લાઇફ કા ફન્ડા: એક બાળકીની શ્રદ્ધા

11 September, 2020 02:35 PM IST  |  Mumbai | Heta Bhushan

લાઇફ કા ફન્ડા: એક બાળકીની શ્રદ્ધા


આપણે બાળકોને સમજણા થાય તે પહેલાથી ભગવાનની સમજ આપવા માંડીએ છીએ. નાનકડા હાથ જોડી પ્રભુને પગે લાગતા આપણે શીખવાડીએ છીએ. એક ધાર્મિક માતાએ પોતાની નાનકડી બાળકીને આમ જ નાનપણથી ભગવાન સર્વશક્તિમાન છે તેના સંસ્કાર આપ્યા હતા. સવારે ઊઠીને પ્રભુને પ્રણામ કરવા, લાલાને પહેલા પ્રસાદ ધરાવવો, પ્રસાદ જમણે હાથે જ ખાવો, રોજ સવાર સાંજ પ્રભુને પ્રાર્થના કરવી વગેરે શીખવાડ્યું હતું.
નાનકડી બાળકીને એક દિવસ તેની માતાએ કહ્યું હતું કે, ‘આપણે રોજ રાત્રે ભગવાનને પ્રાર્થના કરીએ ત્યારે આપણે બધું ભૂલીને આપણી જાતને ઈશ્વરના ચરણોમાં સોંપી દેવાની પછી આપણે કોઈ ચિંતા કરવાની જરૂર રહેતી નથી.’ નાનકડી બાળકીએ આ વાત સમજી લીધી અને પકડી લીધી. તેમના નાનકડા ગામમાં ડાકુઓનો ભય વધી ગયો હતો. રોજ રાત્રે ડાકુઓ આવે અને ત્રણ ચાર ઘરમાંથી બધી માલમતા લૂંટીને ચાલ્યા જાય.
આખું ગામ ડાકુઓના ભય હેઠળ ફફડતું હતું. બધાને લૂંટાઈ જવાનો ડર હતો; સામનો કરે તો જાન જવાનું જોખમ હતું. આ ડાકુઓના ત્રાસ અને ડરના વાતાવરણમાં બધાની ઊંઘ ઊડી ગઈ હતી. કોઈ રાતભર સૂઈ શકતું નહીં. આ બાળકીના ઘરે પણ તેનાં માતા–પિતા અને મોટો ભાઈ ડર સાથે જાગતા રહેતા. માત્ર આ નાનકડી છોકરી રોજ રાત્રે માતાએ શીખવેલા નિયમ મુજબ પ્રાર્થના કરીને સૂઈ જતી અને નિરાંતે સૂઈ જતી, જાણે તેને કંઈ ખબર ન હોય કે જાણે તેને કોઈ ડર ન હોય.
રાત્રે તે સૂવા જઈ રહી હતી ત્યારે તેના મોટા ભાઈએ પૂછ્યું, ‘નાનકી, તને ખબર છે ને ડાકુઓ ગામ પર હુમલા કરી બધાને લૂંટી રહ્યા છે.’ બાળકીએ કહ્યું, ‘હા ભાઈ, ખબર છે.’ મોટા ભાઈએ કહ્યું, ‘તો પછી તું રોજ આરામથી સૂઈ કઈ રીતે જાય છે, તને ડર નથી લાગતો?’ નાનકડી બાળકીએ કહ્યું, ‘કેમ, માતાએ આપણને રોજ રાત્રે પ્રાર્થના કરતા શીખવાડ્યું ત્યારે સમજાવ્યું તો હતું કે રોજ રાત્રે પ્રાર્થના કરી આપણી પોતાની જાત ઈશ્વરના ચરણે સોંપી દેવાની, પછી આપણે કોઈ ચિંતા કરવાની રહેતી નથી. બધી ચિંતા પ્રભુ કરે છે, તે દિન-રાત જાગે છે અને રક્ષા કરે છે. અને એટલે હું તો રોજ રાત્રે પ્રભુને મારી, મારા ઘરની અને ગામની રક્ષા કરજેની પ્રાર્થના કરી બધું તેને સોંપી સૂઈ જાવ છું.’
બાળકીનો જવાબ સાંભળી માતા બોલી, ‘વાહ દીકરી, તારા જેવી સમજ અને શ્રદ્ધા બધાના મનમાં જાગે અને સાચો તારા જેવો નિર્દોષ, કોઈ શંકા વિનાનો સમર્પણભાવ બધાના મનમાં ઊગે તો કેવું સારું. અમે બધા તો પ્રાર્થના કરીએ શ્રદ્ધા વિનાની, ઈશ્વર પર ભરોસો નથી. આમ તેને સર્વશક્તિમાન કહીએ છીએ અને પછી કોઈ પણ ડરને ઈશ્વરથી વધારે શક્તિશાળી ગણી ડરીએ છીએ.’ નાનકડી બાળકીની નિર્દોષ શ્રદ્ધાએ આજે બધાને નિરાંતે સુવડાવ્યા. પ્રભુચરણે બધું સોંપી તેઓ સૂઈ ગયા.

heta bhushan columnists