બેસતા વર્ષને શુકનવંતું બનાવવા મીઠું-મગ અને બીજું શું-શું?

13 November, 2020 04:30 PM IST  |  Mumbai | Bhakti Desai

બેસતા વર્ષને શુકનવંતું બનાવવા મીઠું-મગ અને બીજું શું-શું?

લોકો પરંપરાગત રીતરિવાજ અને પ્રથામાં ન માનતા હોય તોય નવા વર્ષે શુકન પેટે ચોક્કસ પ્રથાને અનુસરવાની પરંપરા હજીયે અનેક પરિવારોમાં છે. કોઈક ચોક્કસ શાક બનાવે છે, કોઈ મગ-મીઠું ખરીદે તો કોઈક ભગવાનને ભોગ ધરાવીને ધન્યતા અનુભવે..

શરૂઆત સારી થાય તો આગળ પણ બધું સારું જ થાય છે એવી માન્યતા દરેક જગ્યાએ છે અને તેથી જ અંગ્રેજીમાં પણ એક કહેવત પણ છે ‘વેલ બિગન ઇઝ હાફ ડન’. આ જ વાત વર્ષની શરૂઆતમાં એટલે કે પહેલા દિવસે પણ લાગુ પડે છે. કારતક સુદ એકમને દિવસે હિન્દુઓનું નવું વર્ષ શરૂ થાય છે. દરેક નાત-જાતના લોકો તેમના નવા વર્ષની શરૂઆત કોઈને કોઈ એવા રીતિરિવાજો સાથે કરતા હોય છે, જેને તેમના ધર્મ કે જ્ઞાતિમાં શુકન માનવામાં આવે છે. આપણે ત્યાં વર્ષોથી આપણા વડવાઓ અમુક એવી પ્રથાઓ આપી ગયા છે જેમાં આપણા રસોડામાં અને રોજિંદા જીવનમાં વપરાતી અમુક વસ્તુઓને આવા મોટા દિવસે શુકનવંતી ગણવામાં આવે છે અને એનાથી જ શુભારંભ થતો હોય છે. આમાંથી આજે જાણીએ કેટલાક પરિવારોમાં બેસતા વર્ષની શુકનવંતી શરૂઆત માટે લોકો શું-શું કરે છે.

દાણાવાળું શાક બનાવીએ છીએ જેથી આખું વર્ષ ઘરમાં દાણા ન ખૂટે : ઉષા ઠકરાર
મીરા રોડમાં રહેતાં ઉષાબહેન ઠકરાર નવા વર્ષની શરૂઆતમાં તેઓ શું કરે છે એ વિશે માહિતી આપતાં કહે છે, ‘સૌપ્રથમ તો અમે સવારે પાંચ વાગ્યે ઊઠીને બહાર દીવા મૂકીએ અને નવા ઝાડુથી આખા ઘરમાં કચરો વાળીને થાળીમાં એ કચરો અને જૂનું ઝાડુ પણ નીચે ફેંકવા લઈ જઈએ. સાથે વેલણ પણ રાખીએ અને પાછા આવતી વખતે થાળી પર વેલણ વગાડતાં-વગાડતાં ઘરે આવીએ. આ પ્રથા અમારે ત્યાં આશરે દોઢસો વર્ષથી ચાલતી આવી છે અને હજીયે હું આ કરું છું. ઘરે લક્ષ્મી આવે એ માટે શુકન સાથે સંકળાયેલો આ રિવાજ છે. શુકનમાં અન્ય એક મહત્ત્વનો રિવાજ મીઠું અને કંકુ ખરીદવાનો હતો. જોકે એ સમયે માથે ટોપલો લઈને અમુક ફેરિયા ‘શકન લ્યો’ ‘શકન લ્યો’ એમ બોલતાં દરવાજે આવતા. આજે પણ મુંબઈમાં અમુક ઠેકાણે તેઓ આવે છે પણ હવે અમારે ત્યાં નથી દેખાતા. વર્ષના પહેલા દિવસે જમવામાં દાણાવાળું શાક બનાવીએ છીએ જેથી આખું વર્ષ ઘરમાં દાણા ન ખૂટે. એમાં ભીંડા, ચોળી અથવા કોઈ પણ એવું શાક જેમાં બિયાં હોય એ બનાવીએ. સૂરણ, શક્કરિયાં, બટાટા, વાલોળ, કંદ આમ જે પણ શાક મળે એનું પંચકુટિયું શાક બનાવવાની પ્રથા પણ અમારે ત્યાં છે. આ સિવાય શ્રીખંડ અને પૂરી પણ આ દિવસે બનાવવાનાં જ હોય છે.’

બેસતા વર્ષે સવારે મીઠું, ગોળ અને મગ શુકન આપીને લેવાનું : ઉષા જોશી

બોરીવલીમાં રહેતાં ઉષા જોશી કહે છે, ‘પહેલાં તો ડી-માર્ટ અને સુપર માર્કેટનો જમાનો નહોતો અને બધું જ કરિયાણું નાકા પરની દુકાનના વેપારીને ત્યાંથી આવતું અને એ સમયે તે વેપારીઓ લોકોનું ખાતું પણ ચલાવતા, જેમાં પૈસા બાકી રાખતા. ત્યારથી હજી સુધી એક પ્રથા છે કે સવારના પહોરમાં આ વેપારીઓ એક માણસને મીઠું, ગોળ અને મગ લઈને ‘નવા વર્ષના શકન લ્યો’ એમ કહેતાં મોકલી આપે છે અને આપણે તેમને આપણી તરફથી કવરમાં જે ટોકન રૂપિયા આપીએ એ લઈ લે છે. આ સિવાય ખાવા-પીવામાં અમારે ત્યાં રવાનો શીરો અને છુટ્ટા મગ બનાવવા ફરજિયાત છે. અમે સવારે વડીલોને પગે લાગવા પણ જઈએ તોય શુકનની આ બે વસ્તુ બનાવ્યા વગર નવા વર્ષે બહાર જવાનું નહીં એવો રિવાજ છે. જમવામાં અમને કોઈ પણ વસ્તુ બનાવવાની છૂટ છે. તેથી અનુકૂળતા પ્રમાણે દાળ, ભાત, શાક અને રોટલી આમ ભારતીય વ્યંજનો બનાવીએ છીએ.’

અમારે ત્યાં સૌથી પહેલાં મેસુખનો ઘાણ બને : પ્રવીણા રાજા

અહીં દહિસરમાં રહેતાં ૮૫ વર્ષનાં પ્રવીણા રાજા કહે છે, ‘અમારે ત્યાં નવા વર્ષના દિવસે સૌથી પહેલાં મેસુખનો ઘાણ બને અને પછી સેવ, ગાંઠિયા, નાસ્તાની કડક પૂરી બનાવાય છે. મારું મૂળ વતન અમરાપુર છે અને અમારે ત્યાં ભઠ્ઠી હતી તો જે લોકો પોતાના ઘરે ગાંઠિયા ન બનાવે તેઓ અમારે ત્યાં આવતા અને ગાંઠિયા બનાવીને લઈ જતા. મોટા અને કડક ચોળાફળી જેવા ફાફડાનું અમારા ઘરમાં આ દિવસે અધિક મહત્ત્વ છે. નવા વર્ષે ગોળપાપડી પણ શુકનમાં મિષ્ટાન તરીકે બનાવાય છે. લીલોતરીનું કઠોળ જો બહાર ન મળે તો આગલે દિવસે રાત્રે મુઠ્ઠી ભરીને વાલના દાણા પલાળી દઈએ જેથી એ પણ સવારે શાક તરીકે બનાવાય છે. આમ દાણાને પણ શુકન તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.’

દહીંથરા સુંવાળીની નવકારશી થાય : સુલસા દોશી

મલાડમાં રહેતાં સુલસા દોશી અહીં કહે છે, ‘અમે રાધનપૂરનાં છીએ. અમારે ત્યાં નૂતન વર્ષને રોજ દહીંથરા સુંવાળીનું વિશેષ મહત્વ હોય છે. શુકનની વાત કરીએ તો ખાવાપીવાની વસ્તુઓ બનાવીએ એ પહેલાં નૂતન વર્ષના દિવસે ઊઠીને ગૌતમ સ્વામી ભગવાનની ૨૦ નવકારવાળી ગણીએ છીએ. પછી નાહીને સ્વચ્છ સુંદર કપડા પહેરીને દેરાસરનાં દ્વાર ઉદ્ઘાટનના સમય મુજબ ત્યાં પહોંચી જઈએ અને સૌથી પહેલાં પ્રભુનું મુખડું જોઈ સ્તુતિ, સ્તવનનાં ચૈત્યવંદન કરી વ્યાખ્યાન હૉલમાં જઈ મહારાજસાહેબના મુખે માંગલિક, નવસ્મરણ અને ગૌતમ સ્વામીનો રાસ સાંભળી ઘરે આવીએ છીએ. આવીને સૌથી પહેલાં મેંદાની પૂરી અને આગલી રાત્રે મેળવેલું દહીં નવકારશીમાં લઈએ. આ પૂરી મેંદામાં મીઠું અને ઘીનું મોણ નાખીને બનાવેલી હોય છે. આને દહીંથરા સુંવાળી પણ કહે છે. એનાથી જ દિવસ અને વર્ષની શુકનભરી શરૂઆત અમે કરીએ છીએ. જમવામાં મિષ્ટાનમાં મેંદાના ઢાબાના લાડવા ઘૂઘરા ખાઈએ છીએ. અમારે ત્યાં મેંદાનું શુકન તરીકે વધારે મહત્ત્વ હોય છે.’

સબરસની ખરીદી અને પૂરણપોળીનું ભોજન : શ્યામા પારેખ

જોગેશ્વરીમાં રહેતાં ક્રાંતિકારી વિચારો ધરાવતાં શ્યામા પારેખ તેમના ઘરમાં પળાતા રિવાજો વિષે કહે છે, ‘બેસતા વર્ષે અમે શુકન માટે વેડમી એટલે કે પૂરણપોળી બનાવીએ છીએ અથવા ઘઉંના જાડા લોટની લાપસી બનાવીએ છીએ. શુકનની ખરીદીમાં સબરસ, જેને મીઠું કહેવાય એની ખરીદી કરીએ છીએ. હું ગીતાની અનુયાયી અને આગ્રહી છું અને મીઠાનું જીવનમાં મહત્ત્વ સમજું છું તેથી પહેલી ખરીદી મીઠાની જ કરવામાં માનું છું. રસોઈમાં બધું હોય, પણ મીઠાની ઊણપ હોય તો શેનોય સ્વાદ નથી લાગતો અને આ મીઠું નાખતાં જ બધા સ્વાદ નિખરીને આવે છે. આપણે પણ આવા જ થવું જોઈએ એની શીખ અહીં મળે છે. હું માનું છું કે આ દિવસે જૂનું માટલું અને ઝાડુ એક સાધન તરીકે આખું વર્ષ આપણને સાથ આપે છે તેથી એની પૂજા કરી એના પ્રત્યે કૃતાર્થતા વ્યક્ત કરું છું. ‘આત્મા સુ પરમાત્મા’ના નિયમને ધ્યાનમાં રાખી મંદિર જઈને આ દિવસે અમે એક સમાજકાર્યનો નવો સંકલ્પ પણ લઈએ છીએ, જેમાં કોઈ હતાશ થયેલી મહિલા અથવા વ્યક્તિને આખા વર્ષ દરમ્યાન પ્રોત્સાહન આપી જીવન જીવવાનો ઉત્સાહ આપવાનું કાર્ય અમે કરીએ છીએ.’

પૂરી, લાપસી અને કાળા ચણાનો ભોગ ઠાકોરજીને ધરાવવાનો રિવાજ છે : શોભના ગાંધી
સાત બંગલોમાં રહેતાં શોભના ગાંધી કહે છે, ‘નવા વર્ષને દિવસે તો અમારે ત્યાં ખૂબ બધાં વ્યંજનોનો રિવાજ રહ્યો છે. અમારું સંયુક્ત કુટુંબ હતું. અમે ચાર વહુઓ અને તેથી પણ વધુ ઝડપથી કામ કરનાર અમારા પરમ વૈષ્ણવ સાસુ કુસુમબહેન આ દિવસે ઠાકોરજી માટે અન્નકૂટ સિદ્ધ કરતા અને તેથી ઠાકોરજી માટે જે સામગ્રીઓ બનતી એનો પ્રસાદ નવા વર્ષનું અમારું પહેલું ભાણું બની રહેતું. આમાં બદામ-પિસ્તાવાળું દૂધ, બુંદીના અને ચૂરમાના લાડુ, ઘારી, ઘૂઘરા, સૂકો મેવો, અલગ-અલગ ફળ આ બધું ઠાકોરજીને ધરાવાતું જ હોય છે. નવા વર્ષને દિવસે અમારે ત્યાં પૂરી, લાપસી અને કાળા ચણા તો હું બનાવું જ છું અને આજેય ઠાકોરજીને આ ભોગ ધરાવીને નવા વર્ષના બપોરના ભોજનમાં ઠાકોરજીનો પ્રસાદ લેવાનો રિવાજ હજીય ચાલી રહ્યો છે.

 

bhakti desai columnists