લાઇફ કા ફન્ડા : સૌથી હિંસક પ્રાણી

06 August, 2020 08:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

લાઇફ કા ફન્ડા : સૌથી હિંસક પ્રાણી

શાળામાં સામાન્ય જ્ઞાનનું પેપર હતું. ૧૦૦ માર્કના પેપરમાં ૫૦ સવાલ હતા. દરેકના એક શબ્દમાં જવાબ અને બેથી ત્રણ વાક્યમાં તેનું કારણ સમજાવવાનું હતું. સમાન્ય જ્ઞાનનો વિષય વર્ગના ક્લાસ ટીચર જ ભણાવતા. પરીક્ષા પૂરી થઈ, ક્લાસ ટીચર પેપરનું બંડલ લઈ ઘરે ગયા અને ચા નાસ્તો કરી ફ્રેશ થઈ પેપર તપાસવા બેઠા.
શિક્ષક એક પછી એક પેપર તપાસતા જતા હતા, મોટાભાગના વિદ્યાર્થીઓએ સારા અને સાચા જવાબ લખ્યા હતા. પોતાનાં બાળકોના જ્ઞાનથી ખુશ થતાં થતાં શિક્ષક પેપર તપાસી રહ્યા હતા ત્યાં અચાનક પેપર તપાસતાં તપાસતાં તેમની પેન અટકી ગઈ. એક સવાલનો જવાબ વાંચી તેઓ હતપ્રભ થઈ ઊભા થઈ ગયા. તે પેપર તેમણે જુદું પોતાની બૅગમાં મૂક્યું.
પેપર વર્ગના હોશિયાર ગણાતા રોલ નંબર ૨૩ રોહનનું હતું. રોહનનું પેપર સારું હતું. સરસ અક્ષર અને સાચા જવાબ...અત્યાર સુધી આ પેપરને સૌથી વધુ માર્ક મળ્યા હતા. રોહને પેપરના સવાલ નંબર-૨૮ના ‘સૌથી હિંસક પ્રાણી કયું?’ નો જે જવાબ લખ્યો હતો તે જવાબે સરને ચોંકાવી દીધા હતા.
સવાલ નંબર-૨૮ સૌથી હિંસક પ્રાણી કયું? ના જવાબમાં રોહને લખ્યું હતું કે ‘દુનિયામાં સૌથી હિંસક પ્રાણી ‘માણસ’ છે. કારણ માણસ પોતે જીવવા માટે અન્ય દરેક જીવને નુકસાન પહોંચાડે છે, ત્રાસ આપે છે, અન્ય પર હુમલો કરી, નાશ કરી પોતે આગળ વધે છે. જ્યારે બીજાં કોઈ પ્રાણી કારણ વિના પોતાની જાતને બચાવવા સિવાય કોઈ દિવસ અન્ય પ્રાણી પર હુમલો કરતાં નથી.’
સર વિચારવા લાગ્યા. વાત તો સાવ સાચી છે. આપણે માણસો જ સૌથી હિંસક છીએ. બીજા પ્રાણીઓને મારીએ છીએ. જંગલો કાપી અન્ય પ્રાણીઓનાં ઘરનો નાશ કરીએ છીએ. નદીમાં કચરો ઠાલવી ગંદકી કરીએ છીએ. આપણે પોતે જે હવામાં શ્વાસ લઈએ છીએ તેને પણ ખરાબ કરીએ છીએ. માણસ બીજા બધા સજીવ અને પ્રાકૃતિક તત્ત્વો પર અમાનવીય હિંસા કરી નુકસાન પહોંચાડે જ છે અને સાથે સાથે માણસ પોતે બીજા પોતાનાથી નાના અને નબળા માણસોને પણ ઘણો ત્રાસ આપે છે. જોર-જુલમ કરીને, અપમાન અને વિશ્વાસઘાત કરીને, અપશબ્દો અને અવળા વેણ બોલીને, નિંદા અને ઇર્ષ્યા કરીને માણસ પોતે પોતાના મિત્રો અને પરિવારજનો પર પણ હિંસા કરે છે. સાવ સાચું છે કે ‘માણસ’ જ આ પૃથ્વી પર ‘સૌથી હિંસક પ્રાણી’ છે.
ચાલો, જાગી જઈએ...સાથે મળી આપણી, માણસની હિંસકતા ઓછી કરવા કંઈક કરીએ.

heta bhushan columnists