લાઇફ કા ફન્ડા: મિલ્યન ડૉલર પેઈન્ટિંગ

28 October, 2020 11:37 AM IST  |  Mumbai | Heta Bhushan

લાઇફ કા ફન્ડા: મિલ્યન ડૉલર પેઈન્ટિંગ

પ્રતીકાત્મક તસવીર

એક દિવસ એક હોટેલમાં પિકાસોને એક મોટા ઘરની શ્રીમંત મહિલા મળી. તેણે તેમની પાસે જઈને કહ્યું, ‘હું આપની કલાની ચાહક છું. મને તમે એક પેઈન્ટિંગ દોરી આપો.’ પિકાસોએ કહ્યું, ‘અહીં અત્યારે એ શક્ય નથી, તમે મને શાંતિથી મળજો હું તમને ચોક્કસ પેઇન્ટિંગ દોરી આપીશ.’ મહિલાએ કહ્યું, ‘આજે આપણે મળ્યા તેની યાદ રૂપે તમે મને કંઈક તો દોરીને આપો જ.’ પિકાસોએ ફરી કહ્યું, ‘પણ મેડમ મારી પાસે કોઈ પેઇન્ટિંગનાં સાધનો પણ નથી.’ મહિલાએ જિદ કરતાં કહ્યું, ‘વાંધો નહીં તમે મને પેન કે પેન્સિલની મદદથી લો આ કાગળ પર કંઈ પણ યાદગીરી માટે દોરી આપો, પછી આપણે મળીએ કે ન મળીએ.’
અંતે મહિલાની લાગણી અને જિદ સામે ઝૂકી જઈને પિકાસોએ મહિલાના હાથમાંથી કાગળ લઈ હોટેલની રિસેપ્શનિસ્ટ પાસેથી એક પેન માગી અને ઊભા ઊભા ત્રીસ મીનિટમાં એક પેઇન્ટિંગ દોરી આપ્યું અને બોલ્યા, ‘મેડમ, તમારી મારા પ્રત્યેની અને કળા પ્રત્યેની લાગણીને કારણે આ મારા તરફથી આપને એક નાનકડી અમૂલ્ય ભેટ.’
મહિલા ખૂબ ખૂબ આભાર માની ત્યાંથી નીકળી ગઈ. તે વિચાર કરી રહી હતી કે કલાકારો સાચે ધૂની હોય, મારી વિનંતીને માન આપી તેમણે મારા જ આપેલા કાગળ પર માત્ર પેનથી ઊભા ઊભા એક ચિત્ર દોરી આપ્યું તેને અમૂલ્ય ભેટ કહે છે. મહિલાએ ઘરે આવી પોતાના અમીર ઉમરાવ પતિને પિકાસો સાથેની મુલાકાત વિશે વાત કરી અને તેમણે દોરીને આપેલું પેઇન્ટિંગ બતાવ્યું.
પત્નીની વાત સાંભળી પતિ ઊભો થઈ ગયો અને વારંવાર પૂછવા લાગ્યો, ‘શું આ સાચે પિકાસોએ ઊભા ઊભા દોરીને આપ્યું છે.’ પત્નીએ કહ્યું, ‘હા, પણ એમાં શું કામ વારંવાર પૂછો છો?’ પતિએ કહ્યું, ‘તને ખબર છે પિકાસોના હાથથી દોરાયેલા આ નાનકડા ચિત્રની કિંમત મિલ્યન ડૉલરથી વધુ ગણાય.’ પત્ની બોલી, ‘હવે મને સમજાયું કે ચિત્ર આપતી વખતે તેઓ બોલ્યા હતા મારા તરફથી અમૂલ્ય ભેટ...’
બીજે દિવસે તે મહિલા પિકાસોને મળવા પહોંચી ગઈ અને આભાર માનતા કહેવા લાગી, ‘આપના દ્વારા ઊભા ઊભા ૩૦ સેકન્ડમાં દોરાયેલા નાના ચિત્રની કિંમત મારા પતિ કહે છે કે મિલ્યન ડૉલરથી પણ વધુ કહેવાય. તો મારે તમને હજી એક વિનંતી કરવી છે કે મને તમે ચિત્ર દોરતા શીખવાડો, ભલે હું ૩૦ સેકન્ડમાં નહીં પણ ૩૦થી ૪૦ મીનિટમાં આવું ચિત્ર દોરી શકીશ, તો મારું ચિત્ર પણ મિલ્યન ડૉલરમાં વેચાશે.’
પિકાસો બોલ્યા, ‘મેડમ, ૩૦ સેકન્ડમાં હું ઊભા ઊભા ચિત્ર દોરું અને તો પણ તેની મિલ્યન ડૉલરમાં કિંમત એટલે થાય છે કે ચિત્રકલા શીખવામાં મેં મારા જીવનનાં ૩૦ વર્ષ આપ્યાં છે. દિવસ રાત જોયા વિના કલાની સાધના કરી છે અને આજે પણ શીખી જ રહ્યો છું. બસ તમે પણ આટલી મહેનત કરો, જીવનનાં ત્રીસ વર્ષ આપો એટલે તમારું ચિત્ર પણ મિલ્યન ડૉલરમાં વેચાશે.’

heta bhushan columnists