ગુજરાતી લક્ષ્મીકાંત-પ્યારેલાલની તૂટી જોડી

26 October, 2020 08:55 PM IST  |  Rajkot | Rashmin Shah

ગુજરાતી લક્ષ્મીકાંત-પ્યારેલાલની તૂટી જોડી

ગુજરાતી લક્ષ્મીકાંત-પ્યારેલાલની તૂટી જોડી

મ્યુઝિક-ડિરેક્ટર મહેશ-નરેશ પૈકીના મહેશ કનોડિયાનું ગઈ કાલે નિધન થયું હતું. મહેશભાઈની ઉંમર ૮૩ વર્ષ હતી. મહેશ-નરેશના કમ્પોઝિશનની સરખામણી બૉલીવુડના લક્ષ્મીકાંત-પ્યારેલાલ સાથે થતી હતી. લાગલગાટ સુપરહિટ સૉન્ગ્સ આપતા રહેવાને કારણે ૮૦ના દસકામાં તો ગુજરાતી ફિલ્મોમાં એવી પરિસ્થિતિ હતી કે માત્ર મ્યુઝિક-ડિરેક્ટરમાં મહેશ-નરેશનું નામ સાંભળી કે વાંચીને ફિલ્મો હિટ થઈ જતી. હિન્દી ફિલ્મોના જાણીતા ડિરેક્ટર અબ્બાસ-મસ્તાન અને મેહુલકુમારે ગુજરાતી ફિલ્મોથી કરીઅરની શરૂઆત કરી, પણ તેમની એ કરીઅરને સ્ટેબલ કરવાનું અને તેમને નામે હિટ ફિલ્મો આપવાનું કામ મહેશ-નરેશે કર્યું હતું. અનેક ગીતો આ જોડીએ એવાં આપ્યાં જેના પરથી ત્યાર પછી હિન્દી ફિલ્મોનાં સુપરહિટ ગીતોની રચના પણ થઈ. ગુજરાતી ફિલ્મોના જાણીતા ડિરેક્ટર કે. અમર એવા જ એક ગીતને યાદ કરતાં કહે છે કે ફિલ્મ ‘લાવારિસ’નું ‘મેરે અંગને મેં તુમ્હારા ક્યા કામ હૈ...’ ગીત આપણે ત્યાં પૉપ્યુલર છે, પણ હકીકતમાં એ સૉન્ગ મહેશ-નરેશની હિન્દી ફિલ્મ ‘મજે લે લો’ના એક ગીત પર આધારિત છે. કે. અમર કહે છે, ‘તેમને ક્યારેય કોઈ જાતના વિવાદમાં કે વિખવાદમાં રસ નહોતો. તેમણે રચેલું ગીત ‘ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય’ ગીત પરથી એક જાણીતી મ્યુઝિક કંપનીએ ગીત બનાવ્યું ‘ગોરિયા પ્યાર મુઝે કબ દોગી...’ ગીત આખું તેમને સંભળાવવામાં આવ્યું અને ગીત શરૂ થતાં જ એ લોકોને સમજાઈ પણ ગયું કે આખું ગીત કૉપી મારવામાં આવ્યું છે, પણ તેમણે કોઈ જાતના ઍક્શન લેવાને બદલે હસતાં-હસતાં એટલું જ કહ્યું, ‘સારું થ્યું, ગીત આગળ તો વધ્યું.’
મહેશ-નરેશ પૈકીના મહેશભાઈનું નિધન થયું છે એ સમયે તેમના સગા નાના ભાઈ અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર નરેશ કનોડિયા હૉસ્પિટલમાં છે. તેમને કોરોના થતાં શુક્રવારે હૉસ્પિટલાઇઝ્‍ડ કરવામાં આવ્યા છે. તેમની તબિયત પણ નાજુક છે.
નાનું ગામ અને અઢળક સંઘર્ષ
મહેશ કનોડિયાનો જન્મ મહેસાણાના કનોડા ગામમાં થયો હતો. તેમના પપ્પા મીઠાભાઈ અને બા દલીબહેન વણાટકામ કરતાં. મહેશભાઈ ગર્વ સાથે કહેતા કે અમે વણકર છીએ. ‘મિડ-ડે’ સાથે થયેલી એક વાતચીતમાં તેમણે કહ્યું હતું કે ‘વણાટકામની આવકમાંથી અમારું ઘર ચાલ્યું છે તો પછી એ વાતમાં સંકોચ શું કામ રાખવાનો. અમારાં બા-બાપુજી સાડી, ધોતિયાં, રૂમાલ જેવાં કપડાં બનાવતાં અને એ આવકમાંથી અમારું ગુજરાન ચાલતું.’
મહેશભાઈને નરેશ, શંકર અને દિનેશ નામે ત્રણ ભાઈઓ અને નાથીબહેન, પાનીબહેન તથા કંકુબહેન નામે ત્રણ બહેનો છે. સાત સંતાન સાથે માબાપ એક રૂમના મકાનમાં રહેતાં. પારાવાર સંઘર્ષ વચ્ચે પણ મહેશભાઈને મળેલી ઈશ્વરની કૃપા જેવો અવાજ બહાર આવ્યો. નાનપણમાં મહેશભાઈ રેડિયો સાંભળવા નાથારા માસ્તરને ત્યાં જાય. મહેશભાઈએ જ કહ્યું હતું એમ, ‘સહેજ પણ અવાજ ન થાય એનું ધ્યાન રાખીને ઘરમાં જવાનું. બીક મનમાં એવી હોય કે અવાજ થશે તો મને કાઢી મૂકશે, રેડિયો સાંભળવા નહીં દે. ચૂપચાપ બેસીને રેડિયો સાંભળું અને મનમાં ને મનમાં ગીતો પાક્કાં કરું. એક વખત એવું થયું કે હું ધીમે-ધીમે ગીત ગણગણતો હતો ત્યારે જેનો રેડિયો હતો તેણે રેડિયો બંધ કરી દીધો. મને કહે હવે તારે ગાવાનું ચાલુ રાખવાનું છે, ગા. મારી લાઇફનો એ પહેલો પર્ફોર્મન્સ. એ સમયે મેં નૂરજહાંના અવાજમાં ‘આવાઝ દે કહાં હૈ...’ ગાયું હતું.’
મહેશભાઈને ઈશ્વરીય દેન હતી કે તેઓ ૩૨ અવાજમાં ગાઈ શકતા હતા. નૂરજહાંથી માંડીને શમશાદ બેગમ, લતા મંગેશકર અને સુરૈયાથી લઈને સાયગલ, મન્ના ડે, સુરેન્દ્ર, મુકેશ, મોહમ્મદ રફી જેવા અનેક સિંગર્સના અવાજમાં તેઓ સહેલાઈથી ગાઈ શકતા. તેમની આ ગાયકીને લીધે તેઓ લોકોમાં અચરજ બનીને રહેતા. લોકો માત્ર ને માત્ર તેમને જોવા માટે અને જે કહેવાય છે એ સાચું છે કે નહીં એની ખરાઈ કરવા આવતા. કલ્યાણજી-આણંદજી પૈકીના આણંદજીભાઈએ કહ્યું હતું કે ‘આને ગૉડ્સ ગિફ્ટ જ કહેવાય. મહેશભાઈને સરસ્વતી માએ આ અલભ્ય કહેવાય એવી ભેટ આપી હતી.’
મ્યુઝિક ક્ષેત્રમાં પદાર્પણ
૮૦ના દસકામાં મહેશકુમાર ઍન્ડ પાર્ટી શરૂ થઈ એ પહેલાં જ બન્ને ભાઈઓએ મ્યુઝિકના ક્ષેત્રમાં પદાર્પણ કરી લીધું હતું. ૭૦ના દસકામાં ‘જિગર અને અમી’ અને ‘તાનારીરી’ને ગુજરાત સરકારે બેસ્ટ મ્યુઝિકનો અવૉર્ડ આપ્યો અને મહેશ-નરેશનું નામ સૌકોઈની નજરમાં પ્રસ્થાપિત થઈ ગયું. આ તબક્કા સુધી નરેશભાઈને ક્યાંય ઍક્ટર બનવાનો વિચાર પણ નહોતો આવ્યો. જૂજ લોકોને ખબર છે કે નરેશભાઈને ઍક્ટર બનાવવા પાછળ પણ મહેશભાઈનો બહુ મોટો ફાળો રહ્યો છે. બન્યું એમાં એવું કે મહેશકુમાર ઍન્ડ પાર્ટીમાં માત્ર મ્યુઝિકને બદલે કૉમેડી પણ ઉમેરાય એવા હેતુથી મહેશભાઈના કહેવાથી નરેશભાઈએ જૉની જુનિયરનું કૅરૅક્ટર કરવાનું શરૂ કર્યું, જે જબરદસ્ત પૉપ્યુલર થયું. જૉની જુનિયર હિન્દી ફિલ્મોના જાણીતા ઍક્ટર જૉનીવૉકર પરથી પ્રેરિત થયું હતું. મહેશભાઈ અને નરેશભાઈના સંબંધોની વાત કરીએ તો નરેશભાઈએ પોતે કહ્યું છે કે મહેશભાઈ મારે માટે માતાથી પણ વિશેષ રહ્યા છે. આ હકીકત પણ છે. નરેશ કનોડિયા માત્ર ૬ મહિનાના હતા ત્યારે જ તેમનાં બા ગુજરી ગયાં અને મહેશભાઈએ જ નરેશભાઈની બધી સારસભાંળ રાખી તિિ.
મહેશકુમાર ઍન્ડ પાર્ટીની લોકચાહના એ સ્તરે વધી હતી કે ઑર્કેસ્ટ્રાના શો જોવા માટે દેશ-વિદેશથી લોકો આવતા, જેમાં અમિતાભ બચ્ચનથી માંડીને લાલ કૃષ્ણ અડવાણી, અટલ બિહારી વાજપેયીથી લઈને ઇન્દિરા ગાંધીનો પણ સમાવેશ થાય છે. ફૉરેનમાં પણ તેમના શોની જબરદસ્ત ડિમાન્ડ રહેતી. ૮૦ના દસકામાં જ્યારે પ્લેન અને ઇન્ટરનૅશનલ ટૂર ભાગ્યે જ જોવા મળતાં એવા સમયમાં મહેશકુમાર ઍન્ડ પાર્ટીએ વિશ્વના ૩૦થી વધુ દેશોમાં મ્યુઝિકલ શો કર્યા હતા. આ દેશોમાં અમેરિકા, ઑસ્ટ્રેલિયા, કૅનેડાથી માંડીને આફ્રિકા અને આરબ અમીરાતનો સમાવેશ છે, પણ એની સાથોસાથ જપાન અને જર્મનીનો પણ સમાવેશ થાય છે. એ દેશોમાં શો થવા પાછળનું કારણ મહેશભાઈના ગળામાં રહેલા ૩૨ અવાજોનું અચરજ હતું. મહેશકુમાર ઍન્ડ પાર્ટીની સક્સેસની સૌથી મોટી નિશાની એ કે વર્ષના ૩૬પ દિવસ હોય, પણ ઑર્કેસ્ટ્રાના શો ૪૦૦ કે એનાથી પણ વધારે હોય.
મહેશકુમાર ઍન્ડ પાર્ટીએ અંદાજે ૧પ,૦૦૦થી પણ વધારે સ્ટેજ-શો કર્યા અને એ પછી મહેશભાઈએ સ્ટેજ-શોમાંથી નિવૃત્તિ લઈ લીધી.

મહેશ કનોડિયાની વિદાય અને નરેશ કનોડિયા હૉસ્પિટલમાં છે

મહેશ-નરેશ તરીકે ગુજરાતી ફિલ્મોમાં અદ્ભુત મ્યુઝિક આપનારા મહેશ કનોડિયાનું ૮૩ વર્ષની ઉંમરે લાંબી માંદગી બાદ ગઈ કાલે ગાંધીનગરમાં નિધન થયું હતું. મહેશભાઈનાં વાઇફ ઉમાબહેનનું પણ નિધન થયું ચૂક્યું છે, જ્યારે દીકરી પૂજા કનોડિયાનું પણ બે વર્ષ પહેલાં નિધન થયું છે. મહેશભાઈ પોતાના નાના ભાઈ નરેશ કનોડિયા સાથે ગાંધીનગરના ઘરે સંયુક્ત પરિવારમાં રહેતા હતા.
ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર એવા નરેશ કનોડિયાના મોટા ભાઈ એવા મહેશભાઈ બીજેપી વતી લોકસભા ઇલેક્શન પણ લડ્યા હતા અને પાટણની બેઠક પરથી ૧૯૯૧માં પહેલી વાર જીત્યા પછી એકધારી ત્રણ ટર્મ સુધી તેમણે એ બેઠક જાળવી રાખી હતી. ૯૦ના તબક્કામાં બીજેપી લોકસભામાં ખાસ કાંઈ ઉકાળી નહોતી શકી, પણ મહેશ કનોડિયાની પૉપ્યુલરિટી એવી હતી કે તેમને પાટણવાસીઓેએ લાગલગાટ ત્રણ ટર્મ જીત અપાવી હતી.
મહેશકુમાર ઍન્ડ પાર્ટી નામનું ઑર્કેસ્ટ્રા એ સ્તરે મહેશભાઈએ વિખ્યાત કર્યું હતું કે ૮૦ના દસકામાં તેમના ઑર્કેસ્ટ્રાએ ૩૦થી વધુ દેશોમાં શો કરી લીધા હતા. અનેક અવૉર્ડ્સ જીતનારા મહેશભાઈની સૌથી મોટી ખૂબી એ હતી કે તેઓ ૩૨ અવાજમાં ગીતો ગાઈ શકતા હતા.

હંમેશાં હાજર... 

વાત ૮૦ના દસકાની છે. એ સમયે મહેશકુમાર ઍન્ડ પાર્ટી મુંબઈમાં પગપેસારો કરી રહી હતી, પણ એનું નામ હજી એવું કાંઈ મજબૂત થયું નહોતું. એ સમયે ગુજરાતી નાટક ‘પ્રીત, પિયુ ને પાનેતર’ ધૂમ મચાવતું હતું. નાટકમાં ઍક્ટિંગ કરતા ઍક્ટર અમિત દિવેટિયા અમદાવાદમાં બૅન્કમાં નોકરી કરે અને શો હોય એ દિવસે ફ્લાઇટમાં મુંબઈ આવે. મુંબઈમાં શો હતો એ સાંજે એવી પરિસ્થિતિ ઊભી થઈ કે ફ્લાઇટ લેટ થઈ અને શોનો ટાઇમ થઈ ગયો. બીજા દિવસે ભાઈદાસ ઑડિટોરિયમાં મહેશકુમાર ઍન્ડ પાર્ટીનો શો હતો એટલે મહેશભાઈ ઑડિટોરિયમ પર હાજર હતા. નાટકના ઑર્ગેનાઇઝરે સહેજ વિનંતી કરી કે તમે બે-પાંચ મિનિટ ઑડિયન્સને સમજાવી શકો તો, પણ સમજાવવાની વાત એક બાજુએ રહી, મહેશભાઈએ સ્ટેજ પર ચડીને ગીતો ગાવાનું શરૂ કર્યું અને બે-પાંચને બદલે ઑલમોસ્ટ ૨૦ મિનિટ સુધી મનોરંજન કર્યું અને જ્યાં સુધી અમિતભાઈ રેડી ન થયા ત્યાં સુધી તેમણે સ્ટેજને સાચવી લીધું. બધું સમુંસૂતરું પાર પડ્યું એટલે ઑર્ગેનાઇઝરે મહેશભાઈને પેમેન્ટ માટે પૂછ્યું તો મહેશભાઈએ બે હાથ જોડીને જવાબ આપ્યો, ‘તાળીઓ મળીને, બહુ થયું.’
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક પણ પ્રોડ્યુસર, ઍક્ટર કે સિંગર એવું ન કહી શકે કે મહેશ-નરેશમાંથી કોઈએ પણ ગેરવર્તન કર્યું કે પછી ગુસ્સો કર્યો. ક્યારેય નહીં. ગુસ્સો તો બાજુ પર રહ્યો, બન્ને ભાઈઓને ભાગ્યે જ કોઈએ અકળાયેલા પણ જોયા હશે.

‘તાનારીરી’ના બૈજુ બાવરા...
જે ફિલ્મે મહેશ-નરેશને મ્યુઝિક-ડિરેક્ટર તરીકે લખલૂટ લોકચાહના અપાવી એ ‘તાનારીરી’ ફિલ્મમાં મહેશ કનોડિયાએ બૈજુ બાવરાનો રોલ કર્યો હતો.

Rashmin Shah gujarat dhollywood news gujarati film entertainment news columnists