સોચ કો બદલો તો સિતારે બદલ જાએંગે નઝર કો બદલો તો નઝારે બદલ જાએંગે

23 September, 2019 04:31 PM IST  |  મુંબઈ | માણસ એક રંગ અનેક - પ્રવીણ સોલંકી

સોચ કો બદલો તો સિતારે બદલ જાએંગે નઝર કો બદલો તો નઝારે બદલ જાએંગે

પ્રવીણ સોલંકી

પરંપરા જાળવવી એ આપણી સંસ્કૃતિનો એક ભાગ છે. બીજી રીતે કહીએ તો આપણે આદતના ગુલામ છીએ. કેટલાંક વિચારો, રિવાજો કે માન્યતાઓ ચાહવા છતાં પણ આપણે છોડી  નથી શકતા. કોઈ પણ બદલાવ માટે આપણે જલદીથી તૈયાર નથી થઈ શકતા. પરિવર્તન સંસારનો નિયમ હોવા છતાં નિયમભંગનો આનંદ આપણે જતો કરી નથી શકતા. ‘ચાલે છે એમ ચાલવા દો’નું સૂત્ર આપણને માફક આવી ગયું છે. કેટલીક માન્યતા, રિવાજો આપણે સમજ્યા-જાણ્યા વગર યંત્રવત વળગી રહીએ છીએ તો કેટલીક ધાર્મિક પ્રવૃત્તિ ફક્ત શ્રદ્ધા કે ભયના કારણે ચાલુ રાખીએ છીએ. શાંતિ આપણને નડે છે, આપણી ખાનાખરાબી કરે છે. એને રીઝવવા આપણે ‘હનુમાન ચાલીસા’ મોઢે કરીએ છીએ. કૃષ્ણ ઉકાર છે, કોઈને નડતા નથી એટલે ‘ગીતા’ મોઢે કરવાનો ખ્યાલ બહુ ઓછા લોકોને આવે છે. વળી ધાર્મિક માન્યતાઓ પાપ-પુણ્ય સાથે સંકળાયેલી હોય છે. શ્રદ્ધાને આસ્થા એનો પાયો છે. શ્રદ્ધાનો કોઈ પર્યાય નથી ને આસ્થાની બીજું કોઈ શાખા નથી. દુનિયામાં બુદ્ધિશાળી લોકો કરતાં શ્રદ્ધાળુ આસ્થાનું લોકોની સંખ્યા વધારે છે. જ્યાં તર્ક પૂરો થાય છે ત્યાંથી શ્રદ્ધા શરૂ થાય છે.

મારી પ્રવૃત્તિને કારણે મહિનામાં બેત્રણ વખત બહારગામ જવાનું થાય. ભાદરવા સુદના છેલ્લા દિવસોમાં શ્રીમતીજીનો હુકમ થયો, ‘આજે તમારે પસ્તાનું મૂકવાનું છે, ભૂલતા નહીં.’ હું ચમક્યો. મારે ક્યાંય બહારગામ જવાનું નથી તો પસ્તાનું શાનું? પત્નીએ કહ્યું, ‘બે દિવસ પછી શ્રાદ્ધના દિવસો શરૂ થાય છે. પંદર દિવસમાં ઓચિંતું તમારે બહારગામ જવાનું થાય તો એની તકેદારીરૂપે પસ્તાનું મુકાઈ જાય તો સારું.’

મારા ધારવા પ્રમાણે આજે તો ઘણાખરા લોકોને પસ્તાનું શબ્દ જ ખબર નહીં હોય. પસ્તાનું એટલે બહારગામ જવાનું મુરત  સાચવવા બીજાને ઘરે બહારગામ જવાની એકાદ-બે વસ્તુઓ, શર્ટ, પૅન્ટ, રૂમાલ કે ગંજીની થેલી મુરત જોઈને મૂકી દેવી. દા.ત. ત્રીજી તારીખે મારે ક્યાંક જવાનું હોય પણ ત્રીજી તારીખનો આખો દિવસ ખરાબ હોય તો બીજી તારીખે મુરત સારું હોય તો બીજી તારીખે એક થેલીમાં એકાદ-બે વસ્તુઓ બીજે ક્યાંક, આડોશપાડોશમાં મૂકી દેવાની અને ત્રીજી તારીખે એ વસ્તુઓ ત્યાંથી લઈને પછી જ આગળ પ્રસ્થાન કરવાનું.

શ્રાદ્ધ એટલે શું? શ્રાદ્ધ એટલે પિતૃઓની તૃપ્તિ માટે શ્રદ્ધાથી કરાતી તર્પણ, પિંડદાનાદિક ક્રિયા. શ્રાદ્ધના દિવસો એટલે ભાદરવા વદ એકમથી અમાસ. શ્રાદ્ધ એટલે પૂર્વજોની મૃત્યુતિથિ. વ્યવહારમાં આપણે ઘણી વાર સાંભળીએ છીએ કે ફલાણાભાઈ આજકાલ કેમ દેખાતા નથી? ત્યારે જવાબમાં સાંભળવા મળે છે ક્યાંથી દેખાય? તેમનું તો શ્રાદ્ધ પણ થઈ ગયું. ‘બાપ બતાડ કાં શ્રાદ્ધ કર’ એટલે બાપ જીવંત છે એ સાબિત કર અથવા શ્રાદ્ધ કર. (શ્રાદ્ધમાં કેટલાક લોકો જમણવાર પણ કરે છે.)

‘શ્રાદ્ધ સંપતિ’ જાણવા જેવો શબ્દ છે. દર્ભ, ગાયના છાણથી શુદ્ધ કરેલી ભૂમિ, તલ, ખીર, સ્વાદિષ્ટ ભોજન, પવિત્ર બ્રાહ્મણોની ઉપસ્થિતિ, આ બધી શ્રાદ્ધસંપતિ ગણાય છે. શ્રાદ્ધના દિવસો અપશુકનિયાળ ગણાય છે. અમારા નિર્માતાઓ શ્રાદ્ધના દિવસોમાં નવા નાટકનું મુરત કરવાનું ટાળે છે, લોકો કોઈ પણ શુભકાર્ય કરવાનું ૧૫ દિવસ મુલતવી રાખે છે. નવા ફ્લૅટમાં પ્રવેશ કરવાનું, નવા ધંધાની શરૂઆત કરવાનું, વેવિશાળ કે લગ્ન કરવાનું, કોઈ નવી વસ્તુ ખરીદવાનું, ઘણા લોકો તો મુસાફરી કરવાનું પણ જોખમ નથી લેતા. શ્રાદ્ધના દિવસો એટલે વિષાદના દિવસો, માતમના દિવસો, પિતૃઓને શાંત કરવાના, મનાવવાના દિવસો. લોકો કંઈક નવું કરવા એટલા માટે ડરે છે કે કદાચ અતૃપ્ત પિતૃઓ કામમાં વિઘ્ન નાખશે.

સૌરાષ્ટ્રભરમાં પિતૃનડતરનો ભય વ્યાપક પ્રમાણમાં છે. શું પિતૃઓ ખરેખર આપણને નડે? ‘છોરું કછોરું થાય પણ માવતર કમાવતર કદી ન થાય એ કહેવતનું શું? જે જીવતા નડ્યા નથી એ  મર્યા પછી શું કામ નડે? ને જીવતા કદાચ નડ્યા હોય એ માત્ર કાગવાસ નાખવાથી શાંત થઈ જવાના? કેટલાક દાખલાઓ તો એવા છે કે જીવતાં માબાપને સંતાનોએ પોતાના હાથે પાણીનો ગ્લાસ સુધ્ધાં નથી આપ્યો હતો, તેમની સાથે પાંચ-દસ મિનિટ બેસીને વાત સુધ્ધાં કરી નથી હોતી, કોઈ વાતમાં તેમનો અભિપ્રાય નથી લીધો હતો, ઉપેક્ષા અને અવગણના સહજ બની ગયાં હોય છે; આવાં મા-બાપો મર્યા પછી સવાલાખનાં થઈ જાય છે. ઘરની દીવાલ પર ફોટો બની રોજ પુજાય છે, તેમની પાછળ દાન-ધર્મ, ક્રિયા-કર્મ ધામધૂમથી થાય છે. ભવ્ય પ્રાર્થનાસભામાં ભાષણોથી ભવ્ય અંજલિ અપાય છે. ને આ બધું પણ પિતૃતર્પણમાં ખપાવાય છે. આ બધું જોઈને આપણને થાય છે કે માત્ર હાથી જ નહીં, માણસ પણ જીવે છે ત્યારે લાખનો ને મર્યા પછી સવાલાખનો થઈ જાય છે. માણસના અસ્તિત્વની કિંમત પારણાથી પ્રાર્થનાસભા સુધીની જ છે એ સાબિત થાય છે. અહમદ ફરાઝનો એક શેર છે.

ચલો કુછ દિનોં કે લિએ

દુનિયા છોડ દે ફરાઝ

સૂના હૈ લોગ બહોત યાદ કરતે હૈં

ચલે જાને કે બાદ

પિતૃઓના આત્માની શાંતિ માટે સંતાનો દ્વારા, કુટુંબીજનો દ્વારા મન, વચન, કર્મથી, હૃદયની પૂર્ણ શ્રદ્ધા સાથે કરાતી ધાર્મિક વિધિને શ્રાદ્ધ કહેવાય છે. ઘણા લોકો ખરેખર દિલથી, શ્રદ્ધાપૂર્વક, પૂર્ણ ભાવનાથી આ વિધિ કરે છે તો કેટલાક પરંપરા જાળવવા. પણ મૂળ પ્રશ્ન આત્માની શાંતિનો છે. પૂર્વજોનો આત્મા અશાંત કેમ છે? કેમ રહ્યો? આપણે તેમને જીવતે જીવ શાંતિ આપી નહીં, લેવા દીધી નહીં એટલેને? જે કામ મર્યા પછી કરીએ છીએ એ પૂર્વજોના જીવતેજીવ કેમ નહીં કર્યું?

એક મહત્ત્વનો મુદ્દો. આત્મા ખરેખર અશાંત હોઈ શકે? આત્માને કોઈ બાળી શકતું નથી, પલાળી શકતું નથી, ખાળી શકતું નથી, સ્પર્શી શકતું નથી, જોઈ શકતું નથી, આત્મા અવિનાશી છે, નિર્વિકાર છે તો પછી એ અશાંત કેમ થઈ શકે? ખેર, ધાર્મિક માન્યતાઓ વિજ્ઞાન સાથે સંકળાયેલી છે. આપણા ઋષિમુનિઓ વિદ્વાન હતા, વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા હતા. એવો એક અભિગમ શ્રાદ્ધ વિશે પણ છે જે જાણવા જેવો છે.

આપણાં શાસ્ત્રોમાં પીપળા કે વડના વૃક્ષનું મહત્ત્વ અનેરું છે. પ્રકૃતિના રક્ષણ માટે પણ પીપળો-વડ અત્યંત આવશ્યક છે. પીપળો પુજાય છે, વડ વટેમાર્ગુને છાંયડો આપે છે. કોઈએ આંબાનું ઝાડ વાવ્યું કે કોઈએ લિંબોળી વાવી એવું આપણે ઘણી વાર સાંભળ્યું છે, પણ કોઈએ પીપળો કે વડ વાવ્યો એવું સાંભળ્યું છે? નહીં જ સાંભ‍ળ્યું હોય, કારણ કે એમનાં તૈયાર બીજ નથી મળતાં. કુદરતે એ માટે એક અનોખી વ્યવસ્થા ગોઠવી છે. વડ કે પીપળાને ટેટા હોય છે. આ ટેટા કાગડાનો ખોરાક છે. કાગડા ટેટાઓ આરોગે છે પછી એની હોજરીમાં એક ચોક્કસ પ્રકારની પ્રોસેસ  થાય છે. એ પ્રોસેસ પછી ટેટામાંથી બીજ બને છે. આ બીજ કાગડાની વિષ્ટા દ્વારા જમીન પર ફેલાય છે અને એમાંથી જ પીપળો કે વડ ઊગે છે. કાગડા ભાદરવા મહિનામાં ઈંડાં મૂકે છે. બચ્ચાંઓને પોષવા તંદુરસ્ત ખોરાકની જરૂર પડે છે અને એ ખોરાક શ્રાદ્ધ દ્વારા બનતી પૌષ્ટિક ખીર અને અન્ય વાનગીઓનો ખોરાક કાગડાઓને શ્રાદ્ધના દિવસોમાં મળી રહે છે. પીપળો એકમાત્ર વૃક્ષ એવું છે જે દિવસ-રાત, ૨૪ કલાક ઑક્સિજન છોડે છે, પ્રકૃતિને સમતોલ રાખે છે. વળી પીપળા અને વડનાં વૃક્ષના ઔષધીય ગુણો પણ એટલાબધા છે કે જેના વિશે આખું પુસ્તક લખી શકાય. આમ ભાદરવો મહિનો, કાગડા, પીપળો, વડ અને શ્રાદ્ધ વૈજ્ઞાનિક રીતે એકબીજા સાથે સંકળાયેલા છે.

શ્રાદ્ધમાં ખીર જ શું કામ? ભાદરવો એટલે શરદઋતુ, વરસાદની મોસમ. હવામાં ભેજ, ઉકળાટ, અનેક રોગોને મોકળું મેદાન મળી રહે એવું વાતાવરણ. વાત, પિત્ત અને કફ કાબૂમાં ન રહે. આંખોમાં જલન, પેટમાં બળતરા, શરદી-ઉધરસના વાયરા શરૂ થાય. આ બધાંને નાથવા માટે આપણા ઋષિમુનિઓએે વૈજ્ઞાનિક અભિગમ અપનાવ્યો. આહારમાં ખીર અને ખડી સાકર, દૂધનો  ઉપયોગ કરવાનો. આ વસ્તુઓ પિત્તનું શમન કરે છે, વાતનું નિયમન કરે છે ને કફને કાબૂમાં રાખે છે.

અને છેલ્લે...

ઔરંગઝેબે બાપ શાહજહાંને સાત વર્ષ સુધી જેલમાં રાખ્યો. કડક પહેરા નીચે. કોઈ પણ જાતની સગવડ કે સવલત વિના. એક વરસે શ્રાદ્ધના દિવસોમાં હિન્દુઓએ પિતૃતર્પણ કર્યાનું જાણ્યા પછી તેની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. તેણે લખ્યું,

એ પિસર તું અજબ મુસલમાની

બ પિદરે જિંદા આબ તરસાની

આફરીન બાદ હિંદબાન સદ્બાર

મૈં દેહદં પિદરે મુર્દાશબા દાયમ આબ!

હે પુત્ર! તું પણ વિચિત્ર મુસલમાન છે કે જે પિતાને પાણી માટે પણ તરસાવે છે. આ હિન્દુઓને જો, તે મરેલા પૂર્વજોને પણ પાણી અર્પણ કરે છે. ટૂંકમાં તું જીવતા બાપને તડપાવે છે જ્યારે આ હિન્દુઓ મરેલા પૂર્વજોની પણ અદબ જાળવે છે!

આ પણ વાંચો : કાયદાનું પાલન એ ડિસિપ્લિનની નિશાની છે

સમાપન

માતાએ દીકરાને બાપના શ્રાદ્ધ માટે કાગવાસ નાખવા મોકલ્યો. સાથે શિખામણ પણ આપી કે જ્યાં સુધી કાગડા આરોગવા ન આવે ત્યાં સુધી ઊભો રહેજે. દીકરો થાકેલી-પાકેલી હાલતમાં છેક સાંજે ઘરે આવ્યો. માને કહ્યું કે મા, કાગડા આવ્યા જ નહીં. માએ ચિડાઈને જવાબ આપ્યો કે મને હતું જ કે નહીં આવે. આમેય તેમને મારા હાથની બનાવેલી ખીર ક્યારેય ભાવતી જ નહીં, પાડોશવાળાં રમાભાભીએ બનાવેલી ખીર પટપટ ખાતા.

અંતમાં : મા-બાપ આપણને સંસ્કાર આપે છે. આપણે તેમને ફક્ત અગ્નિસંસ્કાર આપીએ છીએ.

મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ

આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ

(જલન માતરી)

Pravin Solanki columnists