કોરોનાના વચ્ચે કચ્છમાં ભગવાન રામે પણ ન ઊજવ્યો જન્મદિવસ

07 April, 2020 05:02 PM IST  |  Kutch | Sunil Mankad

કોરોનાના વચ્ચે કચ્છમાં ભગવાન રામે પણ ન ઊજવ્યો જન્મદિવસ

મંદિર

કોરોના કેર વિશ્વભરમાં ફેલાયો છે. ભારતમાં પણ અનેક પાર્ટીઓ, ઉજવણીઓ, લગ્નોત્સવ રદ કરી નાખવામાં આવ્યાં છે. ચૈત્ર સુદ નવમે દેશભરમાં લૉકડાઉનનો નવમો દિવસ હતો એટલે સ્વાભાવિક રીતે જ રામનવમીની ઉજવણી પણ ન થઈ શકી. રામનવમી અને ભગવાન સ્વામિનારાયણ જયંતીએ જ્યારે મંદિરો જ બંધ કરી દેવાયાં છે ત્યારે ન ઊજવાય તે નક્કી હતું. તે સાથે કચ્છમાં આવેલાં રામમંદિરો પણ ભલે એ દિવસે સૂના લાગે, પણ એ ઐતિહાસિક મંદિરો અને પ્રવૃત્તિ વિશેની માહિતી રામનવમીની મનથી ઉજવણી કરવા માટે જરૂર ગમશે.

હજી થોડા સમય પહેલાં જ અયોધ્યા રામજન્મભૂમિનો ઐતિહાસિક ફેંસલો આવી ગયો. હવે રામજન્મ સ્થળે મંદિર પણ બનશે. દેશભરમાં અનેક રામજન્મ મંદિરો પ્રખ્યાત છે ત્યારે કચ્છના જાણીતા અને પ્રાચીન રામમંદિર વિશે જાણવું પણ રસપ્રદ રહેશે. કચ્છના પાટનગર ભુજમાં રઘુનાથજીનાં બે મંદિરો જાણીતાં છે. ભુજના ઉપલીપાડ વિસ્તારમાં હમીરસરના આરા પાસે આવેલું રઘુનાથજીનું મંદિર ચારથી પાંચ સદી જૂનું છે. ભૂકંપ પછી ક્ષતિગ્રસ્ત થયું હતું, જેનું તાજેતરમાં જ રિનોવેશન કરાયું છે. એક જ પરિવારની ત્રણ પેઢીઓ આ મંદિરની પૂજા કરતી આવી છે. ખૂબ જ રમણીય અને પવિત્ર અનુભૂતિ કરાવતું આ મંદિર ઐતિહાસિક છે. એક સમયે રામનવમીના દિવસે આ મંદિરનો જલજલો હતો. સવારના નીકળતી ભવ્ય શોભાયાત્રા અને અનેક ધાર્મિક કાર્યક્રમોથી ધમધમતા આખા દિવસ બાદ રાત્રે પણ સંતવાણી ભજન-કીર્તનથી ગાજતા રહેતા આ મંદિરની જાહોજલાલી ભૂકંપ બાદ ગામની બહાર વસવાટ વધી જતાં થોડી ઓછી જરૂર થઈ છે, પણ તેનું મહત્ત્વ અકબંધ છે.

આ રઘુનાથજીના મંદિરની બાજુમાં જ રામવાડી આવેલી છે. એક નાનકડી પ્રાચીન ધર્મશાળા કૂવાની સામે જ છે. હમીરસર તળાવની કાંઠે આવેલા મંદિરનું ઐતિહાસિક મહત્ત્્વસ એ છે કે સહજાનંદ સ્વામીના ગુરુ રામાનંદ સ્વામી અને સ્વયં સહજાનંદ સ્વામી પણ ભુજના આ મંદિરે દર્શન કરી ચૂકયા છે. રામાનંદ સ્વામી તો રામવાડીમાં રોકાયા પણ હતા. ભુજનું બીજું રઘુનાથજીનું મંદિર ભટ્ટ શેરીમાં આવેલું છે એ પણ પ્રાચીન છે.

ભગવાન રામ સાથે ભુજ એકબીજા વિક્રમ ભણી પણ અગ્રેસર થવા જઈ રહ્યું છે. હમીરસરના કિનારે રામકુંડની બાજુમાં આવેલા રાજાશાહીના સમયના બેન્ડ સ્ટેન્ડ પર ૧૮ જાન્યુઆરી, ૧૯૮૪ના દુકાળના કપરા સમયમાં અખંડ રામધૂનની શરૂઆત કરવામાં આવી હતી, જે પછીથી કાયમ બની અને આજે લગભગ સાડાત્રણ દાયકા પછી પણ અવિરત રાત-દિવસ રામધૂન ચાલુ રહી છે અને એ સ્થળે રામધૂન મંદિરનું નિર્માણ થઈ ચૂકયું છે. જોકે જામનગરના બાલાહનુમાન મંદિરમાં ૧૯૬૪થી એટલે કે સાડા પાંચ દાયકાથી સતત રામધૂન ચાલુ છે અને તેની નોંધ ગિનિઝ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડઝમાં પણ લેવાઈ છે. હા, ભુજના રામધૂન મંદિરે ચાલતી રામધૂન ર૦૦૧ના ભૂકંપને કારણે મંદિર ક્ષતિગ્રસ્ત થતાં થોડો સમય બંધ કરવાની ફરજ પડી હતી, પરંતુ નવેમ્બર, ર૦૦૧ પછી ફરીથી એ અવિરત ચાલુ છે.

રામધૂન મંદિરને કારણે અહીં કોઈ ભૂખ્યો ન રહે એ સૂત્ર સાથે નાત-જાત, જ્ઞાતિ, પંથ કે સંપ્રદાયના ભેદભાવ વગર બપોરે અને સાંજે સમરસભાવે સાદું છતાંય રસદાર અને ગરમ ભોજન જમાડતું ભોજનાલય ‘રામ રોટી અને છાશ કેન્દ્ર’ના નામે શરૂ થયું - જેમાં ગરીબ, પાગલ, ભિખારી, મંદબુદ્ધિ સહિતનાઓ માટે બિલકુલ નિ:શુલ્ક અને સામાન્ય, મધ્યમ અને તવંગર લોકો યાત્રાળુઓ માટે માત્ર ર૦ રૂપિયામાં માનભેર, નિ:સંકોચ, ભરપેટ જમી શકે તેવી પ્રવૃત્તિ ધમધમે છે.

ભુજથી ર૦ કિ.મી. દૂર આવેલા વાંઢાય ઊમિયા માતાજીના મંદિર નજીક એક સુંદર રામમંદિર આવેલું છે એ પણ જોવાલાયક છે. આ મંદિર પ્રાચીન નથી, પણ રમણીય અને પ્રકૃતિમય વાતાવરણ વચ્ચે આવેલું છે. અહીં પણ રામનવમીની ભવ્ય ઉજવણી થતી હોય છે. કચ્છના થોરિયારી ગામે પણ એક સુંદર પ્રાચીન રામમંદિર આવેલું છે. તેમ અંજારના ભક્તિનગરમાં અને ભુજ નજીકના માધાપરમાં આવેલાં રામમંદિરો પણ એટલાં જ પ્રખ્યાત છે.

કોરોનાના કેરને કારણે આ વર્ષે રામનવમીના ભગવાન રામે પણ લૉકડાઉનને આદર આપી પોતાનો જન્મદિવસ ઊજવ્યો નથી, પરંતુ આ મંદિરોમાં થતી પરંપરાગત રામનવમીની ઉજવણીઓ તો અવિસ્મરણીય જ હોય છે.

sunil mankad kutch columnists