રફીના ગીતો ગાઇને નામ મેળવતા મહેન્દ્ર કપૂરે તેમના ગીત ગાવાનું કર્યું બંધ

08 March, 2020 08:05 PM IST  |  Mumbai Desk | Rajani Mehta

રફીના ગીતો ગાઇને નામ મેળવતા મહેન્દ્ર કપૂરે તેમના ગીત ગાવાનું કર્યું બંધ

મોહમ્મદ રફી સાથે મહેન્દ્ર કપૂર

મન હોય તો માળવે જવાય એ કહેવતને સાચી પાડતા મહેન્દ્ર કપૂરની કિસ્મતે તેમને ભીંડીબજારની કિતાબ મંજિલ પહોંચાડ્યા. આવી જ કઈક વાત આજકાલના આધ્યાત્મ ગુરુઓ કહે છે ‘Concentrated thoughts makes things.’ મહેન્દ્ર કપૂરની મોહમ્મદ રફી માટેની અપ્રતિમ ભક્તિ તેમના ઘર સુધી લઈ ગઈ. એટલું જ નહીં, તેમના શાગિર્દ બનવાનો તેમને મોકો મળ્યો. ભગવાન અને ભક્તનું આ અનેરું મિલન હતું.

સંગીત પ્રત્યેની લગન અને રફીસા’બ માટેનો લગાવ, આ બે ચીજને કારણે મહેન્દ્ર કપૂર ગાયકીની દિશામાં ધીમા પરંતુ મક્કમ પગે આગળ વધી રહ્યા હતા. આ સાથે બન્ને પરિવારનો ઘરોબો વધી રહ્યો હતો. એ વાત કરતાં મહેન્દ્ર કપૂર કહે છે, ‘એક દિવસ મેં તેમને ઘરે જમવા બોલાવ્યા. લસ્સી, પૂરી, હલવા અને બીજી વાનગીઓ બની હતી. ઘરમાં આવતાં જ હમીદભાઈ રફીસા’બને કહે, ‘પહેલે બાઉજી કે પાઉં છુઓ, આશીર્વાદ લો, બાદ મેં લસ્સી, પૂરી ખાયેંગે.’ ત્યાર બાદ તો અવારનવાર બન્ને ભાઈઓ અમારે ઘેર આવતા. ગીતોની મહેફિલ જામતી. અમારી વચ્ચે ખૂબ પ્રેમ હતો.’
એ દિવસોમાં સંગીતકાર વી. બલસારા (જે એચ.એમ.વી.માં હતા) પોતાની ઑર્કેસ્ટ્રા ચલાવતા. મહેન્દ્ર કપૂર એમાં મોહમ્મદ રફીનાં ગીતો ગાતાં અને લોકોની વાહ-વાહ મળતી. તેમને માટે આનાથી વધુ બીજી કોઈ ખુશનસીબી નહોતી, પરંતુ રફીસા’બને એ વાતની ખબર હતી કે આ યુવાનની સાચી મંજિલ કઈ છે. એક દિવસ તેમણે કહ્યું...
‘મોહિન્દર, તુ કબ તક મેરી કૉપી કરતે મેરે ગાને ગાતા રહેગા. ઐસે તો તેરી કોઈ અલગ પહેચાન બનેગી હી નહીં. તુઝે અપની પહેચાન બનાની ચાહિયે. ઇસકે લિયે ક્લાસિકલ સીખના બહુત જરૂરી હૈ.’ આ સાંભળી મહેન્દ્ર કપૂર વિચારમાં પડી ગયા. તેમને એમ લાગ્યું કે હું રફીસા’બ જેવું ગાઉં છું એનાથી વિશેષ બીજું શું હોઈ શકે? ત્યારે રફીસા’બે તેમને સમજાવ્યા કે ‘હંમેશાં અસલની કદર થાય છે. તારામાં જે પ્રતિભા છે એ કેવળ મારી નકલ કરવા સુધી સીમિત રહી જાય એ હું નથી ઇચ્છતો.’ પોતાના હાથે જ ભવિષ્યમાં પોતાનો પ્રતિસ્પર્ધી બની શકનાર વ્યક્તિને પ્રોત્સાહન આપવાનું કામ કેવળ મોહમ્મદ રફી જેવા મહાન મનુષ્ય જ કરી શકે.
આવી જ કઈક સલાહ સંગીતકાર ખય્યામ તરફથી મહેન્દ્ર કપૂરને મળી (એક આડવાત. મોહમ્મદ રફીના મોટા ભાઈ હમીદભાઈએ પોતે ખય્યામ પાસે જઈને વિનંતી કરી હતી કે તેઓ મોહમ્મદ રફીને તાલીમ આપે. આ કિસ્સો વિગતવાર આ પહેલાં લખી ચૂક્યો છું.) અને આમ મહેન્દ્ર કપૂરની બાકાયદા ક્લાસિકલ સંગીતની તાલીમ શરૂ થઈ.
પોતાની સંગીતસફરની યાદોને તાજી કરતાં મહેન્દ્ર કપૂર કહે છે, ‘અમારા બિલ્ડિંગની સામે એક પારસી લેડી રહેતાં. તે અને મારી માતાજી મિત્રો હતાં. એક દિવસ તેણે માતાજીને કહ્યું કે મારી દીકરીને પ્લેબૅક સિંગર તરીકે ચાન્સ મળ્યો છે. એનું નામ હતું ધન ઇન્દોરવાલા. આ સાંભળી મારી માએ કહ્યું, ‘બેટા, યે ધન કો કૈસે પ્લેબૅક કા ચાન્સ મિલ ગયા?’
આ વાત સાંભળી હું પણ વિચારમાં પડી ગયો. મેં ધનને ફોન કર્યો, ‘આપ પ્લેબૅક કર રહી હો?’
અભી નહીં, પર કરનેવાલી હૂં. અભી તો મેં સીખ રહી હૂં.’
ધનનો જવાબ સાંભળી મેં પૂછ્યું, ‘કિસકે પાસ?’
‘વી. બલસારા કે પાસ. અગર તુમ્હે આના હૈ તો તુમ ભી ચલો. યહી પાસ મેં રહેતે હૈં.’ ધનની વાત સાંભળી હું તો તરત પારસી ડેરી ફાર્મની પાસે રહેતા વી. બલસારાને મળવા પહોંચ્યો.
જઈને મારા સંગીતના શોખની વાત કરી. મને કહે, ‘કુછ સુનાઓ’ અને મેં રફીસા’બનું યાદગાર ગીત ‘સુહાની રાત ઢલ ચૂકી, ના જાને તુમ કબ આઓગે’ સંભળાવ્યું. તેઓ તો ખુશ થઈ ગયા. મને કહે, ‘મારી ઑર્કેસ્ટ્રા સાથે ક્લબમાં ગાઈશ?’ મને તો આની કલ્પના જ નહોતી. મેં તરત હા પાડી અને આમ દર શનિવારે હું અને ધન ઑર્કેસ્ટ્રા સાથે ક્લબમાં ગાતાં. એ દિવસોમાં હજી હું સ્કૂલમાં હતો.
વી. બલસારા મારામાં ખૂબ રસ લેતા, પ્રોત્સાહન આપતા. એક દિવસ કહે, ‘આજે એવી વાત લઈને આવ્યો છું કે તું ખુશ થઈ જઈશ. તારે પ્લેબૅક કરવાનું છે’ અને આમ મેં ધનની સાથે ફિલ્મ ‘મદમસ્ત’ (૧૯૫૩)માં એક ગીત ગાયું (ગીતના શબ્દો હતા ‘કિસી કે ઝૂલ્મ કી તસવીર હૈ’.) આ ઉપરાંત આ ફિલ્મમાં મહેન્દ્ર કપૂરનું એસ. ડી. બાતીશ સાથેનું એક ગીત છે ‘ઉન્હે દેખે તો વો મૂંહ ફેર કરકે મુસ્કુરાતે હૈ’. ત્યાર બાદ ફિલ્મ ‘લલકાર’ (૧૯૫૬)માં મહેન્દ્ર કપૂર અને સબિતા બૅનરજી (સલિલ ચૌધરીનાં પત્ની)ના સ્વરમાં સંગીતકાર સન્મુખબાબુએ એક ડ્યુએટ રેકૉર્ડ કર્યું ‘ઓ બેદર્દી જાનકર ના કર બહાને’.
એ દિવસોની વાતો કરતાં મહેન્દ્ર કપૂર એક નિખાલસ એકરાર કરતાં કહે છે...
‘મહેતાજી, ઉસ વક્ત મુઝે પતા ચલા કી મૈં રફીસા’બ કે ગાને કિતની બૂરી તરહ સે ગાતા થા. શાયદ કિસીને ભી ઉનકી ઐસી ખરાબ કૉપી નહીં કી હોગી. જબ આપકો સહી માયને મેં પતા ચલતા હૈ કી ગાના કિસ તરહ સે ગાયા જાતા હૈ તબ ખયાલ આતા હૈ કી આપ કિતના ગલત ગા રહે થે. ઉસ દિન સે મૈંને કસમ ખાઈ કી આજસે મૈં રફીસા’બ કે ગાને નહીં ગાઉંગા. ઉનકે ગાને ઇતની બૂરી તરહ સે ગા કે મૈં ઉનકા અપમાન નહીં કર સકતા. મેરે દિલ મે ઉનકે લિયે બહુત ઇજ્જત હૈં.’
એ દિવસોમાં પોતાનાથી થયેલી નાદાનિયતનો ગિલ્ટ કૉમ્પ્લેક્સ મહેન્દ્ર કપૂરના ચહેરા પર સાફ સાફ દેખાઈ આવતો હતો. ફિલ્મ ‘મદમસ્ત’ બાદ ફિલ્મ ‘લલકાર’માં તેમણે ગાયેલાં ગીતોની ભાગ્યે જ ક્યાંક નોંધ લેવાઈ. એ સમય હિન્દી ફિલ્મસંગીતનો સુવર્ણ કાળ હતો. નબળી ફિલ્મો પણ સંગીતના કારણે હિટ થતી. જ્યારે આ ફિલ્મો અને એનું સંગીત લોકોના ધ્યાનમાં આવ્યું જ નહીં અને એક સિંગર તરીકે તેમની કારકિર્દી શરૂ થતાંની સાથે જ લગભગ પૂરી થઈ એવું લાગ્યું, પરંતુ તેમના જીવનનો ટર્નિંગ પૉઇન્ટ કહી શકાય એવી એક ઘટના બની ૧૯૫૭માં. એની વિગતવાર વાત કરતાં મહેન્દ્ર કપૂર કહે છે...
મારો કૉલેજનો અભ્યાસ લગભગ પૂરો થવાની તૈયારી હતી. ત્યાર બાદ શું કરવું એની અવઢવમાં હતો. એ દિવસોમાં ‘ઑલ ઇન્ડિયા મરફી – મેટ્રો કૉમ્પિટિશન’ની જાહેરાત થઈ જેમાં પૂરા ભારતમાંથી એક પુરુષ અને એક સ્ત્રીની ઉત્તમ ગાયક કલાકાર તરીકેની પસંદગી થવાની હતી. આ માટે પાંચ દિગ્ગજ સંગીતકારોની જજ તરીકે નિમણૂક થઈ હતી. એ નામ હતાં અનિલ બિશ્વાસ, નૌશાદ, સી. રામચંદ્ર, મદન મોહન અને વસંત દેસાઈ. ભારતનાં દરેક રાજ્યમાં જઈને તેઓ આશાસ્પદ કલાકારોને સાંભળીને તેમનાં નામ શૉર્ટ લિસ્ટ કરતાં ગયાં જેમાં મારું નામ આવ્યું. છેવટે ફાઇનલમાં ચાર છોકરા અને ચાર છોકરીઓની પસંદગી કરવામાં આવી. નસીબજોગે હું એમાં પણ સિલેક્ટ થયો હતો.
ફાઇનલ મેટ્રો થિયેટરમાં હતી. દરેકે ખૂબ જ સુંદર રીતે ગાયું. આ કારણે જજીઝમાં ગૂંચવાડો થયો. કોઈ એક સર્વસંમત નિર્ણય પર તેઓ આવી ન શક્યા. ખૂબ ચર્ચા થઈ. છેવટે નૌશાદસા’બે એક સૂચન આપ્યું, ‘આ મેટ્રોનું માઇક્રોફોન છે. એમાં સાચા અવાજની ખબર ન પડે. આજે સાંજે આપણે મેહબૂબ સ્ટુડિયો જઈએ. ત્યાં રેકૉર્ડિસ્ટ મંગેશ આ દરેકનો અવાજ સાંભળીને કોણ વિજેતા છે એ નક્કી કરે.’ દરેકે આ વાત સ્વીકારી, કારણ કે રેકૉર્ડિસ્ટ તરીકે તેમનું મોટું નામ હતું. આ ઉપરાંત વિજેતાને પ્લેબૅક સિંગર તરીકે ચાન્સ મળવાનો હતો એટલે આવા સિનિયર માણસનું સજેશન મળે એ સારી વાત હતી.
મેહબૂબ સ્ટુડિયોમાં એક મોટો પડદો લગાડવામાં આવ્યો જેથી સિંગરનો ચહેરો કોઈને દેખાય નહીં. કૉમ્પિટિશન વખતે દરેક સિંગરને નંબર આપવામાં આવ્યા હતા. અહીં પણ એમ જ કર્યું. સિંગરનું નામ નહીં, પણ તેનો નંબર બોલાય એટલે તેણે ગાવાનું શરૂ કરવાનું. ધારો કે નંબર બોલાય ૬૭ તો એ નંબરનો સિંગર ગાય. પછી બોલાય ૪૫ એટલે એ નંબરનો સિંગર ગાય. અંતમાં કૌશિક બાવાને પૂછ્યું કે કયો નંબર શ્રેષ્ઠ છે? તો જવાબ મળ્યો નંબર ૪૫ અને એ નંબર મારો હતો. નૌશાદસા’બે દરેકને પૂછ્યું, બોલો, દરેકને આ નિર્ણય મંજૂર છે? સૌએ હા પાડી. આમ હું વિનર બન્યો. (એ સમયે હેમંત કુમારની પુત્રી આરતી મુખરજીને બેસ્ટ ફીમેલ સિંગરનું ઇનામ મળ્યું હતું. તેમનું મોહમ્મદ રફી સાથેનું ફિલ્મ ‘દો દિલ’નું ડ્યુએટ ‘સારા મોરા કજરા છુડાયા તુને, ગરવા સે કૈસે લગાયા તુને’ મારા જેવા અનેક સંગીતપ્રેમીઓનું ઑલ ટાઇમ ફેવરિટ છે.)
મહેન્દ્ર કપૂરની સાચા અર્થમાં પ્લેબૅક સિંગર બનવાની ઇચ્છા હવે પૂરી થવાની હતી, પરંતુ એ વાત એટલી સહેલી નહોતી. જજીઝ બનેલા દરેક સંગીતકારોએ પોતે વિજેતા પાસેથી પ્લેબૅક કરાવશે એવી વણલીખી બાંયધરી આપી હતી, પરંતુ એમાં કોઈ સમયમર્યાદા નહોતી. એ સમયે નૌશાદ મહેન્દ્ર કપૂર માટે એક સોનેરી તક લઈને આવ્યા. પંજાબની મશહૂર પ્રેમકથા પર આધારિત ફિલ્મ ‘સોહની મહિવાલ’માં (ભારત ભૂષણ અને નિમ્મી) તેમના સંગીત નિર્દેશનમાં દરેક ગીતો (એક સિવાય) રેકૉર્ડ થઈ ચૂક્યાં હતાં. શકીલ બદાયુનીની કલમે લખાયેલાં અને મોહમ્મદ રફી અને લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલાં આ ગીતો ફિલ્મની રિલીઝ પહેલાં જ લોકપ્રિય થવા લાગ્યાં હતાં. જે એક ગીત બાકી હતું એ પણ મોહમ્મદ રફી જ ગાવાના હતા. આ ગીત વિશેની વિગતવાર રોમાંચક વાતો મારી સાથે શૅર કરતાં મહેન્દ્ર કપૂર કહે છે...
‘નૌશાદસા’બને હું નાનપણથી ઓળખું, કારણ કે તે અને રફીસા’બ જૂના મિત્રો હતા. મને ‘સોહની મહિવાલ’ના ગીત ‘ચાંદ છુપા ઔર તારે ડૂબે, રાત ગઝબ કી આયી, હૂસ્ન ચલા હૈ ઇશ્ક સે મિલને, ઝૂલ્મ કી બદલી છાઇ’ માટે ઘરે બોલાવ્યો અને કહ્યું, ‘આ ફિલ્મનાં (આ સિવાયનાં) દરેક ગીતો અને બૅકગ્રાઉન્ડ મ્યુઝિક રેડી છે. એક મુશ્કેલી છે કે હવે આ ગીતના સૂર હું બદલી શકું એમ નથી. આ ગીત (સૂરમાં) બહુ ઊંચું જાય છે, તું ગાઈ શકીશ?’
મેં તેમના ચરણ સ્પર્શ કરીને કહ્યું, ‘આપકા આશીર્વાદ હૈ તો કર લૂંગા, ચલા જાઉંગા.’
તેમણે કહ્યું, ‘તુઝે પતા હૈ સૂર કૌન સા હૈ? સફેદ તીન. ઔર મધ્યમ તક જાના હૈ. ઇતના આસાન નહીં હૈ. કડી મહેનત ઔર રિયાઝ કરના પડેગા.’
મેં કહ્યું, ‘આપને ઇતના ભરોસા રખ્ખા હૈ તો વાદા કરતાં હૂં કોઈ કસર નહીં છોડૂંગા.’
મારા માટે આ ડૂ ઓર ડાઈ જેવી પરિસ્થિતિ હતી. નૌશાદસા’બે મારી કાબેલિયત પર ભરોસો મૂક્યો એ માટે જીવનભર તેમનો અહેસાન ભુલાય એમ નથી. એ સાથે એ કસોટીમાંથી પાર ઊતરવા માટે મેં તનતોડ મહેનત શરૂ કરી દીધી. ગીતના રિહર્સલ માટે હું તેમના બાંદરાના બંગલા પર જતો. તેમના અસિસ્ટન્ટ મોહમ્મદ શફીની સાથે અમે મોડી રાત સુધી રિહર્સલ કરતા. મેહબૂબ સ્ટુડિયોમાં પૂરી ઑર્કેસ્ટ્રા સાથે મારું રિહર્સલ થયું જેથી મને આટલી મોટી (૧૧૦ મ્યુઝિશ્યન્સ) ઑર્કેસ્ટ્રા સાથે કામ કરવાનો અનુભવ મળે. એ ઉપરાંત નૌશાદસા’બ ખૂબ જ ધીરજ અને લગનથી મારી પાછળ મહેનત કરતા. મૈં બહોત નર્વસ થા, લેકિન ઉનકા યે બડપ્પન થા જિસને મુઝે સંભાલા. અગર વો ન હોતે તો શાયદ મૈં યે મકામ પાર ન કર પાતા.’
આ ગીતના રેકૉર્ડિંગ સમયની રોમાંચક વાતો આવતા રવિવારે.

rajani mehta columnists weekend guide