અત્યારના તબક્કે દિવસો ગણવાની નહીં, જીવન કેવી રીતે સચવાયેલું છે એ જુઓ

19 May, 2020 06:43 PM IST  |  Mumbai | Manoj Joshi

અત્યારના તબક્કે દિવસો ગણવાની નહીં, જીવન કેવી રીતે સચવાયેલું છે એ જુઓ

પ્રતિકાત્મક તસવીર

કેટલાય ભડવીરો દિવસો ગણવાના કામ પર લાગી ગયા હશે. લૉકડાઉન 4.0 શરૂ થઈ ગયું એ વાતનો અનેક લોકો અફસોસ લઈને બેઠા છે. અફસોસ પણ અને પસ્તાવો પણ, પરંતુ એ ભૂલવાની જરૂર નથી કે અત્યારના તબક્કે જીવન કેવી રીતે સચવાયેલું છે એ જોવાનું છે. જોવાનું છે કે તમે સલામત છો અને તમારી આસપાસના સૌકોઈ સલામત છે. આ એક કપરો કાળ છે. આ કાળમાંથી બહાર આવવું જરૂરી છે. તમે બહાર કેવી રીતે આવો છો અને બહાર આવવા માટે કેવો રસ્તો વાપરો છો એ જરૂરી નથી. લૉકડાઉન વધ્યું છે અને આગળ જતાં પણ એ વધી શકે છે, જો તમે સમજદારી દર્શાવી નહીં તો અને જો તમે તમારું ગાંડપણ પ્રકાશિત કરી દીધું તો.

તમે જુઓ, દરેક રાજ્યમાં અને દરેક શહેરમાં એક ઘટના અચૂક બને છે. લૉકડાઉન પૂરું થવાની તૈયારીમાં હોય એના બે-ચાર દિવસ પહેલાં એટલી છૂટછાટ દેખાવા માંડે કે તમને એવું જ લાગે કે લૉકડાઉન ખૂલી ગયું છે અને લૉકડાઉન જેવી કોઈ આચારસંહિતાની હવે કોઈને આવશ્યકતા નથી. લૉકડાઉન દરમ્યાન જોવા મળેલા એક બીજા સામ્ય પર પણ નજર નાખવાની જરૂર છે. લૉકડાઉનના છેલ્લા બે-ત્રણ દિવસોમાં તમારી સામે કોરોનાના પેશન્ટ્સની લાંબી કતાર થઈ જાય છે. તમારે જોવું હોય તો તમે જૂના દિવસોના આંકડા કાઢીને જોઈ લેશો તો તમને આ વાતની ખાતરી થઈ જશે. આવું બનવાનું કારણ એ જ છે કે લૉકડાઉન દરમ્યાન ક્યાંક ને ક્યાંક મોટા પાયે નિયમોનું ઉલ્લંઘન થયું છે અને એને લીધે લૉકડાઉન પૂરું થતા સુધીમાં મોટા પાયે કેસ સામે આવી જાય છે.

લૉકડાઉન સાથે જીવવાનું બન્યું છે એનું તમારે આભારી રહેવું જોઈએ. કેન્દ્ર અને રાજ્ય એમ બન્ને સરકારે ધાર્યું હોત તો કરફ્યુ આપીને પણ એણે નિયમોનું ચુસ્ત પાલન કરાવ્યું હોત. વુહાનની હિસ્ટરી એક વખત જોશો તો તમને જોવા મળશે કે કરફ્યુ જેવા લૉકડાઉનને કારણે જ વુહાન કેટલું ઝડપથી આ મહામારીની ચુંગાલમાંથી બહાર આવ્યું છે. કરફ્યુ ધાર્યું હોત તો સરકાર આપી શકતી હતી, પણ એણે નથી આપ્યું અને એનું કારણ પણ છે કે આ બન્ને સરકારોએ પહેલું પ્રજાનું વિચાર્યું છે અને એ વિચારના આધારે જ આજે પણ, લૉકડાઉન વચ્ચે પણ લિબરલ થઈને એ વર્તી રહી છે. લૉકડાઉનમાં કોઈ બહાર નથી નીકળ્યું એ જોવા નીકળનારાઓનો પણ આપણે ત્યાં તોટો નથી અને લૉકડાઉનમાં પગ છૂટા કરવાની નીતિ સાથે બહાર નીકળનારાઓનો પણ તોટો નથી. સાહેબ, તમારે શું કરવું છે અને તમે શું કરવાની માનસિકતા રાખો છો. તમે જરાક તો સમજો. તમારી આ હોશિયારી અને તમારી આ ફિશિયારી તમારા પરિવાર માટે જોખમકારક બને એમ છે. તમે તમારી જાતને જોખમ મૂકો તો સમજી શકાય, પણ તમે તમારા સ્વજનને કેવી રીતે જોખમકારક અવસ્થામાં મૂકી શકો. જો તમે આમ જ લૉકડાઉન તોડવા માટે તત્પર હો તો ઘર છોડીને એવી જગ્યાએ રહેવા ચાલ્યા જાઓ જ્યાં તમારા સિવાય બીજું કોઈ ન હોય.

પરિવારને પણ વિનંતી છે કે ઘરના એવા મોભીઓને સમજાવે જેના મનમાં બહાર ટહેલવા જવાની અતૃપ્ત વાસના ખદબદી રહી છે. જો તેમને સમજાવી ન શકાતા હોય તો એક વખત ફોન કરીને ખરેખર પોલીસને જાણ કરી દો. જેને તમારી નથી પડી એને માટે કડક પગલાં લેવાની સજાગતા હવે તમારે જ દેખાડવી પડશે.

coronavirus covid19 lockdown columnists manoj joshi