પ્રેમ ઑક્સિજન છે, પ્રેમ કાર્બન ડાયોક્સાઇડ પણ છે

23 February, 2020 01:38 PM IST  |  Mumbai | Bhavya Gandhi

પ્રેમ ઑક્સિજન છે, પ્રેમ કાર્બન ડાયોક્સાઇડ પણ છે

પ્રતીકાત્મક તસવીર

પ્રેમ એટલે શું?

આવું જો અચાનક આપણને પૂછવામાં આવે તો એનો જવાબ શું હોઈ શકે? સાવ સરળ સવાલ છે અને તો પણ આપણે સહેજ કન્ફ્યુઝ થઈ જઈએ કે પ્રેમ એટલે શું? એક છોકરો એક છોકરીને સાચા દિલથી ચાહે તેને જ પ્રેમ કહેવાયને? આ જવાબની સાથે જ મનની બાકીની બધી વિન્ડો પણ ખૂલવાની શરૂ થઈ જાય અને જવાબ આવવા માંડે, પ્રેમ એટલે ગર્લફ્રેન્ડ માટે દરરોજ યાદ રાખીને તેને ગમતી કોઈ પણ ચીજ લઈ આવે એનું નામ પ્રેમ. કોઈ જાતના બંધન વગર છોકરો પોતે જેને ચાહે છે એ છોકરી પર કે પછી છોકરી પોતે જેને ચાહે છે એ છોકરા પર પોતાનું બધું લૂંટાવી દે એનું નામ પ્રેમ અને એમ પણ થાય કે એકબીજાની કાળજી રાખીએ એનું નામ પ્રેમ.

ના, આ જવાબ સાચો નથી. આ વાત જેટલી સાચી છે એટલી જ એ વાત પણ સાચી છે કે આપણે ત્યાં પ્રેમનો આ જ અર્થ કરવામાં આવે છે અને આ જ અર્થને સાચો પણ માની લેવામાં આવે છે. આ બધા એવા વીઅર્ડ અર્થ છે કે કદાચ આ અર્થ તો સાચે જ પ્રેમમાં હોય એવાં બૉયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ પણ નહીં કરતાં હોય, પણ એના સિવાયના બધા જ લોકો આ અર્થ કરે છે અને આ જ અર્થને ફૉલો પણ કરે છે. પ્રેમની વાત આવે એટલે બ્રેક-અપની વાત પણ આવે અને બ્રેક-અપની એવી ફાલતુ વાતો આવે કે તમને એમ જ થાય કે આ પ્રેમથી દૂર રહેવામાં માલ છે. પ્રેમમાં દુનિયા કુરબાન કરી દેવી, પ્રેમમાં ફના થઈ જવું, પ્રેમ માટે બધાને છોડી દેવા અને પ્રેમ માટે બધું ભૂલી જવું. આ અને એવી બીજી ઘણી વાતો તમે વાંચી-સાંભળી હશે, પણ આજે જે પ્રેમની વાત આપણે કરવી છે એ આ કહેવાતા એટલે કે સો-કોલ્ડ પ્રેમ કરતાં સાવ જ જુદી અને અલગ છે.

પ્રેમનો સાચો અર્થ બહુ વિશાળ છે અને પ્રેમનો અર્થ દરેક વ્યક્તિએ બદલાતો હોય છે એ પણ એટલું જ સાચું છે. પ્રેમ એટલે માત્ર એક છોકરો છોકરીને કરે એ જ નથી કે એક છોકરી છોકરાને કરે એના પૂરતું મર્યાદિત નથી. પ્રેમ ખરેખર તો આપણા બધા માટે છે અને પ્રેમ વગર આપણી આ દુનિયા અને જીવન શક્ય જ નથી. પ્રેમ વિના આ શ્વાસ શક્ય નથી અને પ્રેમ વિના આપણું ડેવલપમેન્ટ પણ શક્ય નથી. મારું માનવું છે કે પૃથ્વી આપણને જે આપે છે એ પ્રેમ છે અને જે ઑક્સિજન આપણે શ્વાસમાં ભરીએ છીએ એ કુદરતનો પ્રેમ છે. ભૂલ થાય ત્યારે મમ્મી-પપ્પા આપણને જે ઠપકો આપે છે એ પ્રેમ છે અને નાનો ભાઈ મોટા ભાઈને પૂછયા વિના એનો શર્ટ પહેરીને નીકળી જાય છે એ પ્રેમ છે. બહેન સામે મોઢું ચડાવીને ફરે એ ભાઈનો પ્રેમ છે અને બહેન ભાઈ માટે મોબાઇલ લઈ આવે એ મોબાઇલ હકીકતમાં પ્રેમ છે. એક ફ્રેન્ડ ખોટું બોલીને કૉલેજમાં પોતાના ફ્રેન્ડની હાજરી પુરાવી લે એ પ્રેમ છે અને મંદિરમાં જઈને ભગવાન સામે આંખ બંધ કરીને ઊભા રહેવું એ પણ પ્રેમ છે.

પ્રેમને કોઈ નામ, આકાર કે સંબંધોનાં બંધન આપવાની જરૂર નથી. પ્રેમ નિરંતર છે અને પ્રેમ નિઃસ્વાર્થ છે. પ્રેમ એ એવી ફીલિંગ છે જેનો અનુભવ વરસતા વરસાદમાં પલળવામાં આવે છે. વરસતો વરસાદ એ પ્રેમ છે અને વરસાદ આવવાની સાથે બહાર દેખાવા માંડતા દેડકા પણ પ્રેમ છે. જુહુ ચોપાટી પર આવતો હાઇટાઇડ પણ પ્રેમ છે અને પાણી જોઈને પાગલ થતું મન પણ પ્રેમનો જ એક પ્રકાર છે. જાતિવાદને કારણે પ્રેમને બાંધી દેવાનું કામ થયું, જે આપણી સોસાયટીનું સૌથી ખરાબ દશર્ન છે. એ સાચું જ છે. આજે પણ આવું માનનારાઓ છે જે પ્રેમની આજુબાજુમાં ધર્મ, જાતિ, જ્ઞાતિ, રંગ અને રૂપ સાથે બાંધી દેવાનું કામ કરે છે, પણ હું કહીશ કે પ્રેમ એ કંઈ જોતો નથી અને એ જે જોવાતું નથી એ પ્રેમ છે. રાતે અઢી વાગ્યે બેડરૂમની બંધ લાઇટમાં, મોબાઇલની લાઇટમાં ફિલ્મ જોવી એ ફિલ્મો માટેનો પ્રેમ છે અને આ રીતે ફિલ્મ જોતાં પકડાઈ જઈએ એટલે મમ્મી ખિજાય એ ખીજમાં પણ પ્રેમ છે. રાતે મોડે સુધી જાગવું પણ પ્રેમ છે અને જાગ્યા પછી સવારે પપ્પાની કચકચ સાંભળવી એ પણ પપ્પા પ્રત્યેનો પ્રેમ છે.

હું જૈન છું, પણ એમ છતાં મને શંકર અને કૃષ્ણનું આકર્ષણ રહ્યું છે. આ આકર્ષણ પ્રેમ છે અને અર્જુનને કૃષ્ણ પ્રત્યે જે આદર હતો એ આદર પણ પ્રેમ છે, તો મહાભારતના પેલા ચીરહરણ વખતે કૃષ્ણએ દ્રૌપદીનાં જે ચીર પૂર્યાં એ પ્રેમ જ હતો. સતત તમારી સામે જે હંમેશાં હસીને તમને દિલથી આશીર્વાદ આપે છે એ માના આશીર્વાદ પણ પ્રેમ છે અને હંમેશાં ખિજાયેલા રહેતા અને તોબરો ચડેલો હોય એવા ફેસ સાથે રહેતા પણ છતાં રાતે તમે ઘરે આવો નહીં ત્યાં સુધી જાગતા રહેતા પપ્પાનો એ ઉજાગરો પણ પ્રેમ જ છે. બહેન સાથે ઝઘડો થયા પછી પણ જમવાનું પીરસી દેતી બહેનના એ પીરસવામાં પણ પ્રેમ છે અને વરસાદ ચાલુ થઈ જાય કે તરત જ દીકરાને ફોન કરીને તે ક્યાં છે એ જાણી લેવાની તાલાવેલીમાં પણ પ્રેમ જ છે. પ્રેમ એક ઉમદા અને ઉત્કૃષ્ટ લાગણી છે અને આપણે એ લાગણીનાં સાવ ખોટાં ઉદાહરણ ઊભાં કરી દીધાં છે. એ ખોટાં ઉદાહરણોને કારણે થયું છે એવું કે આપણે પ્રેમની ખોટી વ્યાખ્યાને જ માનવા માંડ્યા છીએ અને પ્રેમ એટલે ઑપોઝિટ અટ્રૅક્શન એવું ધારીને બેસી રહીએ છીએ, પણ એ ખોટું છે. હકીકત તો એ છે કે પ્રેમની વ્યાખ્યા જ થઈ શકે, કારણ કે એ દરેક વ્યક્તિએ બદલાય છે અને એનો અનુભવ પણ બદલાય છે. ગયા વર્ષે હું અમેરિકા હતો ત્યારે મારા મામા એક્સપાયર થઈ ગયા. મને ત્યાં એ સમાચાર મળ્યા ત્યારે મારે રડવું હતું, પણ મારી પાસે કોઈ શોલ્ડર નહોતો અને હું કૅલિફૉર્નિયામાં રસ્તા પર ચાલતો જતો એકલો રડતો હતો એ પ્રેમની અભિવ્યક્તિ હતી અને રડ્યા પછી જાતે જ જાતને સંભાળી લીધી એ પણ પ્રેમનું એક સ્વરૂપ હતું.

એક વાર મને મારા ગુરુદેવ રત્નસુંદરસૂરિજી મહારાજસાહેબના સાંનિધ્યમાં ભોજન લેવાનો મોકો મળ્યો હતો. એ સમયે ત્યાં મને એક દાદા મળ્યા હતા જે પગથી સહેજ લંગડાતા હતા. કોઈ જાતની ઓળખાણ વગર તેમણે મને એટલા પ્રેમથી જમાડ્યો કે મને એ દિવસ તેમના એ પ્રેમને કારણે યાદ રહી ગયો. એ દિવસે જમ્યા પછી હાથ લૂછવા માટે મારી પાસે રૂમાલ નહોતો અને મને એક કાકાએ પોતાનો રૂમાલ ધર્યો એ પણ મને યાદ છે. આ પ્રેમ નથી તો શું છે? કોઈ જાતના સ્વાર્થ વગર તમને કોઈ નાનામાં નાની રીતે પણ મદદરૂપ થાય તો એ પ્રેમ જ છે. હમણાં હું વડોદરામાં શૂટિંગ કરતો હતો ત્યારે એક શાકવાળાના દીકરાએ મને કહ્યું કે ‘ટપુભાઈ, જોજો તમે, તમારું આ પિક્ચર બહુ ચાલશે.’

દસ વર્ષના એ છોકરાના આ શબ્દોમાં પ્રેમ છે અને એક બેગર છોકરાએ હાથ લંબાવીને સુરતમાં કોકો પીવાની ઇચ્છા વ્યક્ત કરી એમાં પણ તેનો પ્રેમ જ હતો. જરા વિચાર તો કરો કે આજુબાજુમાં ૧૦૦-૨૦૦ માણસો હોય, બહુ બધી અવરજવર ચાલતી હોય અને એ પછી પણ એ બધાને પડતા મૂકીને એ છોકરો તમારી પાસે આવે તો એ પ્રેમ નહીં તો બીજું શું કહેવાય? પ્રેમ ક્યારેય કોઈ એકને થઈ શકે નહીં અને પ્રેમ ક્યારેય કોઈ એકને માટે સીમિત રહી ન શકે. પ્રેમ હવા છે, પ્રેમ ઑક્સિજન છે અને આ જ પ્રેમ કાર્બન ડાયોક્સાઇડ પણ છે. જો એ અંદરથી બહાર નહીં આવે તો સંવેદના બનીને બીજા પાસે પહોંચશે નહીં. પ્રેમ સંવેદના છે અને પ્રેમ દૃષ્ટિ છે. તમે ક્યારેય કોઈ એકને જોવાની જીદ રાખી ન શકો અને રાખવી પણ ન જોઈએ. એક છોકરી માટે આખી ફૅમિલીને ઠુકરાવી દેવાનું કામ કરનારો છોકરીના પ્રેમમાં નહીં, પણ તેના નશામાં છે એવું હું કહીશ. આ તેની લત છે અને વ્યસન કોઈ સારાં નહીં. આવો પ્રેમ ક્યારેય સમજાયો નથી અને મારી પર્સનલ વાત કહું તો, મારે એ સમજવો પણ નથી. જેમ પ્રેમ કોઈ એકને ન થાય એવી જ રીતે પ્રેમની ક્યારેય કોઈ એક્સપાયરી ડેટ પણ હોતી નથી અને એનો ક્યારેય કોઈ ‘ધી એન્ડ’ પણ આવતો નથી. બસ, આપણે એક જ નિયમ રાખવાનો છે. બધાને પ્રેમ કરતા રહીએ અને બધાનો પ્રેમ પામતા રહીએ, કારણ કે પ્રેમ છે તો સૃષ્ટિ છે અને પ્રેમના આધારે જ આ સૃષ્ટિ આજે સદીઓ પછી અકબંધ છે.

Bhavya Gandhi columnists