બેલગામ ઇચ્છાઓ - લાઇફ કા ફન્ડા

20 November, 2020 03:08 PM IST  |  | Heta Bhushan

બેલગામ ઇચ્છાઓ - લાઇફ કા ફન્ડા

પ્રતીકાત્મક તસવીર

એક દિવસ ગુરુજીએ પોતાના શિષ્યોને કહ્યું, ‘આજે હું તમને એવી વાત કરવાનો છું જેને કારણે તમારા જીવનમાં સુખ અને આનંદ ઘટે છે ને દુઃખ અને વિષાદ વધે છે.’
શિષ્યો જાણવા ઉત્સુક બન્યા કે એવી કઈ ચીજ છે જે સુખ ઘટાડી દુઃખ વધારે છે અને બધા શિષ્યોએ નક્કી કર્યું કે ગુરુજી જે ચીજ કહેશે એનાથી આપણે દૂર જ રહીશું. ગુરુજીએ કહ્યું, ‘આપણા જીવનમાં સુખને દૂર ભગાડનાર અને દુઃખમય જીવન કરનાર છે આપણે પોતે, આપણું મન અને આપણી બેલગામ ઇચ્છાઓ... હા, આ બેલગામ સતત વધતી જતી અને એક પછી એક ઉદ્ભવતી ઇચ્છાઓ જ બધાં દુઃખનું અને મનની વેદનાનું કારણ છે.’
શિષ્યોને ગુરુજીની વાત સાંભળી આશ્ચર્ય થયું, કારણ કે દરેક મનુષ્યના મનમાં ઇચ્છાઓ તો હોય જ છે અને એનાથી તો દૂર પણ કઈ રીતે જવું. એક શિષ્યએ પૂછ્યું, ‘ગુરુજી, ઇચ્છાઓ થવી તો મનુષ્યનો મૂળભૂત સ્વભાવ છે તો એ દુઃખનું કારણ કઈ રીતે બને છે એ સમજાવો.’
ગુરુજી બોલ્યા, ‘બરાબર છે, ઇચ્છાઓ દરેક મનુષ્યના મનમાં ઉદ્ભવે ત્યાં સુધી ઠીક છે, પણ મુશ્કેલીઓ પછીથી શરૂ થાય છે. ઇચ્છા ઉદ્ભવે પછી એ પૂરી કરવાના પ્રયત્નો શરૂ થાય અને જો ઇચ્છા કોઈ કારણસર ન પૂરી થાય તો ક્રોધ ઉત્પન્ન થાય છે અને પોતાના મનની ઇચ્છા પ્રમાણે ન થાય એનો ગુસ્સો મનુષ્ય બીજા પર ઠાલવે છે અને પોતાના મનની અને ઘરની શાંતિ ભંગ કરે છે. સંબંધો બગાડે છે.’
બીજા શિષ્યએ વચ્ચે જ પૂછ્યું, ‘એટલે ગુરુજી, ઇચ્છા પૂરી ન થાય તો દુઃખ અને તકલીફ વધે, પણ ઇચ્છાઓ પૂરી થઈ જાય તો તો સુખ જ મળે ને.’
ગુરુજી હસ્યા અને બોલ્યા, ‘હા, ઇચ્છાઓ પૂરી થઈ જાય તો ક્ષણભર સુખ મળે, પણ એક ઇચ્છા પૂરી થયા પછી બીજી ઇચ્છા જાગે છે, પછી ત્રીજી... પછી ચોથી... ઇચ્છાઓ પૂરી થવાનો લોભ જાગે છે અને એક વાર લોભ જાગે પછી એ વધતો જ રહે છે અને સાથે લાલચ, લાલસા વધારે છે. જે ઇચ્છો એ બધી જ ઇચ્છાઓ પૂરી થવા લાગે તો વ્યક્તિમાં ધીમે-ધીમે અભિમાન પણ જાગવા લાગે છે જે તેની પડતીનું કારણ બને છે.’
ગુરુજીની વાત સાંભળી શિષ્ય મુંઝાયા; એક જણે પૂછ્યું, ‘ગુરુજી, તો પછી કરવું શું ? આપણા મનમાં આ ઇચ્છાઓ સતત જાગતી જ રહેવાની છે તો પછી આ બેલગામ ઇચ્છાઓનું શું કરવું જેથી જીવનને હાનિ ન પહોંચે?’
ગુરુજી બોલ્યા, ‘વત્સ, આપણી બેલગામ ઇચ્છાઓ તો મનમાં ઊગતી જ રહેશે, પણ એની અસરોથી બચવા માટેનો રસ્તો પણ મન પાસે જ છે અને એ છે ‘ધીરજ–ધૈર્ય’ ઇચ્છાઓ પૂરી ન થાય ત્યારે પણ ધીરજ રાખો અને પૂરી થવા લાગે ત્યારે પણ ધૈર્ય જાળવો. તો તમે ઇચ્છાઓને કારણે મળતા દુઃખની છાયાથી બચી જશો.’
ગુરુજીએ સરસ વાત સમજાવી.

heta bhushan columnists