જીવન નંદનવન (લાઇફ કા ફન્ડા)

03 April, 2020 09:12 PM IST  |  Mumbai Desk | Heta Bhushan

જીવન નંદનવન (લાઇફ કા ફન્ડા)

આજના મહામારીના કપરા દિવસોમાં બધા પોતાના ઘરમાં નજરકેદ છે અને ચારેબાજુથી ચિંતાજનક સમાચારોમાં દરેક ઘરની ગૃહિણીઓની સૌથી કપરી પરીક્ષા થઈ રહી છે. ઘરમાં શાકભાજી, ફળ, દૂધ, અનાજ ભરવાની ચિંતા, જે હોય એમાંથી બધાને ગમે અને ભાવે એવી રસોઈ બનાવવાની પરીક્ષા, ઘરનોકર અને બાઈ પણ ગેરહાજર એટલે બધાં કામ ઝાડુ-પોતા, કપડાં, વાસણ, બધું જાતે જ કરવાનું. મહામારીના દિવસો એટલે બહારથી ખાવાનું નહીં મગાવવાનું, વળી ઘરેબેઠાં બધાની ફરમાઇશ. આવા કામના ભારણ વચ્ચે ગૃહિણીઓનો તો દિવસ કયા પસાર થઈ જાય એની જ ખબર ન પડે અને આટલાં કામના ભાર અને બધાની ચિંતા હેઠળ દબાઈને ગૃહિણી ક્યારેક અકળાઈ જાય તો પછી થાય ઝઘડા.

બધાં ઘરમાં આવા જ હાલ છે. બધી ગૃહિણીઓના વધુ કપરા દિવસો છે. સોસાયટીમાં રોજ કોઈ ને કોઈ ઘરમાંથી ઝઘડાના અવાજો પણ આવતા જ રહે છે. સોસાયટીમાં એક પરિવાર એવો છે કે તેમના ઘરમાંથી આમ પણ ક્યારેય ઝઘડાનો અવાજ સંભળાયો નથી અને આ દિવસોમાં પણ કોઈ મગજમારી તેમને ત્યાં થતી નથી.
સવારે પરિવારનાં સાસુ રીમાબહેન ગૅલેરીમાં ઝાડુ કાઢી રહ્યાં હતાં ત્યારે બાજુમાં રહેતાં સીમાબહેને પૂછ્યું, ‘કેમ તમે ઝાડુ કાઢો છો, વહુ કયા ગઈ?’
રીમાબહેન હસીને બોલ્યા, ‘આ લૉકડાઉનમાં કયા જાય, તમે પણ કેવી વાત કરો છો? તે રસોઈ બનાવે છે.’
સાંજે પરિવારના વડીલ મહેન્દ્રભાઈ થોડી વાર અગાસીમાં ચાલવા ગયા. પાડોશી દોસ્ત મળ્યા, વાતો કરવા લાગ્યા. પાડોશી બોલ્યા, ‘ભાઈ, આ લૉકડાઉનમાં તો કંટાળો આવી ગયો છે. સાસુ-વહુના ઝઘડા, એક કપ ચા માગો તો વહુ મોઢું બગાડે, પાણી માગું તો પત્ની છણકો કરે. આખો દિવસ શું કરવું એ જ સમજાતું નથી?’
મહેન્દ્રભાઈ હસ્યા અને બોલ્યા, ‘દોસ્ત, મારો જીવન જીવવાનો એક નિયમ છે ‘જાતે કરવું – જતું કરવું’. આ નિયમ બધાએ અપનાવવા જેવો છે. અત્યારે તો ખાસ, જ્યારે બધાના મનમાં ચિંતા અને માથે કામનો ભાર છે ત્યારે ચીડ જલદી ચડે, ગુસ્સો પણ આવી જાય. ત્યારે કોઈ કઈ બોલી દે કે ખરાબ વર્તન કરે, પણ આપણે મોટું મન રાખી જતું કરી દેવું અને અત્યારે એથી પણ વધુ મહત્ત્વનું છે કે આપણાથી જે થાય એ કામ જાતે કરવું અને ઘરનાં કામોમાં પણ મદદ કરવી. માત્ર સોફા પર બેસી હુકમ ન કરવો. જો દોસ્ત, હું તો પાણી કોઈ પાસે માગતો નથી, જાતે જ લઉં છું. બપોરે બધા થાકીને આરામ કરતા હોય ત્યારે હું ચા બનાવી બધાને પીવડાવું છું. બધા પ્રેમથી સાથે મળી સાંજે ચા-નાસ્તો કરીએ છીએ. દોસ્ત, તું પણ આમ કરી જો. જતું કર અને ખાસ તો જાતે કર. અને દોસ્ત, એક વાર જાતે ચા કે શરબત બની બધાને પીવડાવ; પછી જો મજા, જીવન નંદનવન બની જશે.’

coronavirus columnists heta bhushan covid19