જીતનો વિશ્વાસ - લાઇફ કા ફન્ડા

08 September, 2020 03:13 PM IST  |  Mumbai | Heta Bhushan

જીતનો વિશ્વાસ - લાઇફ કા ફન્ડા

પ્રતીકાત્મક તસવીર

શતરંજનો યુવા ખેલાડી બૉબી ફિશર, નાની વયમાં તે દુનિયાભરમાં મશહૂર થઈ ગયો. જગતભરના પ્રખ્યાત ખેલાડીઓને પણ તેણે હરાવી દીધા હતા. એક ઇન્ટરવ્યુમાં પત્રકારે બૉબીને પૂછ્યું, ‘આટલી નાની વયે તું મોટા ખેલાડીઓને શતરંજના ખેલમાં હરાવી શકે છે, તારી જીતનું રહસ્ય શું છે?’
બૉબીએ જવાબ આપ્યો, ‘આમ તો એવું કોઈ રહસ્ય નથી, એક સાદો સરળ નિયમ છે કે હું જ્યારે જ્યારે શતરંજ રમું છું ત્યારે ત્યારે પાછલી રમત કરતાં જુદી રીતે જ રમું છું. દર વખતે સાવ જુદી જ અને અલગ ચાલ ચાલુ છું એટલે સામો ખેલાડી થાપ ખાઈ જાય છે. મારી જૂની રમતો જોઈને તે હું આમ ચાલ ચાલીશ તેવું વિચારે છે, પણ હું દર વખતે નવું વિચારી નવી ચાલ રમવાનો મારો ખાસ નિયમ હંમેશાં પાળું છું.’
પત્રકારે કહ્યું, ‘વાહ, સરસ વાત છે પણ ધારો કે આવો જ કોઈ નિયમ સામેવાળા ખેલાડીનો હોય અને તે પણ વિચારી ન હોય તેવી નિરાળી જ ચાલ ચાલી જુદી જ રમત રમે તો તું શું કરે?’
બૉબી ફિશરે જવાબ આપ્યો, ‘સર, હું પણ શતરંજનો ખેલાડી છું. હું રોજ સતત શતરંજ રમી મહેનત કરી મગજને કસું છું, સામેવાળો ખેલાડી નવી રીતની રમત રમે તો હું પણ નવી ચાલ અજમાવું જ ને.’ પત્રકારે આગળ પૂછ્યું, ‘અને તારી નવી ચાલ સામે સામેવાળો ખેલાડી નવી ચાલ અજમાવે તો...’ બૉબી ફિશરે વિશ્વાસથી કહ્યું, ‘તો રમત મજબૂત થાય, રસાકસી ભરેલી રમત રમવાની મજા આવે, પણ અંતે જીતું તો હું જ, કારણ કે હું ઘરેથી જ આજે આ રમત હું જ જીતીશ તેવા વિશ્વાસ સાથે બહાર નીકળું છું અને મને મારી દરેક ચાલમાં વિશ્વાસ હોય છે કે તે મને જીત તરફ એક ડગલું આગળ લઈ જશે અને તેમ જ થાય છે. હું જીતના ભરોસા સાથે રમું છું અને જીતીને જ જંપું છું.’
યુવાન ખેલાડી બૉબી ફિશરની આ વાત અને વિશ્વાસ માત્ર શતરંજની રમતમાં જ નહીં પણ જીવનમાં પણ જીતાડી શકે તેવા છે. જીવનમાં સતત મહેનત કરી નવું કરતાં રહો, નવું શીખતા રહો, ક્યાંક પડકાર આવે તો કુનેહથી કામ લો, ચાલ બદલો, નવું વિચારો, કંઈક અનોખું કરી બતાવો. જીવન શતરંજમાં જીતવા માટે સતત મહેનત, નવું મેળવવાનો અને આગળ વધવાનો ઉત્સાહ રાખો અને મારો જ વિજય થશે તેવો વિશ્વાસ તમને સફળતા અપાવશે જ.

heta bhushan columnists