જાતે બનાવો ઇકો-ફ્રેન્ડ્લી ગજાનન

23 July, 2020 04:09 PM IST  |  Mumbai | Alpa Nirmal

જાતે બનાવો ઇકો-ફ્રેન્ડ્લી ગજાનન

ગણપતિને માતા પાર્વતીએ પોતાના હાથે ઘડ્યા હતા

ગણપતિને માતા પાર્વતીએ પોતાના હાથે ઘડ્યા હતા : ગણેશ ચતુર્થી ઢૂંકડી છે ત્યારે તમે પણ પાર્વતી માતા બની જાઓ અને...નવ વર્ષ પહેલાં ચૉકલેટના ગણપતિ બનાવવાની શરૂઆત કરનારાં સાંતાક્રુઝનાં રિન્તુ રાઠોડ પાસેથી જાણીએ શા માટે ગણપતિ જાતે બનાવવા જોઈએ અને ઘરે ચૉકલેટ કે શાડૂ માટીમાંથી ગણરાયા બનાવવા હોય તો શું કરવું‘ફિલ્મસ્ટાર કરીના કપૂર અને સૈફ અલી ખાનનો લાડકવાયો તૈમુર ક્યુટેસ્ટ બાળકની પાયદાનમાં નંબર વન પર છે. માંજરી આંખો, ચબી ગાલ અને સોનેરી કેશ ધરાવતો આ શિશુ ખરેખર સુંદર છે. તેની સામે તમારા ઘરનો બાળક થોડો ભીનેવાન છે, આછા વાળ ને બાંધો પાતળો છે. છતાં  પ્રેમ કોની ઉપર વધુ આવે, ક્યુટ તૈમુર પર કે તમારા અંશમાંથી જન્મેલા તમારા બાળક પર?  અફકોર્સ, પોતાના બાળક પર...’
ચૉકલેટમાંથી ગણેશ બનાવનાર રિન્તુ  રાઠોડ આ જ ફન્ડા સમજાવતાં કહે છે, ‘તમે પાંચ-દસ હજાર રૂપિયાના રૂપાળા ગણપતિ બજારમાંથી ‍પૂર્ણ શ્રદ્ધા સાથે લઈ આવો, પરંતુ હાથે બનાવેલા એકદંત સાથે જે એકત્વ અને તાદાત્મ્ય અનુભવી શકશો એ કદાચ ધંધાદારી કારીગરે બનાવેલા  ગજાનન સાથે નહીં અનુભવાય, કારણ કે એનું સર્જન તમે સ્વહસ્તે કર્યું છે. કદાચ એ બહુ પર્ફેક્ટ ન હોય છતાંય એ તમે બનાવ્યું છે એટલે એના પ્રત્યે ભાવ, શ્રદ્ધા, ભક્તિ વિશિષ્ટ જ રહેવાનાં.’
ચૉકલેટ ગણેશની વાત થાય એટલે રિન્તુ રાઠોડની વાત થાય જ. સાંતાક્રુઝ (વેસ્ટ)માં રહેતાં રિન્તુબહેને નવ વર્ષ પહેલાં ચૉકલેટમાંથી ગણપતિ બનાવવાનો આવિષ્કાર કર્યો હતો. એ સાથે જ એની અનોખી વિસર્જન પદ્ધતિની પણ શરૂઆત કરી હતી. ચૉકલેટમાંથી ગણપતિ બનાવી ઉત્સવના અંતે એનું દૂધમાં વિસર્જન કરી આ ચૉકલેટ મિલ્ક અનાથ આશ્રમનાં બાળકોમાં, રોડ પર અને  ઝૂંપડપટ્ટીમાં રહેતાં વંચિત બાળકોમાં વહેંચવાના પુણ્યશાળી યજ્ઞનો શુભારંભ કરી નવો ચીલો ચાતર્યો.
વેલ, આજે રિન્તુની વાત કરવાનું મુખ્ય કારણ એ કે તેઓ તેમના પર્સનલ આવિષ્કાર સમા ચૉકલેટ ગણપતિનું મેકિંગ ઑનલાઇન પ્લૅટફૉર્મ પર ફ્રીમાં શીખવવાનાં છે, જેના માટે અત્યાર સુધી પાકિસ્તાન સહિત ૪૫ દેશોના બે હજારથી વધુ ગણેશ ભક્તોએ રજિસ્ટ્રેશન કરાવી લીધું છે. રિન્તુબહેન કહે છે, ‘આપણે જોઈ રહ્યા છીએ કે સૃષ્ટિને હાનિ પહોંચાડવાથી કુદરત કઈ રીતે વીફરી છે. ચાર મહિનાથી આખું વિશ્વ કોરોનાના સકંજામાં છે ત્યારે અબ નહીં તો કબ? આ જીવાણુઓનું આલંબન લઈ હવે જાગૃત થઈ જાઓ. પર્યાવરણને નુકસાન પહોંચાડવાનું બંધ કરો  અને ઇકો-ફ્રેન્ડ્લી લાઇફસ્ટાઇલ અપનાવો અને દરેક કાર્યની શરૂઆતમાં દુંદાળાદેવને યાદ કરાય છે ત્યારે શરૂઆત બાપ્પાની‍ પ્રતિમાજીથી જ કેમ નહીં?’
એવરી યર ગણરાયાના ભક્તોની સંખ્યા વધતી જ જાય છે. ઘરમાં અને સાર્વજનિક રૂપે ગણેશજીની મૂર્તિ લાવવાનું ચલણ પણ વધતું જ જાય છે. આજે ફક્ત મુંબઈમાં જ ગણેશ ઉત્સવ દરમિયાન લાખોની સંખ્યામાં ગણેશજી આવે છે. એમાં અડધોઅડધ પ્રતિમાઓ પ્લાસ્ટર ઑફ પૅરિસની હોય છે. રિન્તુબહેન કહે છે, ‘સરકાર, પ્રસાર માધ્યમો, પર્યાવરણવિદો ગાઈ-વગાડીને કહે છે કે પ્લાસ્ટર ઑફ પેરિસ પર્યાવરણને ખૂબ મોટી હાનિ પહોંચાડે છે. જળ સ્રોતને નુકસાન કરે છે. છતાં લોકોની હોતા હૈ ચલતા હૈની માનસિકતાને કારણે મોટી સંખ્યામાં પીઓપીની મૂર્તિઓ વેચાય છે અને આ સિનારિયો ફક્ત મહારાષ્ટ્રમાં નથી, ભારતનાં અન્ય રાજ્યોમાં પણ ગણેશોત્સવ  મનાવવાનો ટ્રેન્ડ ફૂલ્યોફાલ્યો છે અને ત્યાં પણ પીઓપીની મૂર્તિઓ વેચાય છે. હા, એન્વાયર્નમેન્ટનો વિચાર કરતો એક વર્ગ ઊભરી રહ્યો છે ચોક્કસ. પણ આટલી મોટી વસ્તીમાં એનું પ્રમાણ સાવ નહીંવત્ છે. હવે આ કોરોના આફતને આપણે અવસરમાં બદલીએ એ સારુ મેં ફ્રી વર્કશૉપનું આયોજન કર્યું છે.’
૧૫ ઑગસ્ટે  સવારે ૧૧ વાગ્યે ટેલિગ્રામ પ્લૅટફૉર્મ પરથી આ વર્કશૉપનું લાઇવ પ્રસારણ થશે જેમાં ચોકલેટમાંથી, વિવિધ પ્રકારની માટીઓમાંથી ગણપતિ બનાવવાનું શીખવાડવામાં આવશે. નાનકડી પ્રાર્થના, મેડિટેશન બાદ મૂર્તિ ઘડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. પ્રેયર અને ધ્યાન કેમ? એના જવાબમાં રિન્તુબહેન કહે છે, ‘સી, તમે કોઈ આર્ટ પીસ નથી બનાવી રહ્યા, વિઘ્નહર્તાનું નિર્માણ કરી રહ્યા છો. એ માટે મન-મસ્તકમાં શુભ ભાવ લાવવો બહુ જરૂરી છે. અને આ ભાવ પ્રાર્થનાથી આવશે. બીજું હું માનું છું કે વિશ્વના આટલા બધા લોકો એક  જ સમયે કલેક્ટિવલી પ્રાર્થના કરશે એથી યુનિવર્સલી પૉઝિટિવ એનર્જી ઉત્પન્ન થશે.’
એટલું જ નહીં, રિન્તુબહેન ખાસ કહે છે કે વર્કશૉપ કરનાર ઇચ્છુક વ્યક્તિ એ જ દિવસે નહીં પણ આગોતરા જોડાય, કારણ કે મૂર્તિ નિર્માણ કરવા પહેલાં કેટલીક પૂર્વતૈયારીઓ કરવાની હોય છે.
ચોકલેટમાંથી ગણપતિ કેમ? આ સવાલ જો તમને થયો હોય તો એની પાછળની કહાણી તમારે જાણવી જ રહી. રાજકોટમાં જન્મેલાં અને ઊછરેલાં રિન્તુબહેન માટે ગણેશોત્સવ એટલે ગણપતિ ચોથના દિવસે ઘરના મંદિરમાં રાખેલા બાપ્પાની પૂજા કરવી અને લાડવાનો પ્રસાદ ધરાવવો એટલું જ. પરણીને મુંબઈ આવ્યા પછી આ દિવસોમાં સાસરિયામાં વિનાયકની મૂર્તિ પધરાવાતી. લગ્ન બાદ પહેલા વર્ષે બરોડા સ્કૂલ ઑફ ફાઇન આર્ટ્સમાં કમર્શિયલ આર્ટનું ભણેલાં રિન્તુબહેન જાતે માટીથી પ્રતિમા બનાવી એનું સ્થાપન કર્યું અને ઘરમાં જ એનું વિસર્જન કરી એ જળ ઘરના કૂંડામાં પધરાવ્યું. થોડાં વર્ષ આ જ સિલસિલો ચાલુ રહ્યો. બાદમાં ગણેશોત્સવ પૂર્ણ થયા બાદ એક સવારે રિન્તુબહેન મૉર્નિંગ વૉક માટે જુહુ બીચ ગયાં અને બીચ પર ભગવાનની મૂર્તિના તૂટેલા હાથ, ચહેરો, પગ વગેરે અંગોના સેંકડો અવશેષો જ્યાં-ત્યાં રઝળતા અને લોકોના પગ નીચે કચડાતા જોયા. રિન્તુબહેન કહે  છે, ‘આ દૃશ્ય જોઈને એકદમ અપસેટ થઈ જવાયું. જેને આપણે શ્રદ્ધાથી ઘરે લાવ્યા હોઈએ, પાંચ-સાત-દસ દિવસ-રાત તેમની ભક્તિ કરી હોય અને વિસર્જન બાદ એની આવી અવહેલના! ધિસ શુડ બી સ્ટૉપ્ડ. એટલે મેં બીજા વર્ષે બદામ અને સાકરની પેસ્ટમાંથી ગણપતિ બનાવવાનું વિચાર્યું. સ્કલ્પ્ચરિંગની કળા આવડતી હતી છતાં એમાંથી ગણપતિ કઈ રીતે બનશે એની થોડી અવઢવ હતી. પણ બાપાની કૃપા થઈ કે ખૂબ સુંદર પ્રતિમા બની. હવે એને તો પાણીમાં વિસર્જિત ન કરાય એટલે અમે દૂધમાં વિસર્જન કર્યું અને એ આમન્ડ મિલ્ક અમે ૮૦ અનાથ બાળકોને પ્રસાદરૂપે પીવડાવ્યું. સર્જનથી લઈ વિસર્જનના આ કન્સેપ્ટથી અમને બહુ જ આનંદ આવ્યો અને અમે નક્કી કર્યું કે હવે આ જ રીતે ગણેશ ઉત્સવ મનાવીશું. એના પછીના વર્ષે બદામમાંથી થોડા વધુ મોટા ગણપતિ બનાવ્યા. ત્યાર બાદ મને થયું કે બદામનું દૂધ બાળકોને મળે એના કરતાં જો તેમને ચૉકલેટ મિલ્ક પીવા મળે તો તેમને વધુ મોજ પડે. ચૉકલેટિયર તરીકે  ચૉકલેટમાંથી વિવિધ સ્ક્લ્પ્ચર બનાવવાનો મને અનુભવ હતો જ અને એમાંથી જ નિર્માણ પામ્યા ચૉકલેટ ગણેશ.’
૨૦૧૧થી દર વર્ષે રિન્તુબહેન વિશાળ ને વિશાળ ચૉકલેટના ગણપતિ બનાવે છે જેના વિસર્જન  બાદ વંચિત બાળકોને ચૉકલેટ મિલ્કનો પ્રસાદ વહેંચવાનો વ્યાપ પણ વધતો જ જાય છે. એ સાથે જ વધુ ને વધુ લોકો આ કન્સેપ્ટ અપનાવે એ માટે રિન્તુબેન અનેક વર્કશૉપ કરે છે, યુટ્યુબ પર વિડિયો મૂકે છે.
ચૉકલેટના ગણપતિ દૂધમાં વિસર્જિત કરવા અને એ ચૉકલેટ મિલ્ક પ્રસાદરૂપે પીવું અને પીવડાવવું એ પરંપરાગત માન્યતા ધરાવતા લોકોની કદાચ સમજમાં ન પણ બેસે. એના ઉત્તરમાં એક ટીનેજર દીકરાનાં મમ્મી રિન્તુબહેન કહે છે, ‘એ માત્ર ચૉકલેટ મિલ્ક નથી, એ બાપ્પાની દિવ્યતાનો પ્રસાદ છે. આ બહાને ફક્ત એક દિવસ માટે પણ કેટલાંય વંચિત બાળકોના ચહેરા પર મુસ્કુરાહટ આવે છે એ કેટલી મોટી અનુકંપા છે? વળી બાપ્પા હંમેશ માટે તેમનાં તન-મનમાં સમાય છે. મને અત્યાર સુધી ક્યારેય કોઈ લોકોએ આ વિશે નેગેટિવ ટકોર  કરી નથી. છતાંય જેને ચૉકલેટ ગણેશનો કન્સેપ્ટ ન જામતો હોય તે આ જ પદ્ધતિથી  શાડૂ માટી, કુંભારની માટી કે ટેરાકોટા માટીમાંથી મૂર્તિ બનાવી શકે છે. આ વર્કશૉપમાં એ પણ શીખવાડવામાં આવશે. મારો એક જ આશય છે, હવે નદી, સરોવર, સમુદ્ર કે કોઈ પણ વૉટર સોર્સને સ્પૉઇલ કરવાનું બંધ કરીએ. માઇન્ડસેટમાં નાનો  પણ  મહત્ત્વનો  ફેરફાર  આણીએ.’

ચૉકલેટ ગણેશની સાચવણી જરા પણ અઘરી નથી
અત્યાર સુધી હજારો વંચિત બાળકોને  પ્રસાદરૂપે ચૉકલેટ મિલ્ક વહેંચનાર રિન્તુબેન કહે છે, ‘ચૉકલેટ ગણપતિની સાચવણી જરાય અઘરી નથી. એ એક મહિના સુધી બગડતી નથી. હા, જ્યાં ખૂબ ગરમી હોય કે તડકો આવતો હોય એવી જગ્યાએ સ્થાપન કરો તો ઍર-કન્ડિશન ચાલુ રાખવું. વાઇટ અને બ્રાઉન બેઉ ચૉકલેટમાંથી ગણપતિ બન્ને ઓરિજિનલ કલરમાં સુંદર લાગે છે. છતાં તમારે એને રંગ આપવા હોય તો ખાવાના પાઉડર કલરથી રંગી શકાય. માટીના ગણપતિમાં તો કોઈ કલર ન જ કરવો એવું હું માનું છું, કારણ કે કલર ટૉક્સિક છે જે ધરતીની ફળદ્રુપતા પર નકારાત્મક અસર કરે છે. ચૉકલેટના ગણપતિને વસ્ત્ર પહેરાવી શકાય. હળદર, ફૂલ, અક્ષત વડે પૂજા કરી શકાય. ખાવાના લાલ કલરનો કંકુ તરીકે ઉપયોગ કરી શકાય. મૂર્તિથી દોઢ ફુટ દૂર અખંડ દીવો પણ રાખી શકાય. હા, વિસર્જન પૂર્વે થોડી કાળજી લેવાની રહે છે. એક નવા પેઇન્ટ બ્રશથી આખી પ્રતિમાજીનું ડસ્ટિંગ કરી લેવું. પછી થોડા દૂધ વડે એનો અભિષેક કરી લેવો.  ત્યાર બાદ એને દૂધ ભરેલા ઊંડા વાસણમાં વિસર્જિત કરવી. વિસર્જન માટે ટેટ્રા પૅકનું દૂધ વાપરવું વધુ સુગમ રહે છે, કારણ કે એ બહુ જલદી બગડતું નથી. સાથે જ ફૂડ પૉઇઝનિંગના ચાન્સિસ ઘટી જાય છે. જેટલા કિલો ચૉકલેટના ગણપતિ હોય એનો ત્રણથી ગુણાકાર કરો એટલા લિટર દૂધમાં  વિસર્જન કરાતાં વ્યવસ્થિત ચૉકલેટ મિલ્ક તૈયાર થઈ જાય છે. એમાં ઉપરથી શુગર ભેળવવાની પણ જરૂર રહેતી નથી.’

alpa nirmal columnists ganesh chaturthi