લૉક ઍન્ડ કી : યુથ ઍન્ડ ફૅમિલી

30 August, 2020 08:43 PM IST  |  Mumbai | Bhavya Gandhi

લૉક ઍન્ડ કી : યુથ ઍન્ડ ફૅમિલી

પ્રતીકાત્મક તસવીર

યુથ. આ વિષય જ એવો છે જેની વાતો પૂરી જ ન થાય. અમારા લોકોની સાથે ખબર નહીં પણ કઈ વાતનો પ્રૉબ્લેમ બધાને હોય છે કે મોટા ભાગે અમને એવું જ કહી દેવામાં આવે કે ‘તું રહેવા દે, તને નહીં સમજાય’ કે પછી ‘તું હજી નાનો છો’ અને આવા જ બીજા સંવાદો. મેં પણ આ સાંભળ્યું છે અને મારી જેમ બીજા બધા યંગસ્ટર્સે પણ આ સાંભળ્યું હશે. આવું શું કામ કહેવામાં આવે છે એ મને આજ સુધી સમજાયું નથી. બને કે અમારો અને અમારા વડીલોનો પૉઇન્ટ ઑફ વ્યુ અલગ હોય અને એને લીધે વિચારભેદ દેખાતા હોય પણ એવું તો દરેકના જીવનમાં બનતું જ હોય. એક સમયે મારા વડીલો પણ નાના જ હતા અને તેમને પણ પોતાના વડીલોની સામે વાત કરવાનો, પૉઇન્ટ ઑફ વ્યુ આપવાનો કે પછી એના વિશે ચર્ચા કરવાનો હક નહીં હોય. એ તબક્કે તેમને કેવું લાગ્યું હશે. જો એવું જ હોય તો અનુભવ અને ઉંમરની બાબતમાં અમે હંમેશાં નાના જ રહેવાના છીએ અને આ ગૅપ ક્યારેય કપાવાનો જ નથી. હું જ્યારે જન્મ્યો ત્યારે મારા ફાધરની એજ ૨૫ વર્ષની હતી. આજે હું ૨૦ વર્ષનો થયો ત્યારે તેમની એજ ૪૫ની છે. અમારી વચ્ચે ઉંમરનો ગૅપ એટલો જ છે, તેઓ ૨૪ વર્ષ મોટા જ રહેવાના છે.
માન્યું કે અમારામાં પણ કમીઓ છે, પણ એ કમી ઉંમરવશ છે અને એ દરેક વ્યક્તિને આ એજમાં જોવા મળતી હોય છે. અમારામાં પૅશન્સ નથી, જેને લીધે અમે ઉતાવળા લાગીએ છીએ. અમે રાહ નથી જોઈ શકતા પણ ફ્રેન્ડ્સ, આ સારી વાત છે એવું મને લાગે છે. જો તમે રાહ ન જોઈ શકતા હો તો તમે દોડવાની તૈયારી કરી રાખો. તમે ભાગો, મને કાર લેવી હોય તો મને ખબર જ હોય કે એને માટે મારે મહેનત કરવાની છે. મને બાઇક લેવી છે તો મને ખબર છે કે એને માટે મારે કમાવું પડશે, મારે મારી ઇન્કમ ઊભી કરવી પડશે. આજે યુથ ઇન્કમ જનરેટ કરવાની બાબતમાં પાછળની જનરેશન કરતાં ક્યાંય આગળ છે. ટેક્નૉલૉજીની બાબતમાં પણ અમે બીજા બધા કરતાં ચડિયાતા છીએ અને એ પછી પણ મૅક્સિમમમાં મૅક્સિમમ યંગસ્ટર્સના ચહેરા પર તમને એનું ઘમંડ નહીં જુઓ. નવી જનરેશનની આ ખાસિયત છે. અમારી જનરેશનની એક બીજી ખાસિયત કહું તમને.
અમને ખોટી અને ખરાબ વાત પકડી રાખવાનું ગમતું નથી. બૅગેજ લઈને અમે જીવવામાં નથી માનતા અને એ જ કારણે એવી વાત જ્યારે પણ થાય ત્યારે અમે ઇરિટેટ પણ થઈ જઈએ છીએ. ફલાણાનાં મૅરેજમાં આપણને ઇન્વિટેશન નથી આપ્યું. આ એક વાતથી આપણા વડીલોને ખૂબ લાગી આવે છે, પણ એવું અમને ક્યારેય નથી થતું. અમે તો એ વાત પાંચમી મિનિટે ભૂલી જઈએ છીએ અને ભૂલી જવા માટે પ્રોપર રિઝન પણ અમારી પાસે છે. લાઇફમાં કરવા જેવું ઘણું છે તો પછી આ રીતે મોઢું ચડાવવાનું કામ શું કામ કરવું.
અમે જૂનું ભૂલી શકીએ છીએ તો એવી જ રીતે નવું સ્વીકારવાની ક્ષમતા પણ અમારામાં છે. નવું કરવાનું પણ અમારા બ્લડમાં છે. જો અનુભવના આધારે, જો એજના બેરોમીટર સાથે નવું અને નોખું કરવા જવાનું હોય તો અમે એ ક્યારેય કરી ન શકીએ. જો એવું જ હોત તો ઇન્ડિયામાં ક્યારેય paytm જેવી કંપની ન આવી હોત. તમે જુઓ તો ખરા કે રિસ્ક લેવાની હિંમત કેવી કહેવાય. આજે એકમાત્ર paytmને કારણે આ પ્રકારે ઑનલાઇન પેમેન્ટ કરતી ઍપ અને એવાં પ્લૅટફૉર્મનો ઢગલો થઈ ગયો છે. એક સમય હશે જ્યારે paytmના ઓનરને પણ કંઈ ન કરાય એવું કહેનારાઓ મળ્યા હશે. એવું પણ કહેનારાઓ મળ્યા હશે કે તને ન સમજાય અને એવું કહેનારાઓ પણ આવ્યા જ હશે કે તું રહેવા દે, તને ખબર નહીં પડે.
ગટ્સ. ફ્રેન્ડ્સ હિંમત.
ગટ-ફીલને અનુસરીને કંપની શરૂ થઈ અને એ કંપનીએ ઇન્ડિયાનો આખો ટ્રેન્ડ બદલી નાખ્યો. ગૂગલ જેવી ગૂગલે પણ ગૂગલપે નામની ઍપ શરૂ કરીને આ ઇન્ડસ્ટ્રીમાં આવવું પડ્યું અને ખુદ ભારત સરકારે પણ ડિજિટલ પેમેન્ટ માટે paytm જેવા જ કન્સેપ્ટની ઍપ શરૂ કરી.
અમે રિસ્ક લેવામાં માનીએ છીએ. રિસ્ક લેવાની તૈયારી પણ ભરપૂર અને રિસ્ક પછી આવનારા લૉસને ભોગવવાની તૈયારી પણ એટલી જ. રિસ્ક એ જ લઈ શકે જેની પાસે અનુભવ નથી. તમે ત્રણ વર્ષના બચ્ચાને પાંચમા ફ્લોરની ગૅલરીમાંથી કૂદવાનું કહેશો તો તે કૂદી જશે પણ તમે ૩૦ વર્ષના યંગસ્ટરને કહેશો તો તે ના પાડી દેશે. શું કામ, માત્ર એક જ કારણ કે તેને અનુભવ છે કે અહીંથી કૂદકો મારીએ તો મરી જઈએ, પણ બાળકને એ અનુભવ નથી એટલે જ તે રિસ્ક લઈ લે છે. રિસ્ક લેવાની તૈયારી યુથમાં છે અને એ પણ આ જ કારણે છે. જો અનુભવ અમારી રિસ્ક-કૅપેસિટી ઘટાડવાનું કામ કરવાનો હોય તો અમને અનુભવ સામે પ્રૉબ્લેમ છે. મારી જ વાત કરું તમને. હું એક ડેઇલી સોપ કરતો હતો. બધાને ખબર છે એ સિરિયલનું નામ. સબટીવીના એ નંબર-વન પ્રોજેક્ટને છોડવાનો મેં નિર્ણય લીધો ત્યારે અનેકને એવું લાગ્યું હતું કે હું લાઇફની મોટી મિસ્ટેક કરું છું, પણ મારી એ મિસ્ટેકમાં રિસ્ક હતું અને મને એ રિસ્ક સામે કોઈ વાંધો નહોતો. મેં એ રિસ્ક લીધું અને એ પછી ફિલ્મો કરી, ગુજરાતી થિયેટર કર્યું. એ સિવાયના મારા ક્રીએટિવ પ્રોજેક્ટસ પર ધ્યાન આપ્યું અને લોકોની નજરમાં જે સેડબૅક હતો એ સેડબૅક હું પાર પણ કરી ગયો. એ સમયે મારી ઇન્કમ હતી એનાથી વધારે ઇન્કમ મારી આજે છે, વધારે ક્રીએટિવ કામ હું કરી શકું છું અને એનાથી વધારે જગ્યા પર ફોકસ પણ કરી શકું છું.
રિસ્ક ત્યારે જ લઈ શકાય જ્યારે તમને ફ્રી કરી દેવામાં આવે. તમે જવાબદારીઓ આપો એની ના નહીં, પણ જો તમે જવાબદારીની સાથોસાથ સેફ ગેમ રમવાનું કહો તો એ અશક્ય છે. ખાસ કરીને યુથ માટે. એક એજ પછી રિસ્ક ન લેવું જોઈએ એવું હું માનું જ છું અને એવું કરવામાં મને જરા પણ વાંધો પણ નથી, પણ વાત એક એજ પછીની છે, અત્યારની નહીં. અત્યારે તો અમારે નવું-નવું કામ કરીને રિસ્ક લેવાની હિંમત કેળવવાની છે અને અમે જ્યારે એ હિંમત કેળવીએ છીએ ત્યારે તમે અમને રોકવાનું કામ કરો તો એ બરાબર ન કહેવાય.
થોડા સમય પહેલાં રામાયણના અંગદની વાત કરી હતી. આજે પણ એવી જ એક વાત કહેવી છે તમને, જે અત્યારની વાત સાથે બંધ બેસતી છે.
એક મોટું લૉક હતું અને એક હૅમર હતી. તાળું અને હથોડી વચ્ચે મસ્તમજાની ભાઈબંધી. બન્ને વાતો પણ બહુ કરે. એક દિવસ હથોડીએ તાળાને પૂછ્યું કે મને વર્ષોથી એક સવાલ થાય છે, પણ હું તને પૂછતાં ડરું છું. તાળાએ સવાલ પૂછવાનું કહ્યું એટલે હથોડીએ પૂછી લીધું કે હું તને ભટકાઉં તો પણ તું ખૂલતું નથી. તું તૂટી જાય છે, પણ ખૂલતું નથી અને એક નાનકડી ચાવી તને આસાનીથી ખોલી નાખે છે. તને મારે શું કહેવાનું, પોપલો અને નબળો કે પછી જિદ્દી અને અડિયલ.
તાળાએ હસીને જવાબ આપ્યો કે તારી વાત તો સાચી છે, પણ દોસ્ત, તારી ધારણા ખોટી છે. તું રોજ મારે માથે પડે છે. પરાણે અને નકામા ફોર્સ સાથે તું મને હેરાન કરે છે અને એટલે જ હું ખૂલતો નથી. બહુ ફોર્સ આપ એટલે હું તૂટી જાઉં છું, જે મને મંજૂર છે પણ ખૂલવા માટે, ઓપન થવા માટે તારે દિલ સાથે સંબંધ બાંધવો પડે, જે પેલી ચાવી બાંધે છે. એ મારી અંદર આવીને મારા દિલમાં જગ્યા બનાવે છે એટલે હું પ્રેમથી, શરણે જઈને પણ ખૂલી જાઉં છું.
ક્યાંક ને ક્યાંક અમારી સાથે પણ આ વાત લાગુ પડે છે.
જો સમજવાની કોશિશ કરીને, દિલ સુધી પહોંચશો તો ખૂલી જવામાં જરા પણ વાર નહીં લગાડીએ, પણ જો માથે પડશો તો તૂટી જવાનું પસંદ કરીશું, પણ ખૂલવાનું નહીં ફાવે. તોડી નાખશો તો ચાલશે, પણ જો ખોલવા હોય અમને તો કી બનવાનું પસંદ કરશો તો સરળતા રહેશે.

Bhavya Gandhi columnists weekend guide