એન્તોન ચેખોવ અને લિડિયાની લવ સ્ટોરી

27 July, 2020 06:01 PM IST  |  Mumbai | Pravin Solanki

એન્તોન ચેખોવ અને લિડિયાની લવ સ્ટોરી

એન્તોન ચેખોવ

તુઝે પ્યાર કરના નહીં આતા મુઝે પ્યાર કે સિવા કુછ નહીં આતા,
દુનિયા મેં જીને કે સિર્ફ દો હી તરીકે હૈં એક તુઝે નહીં આતા એક મુઝે નહીં આતા!!

સામાન્ય માણસ પ્રેમમાં પડે એટલે તેનાં લક્ષણો બદલાઈ જાય. ઘડી-ઘડીમાં ઝબકી જાય, ઘડી ઘડીમાં ચમકી જાય. ભૂખ-તરસ, ટાઢ-તડકો ભૂલી જાય. સૂરજ જોઈને સળગવા માંડે, ચંદ્ર જોઈને નિઃસાસા નાખવા માંડે. દરિયો, ડુંગર, નદી, ઝરણાં જોઈને કવિતા કરતો થઈ જાય. લખતાં ન આવડે કે ન ફાવે તો બીજાએ લખેલા શેર-શાયરીઓ ડાયરીમાં ઉતારતો થઈ જાય. લઘરા સુઘડ થઈ જાય, સુઘડ પરફ્યુમ છાંટતા થઈ જાય.
સામાન્ય રીતે પ્રેમકહાણી એટલે મિલન, જુદાઈ, થોડી ખુશી થોડે ગમ, કહીં જ્યાદા કહીં કમ, સ્પર્શ, રોમૅન્સ, રોમાંચ, થોડાં રિસામણાં, થોડાં મનામણાં. એન્તોન ચેખોવ અને લીડિયાની પ્રેમકહાણીમાં આવું કશું જ નહોતું. અનન્ય પ્રેમકહાણી એ દુન્યવી પ્રેમ નહોતો, સાહિત્યિક પ્રેમ હતો, સર્જનને કારણે બે સર્જકોનું મિલન થયું અને એકમેકના સર્જનને કારણે એકત્વ પામ્યાં.
ચેખોવ વાર્તાકાર અને નાટ્યલેખક તરીકે નાની ઉંમરે ખ્યાતિ પામ્યા હતા. સર્જક તરીકે માન્યતા પામ્યા, એટલું જ નહીં, લોકપ્રિયતા પણ મળી. શરૂઆતમાં તેઓ ‘ચેખાન્તે’ ઉપનામથી લખતા. લીડિયા તેમનાથી ૪ વર્ષ નાની. તેને પોતાને પણ લખવાનો શોખ અને ‘ફ્લોરા’ના ઉપનામે તે લખતી. ચેખોવ તેનો પ્રિય લેખક હતો. ચેખોવની બધી જ વાર્તાઓ તેણે વાંચી હતી, એટલું જ નહીં, તેને કંઠસ્થ હતી. સમય જતાં લીડિયા ચેખોવના સાહિત્યની અને ચેખોવની દીવાની બની ગઈ.
બન્નેનાં ઠેકાણાં જુદાં છે, શહેર જુદાં છે, પણ લીડિયાને લાગી રહ્યું છે કે ચેખોવ તેની આસપાસ જ છે. ચેખોવને પ્રત્યક્ષ મળવાની ખૂબ તાલાવેલી છે, પણ મળી શકાતું નથી. કારણ? કારણ કે તે પરણેલી છે અને એક બાળકની માતા પણ છે. પતિ મિખાઇલ સરકારી અફસર છે. દરેક સરકારી અફસરમાં સામાન્ય રીતે જેવો ઘમંડ હોય છે એ મિખાઇલમાં પણ છે. ‘પતિદેવ’ના બધા જ ગુણો (અવગુણો) તેનામાં છે. ક્યારેક એમ લાગે કે ‘કાગડા બધે જ કાળા’ એ કહેવત પતિદેવ માટે પણ લાગુ પડી છે. મિખાઇલ અને લીડિયાને લખવાનો શોખ, સાહિત્યનો છંદ બિલકુલ પસંદ નથી.
લીડિયાની મોટી બહેન નાદિયા પીટર્સબર્ગમાં રહેતી હતી. તેનાં લગ્ન એક પ્રસિદ્ધ અખબારના પ્રકાશક-સંપાદક સાથે થયાં હતાં. નાદિયા અને લીડિયાને બાળપણથી જ સારું બનતું હતું. નાદિયા જાણતી હતી કે લીડિયાનું સપનું મશહૂર લેખિકા બનવાનું છે તથા પોતે એકલવ્ય છે અને ચેખોવ દ્રોણાચાર્ય છે.
એક દિવસ લીડિયાને નાદિયાનો સંદેશો મળે છે કે ‘ચેખોવનું નાટક પીટર્સબર્ગમાં રજૂ થવાનું છે અને તેઓ જાતે-પોતે ત્યાં હાજર રહેવાના છે. તેમને પ્રત્યક્ષ મળવાની આ સુંદર તક છે. તને ઇચ્છા થાય તો જલદી પીટર્સબર્ગ આવી જા. હું મુલાકાતની વ્યવસ્થા કરું છું.’
સંદેશો સાંભળીને લીડિયાના રોમેરોમમાં ઝણઝણાટી વ્યાપી ગઈ. વર્ષોથી પ્યાસી-તરસી ધરતી પર અમીછાંટણાં થવાની કલ્પનાએ તે ઝૂમી ઊઠી, પણ થોડી જ ક્ષણમાં ઘેરાયેલાં વાદળો વરસ્યા વગર વિખેરાઈ જશે એ વિચારે તે હલબલી ગઈ! પતિ મિખાઇલ રજા આપશે? તેને પૂછ્યા વગર ચાલી જાઉં? પણ ના, તે એક આદર્શ પત્ની હતી. હિંમત કરીને તેણે મિખાઇલને કહ્યું, ‘હું મારી બહેન નાદિયાને મળવા જાઉં છું, તમને વાંધો નથીને? ચેખોવ પીટર્સબર્ગ આવવાના છે. તેમને મળવાનો આ સુવર્ણ અવસર હું ગુમાવવા નથી માગતી.’ મિખાઇલે હા કે ના કાંઈ કહ્યું નહીં. લીડિયા થીજી ગઈ. માંડ-માંડ બોલી, ‘મળીને તરત જ આવી જઈશ’ અને મિખાઇલનો જવાબ સાંભળ્યા વગર તે ઘરમાંથી નીકળી ગઈ.
આ ઘટના ૧૮૮૯ની છે. જ્યારે પહેલી વાર ચેખોવ અને લીડિયા મળ્યાં. પહેલી જ નજરમાં, પહેલી જ મુલાકાતમાં બન્ને દિલ દઈ બેઠાં હશે કે તારક મૈત્રી રચાઈ હશે કે પ્રથમ મિલનમાં જ પ્રેમબાણ વાગવાથી બન્ને ઘાયલ થયાં હશે એની કાંઈ ખબર નથી. તો આ બન્નેની પ્રેમકહાણીમાં અનન્ય શું હતું?
૧૮૮૯માં પ્રથમ વાર બન્ને મળે છે, પછી બીજી વાર છેક ૧૮૯૨માં મળે છે!! ત્રણ વર્ષે બીજી મુલાકાત! વળી ૧૮૮૯થી ૧૮૯૯ દરમ્યાનનાં ૧૦ વર્ષના સંબંધમાં તેઓ ફક્ત આઠ જ વાર મળે છે! જી ફક્ત ૮ જ વાર. બાકીના સમયમાં ફક્ત પત્રવ્યવહાર થાય છે, એમાં પણ પ્રેમના ટાયલાવેળા તો નહીં જ, સાહિત્ય અને સર્જનની વાતો, શીખવા અને શીખવાડવાની પ્રક્રિયા, દુનિયામાં ચાલતા પ્રવાહોની ચર્ચા. આ છે અનન્યતા!
ચેખોવના મૃત્યુ પછી ઘણાં વર્ષે લીડિયાએ પુસ્તક પ્રગટ કર્યું જેનું નામ હતું, ‘ચેખોવ ઇન માય લાઈફ.’ - મારી જિંદગીમાં ચેખોવ. એ જમાનામાં આ પુસ્તક કરુણ અને નિષ્ફળ પ્રેમની દિલચસ્પ દાસ્તાન તરીકે ઓળખાયું હતું.
લીડિયા લખે છે, ‘પહેલી વાર મેં ચેખોવને જોયા ત્યારે હું માની જ નહોતી શકી કે આ એ જ ચેખોવ છે જેમની દુનિયાઆખી પ્રશંસા કરે છે! સાવ સીધાસાદા, આંખો ચૂંચી, કપડાં લઘરવઘર... જેમ-જેમ વાતોનો દોર શરૂ થતો ગયો તેમ-તેમ લીડિયાને ચેખોવનો અસલી ચહેરો દેખાવા લાગ્યો.
પહેલી જ મુલાકાતમાં ચેખોવે લીડિયાને સલાહ આપી હતી કે ‘લેખકે એ જ લખવું જોઈએ જે તેણે જોયું હોય કે ભોગવ્યું હોય. અનુભવ વિચારને જન્મ આપી શકે, વિચાર અનુભવને જન્મ ન આપી શકે.’ આ અને આવાં કેટલાંય વાક્યો-વિચારો સાંભળીને લીડિયા મુગ્ધ બની ગઈ હતી. તેણે પણ ચેખોવને નિખાલસતાથી કહી દીધું કે ‘હું ફ્લોરા નથી, મારું અસલી નામ લીડિયા છે. હું પરણેલી છું અને એક સંતાનની માતા છું.’
લીડિયા પહેલી મુલાકાતનો પ્રતિભાવ આપતાં લખે છે કે ‘ક્યારેક-ક્યારેક જીવનમાં બનેલી ઘટના પૂરેપૂરી સમજાતી નથી અને અમારી બાબતમાં ઘટના જેવું કશું હતું જ નહીં. બસ, અમે તો પહેલી વાર એકબીજાને સામસામે જોયાં, નીરખ્યાં, તાક્યાં!! પણ એ નીરખવા, જોવા, તાકવામાં શું-શું નહોતું?’
લીડિયા અને ચેખોવની બીજી મુલાકાતમાં બન્નેનો પ્રેમ અદ્ભુત રીતે વ્યક્ત થાય છે. લીડિયા કહે છે, ‘ત્રણ વર્ષ પહેલાંની આપણી પહેલી મુલાકાતે મારી ભીતર એક અદ્ભુત પ્રકાશ ભરી દીધો છે.’ ચેખોવનો જવાબ પણ કાવ્યાત્મક પ્રણયરંગી હતો, ‘આપણે બન્ને જાણે પૂર્વજન્મમાં યુવા પ્રેમી-પ્રેમિકા હોઈશું. કોઈ જહાજમાં સફર કરતાં હોઈશું અને એ જ સમયે તોફાન આવ્યું હશે, જહાજ ડૂબી જવાથી આપણાં મૃત્યુ થયાં હશે. આપણે સમુદ્રનાં મોજાં સાથે એકબીજાને વળગીને સંઘર્ષ કર્યો હશે અને...’ લીડિયા તેનું વાક્ય પૂરું કરતાં કહે છે, ‘મને તરતાં નથી આવડતું એટલે મને બચાવવા તમે તમારું અસ્તિત્વ ડુબાડ્યું હશે.’ પ્રેમ પ્રગટ કરવાની કેવી ઉત્કૃષ્ટ અનુભૂતિ!
બીજી મુલાકાત ત્રણ વર્ષે થઈ. એ દરમયાન લીડિયા ત્રણ સંતાનોની માતા બની ચૂકી હોય છે. ઘરસંસાર અને સાહિત્યસર્જન વચ્ચે લીડિયા ત્રિશંકુ જેવી પરિસ્થિતિમાં હોવા છતાં સર્જકતા ગુમાવતી નથી. આદર્શ પત્ની, આદર્શ માતા અને સર્જક તરીકેની નિષ્ઠા જાળવી રાખવામાં તે સફળ થઈ હતી.
કદાચ એટલે જ ક્યારેક પતિની ગેરહાજરીમાં એક વાર ચેખોવને મળવા પોતાના ઘરે બોલાવે છે ત્યારે કંઈક પાપ કર્યાની લાગણી પણ અનુભવે છે. તે લખે છે, ‘ભલે ચોરીછૂપીથી પોસ્ટ-ઑફિસમાંથી ચેખોવના પત્ર લઈ આવતી, પણ મિખાઇલને એ વાતની જાણકારી હતી કે અમે બન્ને એકબીજાને પત્રો લખીએ છીએ. ક્યારેક-ક્યારેક તો હું એ પત્રો મારા પતિને બતાવતી અને કહેતી કે તેમના પત્રો મને લખવાની પ્રેરણા પૂરી પાડે છે, પણ મને પછીથી ખબર પડી કે મિખાઇલને મેં શંકાનું એક વધુ કારણ પૂરું પાડ્યું છે.’
એક દિવસ ચેખોવ નાદિયાને ત્યાં આવે છે. નાદિયા લીડિયાને ચોરીછૂપી આવવાનું કહે છે. લીડિયા પતિને કહીને જ મળવા જાય છે. ચેખોવ પૂછે છે, ‘સુખી છેને?’ લીડિયા બહુ માર્મિક જવાબ આપે છે, ‘મારા હસબન્ડ અને બાળકો બહુ ભલાં-ભોળાં અને સારાં છે. સારું લાગે છે, પણ સારું લાગવું અને સુખી હોવું એમાં બહુ મોટો ફરક છે. હું કશમકશમાં છું કે જે મળ્યું છે એને સુખ ગણી લઉં કે જે મેળવવું છે એને માટે હજી વધારે સંઘર્ષ કરું? પણ મને મારો પરિવાર ગમે છે, હું બધાને પ્રેમ કરું છું, ભલે મારું અસલી અસ્તિત્વ ભૂંસાઈ જાય. પોતાના અલગ અસ્તિત્વને ભૂંસી નાખવું એ શું સુખ નથી?’
૧૦ વર્ષના દોરમાં લીડિયાના જીવનમાં ઘણું બધું બની જાય છે. તે છેવટ સુધી ટકી રહી, ચેખોવના પત્રોને કારણે. પ્રત્યક્ષ રૂપે તે જેટલું પામી ન શકી હોત એટલું તે પત્રો દ્વારા પામી. ‘સર્જનનો આધાર ચેખોવના પત્રો હતા, પણ મારા જીવનનો આધાર ચેખોવ હતા. હું માત્ર ચેખોવને સર્જક તરીકે જ નથી ચાહતી, માણસ તરીકે પણ મને ગમે છે, સ્ત્રીઓ પ્રત્યેનો તેમનો આદર મને ગમે છે. તેમના સમગ્રત્વને હું ચાહું છું.’
અંતિમ વર્ષમાં એક નાટ્યાત્મક ઘટના બને છે. મિખાઇલની બહેન મૉસ્કોમાં છે. ચેખોવ મૉસ્કોની ગ્રૅન્ડ હોટેલની રૂમ-નંબર પાંચમાં ઊતર્યા છે. મિખાઇલની બહેનને ચેખોવ લીડિયાને સંદેશો મોકલવાનું કહે છે. સંદેશો મળતાં જ લીડિયા ગમે તેમ મૉસ્કો પહોંચે છે. ધડકતે હૈયે તે ગ્રૅન્ડ હોટેલ પહોંચે છે, પણ...! ચેખોવ ત્યાં નથી. રૂમ ખાલી કરીને ચાલ્યા ગયા છે.
બીજા દિવસે લીડિયા જ્યારે પોતાના ઘરે પાછી ફરી ત્યારે નણંદનો સંદેશો મળે છે કે ચેખોવની બીમારીએ ગંભીર સ્વરૂપ લઈ લીધું છે. એ પછી એક સવારે ચેખોવનો સંદેશો મળે છે કે ‘શુક્રવારે રાતે મને ખૂબ ખાંસી ઊપડી, મોઢામાંથી લોહી વહેવા માંડ્યું અને મેં હોટેલ છોડી દીધી હતી.’
બસ આ જ છેલ્લો પત્ર!!
અને છેલ્લે :
આપણે વારંવાર વાંચીએ, સાંભળીએ, કહીએ છીએ કે પ્રેમના અનેક પ્રકાર છે; દિવ્ય પ્રેમ, દુન્યવી પ્રેમ, સાંસારિક પ્રેમ, શારીરિક પ્રેમ, આધ્યાત્મિક પ્રેમ વગેરે વગેરે. જેમ આત્માને આકાર નથી હોતો એમ પ્રેમને કોઈ પ્રકાર નથી હોતો. પ્રેમ કાં હોય છે, કાં નથી હોતો. લીડિયા અને ચેખોવ વચ્ચે પ્રેમ હોય કે ન હોય, પણ બન્ને વચ્ચેના સંબંધોનાં સમીકરણો એવાં હતાં કે આપણે એને ‘પ્રેમ’નું નામ આપીએ તો કશું અઘટિત નથી.
(તાક- સંદર્ભ અને સૌજન્ય - પન્ના ત્રિવેદી લિખિત ‘લીડિયાની નજરે ચેખોવ’)

સમાપન
બદલાતા જમાનામાં કોઈ પૂછે કે ‘આઇ લવ યુ’નો જન્મ ક્યાં થયો તો તરત જ જવાબ મળે, ‘ચીનમાં.’ - કોઈ વૉરન્ટી નહીં, કોઈ ગૅરન્ટી નહીં. ચાલે તો ચાંદ સુધી, નહીં તો સાંજ સુધી.

Pravin Solanki columnists