મૃત્યનો શોક દેખાડા માટે છે કે હૃદયપૂર્વકનો છે

01 April, 2019 12:46 PM IST  |  | માણસ એક રંગ અનેક - પ્રવીણ સોલંકી

મૃત્યનો શોક દેખાડા માટે છે કે હૃદયપૂર્વકનો છે

પ્રવીણ સોલંકી

દુનિયામાં પ્રત્યેક ચીજ વેચાવા લાગી છે. પદાર્થ તો ઠીક, પ્રેમ પણ. લાગણી તો ફક્ત વેચાય જ નથી રહી, છડેચોક એનું લિલામ પણ થઈ રહ્યું છે. ભાવવાચક શબ્દોના પણ ભાવ બોલાઈ રહ્યા છે. પ્રેમ, દયા, માયા, મમતા, સંવેદના, કરુણા વગેરે શબ્દોએ એનું વજન ગુમાવી દીધું છે, એના અર્થ નિરર્થક થઈ ગયા છે. કાર્લ માર્ક્સે, એક વખત કહ્યું હતું કે દુનિયામાં ફક્ત બે જ વર્ગ છે. ‘હૅવ’ અને ‘હૅવ નૅટ’ - એક પાસે છે અને બીજા પાસે નથી. અમીર અને ગરીબ. પૈસાનો પ્રભાવ અને પૈસાનો અભાવ. આજે જમાનો બદલાયો છે. દુનિયામાં બે જ વર્ગ રહ્યા છે. વેચનારા અને ખરીદનારા. અભાવવાïળા વેચે છે અને પ્રભાવવાળા ખરીદે છે, પણ એમાં મોટી તકલીફ એ ઊભી થઈ છે કે સુખ લેનારા ઘણા છે, પણ દુ:ખ ખરીદનારું કોઈ નથી. વેચાણ એ માત્ર જરૂરિયાત નહીં, લાચારી બની ગઈ છે. એક ગઝલ છે.

એક ફૂલ ખાતર આખું ઉપવન વેચાયું છે

આ ધરતી પર ભરબજારે જોબન વેચાયું છે

વાત શું કરવી અમારી મજબૂરીની, દોસ્તો,

એક નબળી ક્ષણ માટે આખું જીવન વેચાયું છે.

રખડતા માનવને મૂકી મંદિર ના ચણો

જે તે છે એય માનવનું સદન વેચાયું છે

અવદશા કેવી કે ચંદ ચાંદીના ટુકડા માટે

જાહોજલાલીભર્યું વતન વેચાયું છે

ક્યાં સુધી ખીલીશ ફૂલ વાયડા અહીં?

ક્રૂર માનવીના હાથમાં ચમન વેચાયું છે!!

ખરેખર ક્રૂર માનવના હાથમાં ચમન વેચાયું છે એટલે જ કદાચ માણસની સંવેદનાની ધાર બુઢ્ઢી થઈ ગઈ છે, લાગણી લાવારિસ બની ગઈ છે. માણસ પ્રેમ કરતાં અટકી ગયો છે તે પ્રૅક્ટિક્લ બની ગયો છે.

તાજેતરમાં એક સંબંધીના ભરયુવાન પુત્રનું મૃત્યું થયું.

મૃત્યુ થયું એ દિવસે હું બહારગામ હતો. આવ્યા પછી હું બીજે દિવસે હું સંબંધીના ઘરે ભારે પગે ગયો. મૃત્યુને હજી ૧૦ દિવસ જ થયા હતા. રાતના ૯ની આસપાસનો સમય હતો. ફલૅટની બેલ મારી. કોઈ પ્રતિસાદ ન મળ્યો. બીજી બેલ જોરથી મારી. દરવાજો ખૂલ્યો, ઘરના બધા સભ્યો ટીવી-સિરિયલ જોઈ રહ્યા હતા. ઘરના વડીલ એક ખૂણામાં ડ્રિન્ક કરી રહ્યા હતા. ઘડીભર હું મૂંઝાય ગયો. મનમાં રંગમાં ભંગ પાડ્યાની લાગણી થઈ આવી, પણ એ લોકો બહુ સ્વાભાવિક હતા. મને હસીને ‘આવો આવો’ કહી આવકાર આપ્યો. ફરીથી મારી કમાન છટકી. બાપ-દાદાની ઉક્તિ યાદ આવી ‘ઉઠમણામા’ કોઈને આવો ન કહેવાય અને ખરખરો કરી જનારને ‘આવજો’ ન કહેવાય. હું ઘરના વડીલની બાજુમાં જઈને બેઠો. વડીલે કહ્યું ,‘તમે બહારગામ હતા, મને ખબર પડી. આઇ નો યુ આર વેરી બિઝી, અત્યારે શું કામ ધક્કો ખાધો.’ મેં કહ્યું, ‘અરે હોય કંઈ, મારી ફરજ છે.’ પછી મેં રાબેતા પૂછયું, ‘આમ એકાએક ભાઈને’ અને હું વાક્ય પૂરું કરું એ પહેલાં તેમણે મને કાપી નાખ્યો. ‘સાહેબ તમે પણ? પ્લીઝ, જે થઈ ગયું તે થઈ ગયું... અમે પાછલું કંઈ યાદ ન કરવાનું નક્કી કર્યું છે. તમે તો લેખક છો, બધું સમજી શકો છો, છોડો એ વાત, ડ્રિન્ક લેશો? ચા, ઠંડું?’ મેં વિનયપૂર્વક બધાંની ના પાડી. એ પછી તેમણે મને એક યક્ષપ્રશ્ન પૂછયો, ‘સાહેબ, સાચું કહેજો, તમે ઘરમાં દાખલ થયા ત્યારે અમે બધા એન્જૉય કરતા હતા એ જોઈને તમને આંચકો લાગ્યો હતો ને?’ ખોટું બોલવાનો કોઈ અર્થ નહોતો, ફાયદો પણ નહોતો અને નુકસાન પણ નહોતું. મેં કહ્યું, ‘હા, જરા ઑકવર્ડ જરૂર ફીલ થયું, કારણ કે મૃત્યુ નાની વયનું હતું, વળી હજુ દસ જ દિવસ થયા છે. એમનો અવાજ જરા ઊંચો થયો. ‘તો શું થયું? દસ... અગિયાર... બાર-પંદર દિવસ મહિના પછી અમારે ટી. વી. જોવાનું જ હતું, મારે ડ્રિન્ક કરવાનું જ હતું તો આજે શું કામ નહીં? અમારા ટી. વી. જોવાથી કે માવા ન ખાવાથી મારો દીકરો મને પાછો મળી જવાનો છે? પ્રવીણભાઈ, મને તો એમ કે તમે ફૉર્વર્ડ અભિગમ ધરાવો છો?’

મેં જવાબ આપવાને બદલે પ્રશ્ન કયાર઼્, ‘સાહેબ, હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી તમે ઘરમાં ડ્રિન્ક નથી કરતા, હંમેશાં ક્લબમાં જ કરો છો. આજે ક્લબમાં ન ગયા? મને કહે, ‘છેલ્લા ૧૦ દિવસથી ક્લબ નથી ગયો. મહિના, દોઢ મહિના પછી જઇશ. શું છે, દીકરાના મૃત્યુ પછી તરત જ જાહેરમાં મને કાર્ડ રમવાનું કે ડ્રિન્ક લેવાનું યોગ્ય ન લાગ્યું.’ મને મારો જવાબ મïળી ગયો!

આપણી લાગણી, આપણી વર્તણૂક, એકાંતમાં અને જાહેરમાં જુદી જુદી હોય છે. મૃત્યનો શોક દેખાડો કરવા માટે છે કે હૃદયપૂર્વકનો છે એ જાણવાની કોઈ પારાશીશી નથી. કોઈ સ્મિતે સ્મિતે સળગે છે, કોઈ રડીને દિલ બહેલાવે છે. શોક કેમ વ્યક્ત કરવો, કરવો કે નહીં એ વ્યક્તિનો અંગત પ્રશ્ન છે. વળી દરેક વ્યક્તિના મનનું બંધારણ અલગ હોય છે. કોઈ નાની નાની વાતમાં આંસુની મોટી મોટી ધાર પાડે છે તો કોઈ ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં હસતું મોઢું રાખી શકે છે.

અહીં જે વડીલની વાત મેં માંડી છે એનો અભિગમ સાચો છે કે ખોટો એ ચર્ચા કરવાની નથી. વાત આપણી સંવેદના બુઠ્ઠી થઈ ગઈ છે એની છે. વાત આપણે વહાલમાં પણ વ્યવહારુ થઈ ગયા છીએ એની છે. વાત આપણા મૂળભૂત સંસ્કારની છે.

હું ત્યારે નવ-દસ વર્ષનો હોઈશ. અમારા નિવાસસ્થાનના પહેલે માïળે એક વડીલ અવસાન પામ્યા. બીજે દિવસે બુધવાર હતો. રેડિયો પર ‘બિનાકા ગીત માલા’નો લોકપ્રિય કાર્યક્રમ આવતો હતો. હું એ કાર્યક્રમ માત્ર સાંભળતો જ નહોતો, પણ રેડિયો પર આવતા ગીત સાથે મોટે મોટેથી રાગડા પણ તાણતો હતો. અચાનક મારા ભાઈ (ફાધર) ઑફિસેથી આવી ચડ્યા. આવીને તરત જ તેમણે રેડિયો બંધ કર્યો. મને ધમકાવ્યો, ‘આવડો મોટો ઢાંઢો થયો છે, તને સમજ નથી પડતી કે ઉપર મરણ થયું છે?’ પછી તો આવું ઘણી વાર થયું, આડોશપાડોશમાં મરણ થાય ત્યારે શોક અમારા ઘરમાં પણ પïળાય. એક-બે દિવસનો નહીં, આઠ-આઠ દિવસનો. મારી મમ્મી વધારે પડતો રંગીન સાડલો પણ ન પહેરી શકે?! ત્રણ-ચાર દિવસ સુધી તો મૃત્યુગ્રસ્ત ઘરમાં અમારે ઘરેથી રસોઈ જાય! અમારે ઘરે આ દરમ્યાન જો કોઈ સારો પ્રસંગ હોય તો મુલતવી રખાય કે સાદાઈથી ઉકેલાય! જી, હા માત્ર ઉકેલાય, ઊજવાય નહીં.

એક વાર અમે અમારા ગામ-સનખડા (સોરઠ)થી મુંબઈ પાછા ફર્યા. મુંબઈ સેન્ટ્રલ પર જ એક સંબંધી મળી ગયા. મારા ફાધરે પૂછયું, ‘એલા રસિક, તું ક્યાં ઊપડ્યો?’ રસિક ગભરાઈ ગયો. કંઈ બોલી શકે નહીં. માંડ માંડ બોલ્યો, ‘ભાવનગર જાઉં છું, મારાં મામી એટલે કે તમારાં બહેન-વીમુબહેન ગુજરી ગયાં. રાતના ટ્રંકકૉલ આવ્યો હતો, તમને પણ કર્યો હતો, પણ તમે ગામથી નીકળી ગયા હતા.’ આ સાંભળી મારા ફાધરે તરત જ રસિકના હાથમાં સો રૂપિયાની નોટ પકડાવી કહ્યું, ‘દોડીને તું અમારી ભાવનગરની ટિકિટ લઈ આવ!’

ટ્રેનમાં જગ્યા નહીં. અમને લેડીઝ ડબ્બામાં ઘુસાડ્યા. એ લોકો બન્ને જેન્ટસમાં બેઠા. ભાવનગર ઊતર્યા, પછી રસિકે મારી મમ્મીને કહ્યું કે ભાઈએ કંઈ ખાધું નથી, ફક્ત એક કપ ચા પીધી છે. પહેલાં સ્ટેશન પર તેમને નાસ્તો કરાવી લો.’ પણ મારા ફાધર માને? તેમને તો જલદીથી તેમનાં ભાણિયાં પાસે પહોંચવું હતું! એ સમયે આવો હતો લાગણીનો દોર!

હવે વિચારો, આવા સંસ્કારમાં ઊછરેલું મારું મન સગ્ગા દીકરાના અવસાનના ૧૦મા દિવસે ડ્રિન્ક સાથે મનોરંજન માણે તો શું રિઍક્ટ કરે? વાંક વડીલનો નથી, વાંક મારા મનનો, મારા સંસ્કારનો છે. વડીલની વિચારધારા જુદી હતી, આધુનિક અને વ્યવહારુ હતી. હું પરંપરાનો અને ભાવુક માણસ એટલે આવું રિઍક્ટ થઈ ગયું.

અને છેલ્લે...

સમાજ તો ઠીક, રાષ્ટ્રની પરંપરામાં પણ બદલાવ આવ્યો છે. પહેલાંના જમાનામાં જો રાષ્ટ્રના કોઈ નેતાનું અવસાન થાય તો સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર થતો. એ જમાનામાં મનોરંજનનું એકમાત્ર સાધન એટલે રેડિયો!! સાત દિવસ રેડિયો પર મનોરંજન કાર્યક્રમ બંધ. ફક્ત ભક્તિગીતો અને ભજન જ વાગે! બધા સરકારી મનોરંજન કાર્યક્રમો રદ થતા. તેમના અંતિમસંસ્કાર થાય ત્યાં સુધી સરકારી ઑફિસો બંધ રહેતી, જાહેર રજા ડિકલેર થતી, ઠેર ઠેર પ્રાર્થનાસભાઓ યોજાતી.

આપણી લાગણી, આપણી વર્તણૂક, એકાંતમાં અને જાહેરમાં જુદી જુદી હોય છે. મૃત્યનો શોક દેખાડો કરવા માટે છે કે હૃદયપૂર્વકનો છે એ જાણવાની કોઈ પારાશીશી નથી. કોઈ સ્મિતે સ્મિતે સળગે છે, કોઈ રડીને દિલ બહેલાવે છે. શોક કેમ વ્યક્ત કરવો, કરવો કે નહીં એ વ્યક્તિનો અંગત પ્રશ્ન છે. વળી દરેક વ્યક્તિના મનનું બંધારણ અલગ હોય છે. કોઈ નાની નાની વાતમાં આંસુની મોટી મોટી ધાર પાડે છે તો કોઈ ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં હસતું મોઢું રાખી શકે છે.

Pravin Solanki columnists