લાઇફ કા ફન્ડા - સ્વાર્થની કહાની

07 September, 2020 03:19 PM IST  |  Mumbai | Heta Bhushan

લાઇફ કા ફન્ડા - સ્વાર્થની કહાની

પ્રતીકાત્મક તસવીર

રાજીવ-રોમા અને શીના-સોહેલ પાડોશી હતાં અને સારા મિત્રો પણ બની ગયા હતા. આજના મૉડર્ન જમાનામાં ઇન્ટરનેટ વગર તો ચાલે જ નહીં અને રાજીવ અને રોમાને ત્યાં અનલિમિટેડ વાઈ-ફાઈ કનેક્શન હતું. એક દિવસ શીનાએ વાત-વાતમાં કહ્યું, ‘અમારું નેટ નથી ચાલતું. રોમા, તમારા વાસ-ફાઇ કનેક્શનનો પાસવર્ડ આપને.’
રોમાએ મિત્રભાવે તરત પાસવર્ડ આપી દીધો. એ દિવસથી સીમા અને સોહેલ; પાડોશી મિત્રનું જ વાઇ-ફાઇ વાપરવા લાગ્યા. રોમા અને રાજીવને એમાં કઈ ખોટું લાગતું ન હતું, કારણ કે તેઓ મિત્ર હતા અને તેઓ જે પણ ડેટા વાપરે એનો કોઈ વધારાનો ખર્ચ થતો ન હતો. થોડા દિવસ પછી રાજીવ લિફ્ટમાંથી બહાર આવ્યો અને પેસેજમાં જ સોહેલ મળ્યો. સોહેલ અને શીના બહાર જઈ રહ્યાં હતાં. સોહેલ લિફ્ટ બોલાવવા બહાર આવ્યો અને ફલૅટનો દરવાજો ખુલ્લો હતો, શીના અંદર હતી. સોહેલે ખુશીથી રાજીવને જણાવ્યું કે મેં હમણાં જ નેટફ્લિક્સની મેમ્બરશિપ લીધી. રાજીવ હસ્યો અને મજાકમાં ને મજાકમાં કહ્યું, ‘દોસ્ત, મને પણ તારું લૉગ ઇન આઇડી અને પાસવર્ડ આપજેને. મને બહુ ટાઇમ તો નથી મળતો, પણ રાત્રે ટાઇમ હશે તો હું પણ કોઈ શો જોઈ શકું.’
સોહેલે આ વાત સાંભળી અને તેને કહ્યું,
‘હા ચોક્કસ.’
આ વાત શીનાએ પણ સાંભળી અને તરત અંદરથી બોલી, ‘મેમ્બરશિપના પૈસા મેં ભર્યા છે અને મારે એ બીજા કોઈની સાથે વહેંચવી નથી. સોહેલ, તું પાસવર્ડ આપતો નહીં.’
શીનાનું વાક્ય સાંભળી સોહેલ શરમનો માર્યો ચૂપ થઈ ગયો અને માત્ર સામે ઊભેલા રાજીવને સૉરી કહી શક્યો. રાજીવ કઈ વાંધો નહીં, કહી પોતાના ફ્લૅટ તરફ ચાલ્યો ગયો. તેનું મન ખાટું થઈ ગયું. તેણે ચા પીતાં-પીતાં રોમાને વાત કરી. રોમા બોલી ઊઠી, ‘અરે, જ્યારથી પાસવર્ડ લીધો છે ત્યારથી આપણું જ વાઇ-ફાઇ તેઓ વાપરે છે અને તમને આવો જવાબ આપ્યો.’ રાજીવ હસ્યો.
બીજા દિવસે સામેના ફ્લૅટમાં શીના પરેશાન દેખાઈ. ઘડી-ઘડી બારી ખોલતી, ગૅલરીમાં જતી, ફોનમાં કઈક ચેક કરતી. સાંજે સોહેલ અને શીના, રાજીવના ઘરે આવ્યાં અને સોહેલે કોઈ શરમ વિના પૂછ્યું, ‘દોસ્ત, તારા વાઇ-ફાઇ પાસવર્ડમાં કઈક તકલીફ છે. અમારે ત્યાં કનેક્શન આવતું નથી.’
રાજીવ ઊભો થયો અને બોલ્યો, ‘વાઇ-ફાઇ પાસવર્ડમાં તકલીફ નથી. આપણા સંબંધોમાં તકલીફ છે. મેં પાસવર્ડ બદલી નાખ્યો છે અને મારી જાતને પણ શીખવાડી રહ્યો છું કે બધાને આંખમીંચીને પોતાના ન ગણવા.’
સોહેલને શરમ આવી અને સ્વાર્થી શીનાને ગુસ્સો આવ્યો, બન્ને ત્યાંથી ચાલ્યાં ગયાં.
આ પ્રસંગ સ્વાર્થની મૉડર્ન કહાની છે, પણ સમજાવે છે કે દરેક સાચો સંબંધ બન્ને પક્ષે હોવો જોઈએ. મિત્રતા, લાગણી, પ્રેમ બન્ને પક્ષે બરાબર હોવા જોઈએ. આજના જમાનામાં જે મેળવો એ સામે આપો અને એકપક્ષી સંબંધમાં ક્યારેય ખુશી મળતી નથી અને એ લાંબો ટકતો પણ નથી.

heta bhushan columnists