ભાગવતમાં ‘સર્વ આશ્ચર્યમય: અચ્યુતઃ’ એવું વિશેષણ વાપર્યું છે. જિંદગી આખી આટઆટલો ત્રાસ ભોગવ્યા છતાં, જીવ સટોસટના આવા સંઘર્ષોથી ઝઝૂમવા છતાં કૃષ્ણની ભાષા કે આચરણમાં કશે પણ કડવાશનો અંશ પણ જોવા મળતો નથી. ઊલટાનું ‘મધુરાધિપતે: અખિલં મધુરમ્’નો જ અનુભવ થાય એવાં તેમનાં વાણી અને વર્તન રહ્યાં.

આ સંદર્ભમાં એક બીજી વાત યાદ આવે છે. યુધિષ્ઠિર પોતાના પર આવેલી આપત્તિઓથી અકળાઈ ગયા હતા. જીવને ક્યાંય ચેન નહોતું. આ સમયે નારદજી પધાર્યા. યુધિષ્ઠિરે નારદજી સમક્ષ પોતાનાં દુ:ખડાં ગાયાં. પૂછ્યું, ‘મુનિવર્ય, મારા જેવો જનમ દુખિયારો બીજો કોઈ હોઈ શકે ખરો?’ ત્યારે નારદજીએ તેમને ‘રામોપાખ્યાન’ સંભળાવ્યું. રામકથા કહી. કહ્યું કે રામ જેવા રામ પર આપત્તિના પહાડ તૂટી પડ્યા તો આપની શી વિસાત?

રામ અને કૃષ્ણ બન્ને વિષ્ણુના અવતાર. બન્નેનો સંઘર્ષ એક જ પણ સામનો કરવાની રીત જુદી. રામાયણ અને મહાભારત બન્ને મહાકાવ્યો. એના રચયતા વાલ્મીકિ અને વ્યાસજી બન્ને મહાન ઋષિ, પ્રખર શાસ્ત્રજ્ઞ. રામાયણ ક્રૌંચવધની વેદનામાંથી રચાયું, મહાભારત પરાશરમુનિની વાસનામાંથી. રામ અને કૃષ્ણ વચ્ચેનો ભેદ ‘મહામાનવ શ્રીકૃષ્ણ’માં સુંદર રીતે આલેખાયેલો છે. રામનો આદર થાય છે, કૃષ્ણની ભક્તિ થાય છે. રામનો દેવ તરીકે સ્વીકાર થયો એ સ્વતંત્ર દેવ તરીકે નહીં, પણ કૃષ્ણના પૂર્વાવતાર તરીકે થયો. રામાયણમાં ભ્રાતૃભાવ માટે ત્યાગની વાત છે, મહાભારતમાં ભાઈ પાસેથી ભાઈનું છીનવી લેવાની વાત છે. રામાયણ મુખ્યત્વે એક વ્યક્તિની, બહુ-બહુ તો આખા કુટુંબની કે કુળની કથા છે; જ્યારે મહાભારતમાં સમાજ કે સમસ્ત વિશ્વને આવરી લેતી કથા છે, આખ્યાન છે.

રામે જે કર્યું, ત્યાગ કર્યો, શત્રુસંહાર કર્યો, સમાજની રક્ષા કરી, ધર્મ સંસ્થાપન કર્યું એ બધું જ કૃષ્ણએ પણ કર્યું જ છે. પણ રામ જે કદી કરી શક્યા નથી, કરવાનો વિચાર સુધ્ધાં પણ કરી શક્યા નથી એ કૃષ્ણે કરી બતાવ્યું છે. સોળ હજાર રાણીઓને શરણ આપવાનું કામ કે કુબ્જાનો સ્વીકાર કે આપદ્ ધર્મ વખતે વચનની વિરુદ્ધ જવાની હિંમત કેવળ કૃષ્ણ જ કરી શકે. રામને મર્યાદા છે, કૃષ્ણ અમર્યાદ છે. અધર્મ લાગતી એવી ઘણી પરંપરાઓને કૃષ્ણે તોડી, છોડી, મારીમચડી છે. કેવળ બહુજનસુખાય બહુજનહિતાય રામ તેમના બાહ્ય ચારિત્ર્યથી અને કૃષ્ણ તેમની આંતરિક સમૃદ્ધિથી શોભે છે. રામ મર્યાદામાં રહીને, પ્રચલિત માન્યતાઓ, રૂઢિરિવાજો પાળીને, સમાજનાં બંધનો પાળીને મર્યાદા પુરુષોત્તમ બન્યા. કૃષ્ણે રૂ‍ઢિનાં, રિવાજોનાં, પ્રચલિત વિધિનિષેધોનાં, ધર્મનાં, સંસ્કારનાં તમામ બંધનો તોડીફોડીને ફગાવી દીધાં. તે પૂર્ણ પુરુષોત્તમ કહેવાયા. રામ નાચે કે નચાવે, રાસલીલા કરે, સ્ત્રીઓ જોડે મુક્ત વિહાર કરે, જરૂર પડ્યે અસત્ય બોલે, બહુજન હિતાય કપટ કરે, ધર્મ માટે કુટિલ માર્ગ અપનાવે એવી રામ માટે આપણે કલ્પના પણ ન કરી શકીએ.

રામે માનવજીવનના કેવળ ઉદાર અને ઉદાત્ત અંશો જ સેવ્યા છે; જ્યારે કૃષ્ણે માનવજીવનની અખિલાઈનો, સારાનરસા તમામ અંશોનો સ્વીકાર કર્યો છે. માનવજીવનના સર્વોચ્ચ અને અધમોધમ એવા બન્ને પ્રકારના સંજોગોને સાનુકૂળ બનાવીને કૃષ્ણે જીવનનો સાક્ષાત્કાર કર્યો છે. આવા તમામ ઊંચાનીચા, સારાનરસા, લાભદાયી કે હાનિકારક સંજોગોમાં ભીંસાતા, પીંખાતા અને છતાં પોતાનું સ્વત્વ અને પોતાનું ઓજસ જાળવી રાખવા ઝૂઝનાર અદના માનવીઓ માટે કૃષ્ણ પોતાનાં વાણી અને વર્તનથી પથપ્રદર્શક બની રહ્યા. તેથી જ કૃષ્ણ હંમેશાં જગદગુરુ કહેવાયા. તેથી જ રામનો આદર થાય છે, કૃષ્ણની ભક્તિ થાય છે.

અને છેલ્લે... 

કૃષ્ણને આપણે વાસુદેવ તરીકે શું કામ ઓળખીએ છીએ? ‘ઓમ નમો ભગવતે વાસુદેવાય’નો જાપ શું કામ કરીએ છીએ? વસુદેવના પુત્ર છે એટલે? એમ તો બલરામ પણ વસુદેવના પુત્ર છે. તેમને ક્યારેય કોઈએ વાસુદેવ તરીકે સંબોધ્યા નથી. વાસુદેવ અને કૃષ્ણ અલગ છે એ બાબત વર્ષોથી વિવાદ ચાલે છે. ગીતામાં કૃષ્ણે પોતે જ કહ્યું છે કે પાંડવોમાં હું ધનંજય છું, વૃષ્ણિઓમાં વાસુદેવ છું.’ એનો અર્થ એ જ કે કૃષ્ણ અને વાસુદેવ અલગ છે. હરિવંશમાં કૃષ્ણ સામે  લડવા ઊતરેલા રાજા શૃગાલે કૃષ્ણને પડકાર ફેંકતાં કહ્યું હતું કે તું મરે તો હું વાસુદેવ થઈશ. કાશીરાજ પૌંડ્રકે કહ્યું હતું કે પૃથ્વી પરનો વાસુદેવ હું છું. શલ્યે કર્ણનું સારથિપણું સ્વીકાર્યું ત્યારે દુર્યોધને તેને ચેતવતાં કહ્યું હતું કે સંભા‍ળજે, બધા વાસુદેવોનું બળ એકલા કૃષ્ણમાં છે.

આ ઉપરથી વિદ્વાનો એક મત પર આવ્યા કે વાસુદેવ કોઈ નામ નથી, પણ કોઈ માનાર્હ સ્થાન કે હોદ્દો છે. જેમ કે પૃથ્વીવલ્લભ. જેને પ્રાપ્ત કરવા યાદવ રાજાઓ સર્વસ્વ હોડમાં મૂકવા તૈયાર થઈ જતા. કૃષ્ણ ‘વાસુદેવ’નું બિરુદ પામ્યા પછી વાસુદેવ તરીકે ઓળખાતા હશે.

કૃષ્ણ માટે ભાગવતમાં ‘સર્વ આશ્ચર્યમય: અચ્યુતઃ’ એવું વિશેષણ વાપર્યું છે. જિંદગી આખી આટઆટલો ત્રાસ ભોગવ્યા છતાં, જીવસટોસટના આવા સંઘર્ષોથી ઝઝૂમવા છતાં કૃષ્ણની ભાષા કે આચરણમાં કશે કડવાશનો અંશ પણ જોવા મળતો નથી. ઊલટાનું ‘મધુરાધિપતે: અખિલં મધુરમ્’નો જ અનુભવ થાય એવાં તેમનાં વાણી અને વર્તન રહ્યાં

Pravin Solanki columnists